સમુદ્રમંથન કરતી વખતે જ્યારે હળાહળ વિષ નીકળ્યું ત્યારે તેનાથી ભયભીત દેવતાગણ ભગવાન શંકરનાં શરણમાં આવે છે. એ વખતે ભગવાન દેવી સતીને કહે છે,

सर्वभूतसुहृद् देव इदमाह सतीं प्रियाम् ।

शिव उवाच

अहो बत भवान्येतत् प्रजानां पश्य वैशसम् ।

क्षीरोदमथनोद्भूतात् कालकूटादुपस्थितम् ॥37॥

आसां प्राणपरीप्सूनां विधेयमभयं हि मे ।

एतावान् हि प्रभोरर्थो यद् दीनपरिपालनम् ॥38॥

प्राणै: स्वै: प्राणिन: पान्ति साधव: क्षणभङ्गुरै: ।

बद्धवैरेषु भूतेषु मोहितेष्वात्ममायया ॥39॥

पुंस: कृपयतो भद्रे सर्वात्मा प्रीयते हरि: ।

प्रीते हरौ भगवति प्रीयेऽहं सचराचर:।

तस्मादिदं गरं भुञ्जे प्रजानां स्वस्तिरस्तु मे ॥40॥

(શ્રીમદ્ ભાગવત સ્કંધ – 8.7/37-40)

હે દેવી! આ અત્યંત ખેદની વાત છે. જુઓ તો ખરાં, સમુદ્રમંથનમાંથી નીકળેલ કાલકૂટ વિષને કારણે પ્રજા પર કેટલી મોટી આપત્તિ અને કેટલું મોટું દુ:ખ આવી પડ્યું છેે? આ બધાં બિચારાં ગમે તે રીતે પોતાના પ્રાણની રક્ષા કરવા ઇચ્છે છે. એ સમયે મારું કર્તવ્ય એ છે કે હું એમને દુ:ખમુક્ત કરું, નિર્ભય કરું. જેમની પાસે શક્તિ કે સામર્થ્ય છે, એમના જીવનની સફળતા એમાં જ છે કે તેઓ પોતાના જીવના જોખમે પણ દીનદુ:ખીની રક્ષા કરે. સજ્જન પુરુષ પોતાના ક્ષણભંગુર પ્રાણોનું બલિદાન આપીને પણ બીજાના પ્રાણનું રક્ષણ કરે છે. આ રીતે ભગવાન કાલકૂટ વિષ સર્વના કલ્યાણ અર્થે પીઈ ગયા.

આપણે બધાં ઇચ્છીએ છીએ કે લોકો આપણને ચાહે, માનસન્માન આપે. પણ આ બધું તો ત્યારે જ મળે કે જ્યારે આપણે પણ બીજાંની સેવા કરીએ, એમને ચાહીએ અને માન-આદર આપીએ. એટલે આપણે પોતાના સેવા-કર્તવ્યને નિભાવવું જોઈએ અને તો જ આપણને એની મેળે પ્રેમ-સન્માન મળી રહેશે.

કોઈ આપણી પાસે પરાણે સેવા લે, એ પહેલાં આપણે સેવાનો પ્રારંભ કરી દેવો જોઈએ. સ્વામી વિવેકાનંદ કહે છે, ‘કોઈ પણ વસ્તુ માગો નહીં, બદલામાં કશાની આશા રાખો નહીં. તમારે જે આપવાનું છે તે તમે આપો; તે તમારી પાસે પાછું આવશે, પણ અત્યારે તમે તેના વિશે વિચાર ન કરો. તે હજારગણું થઈને તમારી પાસે પાછું આવશે, પરંતુ તમારું ધ્યાન તેના ઉપર લાગેલું હોવું ન જોઈએ. છતાંય, આપવાની શક્તિ કેળવો; બસ આપો અને ત્યાં જ એની સમાપ્તિ ગણો. આટલું બરાબર શીખી લો કે જીવન આપી દેવા માટે જ છે; પ્રકૃતિ જ તમને એ કરવાની ફરજ પાડશે, માટે સ્વેચ્છાએ આપો. વહેલું મોડું તમારે આપી તો દેવું જ પડશે. તમે જન્મો છો ભેગું કરવા. મુઠ્ઠી ભરી ભરીને તમે એકઠું કરવા ઇચ્છો છો. પરંતુ કુદરત તમારો ટોટો પીસીને તમારી મુઠ્ઠી ખુલ્લી કરાવી નાખે છે. તમારી ઇચ્છા હોય કે ન હોય, પણ તમારે આપી જ દેવું પડે છે. જે ઘડીએ તમે કહો કે ‘હું નહીં આપું,’ એ જ ઘડીએ ફટકો પડે છે અને તમે દુ:ખી થાઓ છો. એવો કોઈ નથી કે જેને લાંબે ગાળે ફરજિયાત બધું છોડવું નહીં પડે. માણસ આ નિયમની વિરુદ્ધ જવા જેટલો વધુ પ્રયત્ન કરે છે તેટલો તે વધુ દુ:ખી થાય છે. આપણામાં આપી દેવાની હિંમત નથી, પ્રકૃતિની આ મહાન માગણીને સ્વીકારવા જેટલા આપણે અનાસક્ત થયા નથી, એ કારણસર જ આપણે દુ:ખી થઈએ છીએ. સૂર્ય, સાગરમાંથી (વરાળ રૂપે) પાણી ખેંચે છે, પણ તે વરસાદરૂપે પાછું આપવા માટે. તમે લેવા અને દેવા માટેનું એક યંત્ર માત્ર છો; તમે લો છો તે પાછું આપવા માટે જ. તેથી બદલામાં કશાની આશા રાખો નહીં. પરંતુ જેમ તમે વધુ આપશો તેમ વધુને વધુ તમે પામશો. આ ઓરડામાંથી હવાને જેટલી ઝપડથી તમે ખાલી કરશો, તેટલી જ ઝડપથી બહારની હવાથી ઓરડો પાછો ભરાઈ જશે. પણ જો તમે બધાં બારીબારણાં અને હવાને અંદર આવવાના નાનામાં નાના માર્ગો પણ બંધ કરી દેશો તો જે હવા અંદર છે તે અંદર જ રહેશે અને બહારની હવા અંદર આવી શકશે નહીં; પણ એથી અંદરની હવા ગોંધાઈ રહેવાથી બંધિયાર થઈને ઝેરી બની જશે. નદી અવિરતપણે મહાસાગરમાં ઠલવાયા કરે છે અને પાછી નિરંતર ભરાયા કરે છે. મહાસાગરમાં જતા માર્ગને બંધ કરો નહીં; જે ક્ષણે તમે તેમ કરશો તે જ ક્ષણે મૃત્યુ તમને ઝડપી લેશે.’ (1.127-28)

વિદ્યા, જ્ઞાન, દોલત, માણસો, તાકાત, વીરતા અને બીજું જે કાંઈ એકઠું કરીને કુદરત આપણને આપે છે, તે બધું જરૂર જણાય ત્યારે સહુમાં વહેંચી આપવા માટે છે. આ હકીકત આપણે ઘણી વાર વીસરી જઈએ છીએ; અને આપણા વિશ્વાસે સોંપેલી થાપણ ઉપર ‘માત્ર મારી’ એવી છાપ મારીને સાથે સાથે આપણા પોતાના જ વિનાશનાં બીજ આપણે રોપીએ છીએ !

સેવા ધર્મ છે

ભગવાન શ્રીરામ ભરતજીએ પૂછેલા એક પ્રશ્નના ઉત્તરમાં કહે છે :

परहित सरिस धरम नहीं भाई ।

परपीडा सम नहीं अधमाई ॥

અર્થાત્ બીજાનું ભલું કરવા જેવો બીજો કોઈ શ્રેષ્ઠ ધર્મ નથી અને બીજાને દુ:ખ દેવા જેવું બીજું કોઈ ઘોર પાપ નથી. જીવનના વિભિન્ન તબક્કે ધર્મ શું છે અને અધર્મ શું છે, એ વિશે ક્યારેક ક્યારેક આપણે દ્વંદ્વમાં પડી જઈએ છીએ. ક્યારેક એવી પરિસ્થિતિ સર્જાય છે કે પોતાના ધર્મનો નિર્ણય કરવા તથા ધર્મમાં પણ પોતાની પ્રાથમિકતા નક્કી કરવી કઠિન બની જાય છે. પરંતુ આપણને શ્રીરામના ઉપર્યુક્ત કથનથી ધર્મની એક સહજ સરળ પરિભાષા સાંપડે છે. દ્વેષને સ્થાને પ્રેમનાં બીજ વાવવાં, દીનદુ:ખીને સહાય કરવી, અસહાયને મદદ કરવી જેવાં કાર્ય ધર્મ છે. સંપ્રદાય કે જાતિજ્ઞાતિના આધારે સમાજમાં ભાગલા પાડનાર પથને ધર્મ ન કહી શકાય. સમાજને જોડનાર ધર્મ જ ધર્મ છે. અને પરહિત અર્થાત્ બીજાની સેવા કરવી એ ધર્મનો પથ છે. કોઈને પીડા કે દુ:ખ પહોંચાડવાં એ અધર્મ છે. જો આપણે સંતો અને મહાપુરુષોના જીવન પર નજર નાખીએ તો આપણને જોવા મળશે કે એ બધાએ પરહિતને પોતાની ઉપાસના બનાવી દીધી હતી. ભગવાન બુદ્ધે ઈશ્વર વિશે કોઈ પુષ્ટિ નથી કરી પરંતુ સેવા અને અહિંસાનો ઉપદેશ આપીને એમણે ધર્મની એક અનોખી વ્યાખ્યા કરી છે. શ્રવણકુમારે પોતાનાં માતપિતાની સેવા કરીને જ પોતાનો ધર્મ સિદ્ધ કરી બતાવ્યો છે. આરુણિ અને ઉપમન્યુ જેવા શિષ્યોએ ગુરુસેવાને જ પોતાનો ધર્મ માની લીધો હતો. છત્રપતિ શિવાજી, મહારાણા પ્રતાપ, રાણી લક્ષ્મીબાઈ જેવાં રાષ્ટ્રભાવનાના રંગે રંગાયેલાં રાજધર્મીઓએ પ્રજાની સેવા અને પ્રજાની સુરક્ષાને પોતાનો ધર્મ બનાવી લીધો હતો. ગુરુ ગોવિંદસિંહ અને ગુરુ તેગબહાદુરે અન્યાયનો જીવના જોખમે પણ પ્રતિકાર કરવા યુદ્ધ કરીને એ જનસેવાને જ ધર્મનું એક અનોખું સ્વરૂપ પ્રદાન કર્યું છે. સતી સાવિત્રી અને મા સીતાએ પતિસેવાને સ્ત્રીઓનો ધર્મ બનાવ્યો છે. સ્વામી વિવેકાનંદ, સ્વામી રામતીર્થ અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર જેવા મહાપુરુષોએ સમાજસેવા-દરિદ્રનારાયણની સેવાને જ પોતાનો ધર્મ પ્રતિપાદિત કર્યો છે. (ક્રમશ:)

Total Views: 293

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.