શ્રીમ. કોમળ, પ્રેમાળ અને કવિહૃદયની પ્રકૃતિ ધરાવતા હતા, છતાં પણ તેમનું મન ગુણદોષ જોનારું હતું. જ્યારે નસીબે એમની સામે પોતાના કુટુંબજીવનની નાશવંતતા અને ક્ષુલ્લકતા પ્રગટ કરી ત્યારે જેમ ડૂબતો માનવ પાણીમાં હવા માટે ધલવલે એમ શાંતિનો માર્ગ તેઓ ઝંખવા લાગ્યા. મરણિયા થઈને તેઓ શાંતિ શોધવા લાગ્યા. આ શાંતિ માનવજીવનનું અગત્યનું પાસું છે. આ સમય દરમિયાન શ્રીમ.એ કેશવચંદ્ર સેનને પોતાના આદર્શ બનાવ્યા. બ્રાહ્મોસમાજમાં કેશવનાં વક્તવ્યો સાંભળવાનું શરૂ કર્યું. એમનાં ઊર્મિશીલ ઉપદેશો અને લાગણીભરી પ્રાર્થનાઓએ તેમને ખૂબ પ્રેર્યા. પાછળથી તેમણે આ બાબતની નોંધ લેતાં લખ્યું હતું : ‘હું તેમના તરફ ખૂબ આકર્ષાયો હતો. એ વખતે તેઓ (કેશવચંદ્ર સેન) પોતાના અનુયાયીઓ સાથે શ્રીરામકૃષ્ણની મુલાકાતે જતા અને શ્રીઠાકુરનું નામ લીધા વગર તેઓ તેમના ઉપદેશ અને અમર સંદેશની વાતો કરતા હતા. હું કેશવચંદ્રને ઈશ્વર જેવા માનતો.’ 1875ના માર્ચમાં કેશવચંદ્ર સેને પ્રથમ વખત ‘ઇન્ડિયન મિરર’માં શ્રીરામકૃષ્ણ વિશે લખ્યું હતું. એ જ વર્ષે એમણે શ્રીઠાકુર વિશે વિગતવાર લખાણ ‘ધર્મતત્ત્વ’માં લખ્યું.

જુદા જુદા ધર્મોનાં સાહિત્યનું અધ્યયન કરીને શ્રીમ. પોતાની માતાના મૃત્યુના દુ:ખને ભૂલવાનો અને પોતાના કુટુંબની મુશ્કેલીઓમાંથી છૂટવાનો પ્રયત્ન કરતા હતા. તેમણે ઉપનિષદ અને ભગવદ્ ગીતા, ભાગવત અને બીજાં પુરાણો, તંત્રવિદ્યાના શાસ્ત્રગ્રંથો અને ભારતીય દર્શનશાસ્ત્રના પાયાનાં પુસ્તકોનો અભ્યાસ કર્યો. તેમણે આયુર્વેદ, ખગોળશાસ્ત્ર ઉપરાંત પશ્ચિમના દર્શનશાસ્ત્રનું સારું એવું જ્ઞાન મેળવ્યું.

તેઓ શ્રીરામકૃષ્ણને 1882ના પ્રારંભમાં મળ્યા તે પહેલાં તેમને ચાર સંતાનો-ત્રણ પુત્રો અને એક પુત્રી હતાં. ત્યાર પછી તેઓ અન્ય ત્રણ પુત્રીના પિતા બન્યા.  બાહ્ય રીતે શ્રીમ. ગૃહસ્થ હતા, પરંતુ અંતરથી તેઓ ઈશ્વર પ્રત્યેની ઉત્કટ ભક્તિવાળા અને એક સંન્યાસીની જેમ સંસાર પ્રત્યે વૈરાગી ભાવવાળા હતા. ક્યારેક કયારેક તેઓ રાત્રે ઊઠી જતા અને પોતાની પથારી ઉપાડીને, ઘર છોડીને કોલકાતા યુનિવર્સિટીના સેનેટ હોલમાં બીજા ઘરબાર વિહોણા લોકો સાથે ખુલ્લા વરંડામાં સૂતા. કોઈક એમને પૂછતું કે તમે આમ શા માટે કરો છો? ત્યારે તેઓ કહેતા, ‘ઘર અને કુટુંબના વિચારો કોઈપણ વ્યક્તિના મનમાં એવા વળગી રહે છે કે તેને ત્યજવા સરળ નથી.’

કોઈપણ પક્ષીને પાંજરામાં પૂરી રાખવું અને સિંહને પ્રાણીઘરમાં ગોંધી રાખવો મુશ્કેલ છે. શ્રીમ. પોતાની જાતને મુશ્કેલીજનક કુટુંબજીવનના બંધનથી મુક્ત કરવા મથતા હતા. 18 ફેબ્રુઆરી, 1882 અને શનિવારની  રાત્રે દસ વાગ્યે શ્રીમ. એ ઘર છોડવાનો નિર્ણય કર્યો. શ્રીમ.નાં પત્નીને પોતાના પતિની માનસિક પરિસ્થિતિનો ખ્યાલ આવી ગયો અને આવી કટોકટીની પળે તે તેમને એકલા છોડવા માગતાં ન હતાં. તેઓ છાનાંમાનાં તેમની સંગાથે શેરીમાં નીકળ્યાં. બંનેએ વધારાનાં વસ્ત્રો કે બીજી કોઈ સામ્રગી લીધા વિના ઘર છોડ્યું અને શ્રીમ.એ પોતાની ડાયરી પણ ન લીધી. તેમના મનમાં એવી ધમાચકડી મચી હતી કે એમને પોતાની ડાયરીમાં આ વિશે લખવાનો વિચાર પણ ન આવ્યો. અલબત્ત, થોડા દિવસો પછી વરાહનગરમાં પોતાનાં બહેનના ઘરે આવ્યા પછી તેમણે છૂટા કાગળ પર કેટલીક નોંધ લખવાનું શરૂ કર્યું :

18મી ફેબ્રુ., શનિવાર, 1882 – કુટુંબ સાથે વરાહનગર જવા ઘર છોડવાની મને ફરજ પડી.

19મી ફેબ્રુ. ’82, રવિવાર – શ્રીઠાકુરનો જન્મતિથિ ઉત્સવ રામ અને સુરેશે ઊજવ્યો. (હું હાજર ન હતો.)

23મી ફેબ્રુ. ’82, ગુરુવાર – કૂક અને કેશવ સાથે સ્ટીમર પર.

26મી ફેબ્રુ. ’82, રવિવાર – (?) આ દિવસે હું પ્રથમ વખત શ્રી ઠાકુરને મળ્યો.

4થી માર્ચ, ’82 – શનિવાર – દોલયાત્રા.

11મી અને 12મી માર્ચ, ’82 – શનિવાર અને રવિવાર – 5દવીદાન સમારંભ.

19મી માર્ચ, ’82 – રવિવાર – અમાવાસ્યા – પિતાજી પાસે ઘરે પાછા ફર્યા.

આ નોંધમાં એ તારીખની નોંધ છે કે જ્યારે શ્રી મ. એ ઘર છોડ્યું અને પહેલી વખત શ્રીરામકૃષ્ણને મળ્યા.

19 માર્ચ, 1882ના રોજ પોતાના ઘરે પાછા ફરીને તેમણે પોતાની ડાયરીમાં શ્રીઠાકુર સાથેની મુલાકાતોની વિગતો લખવાનું શરૂ કર્યું.

પહેલા શ્રીમ. એ એવું નોધ્યું હતું કે એમની શ્રીઠાકુર સાથેની પહેલી મુલાકાત માર્ચ, 1882માં થઈ હતી, પરંતુ પછીથી એમણે ફેરફાર કરીને આમ લખ્યું, ‘26 ફેબ્રુઆરી, રવિવાર’ 1882. અલબત્ત શ્રીમ. પોતાનાં બહેન સાથે વરાહનગરમાં એક મહિનો રહ્યા હતા અને એવું પણ લાગે છે કે તેમણે એ સમય દરમિયાન પોતાની શાળાનું કામકાજ ચાલુ રાખ્યું હતું. શ્રીઠાકુરનો જન્મ દિવસ 19 ફેબ્રુઆરીએ આવતો હતો અને એમની નોંધ પ્રમાણે તેઓ હાજર ન હતા. એટલે તેઓ શ્રીઠાકુરને પછીના રવિવારે 26 ફેબ્રુઆરી 1882ના રોજ મળ્યા હશે.

શ્રીમ. પછીથી પોતાની અતિ નિરાશાભરી અવસ્થાને યાદ કરીને લખે છે :

‘એ સમયે હું મારા પિતા અને ભાઈઓ સાથે ઘરમાં રહી શકું તેમ નથી. જો કે મેં તેમની ઉત્તમ સેવા કરવાનો પ્રયત્ન કર્યો, પણ તેમણે મારા પ્રત્યે અવમાનના દાખવી. હવે વધારે વખત મનની આ પીડાને સહન કરવી શક્ય ન હતી તેથી મેં ઘર છોડવાનો અને આપઘાત કરવાનો નિર્ણય કર્યો. એક રાત્રે દસ વાગ્યે મેં મારી પત્ની સાથે ભાડાની ઘોડાગાડીમાં બેસીને ઘર છોડ્યું. મેં ઘોડાગાડીવાળાને અમને વરાહનગર લઈ જવા કહ્યું. ત્યાં મારાં બહેન રહેતાં હતાં, પરંતુ રસ્તામાં શ્યામબજાર નજીક ઘોડાગાડીનું એક પૈડું નીકળી ગયું. પછી અમે અમારા મિત્રના ઘરે ગયા, ત્યાં અમને ઠંડો આવકાર મળ્યો. એને એમ લાગ્યું કે અમે એના ઘરે રાતવાસો કરીશું. અંતે મને બીજી ઘોડાગાડી મળી અને મધરાત્રે અમે વરાહનગર પહોંચ્યાં.

બીજે દિવસે બપોર પછી (ખરેખર રવિવાર, 26 ફેબ્રુઆરી 1882) હું મારા ભાણેજ સિધુ સાથે ફરવા નીકળ્યો. અમે ગંગાના કિનારે ઘણા બગીચાની મુલાકાત લીધી. થાકીને અને હતાશાને લીધે હું એક બગીચામાં બેઠો પછી સિધુએ કહ્યું, ‘મામા, ચાલો આપણે રાસમણિના બગીચામાં જઈએ, ત્યાં એક પવિત્ર માણસ રહે છે.’ દક્ષિણેશ્ર્વરના ઉદ્યાનમંદિરના મુખ્ય દરવાજેથી અમે પ્રવેશ્યા. સૂર્યાસ્ત પહેલાંનો અડધા કલાક પૂર્વેનો સમય હતો.

કવિહૃદય હોવાને કારણે સુંદર પુષ્પોદ્યાનને લીધે હું ઘણો મુગ્ધ થયો. મેં થોડાં ફૂલ લીધાં અને તેની સુગંધથી મેં અહોભાવ અનુભવ્યો. થોડા સમય પછી અમે શ્રીરામકૃષ્ણના ઓરડામાં પ્રવેશ્યા.

શ્રીઠાકુર નાની પાટ પર બેઠા હતા અને ભક્તો નીચે જમીન પર બેઠા હતા. હું એમાંના કોઈને ઓળખતો ન હતો. શ્રીઠાકુરના મુખેથી મેં પ્રથમવાર આ વાત સાંભળી, ‘જ્યારે પ્રભુનું નામ એક વખત પણ સાંભળીને, તમારી આંખમાં આંસુ આવે અને તમારાં રોમેરોમ ઊભાં થઈ જાય ત્યારે તમારે એટલું ચોક્કસપણે સમજી લેવું જોઈએ કે તમારે હવે વધારે કર્મો કરવાનાં નથી.’       (ક્રમશ:)

Total Views: 403

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.