હિન્દુધર્મ સાચું વિજ્ઞાન છે. એમાં ક્યાંય પણ જૂઠાણું નથી. આપણો ધર્મ વેદ અને ઉપનિષદ પર આધારિત છે. એને કોઈ વાંચતા નથી અને સમજતા પણ નથી. તે બધી અતિ પ્રાકૃત, અસ્વાભાવિક વાતો સામાન્ય લોકો માટે કહેવામાં આવી છે.

શિક્ષિત લોકો આવી વાતોને સાંભળવા જ ઇચ્છતા નથી અને એ વિશે વિચાર પણ કરવા ઇચ્છતા નથી. આ બધી જગદંબાની લીલા છે. તેઓ જ તો પ્રકૃતિ છે, એ જ મા(શ્રીમા શારદાદેવી) એ બેસીને દીક્ષા આપી છે. એ જ મંત્ર મને યાદ છે. હું બધું જાણું છું, પરંતુ કેવળ ભૂગોળ જ. યુરોપનો નકશો જોઈને કોઈ પૂછે તો ક્યાં અને શું છે, એ કહી શકું છું.

પરંતુ ત્યાં આ દેહે જવાનું નથી થયું. જો કોઈ વિદ્વાન ‘આત્મવિકાસ’ પુસ્તક વાંચે, તો તેમાં એ વેદાંતની અંતિમ વાત, તેનો પરમ ઉપદેશ તેને મળી શકશે. દેહમનબુદ્ધિ કાર્ય કરતાં રહે છે, હું એનો દ્રષ્ટા માત્ર છું, આવી જ તો કેટલીક વાતો છે, એને જ સમજાવવામાં આવી છે.

એક સેવકે મહારાજની ખીસાઘડિયાળને ટેબલ પર રાખી. પરંતુ બેદરકારીને કારણે ટેબલના કિનારે રાખી હતી. મહારાજજીએ કહ્યું, ‘જુઓ, બધો સામાન સારી રીતે અને એની જ જગ્યાએ રાખવો જોઈએ. એ દિવસે એક વ્યક્તિએ ઘડિયાળને એમ ને એમ ટેબલને કિનારે રાખી દીધી, જેથી ઘડિયાળ પડી ગઈ અને બંધ થઈ ગઈ. પછી એને સમારવા કોલકાતા મોકલવી પડી.

આપણા દેશની શિક્ષણવ્યવસ્થામાં જરાય વ્યાવહારિક જ્ઞાન શીખવવામાં નથી આવતું. કેવળ પુસ્તક ગોખી મારીને પરીક્ષા દેવી; જુઓ તો ખરા, છોકરા માત્ર વાંચી વાંચીને જ દૂબળાપાતળા અને પાચનશક્તિ વિનાના થતા જાય છે. તેઓ ખાદ્ય શું છે અને અખાદ્ય શું છે, એ પણ નથી જાણતા. ખાવા વિશે એક શ્ર્લોક છે. શું તમે એ સાંભળ્યો છે?

हाँ हाँ ददात्, हूँ हूँ ददात् ददात् शिर कम्पने ।

मौने च द्विगुणं ददात् न ददात् व्याघ्र झम्पने ॥

અર્થાત્ જ્યારે કોઈ ‘હા હા, હું હું’ કરે છે અથવા માથું હલાવે છે, ત્યારે તેનો અર્થ ‘વધારે આપો’, એવો થાય છે. જો મૌન રહે તો બે ગણું આપો અને જો દેતી વખતે થાળી ઉપર વાઘની જેમ કૂદીને થાળીને ઢાંકી દે, તો ન દેવું.

પ્રશ્ન – તે દિવસે આપ કહેતા હતા કે દૈવ, પુરુષાર્થ અને કાળ એક સાથે ચાલે છે. જેનો પુરુષાર્થ નથી, એનું શું થશે ?

મહારાજ – દૈવ, પુરુષાર્થ અને કાળ ત્રણેયની આવશ્યકતા છે જ. પરંતુ તમારો પુરુષાર્થ જેટલો વધારે વધશે, એટલો જ તમારો સમય સામે આવતો જશે. સાથે ને સાથે દૈવ પણ પ્રતિક્ષણ વધારે અનુકૂળ થશે. પરંતુ એક વાત છે, જ્યાં સુધી તમારો પુરુષાર્થ છે, ત્યાં સુધી જ આ વાત છે. જ્યારે તમે પુરુષાર્થથી અતીત થઈ જશો, જેવી રીતે હું છું; અત્યારે હું પુરુષાર્થ બતાવી શકતો નથી. અત્યારે મારે કેવળ દૈવ અને સમય પર આધારિત રહેવું પડે છે.

બપોરે ‘માયેર કથા’ (શ્રીમાની વાતો) નામના પુસ્તકનો પાઠ થઈ રહ્યો છે. તેમાં એક સ્થળે એવું લખ્યું છે કે રાસબિહારી મહારાજને તેઓ કહે છે, ‘બેટા, તમે લોકો દેવદુર્લભ સંપત્તિ છો.’

મહારાજ – શા માટે ન હોય ! વીર્યવાન છે ! આ શું કાંઈ કમ વાત છે ! સંપૂર્ણ જગત, બ્રહ્માથી માંડીને ક્ષુદ્ર કીડા સુધી બધા પ્રેયસ્ની પાછળ દોડી રહ્યા છે. આખી સૃષ્ટિ એને લીધે જ છે. સંન્યાસી આનાથી વિપરીત શ્રેયસ્ની દિશામાં ચાલે છે, શું એ લોકો કંઈ કમ છે ?

પ્રશ્ન – વર્તમાન સમાજમાં જે વર્ણસંસ્કાર થઈ રહ્યો છે, બ્રાહ્મણ-વૈશ્યમાં લગ્ન થઈ રહ્યાં છે, શું એનાથી ભલું થશે ?

મહારાજ – જરૂર થશે. પહેલાં સમાજ એક સંયુક્ત એકમ હતો. અત્યારે ફરીથી બધા એક થવા લાગ્યા છે. જ્યારે મેં પહેલીવાર ‘હરિજન’ શબ્દ સાંભળ્યો, ત્યારે મને સારું ન લાગ્યું. અમે લોકો ગાંધીજી પ્રત્યે ઘણી શ્રદ્ધા ધરાવીએ છીએ. પણ એનો લાભ શું? મહેતર નામ હતું, હરિજન થયું. શું એનાથી એ લોકોનો કંઈ વિકાસ થયો? ધીરે ધીરે એ લોકોમાં સભ્યતા અને સંસ્કાર રેડીને એમને ઉન્નત કરવા જોઈએ.

પ્રશ્ન – શું જરૂર પડે તો શ્રીઠાકુરજીની વેદી હટાવી શકાય ખરી?

મહારાજ – કેમ ન હટાવી શકાય! એવી આવશ્યકતા ઊભી થાય તો નિશ્ર્ચય વેદીને સ્થાનાંતરિત કરી શકાય. આપણે તો ઠાકુરજીને માનવ જેવા જ સમજીએ છીએ.

પ્રશ્ન – પરંતુ ઠાકુરજીને માટે આવશ્યકતા ન રહે તો શું આપણા લોકોના પ્રયોજનથી વેદી હટાવી શકાય ખરી?

મહારાજ – શા માટે નહીં! સ્વામી વિજ્ઞાનાનંદજી મહારાજ મઠના જૂના મંદિરની વેદીમાંથી આત્મારામનો કળશ મોટા મંદિરમાં લઈને આવ્યા, તો શું જૂના મંદિરનો ત્યાગ કરી દેશે? જુઓ છો ને! બેલુર મઠમાં તેને અક્ષુણ્ણ રખાયો છે. જ્યાં આટલા દિવસ સુધી ઠાકુરજી રહ્યા તેમની એક સ્મૃતિ છે ને!

પ્રશ્ન – તો શું જૂની વેદી પર તેમની પૂજા થશે?

મહારાજ – ના, પૂજાની આવશ્યકતા નથી. જુઓ, અહીં ઠાકુરજીનું એક પૂજાયેલું ચિત્ર દીવાલ પર લટકાવીને રાખ્યું હતું. હું તો આશ્ચર્યચકિત થઈ ગયો! આટલા દિવસો સુધી એમની જીવંતરૂપે પૂજા કરી અને હવે જાણે કે ચિત્રની જેમ દીવાલ પર લટકાવીને રાખ્યા છે! મારા ઘરમાં બરાબર માનવભાવે જ ગોવિંદજીની પૂજા થતી. (મારી)માએ ગોવિંદજીને પ્રણામ કરીને તેમના મુખ તરફ નજર નાખતાં જ જોયું કે ગોવિંદજીનું મુખ કાળું છે. ત્યાર પછી જ મારાં મોટાં બહેનનું મૃત્યુ થયું. ત્યાર પછી ઢાકામાં એક સંન્યાસીએ ઠાકુરજી માટે ચાંદીનું સિંહાસન બનાવ્યું હતું. તેમને એ ખબર ન હતી કે તેઓ ધાતુનો સ્પર્શ ન કરી શકતા! ક્યાંક તો શુચિ-સર્વો પણ ચાંદીનાં બનાવ્યાં છે!

વૈષ્ણવ સંપ્રદાયમાં મુક્તિ અભિપ્રેત નથી. (તેઓ વિચારે છે) આવો મનુષ્યજન્મ પ્રાપ્ત કરીને કૃષ્ણપ્રેમનું આસ્વાદન કરવાનો સુઅવસર ન મળ્યો તો ત્યાં મોક્ષ તુચ્છ છે, હીન છે. જે શ્રીમાનાં સંતાન છે, તેમણે પોતાના જીવનના આચરણથી દેખાડી દેવું પડે! તમે વિચારો છો કે શ્રીરામકૃષ્ણના નામ પર જે કંઈ પણ કરતા જાઓ અને તેનાથી તમારા ઠાકુરજી પ્રસન્ન થશે, એમ? અહીં તમે જેવું કર્મ કરશો, એ બધાંનું ફળ મળશે જ. પ્રકૃતિ પ્રતિક્રિયાત્મક – પ્રતિશોધાત્મક (Vindictive) હોય છે. ઘરડા-ઘરડા સાધુઓનાં નામ કપાઈ જવાથી તેઓ સંઘમાંથી નીકળી રહ્યા છે. ધ્યાન કરી શકતા નથી!

આપણે લોકો હંમેશાં ધ્યાન કરી શકતા નથી. એટલે જ સ્વયંનો વિસ્તાર કરીને પ્રત્યેક પ્રાણીની ઈશ્વરભાવે સેવા કરીએ છીએ. તમે લોકો મંદિરમાં જે શ્રીરામકૃષ્ણને પુષ્પ ચઢાવો છો, એ જ શ્રીરામકૃષ્ણ બાળકોનું રૂપ લઈને તમારી સેવા ઇચ્છે છે. એક વ્યક્તિએ મારી આ વાતને સાંભળીને આનંદથી ઊછળીને કહ્યું – ઈશ્વરભાવે બાળકોની સેવા!                                     (ક્રમશ:)

Total Views: 337

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.