શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના વિવેક હોલમાં શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ શિષ્ય સ્વામી અભેદાનંદજીની 150મી જન્મજયંતી-મહોત્સવના ઉપલક્ષમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ દ્વારા તા. 3 અને 4 ફેબ્રુઆરી એમ બે દિવસનો એક સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં  દશ રાજ્યોના 800 યુવા પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આમંત્રિતો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનારમાં ન આવી શકેલ ભાવિકો માટે આ કાર્યક્રમ યુટ્યૂબ પર લાઈવ પ્રસારિત કરવામાં આવ્યો હતો. આ સેમિનારમાં ભાગ લેવાની ઘણા યુવા પ્રતિનિધિઓની રુચિ હતી પણ વિવેક હોલમાં વધુ પ્રેક્ષકો આવી શકે તેમ ન હતા એટલે એમને ના પણ કહેવી પડી હતી. આમ છતાં પણ આશ્રમે વિવેક હોલની આજુબાજુની લોબી અને મંદિર નીચેના હોલમાં એલ.ઈ.ડી. સ્ક્રીન લગાડીને દૃશ્યશ્રાવ્ય સુવિધા ઊભી કરી હતી. સ્પીકરની સુવિધાથી આવતા જતા લોકોને માટે સાંભળવાની સુવિધા કરવામાં આવી હતી. કાર્યક્રમ શરૂ થતાં પહેલાં બધા પ્રતિનિધિઓ નામ-નોંધણી, વક્તાઓની પરિચય પત્રિકા, કાર્યક્રમની વિગત અને અગત્યની નોંધ માટે લખવાની સામગ્રી લઈને વેળાસર હોલમાં ગોઠવાઈ ગયા હતા. વિવેક હોલમાં આવતા પહેલાં સ્વયં સેવકોના માર્ગદર્શન હેઠળ બધાને ચા-નાસ્તો આપવાની વ્યવસ્થા કરી હતી.

કાર્યક્રમ શરૂ થતાં પહેલાં ‘સ્વામી વિવેકાનંદ કી આત્મકથા’નામની ફિલ્મ પ્રેક્ષકોએ શાંતિથી માણી હતી.  વિવેક હોલમાં સ્વામી વિવેકાનંદની વાણી બધાના મનમાં અને વાતાવરણમાં ગુંજી રહી હતી.

3જી ફેબ્રુઆરી, 2018ના રોજ સેમિનારના મંગલ ઉદ્‌ઘાટનનું સત્ર સવારે 10:00 કલાકે શરૂ થયું. સમારંભના મુખ્ય મહેમાન શ્રી ચંદ્રશેખરેન્દ્ર સરસ્વતી વિશ્વમહાવિદ્યાલય, કાંચીપુરમ્ના કુલપતિશ્રી ડૉ. જયરામ રેડ્ડી હતા. અતિથિ વિશેષરૂપે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૂતપૂર્વ કુલપતિશ્રી ડૉ. કમલેશ જોષીપુરા હતા. સેમિનારના વિદ્વાન વક્તાઓ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી ઉદ્‌ઘાટન સત્ર સમયે મંચ પર ઉપસ્થિત હતા. સત્રનો પ્રારંભ સંન્યાસીઓ અને બ્રહ્મચારીઓના વૈદિક મંત્રોચ્ચારથી થયો. ઉપસ્થિત મહાનુભાવોએ  દીપપ્રાક્ટ્ય કર્યું હતું. સ્વામી પ્રભુસેવાનંદે મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું. આશ્રમના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદે પોતાનું સ્વાગત પ્રવચન કર્યું હતું અને તેમણે પ્રતિનિધિઓને વક્તાઓનો સંક્ષિપ્ત પરિચય આપ્યો હતો.

ડૉ. કમલેશ જોષીપુરાએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં કહ્યું હતું કે રાષ્ટ્ર માટે ભારત સરકારે હાલમાં દાખલ કરેલી એસ.ડી.જી. (ધ્યેયોનો દીર્ઘકાલીન વિકાસ) યોજનામાં મૂલ્યલક્ષી શિક્ષણનો સમાવેશ કર્યો છે. કેન્દ્ર સરકારના કેળવણીના આ ધ્યેયને પરિપૂર્ણ કરવા આ સેમિનાર ઘણો મહત્ત્વનો છે, એ ખરેખર આનંદની વાત છે.

ડૉ. રેડ્ડીએ પોતાના પ્રવચનમાં સમગ્ર સેમિનારની જાણે કે ભૂમિકા બાંધી દીધી ! તેમણે શ્રીરામકૃષ્ણના ‘હું જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી શીખતો રહીશ’ આ શબ્દોને યાદ કરીને કહ્યું હતું કે દરેક આત્મામાં દિવ્ય પરમાત્મ-શક્તિ રહેલી છે, એટલે એ સાબિત કરે છે કે બધા જીવો એક છે. સત્યને સમજવા માટેની શાશ્ર્વત શોધ એટલે દર્શનશાસ્ત્ર. પ્રાચીન સમયથી ભારત આ સત્યની શોધનું મધ્યબિંદુ રહ્યું છે. વિશ્વમાં શાંતિ અને ભ્રાતૃભાવના લાવવા માટે ભારતીય સંસ્કૃતિ અને દર્શનશાસ્ત્ર આજના સાંપ્રત યુગમાં આવશ્યક છે.

ભગવાન બુદ્ધ, શંકરાચાર્ય અને પ્રાચીન કાળના બીજા મહાન આધ્યાત્મિક વિભૂતિઓએ ભારતીય સંસ્કૃતિ અને દર્શનશાસ્ત્રને આધુનિક સભ્યતા કે સંસ્કૃતિ માટે દીવાદાંડીરૂપ બનાવ્યાં છે.

સ્વામી વિવેકાનંદે પશ્ચિમમાં પોતાના પ્રચાર-પ્રસાર કાર્યમાં હિંદુ ધર્મનાં સાચાં પાસાં પર અને ઉપનિષદનાં સત્યોના વ્યાવહારિક પ્રગટીકરણ પર પ્રોજ્જ્વલ પ્રકાશ ફેંક્યો છે. આ ભારતીય સંસ્કૃતિ આજે પણ આપણા વિવિધ ઉત્સવો, પુરાણો, શાસ્ત્રો, લોકગીત, શાસ્ત્રીય નૃત્ય, શાસ્ત્રીય સંગીત, લોકનૃત્ય, લોકકથા, આહારની ટેવો, પોશાકો તેમજ આપણા દૈનંદિન જીવનની બીજી ઘણી બાબતોમાં જોવા મળે છે. ભારતીય સંસ્કૃતિ માનવજીવનમાં ઉપયુક્તતા અને આવશ્યકતા પુરવાર કરવા માટે માત્ર પ્રણાલીગત રીતે નહીં, પણ તાર્કિક રીતે પણ સક્ષમ રહી છે. એ વાત નિ:શંક છે કે શાંતિ અને સમૃદ્ધિ માટેની આધુનિક જગતની શોધના ભારતીય સંસ્કૃતિને સંલગ્ન કરીને જ સફળ થશે.

મંચ પરના મહાનુભાવોને મોમેન્ટો અને ભેટ સ્વામી નિખિલેશ્વરાનંદે અર્પણ કર્યાં અને એ સાથે આ ઉદ્‌ઘાટન સત્ર 11.00 વાગ્યે પૂરું થયું.

વ્યાખ્યાનમાળાના પ્રથમ સત્રમાં પંડિત રવિશંકર વિશ્વવિદ્યાલય, રાયપુરની સ્વામી વિવેકાનંદ ચેરના પ્રો. ઓમપ્રકાશ વર્માએ ‘સ્વામી વિવેકાનંદ- ભારતીય સંસ્કૃતિના સાચા રાજદૂત’ વિષય પરના પોતાના હિંદી વક્તવ્યમાં માનવીની દિવ્યતાની ભૂમિકા પર રહીને સાચા સ્વરૂપે સર્વપ્રથમ હિંદુ સંન્યાસીરૂપે સ્વામી વિવેકાનંદે ભારતીય સંસ્કૃતિ અને દર્શનશાસ્ત્ર વિશે પશ્ચિમમાં ઉપદેશ આપ્યો, તે વિશેના ઐતિહાસિક પ્રદાનને પ્રતિનિધિઓ સમક્ષ રજૂ કર્યું હતું.

મૈસૂરની સ્વામી વિવેકાનંદ યુવ-આંદોલન સંસ્થાના સ્થાપક અને નિયામક ડૉ. આર. બાલાસુબ્રમણ્યમ્ બીજા વક્તા હતા. તેમણે ‘ભારતીય સંસ્કૃતિ અને વિશ્વ નાગરિકત્વ’ વિશેના પોતાના અંગ્રેજી વક્તવ્યમાં આજની કહેવાતી આધુનિક સભ્યતાએ અને તેમાંય વિશેષ કરીને ટેક્નોલોજીકલ પ્રગતિએ માનવ-માનવ વચ્ચે કેવા ભેદભાવો સર્જ્યા છે, એના તરફ પ્રેક્ષકોનું ધ્યાન દોર્યું હતું. ભારતીય સંસ્કૃતિની ‘વસુધૈવ કુટુંબકમ્’ની ભાવના અપનાવવી પડશે. આ વિભાવના આપણને દરેક ક્ષેત્રમાં ‘હું’ ને બદલે ‘અમે કે આપણે’નો બોધપાઠ શીખવે છે.

અદ્વૈત આશ્રમ, માયાવતી, ઉત્તરાખંડ-હિમાલયના અધ્યક્ષ સ્વામી મુક્તિદાનંદજીએ ‘રામકૃષ્ણદેવનું અનન્ય જીવનદર્શન’ વિશે પોતાનું વક્તવ્ય અંગ્રેજીમાં આપ્યું હતું. ‘શિવજ્ઞાને જીવસેવા’ના ઉપદેશ સાથે ઉપનિષદોનાં આદર્શો, વિચારો અને સત્યોને પોતાના સાધના-જીવનમાં આચરી બતાવીને વિવિધ ધર્મો વચ્ચેની એકતા અને સમન્વય સ્થાપીને શ્રીરામકૃષ્ણદેવે વિશ્વને ઘણું મોટું પ્રદાન કર્યું છે, એ વિશે પ્રતિનિધિઓને અવગત કર્યા હતા.

ભોજનવિરામ પછી હૈદરાબાદના 10 વર્ષના હેમાંગ વેલોરે રોબોટિક ક્ષેત્રની પોતાની વિવિધ સિદ્ધિઓ વિશે નિદર્શન રજૂ કરીને બધા પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

ચા વિરામ પછી બીજા સત્રનો પ્રારંભ થયો હતો.

યુનેસ્કો, પેરિસના ડાયરેક્ટર જનરલના ભૂતપૂર્વ સલાહકાર અને સમગ્ર વિશ્વમાં જાણીતા ડૉ. બિકાસ સાંન્યાલે ‘ભારતીય સંસ્કૃતિની વૈશ્ર્વિક અસર’ વિશે અંગ્રેજીમાં બીજા સત્રના પ્રથમ વક્તારૂપે પ્રવચન આપ્યું હતું. સમગ્ર વિશ્વ પર ભારતીય સંસ્કૃતિના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસાએ યોગ, આયુર્વેદ, ધ્યાન અને સંગીત જેવાં ક્ષેત્રોમાં કેવો જબરો પાડ્યો છે તેની વાત તેમણે સંક્ષેપમાં રજૂ કરી હતી.

વિશ્વધર્મ પરિષદના એમ્બેસેડર અને જાણીતા વિદ્વાન વક્તા વડોદરાના ડૉ. જયેશ શાહે ‘સર્વધર્મ સમન્વય અને ભારતીય સંસ્કૃતિ’ વિશે હિંદીમાં પોતાનું વક્તવ્ય આપ્યું હતું. એમણે ‘સહનાવવતુ સહનૌભુનક્તુ સહવીર્યં કરવાવહે તેજસ્વીનામધિતમસ્તુ’ ‘જીવવું સાથે, ભોગવવું સાથે, પુરુષાર્થ પણ સાથે કરવો, તેજસ્વીતાની ઉપાસના કરવી અને કોઈનોય દ્વેષ ન કરવો’ અને ‘સં ગચ્છધ્વં, સં વદધ્વં…’ જેવાં વૈદિક સ્તોત્રોને ઉદ્ધૃત કરીને સમજાવ્યું હતું કે ભૂતકાળમાં પણ આ સુસંવાદિતાનો સંદેશ ભારતે આપ્યો હતો અને ભારતીય સંસ્કૃતિના સાચા પ્રતિનિધિત્વરૂપે ભાવિભારતની આ અભિરુચિ હોવી જોઈએ.

વ્યાખ્યાનમાળાનું બીજું સત્ર 5 વાગ્યે ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગરનાં ભૂતપૂર્વ સલાહકાર શ્રીજ્યોતિબહેન થાનકીના ‘ભારતીય સંસ્કૃતિનાં મૂર્ત સ્વરૂપ શ્રીમા શારદાદેવી’ પરના પ્રવચન સાથે પૂર્ણ થયું. તેમણે શ્રીમા શારદાદેવીના અનેક ઘટના-પ્રસંગો અને વકતવ્યો ટાંકીને શ્રીમાએ કેવી રીતે ભારતીય સંસ્કૃતિને પોતાના જીવન દ્વારા અભિવ્યક્ત કરી તે સમજાવ્યું હતું. શ્રીમાએ આપણા બધા સમક્ષ એક આદર્શ મૂક્યો છે અને એને અનુસરીને આપણે આપણા જીવનને અમૃતમય બનાવીએ, એમ કહ્યું હતું.

3 ફેબ્રુઆરીએ શાસ્ત્રીય કંઠ્ય સંગીતનાં સુખ્યાત કલાકાર ડૉ. સુભદ્રાબહેન દેસાઈએ સાંજના 7.00 થી 8.30 વાગ્યા સુધી ‘વિવેક હોલ’માં રાષ્ટ્રિય સેમિનારના એક ભાગરૂપે કંઠ્યસંગીત પીરસ્યું હતું. તેમણે થોડા રાગોનું ગાન રજૂ કર્યા પછી સ્વામી અભેદાનંદજીએ શ્રીમા શારદાદેવી વિશે રચેલ ‘પ્રકૃતિં પરમામ્’ એ સ્તોત્રનું ગાન રજૂ કર્યું હતું અને ઉપસ્થિત શ્રોતાજનોએ એને કોરસરૂપે ઝીલ્યું હતું.

4 ફેબ્રુઆરી, 2018ના રોજ સવારે 9.00 વાગ્યે બીજા દિવસના પ્રથમ સત્રનો મંગલ પ્રારંભ આશ્રમના સંન્યાસીઓ અને બ્રહ્મચારીઓના વૈદિક મંત્રોચ્ચાર અને ભજનથી થયો હતો. પ્રતિનિધિઓએ સમયસર પોતાની જગ્યા લઈ લીધી હતી.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના પૂર્વાધ્યક્ષ અને અત્યારે રામકૃષ્ણ વેદાંત સોસાયટી, બોર્ન એન્ડ, યુ.કે.ના મિનિસ્ટર ઇન્ચાર્જ (ડેજિગ્નેટ) સ્વામી સર્વસ્થાનંદજીએ ‘ભારતીય સંસ્કૃતિની અનન્યતા’ વિશે અંગ્રેજીમાં સત્રનું પ્રથમ પ્રવચન આપ્યું હતું. તેમણે માનવની દિવ્યતા અને નારીની ઈશ્વરરૂપે પૂજા-મધરહૂડ ઓફ ગોડ વગેરે વિશે ચર્ચા કરીને ભારતીય સંસ્કૃતિની અનન્યતા બતાવી હતી.

વિવેકાનંદ કેન્દ્ર, ક્ધયાકુમારીનાં ઉપાધ્યક્ષા પદ્મશ્રી ડૉ. નિવેદિતા ભીડે બીજા દિવસના પ્રથમ સત્રનાં બીજાં વક્તા હતાં. તેમણે ‘આધુનિક નારી માટે ભારતીય સંસ્કૃતિ’ વિશે હિંદીમાં પ્રવચન આપ્યું હતું. તેમણે આધુનિક સામાજિક પ્રણાલીઓ કે વિચારોના પ્રભાવમાં ‘શું કરું – ન કરું’ની પરિસ્થિતિવાળા નારીજીવનના પ્રસંગો રજૂ કરીને અને તેનું પ્રાચીન ભારતીય સંસ્કૃતિના સંદર્ભમાં કેવી રીતે ઉકેલ શોધી શકાય તેનું બુદ્ધિગમ્ય નિરસન કર્યું હતું.

આઈ. આઈ. એમ. અમદાવાદના પ્રોફેસર એન. રવિચંદ્રને આ સત્રનું છેલ્લું વ્યાખ્યાન ‘ભારતીય સંસ્કૃતિના સંદર્ભમાં કોનફિલક્ટ મેનેજમેન્ટ’ વિશે રસપ્રદ શૈલીમાં આપ્યું હતું. તેમણે પંચતંત્રની બે વાર્તાઓ દ્વારા આજે વ્યવસ્થાપન તંત્રમાં અનુભવાતી દૈનંદિન સંઘર્ષમય પરિસ્થિતિઓને નિવારવા શું કરવું જોઈએ એની ચર્ચા સૌ કોઈએ મુગ્ધપણે માણી હતી.

ચા વિરામ પછી બીજા દિવસના બીજા સત્રનો પ્રારંભ થયો. આ સત્રમાં પ્રતિનિધિઓએ પૂછેલા પ્રશ્નોના ઉત્તરો તજ્જ્ઞોએ આપ્યા હતા. આ પ્રશ્નોત્તરી ઘણી રસપ્રદ રહી હતી.

ભોજનવિરામ પછી એક ગુજરાત અને બીજા છત્તીસગઢના એમ બે પ્રતિનિધિઓએ પોતાની રજૂઆત કરી હતી. પ્રતિનિધિઓએ પૂછેલા પ્રશ્નોના ઉત્તર સ્વામી નિખિલેશ્વરાનંદે આપ્યા હતા.

સમાપન સત્રનો પ્રારંભ 3.30 કલાકે થયો હતો. તેમાં પ્રથમ પ્રતિનિધિઓમાંથી પસંદ થયેલ અને યુ.કે.ના બે પ્રતિનિધિઓએ સેમિનાર વિશે પોતાના પ્રતિભાવો આપ્યા હતા. કેટલાક પ્રતિનિધિઓએ લેખિત પ્રતિભાવો પણ આપ્યા હતા. આશ્રમ માટે આ ઘણા આનંદ અને સંતોષની વાત હતી કે સૌ કોઈએ આ સેમિનારને પ્રશંસ્યો હતો.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ પ્રો. પ્રતાપસિંહ ચૌહાણ મુખ્ય મહેમાનરૂપે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ વચ્ચે એક ‘મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ’ તૈયાર કરવા માટે પોતાનાં રસરુચિ દાખવ્યાં હતાં. આને લીધે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે આવી શિબિરોના કાર્યક્રમો નિયમિત રીતે યોજી શકાય.

સ્વામી નિખિલેશ્વરાનંદજીએ આ બધા પ્રતિનિધિઓને અનુકાર્ય માટે આયોજન આપીને આભારવિધિ કરી હતી. ભાગ લેનાર પ્રત્યેક પ્રતિનિધિને સ્વામી વિવેકાનંદનાં જીવનસંદેશના પુસ્તકોવાળી આકર્ષક કીટ આપવામાં આવી હતી.

કાર્યક્રમના અંતે રાષ્ટ્રગાન અને ત્યાર પછી ‘ભારત માતા કી જય’ની સાથે ‘શ્રીરામકૃષ્ણદેવની જય, શ્રીમા શારદાદેવીની જય, સ્વામી વિવેકાનંદ અને સ્વામી અભેદાનંદની જય’ના નારા વિવેક હોલમાં ગુંજી ઊઠ્યા હતા.

Total Views: 338

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.