8-6-1960

પ્રશ્ન – શું સાધુ સેવા કરવાથી મંગલ થઈ જાય ? ધારો કે કામકાંચનમાં આસક્તિ છે અને કેવળ ભગવાં ધારણ કર્યાં છે.

મહારાજ – હશે. જે સેવા કરે છે, તે જો મનમાં ને મનમાં વિચારે કે એમણે સાંસારિક સુખોનો ત્યાગ કર્યો છે, તો સેવકનો માનસિક વિકાસ થશે. આપણે લોકો ભગવાં જોઈને જ પ્રણામ કરીએ છીએ, કારણ કે એ ત્યાગનું પ્રતીક છે.

પ્રશ્ન – સારુ મહારાજ ! આપની દીક્ષાના સમયે શ્રીમાએ ઠાકુર વિશે આપને શું કહ્યું હતું ?

મહારાજ – કંઈ નહીં ! શ્રીમા તો જાણતાં હતાં કે અમે લોકો બધું જાણીને જ ગયા છીએ. એ દિવસે જયરામવાટીમાં મારે ઉપવાસ હતો. દશ વાગ્યે શ્રીમાએ બોલાવ્યો. જઈને જોઉં છું તો, બે આસન બિછાવેલાં છે અને સામે શર્વો-શૂચિ રાખ્યાં છે. શ્રીમા બેસી ગયાં. શ્રીમાએ આચમન કરવાનું કહ્યું.

પ્રશ્ન – શું શ્રીમાએ માનસ પૂજા વિશે કંઈ બતાવ્યું હતું ?

મહારાજ – ના. તમારા ગુરુદેવ નવા લોકોને દીક્ષા આપે છે, એમાંથી માત્ર પાંચ જ જાણે છે, એટલે એ લોકોને બધું બતાવવું પડે છે. ત્યાર પછી શ્રીમાએ મંત્ર આપ્યો. એમણે મને ઠાકુરનો એક મંત્ર આપ્યો અને બીજો મંત્ર, જેનો હું બાળપણથી જપ કરતો હતો તે આપ્યો.

કેવળ તે મંત્રને એમણે થોડો બદલી નાખ્યો. ત્યાર પછી એમણે મને જપ કરવાનું કહ્યું. 108 મંત્ર જાપ થયા ન હતા ત્યાંજ અચાનક શ્રીમા ઊઠીને ગયાં અને કોઈ એક કાર્ય કરીને આવ્યાં. ત્યાર પછી હું વસ્ત્ર અને ફૂલ લઈને ગયો હતો, તે શ્રીમાને આપ્યાં. પાંચ મિનિટમાં જ બધું પૂર્ણ થઈ ગયું. ત્યાર પછી ભોજન સમયે જમી લીધું.

પ્રશ્ન – શું આપે પ્રસાદ ખાધો હતો ?

મહારાજ – ના, એવું બધું કંઈ ન હતું, સર્વકંઈ સામાન્ય હતું.

પ્રશ્ન – આપ જ્યારે પહેલીવાર જયરામવાટી ગયા હતા, ત્યારે કોઈ એક ઘટના ઘટી હતી ?

મહારાજ – હું હાવડાથી ટ્રેઈનમાં બેઠો. લાગે છે કે ઇન્ટર ક્લાસમાં (બીજા વર્ગના ડબામાં) હતો. વધુ લોકો ન હતા. વધારેમાં વધારે એક બે મુસાફરો હશે. સામે એક મુસાફર બેઠો હતો. એણે મને પૂછ્યું, ‘ક્યાં જવાના છો?’ એ સમયે ચારે બાજુ અંગ્રેજી ગુપ્તચરોનો ભય હતો. મેં ઉપેક્ષા કરવાનો પ્રયત્ન કર્યો. હું ક્યાં જાઉં છું, એના વિશે મેં બરાબર ન કહ્યું. સ્ટેશન પર ઊતરીને જોઉં છું તો ત્યાં એ જ આદમી એકલો છે, હું રસ્તો જાણતો ન હતો. લાચાર થઈને તેને પૂછતાં તેણે કહ્યું, ‘મારી સાથે ચાલો.’ એની સાથે ચાલ્યો અને એના ઘેર પહોંચી ગયો. ત્યાં જોઉં છું કે તે એક જમાઈની જેમ મારી આગતાસ્વાગતા કરી રહ્યો છે. તળાવમાંથી માછલી પકડી લાવ્યો. કારપેટના આસને બેસાડ્યો અને ભોજન કરવા આપ્યું. બપોરે મારા માટે આરામ કરવાની વ્યવસ્થા કરી. સાંજે એક માણસને સાથે મોકલીને કહ્યું, ‘તમારા હાથની પોટલી આ માણસને આપી દો, થોડા પૈસા આપજો.’ હું તો બાળપણથી જ આદરસત્કાર મેળવવા ટેવાયેલો છું. કારણ કે ગુરુવંશ-જમીનદારવંશનો ખરો ને ! મેં વિચાર્યું કે આ બધું તો સ્વાભાવિક જ છે. પછીથી જ્યારે પુસ્તક પ્રકાશિત થયું, ત્યારે મેં જોયું કે આ બધી તો શ્રીમાની જ લીલા છે ! માર્ગમાં કોઈ અગવડ ઊભી ન થાય એટલે આ બધી વ્યવસ્થા કરી રાખી હતી.

પ્રશ્ન – શું પછીથી એ વ્યક્તિ સાથે આપની મુલાકાત થઈ ખરી ?

મહારાજ – ના, પરંતુ મેં સાંભળ્યું છે કે તે ત્યાંના જમીનદાર છે.

9-6-1960

પ્રશ્ન – મહારાજજી, ક્યાંક જવામાં ઉતાવળ હોય તો શું ઠાકુરજીની પૂજા પહેલાં કે પછીથી કરી શકાય, ખરી ?

મહારાજ – ના, જો ઠાકુરજીની આત્મભાવથી પૂજા કરવાની હોય, તો પૂજા પહેલાં કે પછી કરી ન શકાય. બરાબર નિશ્ર્ચિત સમયે જ નિત્ય પૂજા કરવી જોઈએ. બધાને ક્યાંક એકી સાથે જવાની જરૂર પડે તો પણ, એ સમયે પૂજારીને કોઈ બીજું આવશ્યક કાર્ય નથી.

કોઈ એક ભક્તના ઘરે સાધુઓને આમંત્રણ હતું, ઘણા સાધુઓ ગયા છે.

મહારાજ – જુઓ, ગૃહસ્થના ઘરમાં સંન્યાસીનું આમંત્રણ, ખાવા જવું કંઈ ખરાબ નથી. શું ભાગવતનો એ શ્ર્લોક યાદ છે. જેમ સ્ત્રીસંગનો ત્યાગ કરો છો, એવી જ રીતે સ્ત્રીસંગ કરનારનો પણ ત્યાગ કરવો જોઈએ. ગૃહસ્થના ઘરે જવાથી એ લોકો સાથે વાતચીત કરવી પડે છે, હળવુંમળવું પડે છે. તમે લોકો તો ખાઈપીઈને આવ્યા છો, ભણીને આવ્યા છો અને જોઈને આવ્યા છો. તમે લોકો વિદ્વાન અને બુદ્ધિમાન છો. ખાવા અને માનસન્માન માટે તમારામાં દરિદ્રતા ન રહો. તમે લોકો ‘જીવનમુક્તિ-વિવેક’ તથા ‘વિવેકચૂડામણિ’ને વાંચીને સાધુજીવનને ઘડૉ.

મારે બે છોકરાઓનો પરિચય હતો. એક છોકરાની આંખો જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગયો – જાણે કે ટોર્ચલાઈટ ! મેં તેને છત્રીમાં લઈ જઈને સ્ટેશને પહોંચાડી દીધો. તે ઘણો સારો કર્મઠ વ્યક્તિ બનશે. બીજા છોકરાની જેવી બુદ્ધિ હતી, તેવું જ શરીર હતું. કેવો તેજ હતો ! સાધુ જેવાં લક્ષણ હતાં. પરંતુ એને સન્માન ન મળ્યું. એટલે તે કર્મમાં જ મતવાલો થઈ ગયો છે. તેનો આટલો કર્મક્ષય થવાથી જ સૌ સારાંવાનાં થશે. સાધુ સમાજમાં જે લોકો આવે છે, એમાંથી મોટા ભાગનામાં કોઈ આધ્યાત્મિક સ્પૃહા – જાશશિિીંફહ વફક્ષસયશિક્ષલ નથી. જે લોકો મહંત બને છે, એમનામાં કંઈક પ્રદાન કરવા જેવી કોઈ ક્ષમતા નથી. તેઓ કંઈ જાણતા નથી કે સાધુ, સંન્યાસી અને આશ્રમ શું છે ? પછી શું બતાવે ! ચાર આશ્રમો વિશે કોઈ ધારણા જ નથી. મોટા ભાગના લોકો ઇચ્છે કે કર્મી (સાધુ, બ્રહ્મચારી) કેવળ કાર્ય કરે અને કાર્ય કરતાં કરતાં તેઓ કૂલી-મજૂર બની જાય. ન તો એમના કાર્યની તરફ ધ્યાન દે છે કે ન તો એમના ધ્યાન તરફ નજર રાખે છે; એમના સ્વાસ્થ્યનો ખ્યાલ નથી રાખતા અને એમનાં ભોજન અને આવાસ પર ધ્યાન રાખતા નથી. શું આવું થાય તો કોઈ સાધુસંપ્રદાય ટકે ખરો ?             (ક્રમશ:)

Total Views: 349

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.