ભૂમિકા

પોતાના સ્વાસ્થ્યની સુધારણા માટે એ દિવસોમાં સ્વામી વિવેકાનંદ દાર્જિલિંગમાં હતા. જ્યારે એમને કોલકાતામાં પ્લેગ ફાટી નીકળ્યો છે, એવા સમાચાર મળ્યા ત્યારે તેઓ તત્કાલ કોલકાતા આવી ગયા. એમણે અહીં આવીને જોયું કે પ્લેગથી જેટલા લોકો મૃત્યુ પામ્યા છે, તેના કરતાં અનેકગણો આતંક લોકોના મનમાં ઘર કરી ગયો છે. ઘણી મોટી સંખ્યામાં લોકો મૃત્યુના ડરથી શહેર છોડીને ભાગવા માંડ્યા છે. આવા લોકોના મનમાં સાહસ અને હિંમત ઊભાં કરવા સ્વામીજીએ  સામાન્ય લોકોમાં ઘોષણાપત્રનું વિતરણ કર્યું. એમાં દર્શાવવામાં આવ્યું હતું કે રામકૃષ્ણ મિશન એમની મદદે આવવા એમની સાથે જ છે.

આ ઉપરાંત સ્વામીજીએ નિર્ણય કર્યો કે પ્લેગપીડિત લોકો માટે સ્થળે સ્થળે સેવાકેન્દ્રો સ્થપાશે. પરંતુ પ્રશ્ન એ હતો કે એને માટે ધન ક્યાંથી આવશે? એક ગુરુભાઈએ આવો પ્રશ્ન પૂછ્યો. સ્વામીજીએ તરત જવાબ આપ્યો, ‘કેમ ? જરૂર પડશે તો મઠ માટે જે જમીન ખરીદી છે, તેને વેચી દઈશ. આપણે તો ફકીર છીએ. ભિક્ષા માગીને વૃક્ષની છાયાતળે રહીને દિવસો વિતાવીશું. જે જમીન સેંકડો લોકોને બચાવવામાં કામે ન લાગે તો, તેવી જમીન શા ખપની ?’

પ્લેગના રોગનો સામનો કરવા માટેના સક્રિય પ્રયત્નો કરવા આવશ્યક ધનરાશિ બીજા માધ્યમથી મળી રહેતાં અંતે મઠની જમીન વેચવાનો વારો ન આવ્યો. બેલુર મઠની સ્થાપના માટે સ્વામીજીએ અથક પરિશ્રમ કર્યો અને એક એક પૈસો એકઠો કરીને આ મઠની સ્થાપના કરી હતી. પરંતુ જેવી એમણે દુ:ખી, રુગ્ણ માનવોની દુર્દશા જોઈ કે તરત જ મઠની એ જમીનને વેચી નાખવાની વાત કરતાં તેઓ જરાય અચકાયા નહીં. સ્વામીજી કેટલા મહાન સેવાપરાયણ હતા, એનો પરિચય આપણને ઉપર્યુક્ત ઘટના દ્વારા સ્પષ્ટ રીતે મળી રહે છે.

આવા સેવાપરાયણ સ્વામી વિવેકાનંદ કહે છે, ‘ભારતના રાષ્ટ્રિય આદર્શ છે : ત્યાગ અને સેવા. તમે એની આ ધારાઓમાં તીવ્રતા લાવો અને બાકીનું બીજું બધું તો પોતાની મેળે થઈ રહેશે.’ વાસ્તવમાં આપણી સંસ્કૃતિ સેવાની સંસ્કૃતિ છે. આ ભારતવર્ષમાં દેવકાર્યને પૂર્ણ કરવા ઋષિ દધીચિએ યોગબળ દ્વારા પોતાના શરીરનો ઉત્સર્ગ કર્યો હતો. – ‘સ્વં ચાપિ દેહં સ્વયમુત્સૃજામિ.’ આપણે સૌ આવા જ સેવાપરાયણ ઋષિઓના વંશજ છીએ. ચાલો, આપણે આ સેવાપરાયણતા વિશે થોડો વિચારવિમર્શ કરીએ.

સેવાનું મહત્ત્વ

ભગવાન શ્રીકૃષ્ણ ભગવદ્ ગીતાના છઠ્ઠા અધ્યાયમાં આ વિશે વાત કરતાં કહે છે – ‘ન હિ કલ્યાણકૃત્કશ્ચિદ્ દુર્ગતિં તાત ગચ્છતિ – શુભ કે કલ્યાણ કર્મ કરનારની ક્યારેય દુર્ગતિ થતી નથી.’ સોક્રેટિસે ઝેરનો પ્યાલો પીતાં પીતાં આ  જ શબ્દો ઉચ્ચાર્યા હતા – No evil can happen to the Goodman either in life or in death.

સ્વામીજી કહે છે, ‘એ માનવી ફિલસૂફીની કોઈ પણ પદ્ધતિ ભણ્યો ન હોય, ભલે એ ઈશ્વરમાં માનતો ન હોય અથવા ઈશ્વરમાં કદી માન્યું ન હોય, ભલે પોતાના આખા આયુષ્ય દરમિયાન એણે કદી પ્રાર્થના ન કરી હોય, પણ શુભ કાર્યની શક્તિથી જો એ અન્ય માટે પોતાનું જીવન અને સર્વસ્વ હોમવા તત્પર હોય, તો જે સ્થિતિએ ધાર્મિક પુરુષ પ્રાર્થના અને ફિલસૂફ શાસ્ત્રજ્ઞાન વડે પહોંચે, તે સ્થિતિએ એ પહોંચી ગયો છે એમ માનવું.’

જે રીતે એક વૃક્ષ વાવવાથી આપણને અનેક લાભ મળે છે; જેવાં કે ફળ, ફૂલ, પાંદડાં, હવા, છાંયો વગેરે મળે છે. સમય આવે તો તે ઔષધિના કામે પણ આવે છે અને વૃક્ષ સુકાઈ જાય તો તેનાં લાકડાંમાંથી ભિન્ન ભિન્ન પ્રકારનાં રાચરચીલાં બનાવી શકીએ છીએ. એવી જ રીતે સેવાના વિવિધ લાભો છે. સેવાથી જીવનનું ઘડતર થાય છે, ચારિત્ર્યનું ઘડતર થાય છે. જીવનઘડતર કે ચારિત્ર્યઘડતર એટલે કે આત્મસુધારણા કરવી, એ પણ એક મહાન સેવા અને સત્યતાછે. જો પ્રત્યેક વ્યક્તિમાં આવી આત્મસુધારણા થઈ જાય તો સમાજ કે રાષ્ટ્ર તેમજ સમગ્ર જગતમાં પણ સુધારણા એની મેળે જ થઈ જાય છે. એવી જ રીતે સેવાના માધ્યમથી આપણા વ્યક્તિત્વમાં પણ ઘણાં ભાવાત્મક પરિવર્તન આવી જાય છે. ચાલો, હવે આપણે આ પાસાં પર વિચાર કરીએ.

પરકલ્યાણ કરો અને સ્વકલ્યાણ સાધો

સેવા દ્વારા આપણે બીજાનું જ નહીં પણ પોતાનું પણ કલ્યાણ કરીએ છીએ. આ બાબતને આપણે એક સત્ય ઘટના દ્વારા સમજી શકીએ : એક ગામમાં કેટલાંક બાળકો રમતાં હતાં. સંધ્યાનો સમય થવા આવ્યો હતો. એવામાં એક ટ્રકે ટેલીફોનના તારને તોડીને ગામમાં પ્રવેશ કર્યો. ટેલીફોનના તાર સડક પર ગૂંચળાની જેમ ઝૂલવા લાગ્યા. ટેલીફોનના તારને કારણે દુર્ઘટના ઘટી શકતી હતી. અંધારાના ભયથી બાળકો ઘેર પાછાં જવા ઇચ્છતાં હતાં. આવી પરિસ્થિતિમાં નવીન નામના બાળકે નિર્ણય કર્યો કે એનો ઉકેલ કર્યા વિના તે ત્યાંથી જશે નહીં. એટલે સડક પરથી આવતાં જતાં સાઇકલ કે મોટર સાઇકલને રોકીને તે ટેલીફોનના તારની સૌને જાણ કરતો હતો. લોકો એને ધન્યવાદ આપીને ચાલ્યા જતા હતા. નવીનની આ સેવાપરાયણતાને જોઈને કેટલાંક બાળકો તેની સાથે તેના કાર્યમાં મદદ કરવા લાગ્યાં. થોડા સમય પછી અત્યંત વેગે આવતી મોટરસાઇકલ દેખાણી ત્યારે તો પૂરેપૂરું અંધારું છવાઈ ગયું હતું અને ચાલકને ઓળખી શકાય તેમ ન હતું. નવીન પોતાના બન્ને હાથ લંબાવીને સડકની વચ્ચે ઊભો રહી ગયો. મોટરસાઇકલ ઊભી રહી અને નવીને ચાલકને તાર વિશે જાણ કરી. એ વખતે એને ખબર પડી કે એ ચાલક નવીનના પિતા હતા. એમણે પુત્રની પ્રશંસા કરી અને તેને આવું કાર્ય કરતા રહેવાનું કહીને કેટલાંક વાંસ લઈને આવ્યા અને તારને ફરીથી ઊંચે લટકાવી દીધો. આ રીતે બીજાની સેવા કરતાં કરતાં પોતાનું કલ્યાણ થયું.

વાસ્તવમાં કોઈપણ પ્રકારની સેવાથી પ્રત્યક્ષ કે પરોક્ષરૂપે આપણને પોતાને જ લાભ થાય છે. કોઈને લપસાવવા માટે આપણે નાખેલ કેળાની છાલથી કોઈક દિવસ આપણે જ લપસી પડીએ છીએ. અને રસ્તા પર પડેલ કાંટાને દૂર કરવાથી આપણે પોતે તેનાથી બચી જઈએ છીએ. જ્યારે કોઈ પણ માનવી કોઈને ભણાવે છે ત્યારે ભણનાર કરતાં ભણાવનારમાં વધારે નિપુણતા આવે છે. કોઈ લેખના વાંચનારાઓ કરતાં લેખ લખનારનું વધારે કલ્યાણ થાય છે. એનું કારણ એ છે કે એ વિષય પર અનેક રીતે ગહન ચિંતનમનન કરીને લખવાનું હોય છે. આ વિશે રહીમ એક અદ્વિતીય ઉદાહરણ આપતાં કહે છે :

જ્યોં રહીમ સુખ હોત હૈ પર ઉપકારી સંગ ।

બાઁટનવારી કો લગે જ્યોં મેંહદી કે રંગ ॥

અર્થાત્ જે રીતે મહેંદી વાટનારના હાથમાં મહેંદીનો રંગ આપમેળે લાગી જાય છે, એવી જ રીતે પરોપકાર કરનારને આપમેળે જ સુખ મળી જાય છે.

સ્વામી વિવેકાનંદ આ બાબતે સ્પષ્ટપણે કહે છે, ‘બીજા પ્રત્યેનું આપણું કર્તવ્ય એટલે બીજાઓને સહાય કરવી, જગતનું ભલું કરવું. જગતનું ભલું આપણે શા માટે કરવું ? જગતનું ભલું કરવા જેવું એ દેખાય છે, પણ ખરી રીતે તો તે આપણા પોતાના જ કલ્યાણ માટે હોય છે. જગતને સહાય કરવાનો આપણે હંમેશાં પ્રયત્ન કરવો જોઈએ અને એ ઉચ્ચ હેતુનો હોવો જોઈએ.’                                                                                             (ક્રમશ:)

Total Views: 337

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.