સેવાથી મન બને નિર્મળ

સેવાનું મુખ્ય ફળ તો આત્મશુદ્ધિ છે. સેવા આપણને પવિત્ર બનાવે છે. સ્વામી વિવેકાનંદ કહે છે : ‘જે શરીરને આપણે અહંકાર સાથે અભેદ માનીએ છીએ તે શરીર બીજાની સેવા માટે છે એમ જ્યારે આપણે વિચારતા થઈએ ત્યારે આપણે અહંકારને ભૂલી જઈએ છીએ અને લાંબે ગાળે વિદેહી દશાનું ભાન પેદા થાય છે. જેમ જેમ તમે વધુ તીવ્રતાથી બીજાના કલ્યાણનો વિચાર કરો તેમ તેમ તમારી જાતને વધારે વીસરતા જાઓ છો.

આ પ્રમાણે જેમ જેમ તમારું હૃદય કર્મથી પવિત્ર બનશે તેમ તેમ તમને તમારો આત્મા સર્વ પ્રાણીઓ અને સઘળી વસ્તુઓમાં ઓતપ્રોત છે, એ સત્યનું ભાન થશે. આમ બીજાનું કલ્યાણ કરવું એ પોતાના આત્માને પ્રગટ કરવાનો એક ઉપાય છે. આને પણ આધ્યાત્મિક સાધનાના એટલે કે ઈશ્વર પ્રાપ્તિના એક ઉપાય તરીકે જાણવો જોઈએ. તેનું લક્ષ્ય પણ આત્મસાક્ષાત્કાર છે. જેમ તે ધ્યેય જ્ઞાન અને ભક્તિથી સિદ્ધ થાય છે, તેમ જ તે બીજાઓને માટે કર્મ કરવાથી પણ સિદ્ધ થાય છે.’ વાસ્તવમાં નિષ્કામભાવથી કરેલ સેવાથી ચિત્તશુદ્ધિ થાય છે અને ચિત્તશુદ્ધિથી મુક્તિ મળે છે.

સેવા સંબંધોને જોડે છે

જ્યારે પરિવારનો કોઈ સભ્ય માંદો પડી જાય, ત્યારે બાકીના સભ્યો તેની સેવા ચાકરીમાં પોતાનું કંઈક ને કંઈક પ્રદાન કરવા માંડે છે. આ રીતે એમની ભાવનાઓનું આદાનપ્રદાન થવા લાગે છે અને એમના સંબંધોમાં પ્રગાઢતા આવી જાય છે. મનુષ્ય એક સામાજિક પ્રાણી છે, એને કારણે તેના જીવનમાં ભાવનાઓનું ઘણું મહત્ત્વનું સ્થાન છે. એકબીજાઓની ભાવનાઓને સમજવા તથા શાંતિપૂર્વક રહેવા સેવા એક આવશ્યક માર્ગ છે. જેમ વૃદ્ધો બાળકોને સારા સંસ્કાર અને પોતાના અનુભવોથી તેમના જીવનનું ઘડતર કરીને સેવા કરે છે, એવી જ રીતે બાળકો પોતાનાં વૃદ્ધ દાદા-દાદીની યથાસંભવ સેવા કરીને પોતાના સંબંધોને વધારે મજબૂત બનાવે છે.

એક પરિવાર, સમાજ કે રાષ્ટ્ર ત્યારે જ શાંતિમય અને સફળ બની શકે છે કે જ્યારે એમના પ્રત્યેક સભ્યમાં સેવારૂપી કર્તવ્યભાવ હોય. જો આમ ન હોય તો આ સંબંધોમાં સદૈવ ઘર્ષણ ઉત્પન્ન થાય અને પરિવાર કે સમાજ ક્રમશ: તૂટી જાય. સેવા માત્ર પોતાને જ નહીં, પરંતુ પારકાંને પણ પોતાનાં બનાવી દે છે. કોઈ સંકટકાલીન પરિસ્થિતિમાં કોઈ અજાણ્યા વ્યક્તિએ કરેલી સહાયને લીધે આપણે તેના જીવનભર ઋણી બની જઈએ છીએ. ત્યાર બાદ એ અજાણી વ્યક્તિ સાથે આપણો સંબંધ પોતાના પારિવારિક સભ્ય જેવો થઈ જાય છે. વિપત્તિઓના સમયે અથવા અક્ષમ વ્યક્તિઓની સહાય માટે જ્યારે કેટલાક લોકો સ્વયંસેવકના રૂપે કાર્ય કરે છે, ત્યારે એ લોકોની વચ્ચે પારસ્પરિક સંબંધ બંધાય છે. આ રીતે સેવાના માધ્યમથી નવા સંબંધ કેળવાય છે તથા જૂના સંબંધો વધારે મજબૂત બની જાય છે. સેવા સદૈવ સંબંધોને જોડે છે.

નિ:સ્વાર્થભાવ અને શક્તિનું જાગરણ

સેવાથી નિ:સ્વાર્થભાવ ઉદ્ભવે છે. જ્યાં સુધી કોઈપણ માનવી પોતાના વિશે જ વિચારતો રહે છે, ત્યાં સુધી તે સકામ કર્મ જ કરતો રહે છે. પોતાના વિશે જ વ્યસ્ત રહેવાથી તે ચિંતાગ્રસ્ત બની જાય છે, પરંતુ સેવા દ્વારા વ્યક્તિ બીજાને વિશે વિચારતો રહે છે કે કાર્ય કરતો રહે છે; એને લીધે તે નિ:સ્વાર્થ બને છે. નિ:સ્વાર્થપરાયણતા મહાન શક્તિનો સ્રોત છે. સ્વામી વિવેકાનંદ કહે છે, ‘અન્યનું ભલું કરવું એ જ જીવન છે અને તેમ ન કરવું તે મૃત્યુ છે. જે નેવું ટકા માનવરૂપી પશુઓને તમે જુઓ છો તે મરેલાં છે, પ્રેતો છે, કારણ કે ઓ મારા શિષ્યો! પ્રેમ કરનાર સિવાય કોઈ જીવંત નથી. મારાં બાળકો ! અન્ય માટે લાગણી રાખતાં શીખો; ગરીબ, અજ્ઞાની અને કચડાયેલાં માટે લાગણી રાખો; એટલી હદ સુધી લાગણી રાખો કે તમારું હૃદય બંધ પડી જાય, મગજ ઘૂમ્યા કરે  અને તમને લાગે કે તમે પાગલ થઈ જશો; અને પછી ઈશ્વરને ચરણે હૃદયની વ્યથા ધરી દો. ત્યાર પછી આવશે શક્તિ, સહાય અને અદમ્ય ઉત્સાહ!’

સ્વામીજીએ પોતાના એક શિષ્યને આ ઉપદેશ આપતાં કહ્યું હતું, ‘એક વાર કાર્યમાં લાગી જાઓ. એટલે એટલી બધી જબરજસ્ત શક્તિ તમારામાં આવવા લાગશે કે તમારે એને ઝીલવી કઠણ થઈ પડશે. અન્યને માટે કરેલું જરા સરખું કાર્ય પણ અંદરની શક્તિ જગાડે છે; અરે, અન્યનું ભલું કરવાનો જરા સરખો વિચાર સુદ્ધાં હૃદયમાં સિંહ સમાન બળનો સંચાર કરે છે !’

સેવાની આવશ્યકતા

આજના સમયમાં મનુષ્યની સંવેદનાઓ અત્યંત ઘટી ચૂકી છે. આજે વ્યક્તિ ઇલેક્ટ્રોનિક્સ મીડિયાની પાછળ એટલો ગાંડોઘેલો થઈ ચૂક્યો છે કે તેની પાસે પોતાના પરિવારના સભ્યો સાથે બે પળ વાત કરવાનો પણ સમય નથી. પરંતુ સામાજિક મીડિયા પર વ્યસ્ત રહીને તે પોતે જ નિરાશાના જીવનનું સર્જન કરી રહ્યો છે. રસ્તા પર પડેલ એક દુર્ઘટનાગ્રસ્ત વ્યક્તિને સહાય કરનારા ઓછા હોય છે અને એ દુર્ઘટનાની તસ્વીર કે વીડિયોને પોતાના સામાજિક મીડિયા પર મોકલનાર વધારે હોય છે. પરંતુ આ બધી બાબતો આપણને દુ:ખ અને નિરાશા તરફ લઈ જાય છે. વાસ્તવિક સુખ તો દુર્ઘટનાગ્રસ્ત વ્યક્તિની સહાયતા કરનારને મળે છે.

આવી સેવા કરનારને જ આત્મસંતોષ મળે છે. ઇલેક્ટ્રોનિક્સ યંત્ર પૂર્ણત: દોષમય નથી, પરંતુ તેનો ઉપયોગ કે પ્રયોગ સંબંધો જોડવા માટે કરવો જોઈએ.આ સેવાના અભાવે જ પરિવારોને તોડ્યા છે. પરિવારના સભ્યોની વચ્ચે પોતપોતાનાં સુખદુ:ખને વહેંચી લેવાની કે એકબીજાને મદદ કરવાની આંતરિક ઇચ્છાનો અભાવ ઉદ્ભવે છે. આપણે પોતાની સુવિધાઓ માટે ચિંતિત થઈએ છીએ અને પોતાની પારિવારિક સ્થિતિ પ્રમાણે આપણે પોતે સરખી રીતે સજ્જ ન થઈને પોતાની ઇચ્છાપૂર્તિ માટે પરિવારના સભ્યો સાથે વિવાદ કરીને નિરર્થક અશાંતિનું વાતાવરણ સર્જી દઈએ છીએ. પરંતુ પરિવારને જોડવાની આવશ્યકતા છે. આપણે બીજા સભ્યોની સમસ્યાઓને સમજીએ અને એમને મદદ કરવાનો પ્રયાસ કરીએ. આપણામાં રહેલ સેવાપરાયણતાનો અભાવ જ આ પરિસ્થિતિઓનો જનક છે અને સેવાપરાયણતાના માધ્યમથી જ એનું મૂળ સમાધાન સંભવ છે.

સેવા આપણું કર્તવ્ય છે

શિશુ જ્યારથી માતાના ગર્ભમાં હોય છે ત્યારથી જન્મ પછીના સમય સુધી તથા જન્મથી માંડીને પોતે આત્મનિર્ભર બને ત્યાં સુધી તેને પ્રત્યક્ષ રૂપે બીજાંની સેવાની આવશ્યકતા રહે છે. તે આત્મનિર્ભર થાય ત્યાર પછી પણ તેને જીવનપર્યંત અપ્રત્યક્ષરૂપે બીજાંની સેવાની જરૂર પડે છે. વાસ્તવિક રીતે આપણે જીવન ધારણ કરતાં જ સેવા અને માત્ર સેવા જ લીધી છે. હોસ્પિટલમાં ચિકિત્સાની સેવા, શાળા-મહાશાળામાં શિક્ષણની સેવા, આવવા-જવા માટે યાતાયાતની સેવા, જીવન માટે રોટી-કપડાં-મકાનની સેવા, ભિન્ન ભિન્ન સુવિધાઓ માટે વિદ્યુત જેવાં સાધનોની સેવા વગેરેની આપણને જરૂર રહે છે.

આવી તો કેટલીયે સેવાઓ લઈને આપણે પોતાનો જીવનનિર્વાહ કરીએ છીએ. આપણાં માતપિતા કે જેમણે આપણને જન્મ આપીને યથાસંભવ આપણું પાલનપોષણ કર્યું તથા આપણને પગભર બનાવવાનો પ્રયાસ કર્યો, એ માટે એમના ઋણી છીએ. આપણે ઇતિહાસના એ બધા મહાપુરુષોના પણ ઋણી છીએ કે જેમનાં બલિદાનોને લીધે આપણે સ્વતંત્ર રાષ્ટ્રમાં જન્મ લીધો છે. સપૂત અને રાષ્ટ્રના રક્ષક સૈનિકોના પણ ઋણી છીએ. તેઓ પોતાના પ્રાણને સંકટમાં મૂકીને આપણા જીવનને નિષ્કંટક રાખે છે. આ રીતે સેવા મનુષ્યજાતિનું જન્મજાત કર્તવ્ય છે. એટલે જ કોઈપણ વ્યક્તિએ આત્મનિર્ભર બનીને પરિવાર, સમાજ અને રાષ્ટ્રની શક્ય તેટલી સેવા કરવી જોઈએ.                                                         (ક્રમશ:)

Total Views: 289

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.