આપણે સૌ મઠ-મિશનોનાં મંદિરોમાં તેમજ ભક્તજનોનાં ગૃહમંદિરોમાં તેમજ અન્ય સ્થળોએ પણ શ્રીમા શારદાદેવીનો પૂજા માટે રખાયેલો ફોટો જોઈએ છીએ. શ્રીમા શારદાદેવી સુખાસનમાં બેઠેલાં છે. આ ફોટો લેવામાં ભગિની નિવેદિતાની વિશેષ મહત્ત્વપૂર્ણ ભૂમિકા અને સહયોગ હતાં. સર્વાધિક પરિચિત છાયાચિત્ર – ફોટો ખેંચવાની વ્યવસ્થા ભગિની નિવેદિતા તથા શ્રીમતી ઓલી બુલ નામનાં સ્વામી વિવેકાનંદનાં  વિદેશી શિષ્યાઓએ કરી હતી.

ઈ.સ. 1898, નવેમ્બર. શ્રીમા શારદાદેવી બોસપાડા લેન નંબર -16 માં નિવાસ કરતાં હતાં. આ નિવાસસ્થાને શ્રીમાના પ્રથમ ત્રણ ફોટાઓ લેવામાં આવ્યા હતા. ભગિની નિવેદિતા તથા શ્રીમતી ઓલી બુલ પાછાં વિદેશ જવાનાં હતાં અને સ્મૃતિરૂપે તેઓ શ્રીમાનો ફોટો લઈ જવા માગતાં હતાં. તે સમય સુધી શ્રીમાનો કોઈ ફોટો ઉપલબ્ધ ન હતો. તેથી નિવેદિતા અને શ્રીમતી ઓલી બુલે શ્રીમાને ફોટો ખેંચાવવા માટે ખૂબ સમજાવ્યાં. પહેલાં તો શ્રીમાએ ફોટો ખેંચાવવા માટે ઇન્કાર કર્યો. નિવેદિતા અને શ્રીમતી બુલે શ્રીમાને વારંવાર સમજાવ્યાં, કાકલૂદી કરી. અંતમાં તે બન્નેએ અત્યંત હઠ અને આગ્રહ પણ કર્યાં. પરિણામ સ્વરૂપે શ્રીમાએ ફોટો પડાવવાની સંમતિ પણ આપી. શ્રીમાની સંમતિ મળતાં જ નિવેદિતા અને ઓલી બુલના આનંદનો પાર જ રહ્યો નહિ. તેમનાં હૃદય-મન અત્યંત હર્ષ અને ઉલ્લાસથી છલકાઈ ઊઠ્યાં.

ફોટો પાડવા માટે અંગ્રેજ ફોટોગ્રાફર હેરિંગ્ટનને તૈયાર કરવામાં આવ્યો હતો. હેરિંગ્ટન ફોટો પાડવા આવી ગયો ત્યારે શ્રીમાને ફોટોગ્રાફર સમક્ષ બેસવાનું કહ્યું. શ્રીમા અત્યંત શરમાળ તથા લજ્જાળુ હતાં. કોઈ પણ પુરુષ સમક્ષ ઉપસ્થિત થવાનું કે બેસવાનું શ્રીમાને બિલકુલ પસંદ ન હતું. આ પહેલાં શ્રીમા પરિવાર સિવાયના કોઈ પણ વયસ્ક પુરુષ સમક્ષ મુખારવિંદ ખુલ્લુ રાખીને બેઠાં જ ન હતાં. પરંતુ નિવેદિતાએ શ્રીમાને ખૂબ જ સમજાવ્યાં ત્યારે તેઓ ફોટોગ્રાફર સમક્ષ બેસવા રાજી થયાં હતાં. શ્રીમાની ખિન્નતાનું એક બીજું પણ કારણ હતું. સ્વામી યોગાનંદ ત્યારે અત્યંત અસ્વસ્થ હતા. તેમના દેહની આવી વિકટ પરિસ્થિતિને કારણે શ્રીમાના મનમાં અતિશય ઉદ્વિગ્નતા હતી. સ્વામી યોગાનંદ શ્રીમાનું અત્યંત પ્રિય સંતાન હતા. સ્વામી યોગાનંદ શ્રીમાને સાક્ષાત્ જગદંબા સ્વરૂપે જાણતા. યોગાનંદની શ્રીમા પ્રત્યે જેવી ભક્તિ હતી તેવું જ માતાજીનું પોતાના એ સંતાન પ્રત્યેનું વાત્સલ્ય હતું.

હવે શ્રીમા ફોટો પડાવવા રાજી થયાં એટલે નિવેદિતાએ શ્રીમાનાં વસ્ત્ર સારી રીતે ગોઠવી દીધાં. ફોટોગ્રાફર ફોટો પાડવા માટે તૈયાર થયો ત્યારે શ્રીમા તેની સમક્ષ નજર માંડીને જોઈ રહેવા તૈયાર ન હતાં. આ પહેલાં પરિવાર સિવાયના કોઈ પણ વયસ્ક પુરુષે શ્રીમાનું મુખારવિંદ જોયું જ ન હતું. સામસામા નજર ન માંડવાથી પહેલા ફોટામાં શ્રીમાની દૃષ્ટિ નીચે તરફ મંડાયેલી છે. તેઓ કોઈ પણ રીતે કેમેરા સામું જોવા તૈયાર ન હતાં તેથી તેવી જ સ્થિતિમાં પહેલો ફોટો ખેંચવામાં આવ્યો. આ ચિત્રમાં તેમના જમણા પગની આંગળીઓ વસ્ત્રથી ઢંકાયેલી હતી. સન્મુખ દૃષ્ટિવાળો ફોટો હજુ ખેંચાયો ન હતો. શ્રીમતી ઓલી બુલે આ પ્રકારની સ્થિતિ સર્જવા વિભિન્ન  ઉપાયો કરવા માંડ્યા. શ્રીમતી બુલનાં અનુનય-અનુરોધથી શ્રીમા પ્રસન્ન થયાં અને તેમની મરજી મુજબની મુદ્રામાં બેસવા તૈયાર થયાં. ફોટોગ્રાફરે શ્રીમાનું ધ્યાન ચુકાવી દઈને ફોટો તત્પરતાપૂર્વક પાડી લીધો. આ ફોટામાં શ્રીમાનાં ચરણોની આંગળીઓ થોડી જોઈ શકાય છે. આ ફોટાનું શ્રેય શ્રીમતી બુલને જાય છે. આ ફોટો સર્વાધિક સુપરિચિત છે અને સર્વત્ર પૂજિત છે. આ જ અવસર પર ત્રીજો ફોટો પણ ખેંચવામાં આવ્યો હતો. આ ફોટામાં શ્રીમા સાથે નિવેદિતા પણ બેઠેલાં જણાય છે.

Total Views: 233

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.