20-5-1960

એક બ્રહ્મચારી દેશનો, ગામનો કેવો આર્થિક વિકાસ થયો છે તેની ઘણા ઉત્સાહથી વાતો કરી રહ્યો હતો. તેને સાંભળીને પ્રેમેશાનંદજી મહારાજે કહ્યું, ‘એ ભલે ગમે તેમ હોય, આપણે તો એ જોવાનું છે કે ભાવભક્તિ છે કે નહીં, આપણી બુદ્ધિ ઈશ્વરપરાયણ થઈ રહી છે કે નહીં!’

પ્રશ્ન – ‘શ્રીમા અવતાર છે’, શું આપ સૌ એને સમજી ગયા હતા?

મહારાજ – ના, સમજ્યા ન હતા. શ્રીમા અવતાર છે, એ સમજી લેવાથી જ તો થઈ જાત! હા, પરંતુ તેઓ (શ્રીરામકૃષ્ણદેવ) અવતાર છે અને જો શ્રીરામકૃષ્ણદેવનાં પત્ની હોય તો કંઈક વિશેષ તો હશે ને! માનવરૂપ ગ્રહણ કરવાથી અવતાર માની લેવો એ ઘણું કઠિન છે. સૈદ્ધાંતિક રૂપે હું ઘણું કહેતો પણ એ સ્પષ્ટ રીતે અભિવ્યક્ત ન થયું. છતાં પણ દીક્ષા તો લીધી. જ્યારે બધા લોકો અવતાર કહે છે, તો તેઓ અવતાર જ હશે, એવી શ્રદ્ધા હતી. એક વૃક્ષને, પથ્થરને આપણે લોકો આ ભાવથી જ પ્રણામ કરીએ છીએ. જ્યારે આપણે કાશીમાં વિશ્વનાથજીનાં દર્શન કરીએ છીએ, ત્યારે શું આપણે વિશ્વનાથજીને પ્રત્યક્ષ જોઈએ છીએ? આપણે તો એક પથ્થરને જ પ્રણામ કરીએ છીએ, કારણ કે બધા લોકો પ્રણામ કરી રહ્યા છે.

પ્રશ્ન – જો રાધુદીદી અને પાગલ મામી ન હોત, તો શ્રીમાના પોતાના મુખેથી નિજસ્વરૂપની વાતો જાણી ન શકાત.

મહારાજ – તેઓ (શ્રીમા) એમને સાથે લઈને આવ્યાં હતાં. એ બધાં યોગમાયા છે.

પ્રશ્ન – રાધુદીદી યોગમાયા હતાં, એવું ઠાકુરજીએ કહ્યું છે અર્થાત્ શ્રીમાની માયા. પરંતુ એમણે આટલું બધું વિરુદ્ધ આચરણ કર્યું છે કે તેમના પર શ્રદ્ધા રાખવાની ઇચ્છા થતી નથી.

મહારાજ – Antagonist – વિરુદ્ધાત્મક આચરણ તો થાય જ ને! શ્રીમાનું મન હૂ હૂ કરીને ઉપર ઊઠતું જાય છે અને આ લોકોએ અનેક અત્યાચારો કરીને એમના મનને નીચે ઉતારીને રાખ્યું છે. પ્રતિકૂળતાને કારણે જ શ્રીમા નીચેની ભાવભૂમિમાં હતાં. અનુકૂળતા હોત તો શ્રીમાને કોઈ ન પામી શકત.

પ્રશ્ન – ચૈતન્ય વસ્તુ કે જે સર્વત્ર વ્યાપ્ત છે, તેનું કયું પ્રમાણ છે?

મહારાજ – પ્રમાણ? આ જામફળના વૃક્ષને જુઓ. તમે શું જોયું?

ઉત્તર – કેમ, વૃક્ષ જોયું.

મહારાજ – જોયું નહીં કે કેવી રીતે વાંકાચૂંકા આંબાના ઝાડની ડાળીને આકાશ તરફ મુખ રાખીને જોઈ રહ્યું છે! આ જાંબુના ઝાડને જુઓ, કેવું ઝૂકી પડયું છે, એનાથી પ્રકાશ પ્રાપ્ત કરી શકે છે. શાસ્ત્રમાં એક ઉલ્લેખ જોવા મળે છે.

अन्त: संज्ञा भवन्त्येते सुखद:ख समन्विता:

અમારા-તમારા જેવા સુખદુ:ખનો અનુભવ કરી રહ્યા છે. વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝે આને પરીક્ષણ કરીને સાબિત કરી દીધું છે. એ જ ચૈતન્ય વસ્તુમાત્રમાં છે. વૃક્ષ, કીડીમંકોડા, તમે અને હું બધાં ‘હું હું’ કરીએ છીએ. જેમ તારમાં વીજળી છે, પરંતુ એ આપણી સમજણમાં આવતી નથી. કોઈ વસ્તુ સાથે ઘર્ષણ થવાથી જ તે સમજાય છે. ચૈતન્ય વસ્તુનો પ્રકાશ છે ચેતના.

21-5-1960

પ્રશ્ન – આપે લખેલાં જેટલાં ભજન-ગીત છે, શું એ બધાં સંન્યાસ પહેલાંનાં છે ?

ઉત્તર – હા, બધાં પહેલાંનાં છે.

પ્રશ્ન – શું એના પછી આપે કંઈ લખ્યું નથી ?

મહારાજ – ના, પહેલાંનો માનવ તો મરી ગયો છે. સંન્યાસ જાણે કે મૃત્યુ છે. સંન્યાસ પછી બધું જ છોડી દીધું. ગંગાધર મહારાજ (સ્વામી અખંડાનંદજી) વગેરે બધા વતી મહાપુરુષ મહારાજને (સ્વામી શિવાનંદજી) પૂછ્યું, ‘ગાયત્રીજાપ થાય કે નહીં ?’ મહાપુરુષ મહારાજે કહ્યું, ‘સંન્યાસ ઘણો abstract -દુર્બોધ છે, તમે લોકો એ બધું નહીં સમજો.’

પ્રશ્ન – વારુ મહારાજ, શું આપના મનમાં સંશય હતો ?

મહારાજ – અરે મહામૂર્ખ ! એમાં વળી સંદેહ ક્યાં રહે છે ? શ્રાદ્ધ કરી રહ્યો છું, પછી ગાયત્રીજાપ કરવો કે નહીં, શું એવું હોય છે ? એ બધા વતી પૂછ્યું હતું, વધારે શું !

31-5-1960

વાર્તાલાપ દરમિયાન મહારાજે કહ્યું – સંન્યાસીગણ અર્ધમુક્ત હોય છે. ઘણા લોકો શરીરત્યાગ પછી મુક્ત થાય છે, એ નક્કી છે, આમાં કોઈ સંશય નથી. વળી બધાની સાથે હળવું-મળવું હિતકર નથી. આ સંસારમાં કોઈ પણ બે વ્યક્તિઓના વિચાર એક સમાન હોતા નથી. એટલે પોતાના કલ્યાણનો વિચાર કરીને જ બીજા લોકો સાથે મળવું જોઈએ.

1-6-1960

પ્રશ્ન – ‘આત્મનો મોક્ષાર્થં જગદ્ધિતાય ચ’- આમાં કોણ પહેલું છે – જગતનું કલ્યાણ કે આત્માનો મોક્ષ કે એ બન્ને એકી સાથે જ ?

મહારાજ – જુઓ, આપણે લોકો કાર્ય કર્યા વિના ન રહી શકીએ. ‘ન કર્મણામનારમ્ભાત્’ – એટલે નિવૃત્તિમૂલક કાર્ય કરતાં કરતાં એની મેળે જ આત્મમોક્ષ થઈ જાય છે. એટલા માટે આપણે લોકો apparently પ્રત્યક્ષરૂપે જે સંસારનું મંગળ, જગતની સેવા કરીએ છીએ તેનો ઉદ્દેશ આત્મમોક્ષ છે.

પ્રશ્ન – કથામૃતમાં છે કે એ અવસ્થામાં મંત્રીગણ રાજા જનક વતી રાજ્ય ચલાવતા હતા.

મહારાજ – એ અવસ્થામાં કોનું રાજ્ય અને કોણ ચલાવે છે, અચેતન બનીને પડ્યા છે ! પરંતુ અમે લોકોએ જોયું છે કે General Meeting – સામાન્ય સભા મળશે. રાજા મહારાજ (સ્વામી બ્રહ્માનંદજી) પ્રેસિડન્ટ છે. શરત્ મહારાજ સભામાં જઈ રહ્યા છે. મહારાજે (પ્રેમેશ મહારાજ)કહ્યું, ‘અરે, તમે સભા ભરી લો.’ શરત મહારાજે તો તમાકુ-બમાકુ સજાવીને ઘણી મહામહેનતે તેમને સભામાં બેસાડ્યા. મહારાજ (સ્વામી બ્રહ્માનંદજી) ચુપચાપ બેઠા છે. એક પછી એક સમસ્યાની વાતો ચાલે છે, અને તેઓ એક પછી એક બધાનો ઉકેલ પણ લાવતા જાય છે. એમની બુદ્ધિ તો શુદ્ધ છે ને ! unbias – નિરપેક્ષરૂપે પક્ષપાત રહિત બનીને તેઓ જે કંઈ કહી રહ્યા છે, તે જ સત્ય છે. આ રીતે એ લોકોનું કાર્ય ચાલે છે, બીજું શું ! (ક્રમશ:)

Total Views: 331

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.