એક પ્રાચીન વેદમાં મંત્ર મળી આવે છે કે ‘જે કંઈ જીવંત છે તે સર્વની હું સામ્રાજ્ઞી છું, પ્રત્યેક વસ્તુમાં રહેલી શક્તિ હું છું.’ માતૃત્વની ઉપાસના પોતે જ એક વિશિષ્ટ ફિલસૂફી છે. આપણા વિચારોમાં શક્તિનો વિચાર સૌથી પ્રથમ છે…. અંતરમાં અનુભવાતી શક્તિ એ આત્મા છે, બહારની શક્તિ એ પ્રકૃતિ છે. આ બંને શક્તિઓ વચ્ચેનો સંગ્રામ એટલે માનવ-જીવન…અહીં ઈશ્વર વિશે એક નવો વિચાર, સર્વની પાછળ રહેલ વિશ્વવ્યાપી શક્તિ તરીકેનો, માતૃત્વનો વિચાર સ્ફુર્યો.

ભારતમાં નારીવિષયક સર્વ પ્રકારોમાં માતૃત્વનો પ્રકાર અતિ મહત્ત્વનો લેખાયો છે. હરકોઈ સ્થિતિમાં પોતાના બાળકની સહાય તરીકે માતા હાજર રહે છે. સ્ત્રી અને પુત્ર વગેરે માનવીનો ત્યાગ કરે, પણ તેની માતા કદી ત્યાગ નહિ કરે ! ઉપરાંત માતા વિશ્વની નિષ્પક્ષ શક્તિ છે, કારણ કે તેનામાં રહેલો નિર્મળ પ્રેમ કંઈ માગતો નથી, કશાની ઇચ્છા કરતો નથી, પોતાના બાળકની અંદર રહેલ દુષ્ટતાની પણ પરવા રાખતો નથી; માતૃપ્રેમ તો બાળકને ઊલટું વધુ ચાહે છે. આજે હિંદુઓમાં જગદંબાની ઉપાસના એ સર્વ ઉચ્ચમાં ઉચ્ચ વર્ણોની ઉપાસના છે.

આ જગત આખું સમાન રીતે જગદંબાની લીલા છે…. આ દર્શનનો વિચારક, તમામ ઘટનાઓ પાછળ ‘એક જ શક્તિ’ રહેલી છે, એ વિચારથી ચક્તિ થયેલો છે…. જગદંબાના વિચારની સાથે એક વિશ્વવ્યાપી શક્તિનો વિચાર આવે છે. શક્તિ કહે છે : ‘જ્યારે રુદ્ર સંહાર કરવા ઇચ્છે છે ત્યારે તેનું ધનુષ્ય હું ખેંચું છું.’…ગીતામાં અર્જુનને સંભળાવેલું એક સૂચક વાકય આવે છે ‘હું સત્ છું, હું અસત્ છું; હું શુભનો કર્તા છું, હું અશુભનો પણ કર્તા છું.’

વળી પાછો આ વિચાર લુપ્ત થઈ જાય છે. પાછળથી નવી ફિલસૂફી આવે છે. આ વિશ્વ શુભ – અશુભનું મિશ્રણ છે અને શુભ – અશુભ બંને દ્વારા એક જ શક્તિ અભિવ્યક્ત થતી હોવી જોઈએ. ‘એક લંગડું વિશ્વ કેવળ એક લંગડા ઈશ્વરને જ સર્જે છે.’…. સંત પાપીઓને ધિક્કારે છે અને પાપી માણસ સંતનો વિરોધ કરે છે; છતાંય આ પણ આગળ અને આગળ દોરી જાય છે, કારણ કે આખર દુષ્ટ સ્વાર્થપરાયણ માનસ વારંવારના પ્રહારોથી ચગદાઈને મરી જાય છે; ત્યાર પછી જ આપણે જાગ્રત થઈશું અને જગદંબાને ઓળખીશું.

જગદંબાને ચરણે કરેલ શાશ્ર્વત સંદેહરહિત આત્મસમર્પણ જ આપણને શાંતિ આપી શકે. ભય વિના કે કૃપાની આશા વિના, જગદંબાની તેની પોતાની ખાતર ભક્તિ કરો. તમે જગદંબાના બાળક છો માટે તેને ચાહો…. આપણને જગદંબાનો સાક્ષાત્કાર થશે ત્યારે જ સમત્વ અને જગદંબા પોતે જ તે છે એ શાશ્ર્વત આનંદ આપણે અનુભવીશું. ત્યાં સુધી તો આપણી પાછળ દુ:ખો રહેવાનાં જ. કેવળ જગદંબાનું શરણું લેવાથી જ આપણે સહીસલામત થઈશું.

(સ્વામી વિવેકાનંદ જીવનચરિત્ર, પૃ. 180-81)

Total Views: 326

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.