ઉત્તર ભારતના મહાન સંત, ઋષિ ચૈતન્ય, ગોપીઓના ઉન્મત્ત પ્રેમના દૃષ્ટાંત રૂપ હતા. ચૈતન્યદેવ જન્મે બ્રાહ્મણ, એ સમયે તર્કશાસ્ત્ર પારંગત એવા એક કુટુંબના નબીરા, તર્કયુદ્ધમાં બીજા પંડિતોના વિજેતા અને મહા ન્યાયપંડિત હતા; બચપણથી જ પોતાના જીવનની મહેચ્છા તરીકે તેઓ ન્યાય ભણેલા પરંતુ કોઈ સંતની કૃપાથી તેમનું સમગ્ર જીવન પલટાઈ ગયું; તેમણે પોતાના શાસ્ત્રાર્થો, વાદવિવાદો, પોતાનું ન્યાયશાસ્ત્રનું અધ્યાપકપદ વગેરે સર્વ છોડી દીધું અને જગતમાં ભક્તિના સર્વશ્રેષ્ઠ આચાર્ય તરીકે-પાગલ ચૈતન્ય-પ્રગટ થયા.

શંકરાચાર્ય પાસે મેધાશક્તિની પ્રખરતા હતી, ચૈતન્ય પાસે હૃદયની વિશાળતા હતી; અને એક એવી વિભૂતિને પ્રગટ થવાનો સમય પાકી ગયો હતો કે જેની અંદર આ મહામેધા અને હૃદયની વિશાળતાનો સમન્વય થયો હોય; એક એવા મહાપુરુષને જન્મવાનો સમય આવી પહોંચ્યો હતો, જેનામાં શંકરાચાર્યની તેજસ્વી મેધાશક્તિ અને ચૈતન્યદેવનું વિશાળ હૃદય હોય, જે દરેક સંપ્રદાયમાં એ જ ચૈતન્યને-એ જ ઈશ્વરને કાર્ય કરી રહેલો જુએ, જે ભૂતમાત્રમાં ઈશ્વરને જુએ, જેનું હૃદય ગરીબ, દુર્બળ, અછૂત, પદદલિત આ વિશ્વમાં ભારતની અંદરના કે ભારતની બહારના સૌ કોઈને માટે દ્રવતું હોય; સાથે સાથે જ જેની ભવ્ય તેજસ્વી બુદ્ધિ એવા ઉદાત્ત વિચારોને પ્રકટ કરે કે ભારતની અંદરના કે ભારતની બહારના સર્વ ધર્મસંપ્રદાયોનો સમન્વય સાધી શકે અને એક આશ્ચર્યજનક સુમેળભર્યો, મેધા અને હૃદય બંનેના સામંજસ્યથી રચાયેલો વિશ્વવ્યાપી ધર્મ અસ્તિત્વમાં લાવી શકે.

આવો પુરુષ પ્રગટ્યો અને એનાં ચરણે વરસો સુધી બેસવાનું મને સદ્ભાગ્ય સાંપડ્યું. સમય પરિપકવ થઈ ચૂક્યો હતો; આવા એક પુરુષે જન્મ લેવો એ આવશ્યક થઈ ચૂક્યું હતું અને એ આવ્યો.

એમાં પણ સૌથી વધુ નવાઈ જેવું તો એ હતું કે તેના જીવનનું કાર્ય એક એવા શહેરની લગોલગ હતું, જે પાશ્ર્ચાત્ય વિચારોથી ભરપૂર હતું, જે પશ્ચિમની ભાવનાઓ પાછળ ગાંડુતૂર થઈ ગયું હતું, જે ભારતમાં બીજા કોઈ પણ શહેર કરતાં વધુ પાશ્ર્ચાત્ય બની ગયું હતું. કોઈ પ્રકારનું પુસ્તકિયું જ્ઞાન એમનામાં ન હતું. આ મહામેધાવી માનવ પોતાનું નામ સરખુંય લખતાં શીખ્યો નહોતો.

પરંતુ આપણાં વિશ્વવિદ્યાલયોના અતિ તેજસ્વી પદવીધરોને સુધ્ધાં જણાયું કે એ પુરુષ બુદ્ધિનો, મેધાશક્તિનો તો હિમાલય છે. આ રામકૃષ્ણ પરમહંસ એક અદ્‌ભુત પુરુષ હતા. એમની વાત તો બહુ લાંબી છે અને આજે રાત્રે હવે એ કહેવાનો મને સમય પણ નથી. અત્યારે તો હું માત્ર એટલો જ ઉલ્લેખ કરીશ કે મહામાનવ શ્રીરામકૃષ્ણ, ભારતના સંતોની પૂર્તિ છે.

(સ્વા.વિ.ગ્રંથમાળા,  4.152-153)

Total Views: 361

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.