સમાજનું ધરમૂળથી પરિવર્તન કરવાની જરૂર છે, તેવા ભારતના સુશિક્ષિત વર્ગના વિચારની સાથે હું સંમત છું. પણ તે કરવું કેવી રીતે ? સુધારકોની ખંડનાત્મક યોજનાઓ નિષ્ફળ ગઈ છે. મારી યોજના આ છે. ભૂતકાળમાં આપણે જે કાંઈ કર્યું છે તે ખરાબ નથી, બેશક ખરાબ નથી. આપણો  સમાજ ખરાબ નહીં પણ સારો છે; માત્ર મારે તેને વધારે સારો બનાવવો છે. અસત્યમાંથી સત્યમાં નહીં, ખરાબમાંથી સારામાં નહીં, પણ સત્યમાંથી ઊંચા સત્યમાં, સારામાંથી વધારે સારામાં, શ્રેષ્ઠમાં જવાનું છે. મારા દેશબંધુઓને હું કહું છું કે તેમણે અત્યાર સુધી સારું કર્યું છે; હવે તેથીયે વધારે સારું કરવાનો સમય આવ્યો છે.

આ મારી રીત છે : હિંદુઓને બતાવવાનું કે તેમણે કંઈ છોડી દેવાનું નથી; માત્ર સૈકાઓની ગુલામીથી થયેલી નિષ્ક્રિયતાને હઠાવી ઋષિઓએ બતાવેલા માર્ગે આગળ વધવાનું છે.મુસલમાની જુલમોના સમયમાં આપણે આગળ ધપતાં અટકવું પડ્યું, કારણ કે તે વખત પ્રગતિનો  નહીં પણ જીવન-મરણનો પ્રશ્ન હતો. તે દબાણ ચાલ્યુ ગયું છે, તેથી આપણે આગળ વધવું જોઈએ. પણ તે વટલાયેલાઓ અને પાદરીઓએ બતાવેલા વિઘાતક માર્ગે નહીં પરંતુ આપણા પોતાના માર્ગે વધવું જોઈએ. ઇમારત અપૂર્ણ છે એટલે બધુંય ભયંકર લાગે છે. સૈકાંઓના જુલમ દરમિયાન આપણે બાંધકામ બંધ કરવું પડ્યું હતું. હવે ઇમારત બાંધવાનું પૂરું કરો એટલે દરેક પોતપોતાને સ્થાને સુંદર દેખાશે. આ મારી આખી યોજના છે. મને તેમાં પૂરેપૂરી શ્રદ્ધા છે. દરેક પ્રજાને જીવનનો મુખ્ય પ્રવાહ હોય છે; ભારતમાં તે ધર્મ છે, તેને પ્રબળ બનાવો એટલે આજુબાજુનાં જળ તેની સાથે વહેશે. મારા વિચારપ્રવાહની આ એક ધારા છે. સમય જતાં હું તે આખીને મૂર્તસ્વરૂપ આપવાની આશા રાખું છું. પણ હાલ તો મને એમ લાગે છે કે મારે માટે આ દેશમાં પણ એક કર્તવ્ય છે. વળી આ દેશમાંથી-અને માત્ર અહીંથી જ હું મદદની આશા રાખું છું. જો કે આજની ઘડી સુધી તો મારા વિચારોનો પ્રચાર કરવા ઉપરાંત હું કંઈ કરી શક્યો નથી અને આવો પ્રયાસ ભારતમાં કરવામાં આવે તેમ હું ઇચ્છું છું.

હું ભારત ક્યારે પાછો જઈશ એની મને ખબર નથી. હું તો પ્રભુની દોરવણીએ ચાલું છું. હું એમના હાથમાં છું.

‘આ દુનિયામાં સમૃદ્ધિની કે સંપત્તિની શોધમાં

હે પ્રભુ ! તું જ મને મળેલું શ્રેષ્ઠ રત્ન છે.

હું મારી જાતને તારાં ચરણોમાં સમર્પું છું.’

‘હું કોઈના પ્રેમની શોધમાં હતો.

હે પ્રભુ ! તું જ મને એ પ્રેમીરૂપે મળ્યો છે.

હું મારી જાતને તારાં ચરણોમાં સમર્પું છું.’

(યજુર્વેદ સંહિતા)

પ્રભુ ! તમે હંમેશાં ને હંમેશાં આશીર્વાદ આપતા રહો !

(સ્વા.વિ.ગ્રંથમાળા, 6-377,379)

Total Views: 332

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.