હવે પછીના દૃશ્યમાં પોતાનો અહં શ્રીરામકૃષ્ણે કેવી રીતે ઉતાર્યો, તેની વિગત શ્રી મ. આપે છે. આ બતાવે છે કે શ્રી મ. કેટલા પ્રામાણિક હતા, કારણ કે મોટા ભાગના લોકો આવાં સ્વમાનભંગ કરતાં કથનો છુપાવવાનો પ્રયત્ન કરતા હોય છે. શ્રીરામકૃષ્ણે (શ્રી મ.ને) પૂછ્યું, ‘તમારાં લગ્ન થયાં છે?’ શ્રી મ.નો હકારમાં જવાબ સાંભળીને શ્રીરામકૃષ્ણ આશ્ચર્ય સાથે બોલી ઊઠ્યા, ‘અરે, રામલાલ! (રામલાલ શ્રીઠાકુરના મોટાભાઈના પુત્ર હતા.) જો, આણે લગ્ન પણ કરી નાખ્યાં છે. ભગવાન તેમને સહાય કરો.’

શ્રી મ.એ વિચાર્યું, ‘શું લગ્ન કરવાં એ એટલી બધી ખરાબ વાત છે ?

શ્રીઠાકુરે વળી પૂછ્યું, ‘તમારે કંઈ છોકરાં થયાં છે?’

શ્રી મ. એ કહ્યું, ‘જી, છોકરાં પણ છે.’

શ્રીઠાકુરે દુ:ખી થઈને કહ્યું, ‘હેં! છોકરાં પણ થઈ ગયાં છે!’ આ સાંભળીને શ્રી મ.ના અહં પર જાણે કે કુઠારાઘાત થયો.

શ્રીઠાકુર એ સાંભળીને દુ:ખી થયા કે શ્રી મ. કુટુંબ, પત્ની અને બાળકોના બંધનમાં બંધાયેલા હતા. તેઓ શ્રી મ.ની સાચી પ્રકૃતિને જાણી ગયા. પ્રેમથી શ્રી મ.ના ચહેરા પર જોઈને શ્રીઠાકુરે કહ્યું, ‘જુઓ, તમારાં ચિહ્નો સારાં છે. હું કપાળ, આંખ એ બધું જોઈને સમજી શકું છું. જે યોગીઓએ પૂર્વજન્મમાં પોતાનું જીવન ઈશ્વર સાથે ગાળ્યું હોય તેમની આંખો જુદી જ દેખાય છે. કેટલાકની બાબતોમાં તો એવું લાગે છે કે જાણે એમણે હમણાં જ દિવ્ય ધ્યાનાવસ્થા છોડી છે.’

પછી શ્રીઠાકુરે પૂછ્યું, ‘વારુ, તમારી પત્ની કેવી છે? વિદ્યાશકિત કે અવિદ્યાશક્તિ?’

શ્રી મ.,‘જી ઠીક છે. પણ તે અજ્ઞાની છે.’

શ્રીઠાકુરે (દેખીતા અણગમા સાથે) કહ્યું, ‘અને તમે જ્ઞાની!’ જ્યારે શ્રીઠાકુરે આવું આશ્ચર્ય વ્યક્ત કર્યું, ત્યારે શ્રી મ.ના અહંને એકાદ સેક્ધડ માટે ઘણો મોટો આઘાત લાગ્યો. તેમને શ્રીઠાકુર પાસેથી આટલું સમજાયું કે ઈશ્વરને જાણવા એ જ્ઞાન કહેવાય અને તેમને ન જાણવા એ અજ્ઞાન. આ પહેલાં તેઓ એમ માનતા હતા કે કોઈપણ વ્યકિત જ્ઞાન તો પુસ્તકો અને વિદ્યાલયોમાંથી મેળવી શકે.

શ્રીઠાકુરે પૂછ્યું, ‘વારુ, તમારી ‘સાકાર’માં શ્રદ્ધા કે ‘નિરાકાર’માં?’

થોડી નવાઈ પામીને શ્રી મ. પોતાના મનમાં વિચાર કરવા લાગ્યા, ‘સાકારમાં શ્રદ્ધા હોય તો શું નિરાકારમાં શ્રદ્ધા બેસે? વળી, ઈશ્વર નિરાકાર છે, એવી શ્રદ્ધા હોય તો પછી ઈશ્વર સાકાર છે, શું એવી શ્રદ્ધા બેસી શકે? અને બંને વિરોધી અવસ્થાઓ સાચી હોઈ શકે? ધોળી ચીજ  જેવું દૂધ, તે શું કાળું હોઈ શકે?’

શ્રી મ., ‘જી, નિરાકાર. મને તે સારું લાગે.’

શ્રીરામકૃષ્ણ, ‘તે મજાનું. એકમાં શ્રદ્ધા હોય તો બસ. નિરાકારમાં શ્રદ્ધા, એ તો સારું. પરંતુ એવી ભાવના રાખવી નહીં કે માત્ર એ જ સાચું, બીજું બધું ખોટું. એટલું યાદ રાખજો કે નિરાકાર પણ સાચું તેમ જ સાકાર પણ સાચું. તમને જેમાં શ્રદ્ધા હેાય તેને પકડી રાખજો.

બંને સાચાં તે વાત ઉપરા ઉપરી સાંભળીને માસ્ટરને નવાઈ લાગી. કારણ કે એરિસ્ટોટલના તર્કે એમને એ શીખવ્યું છે કે ‘હા એટલે અસ્તિ એટલે હંમેશાં અસ્તિ અને ના એટલે ન અસ્તિ.’ તેમણે પોતાનાં પુસ્તકોમાંથી આવો સાચો બોધપાઠ મેળવ્યો ન હતો. આમ એમના અહંકાર પર આ ત્રીજો આઘાત થયો, પણ તેનો સંપૂર્ણ ચૂરો થયો ન હતો એટલે તેઓ શ્રીઠાકુર સાથે વધુ દલીલ કરવા તૈયાર થયા. મૂર્તિપૂજાને માત્ર પ્રતિમાપૂજા જ માનનારા બ્રાહ્મોસમાજની શ્રી મ. પર ઘણી અસર હતી.

શ્રી મ.એ પૂછ્યું, ‘જી, ઈશ્વર સાકાર છે, એ શ્રદ્ધા તો જાણે કે બેઠી; પણ માટીની પ્રતિમા તો ઈશ્વર નથી ને?’

શ્રીરામકૃષ્ણે (વચ્ચેથી અટકાવીને) કહ્યું, ‘માટીની શા માટે? એ તો ચિન્મય પ્રતિમા છે.’

‘ચિન્મય પ્રતિમા’ એટલે શું તેઓ તે સમજી શક્યા નહીં. તેમણે કહ્યું, ‘વારુ, જેઓ માટીની પ્રતિમાની પૂજા કરે તેમને તો આપણે સમજાવી દેવું જોઈએ ને કે માટીની પ્રતિમા એ ઈશ્વર નથી અને એ પણ સમજાવી દેવું જોઈએ કે પ્રતિમાપૂજા કરતી વખતે એમની સામે ઈશ્વર જ હોવા જોઈએ, માટીની મૂર્તિ નહીં. કોઈ માટીની મૂર્તિની પૂજા કરવી ન જોઈએ.’

શ્રીરામકૃષ્ણે (નાખુશ થઈને) કહ્યું, ‘તમારા કોલકાતાના લોકોમાં આ એક ટેવ છે કે કેવળ લેકચર આપવું, અને બીજાને સમજાવી દેવું! પોતાને કોણ સમજાવે એનું ઠેકાણું નહીં! સમજાવનારા તમે કોણ? જેનું જગત છે તે જ સમજાવે. જેણે આ જગત સર્જ્યું છે; ચંદ્ર, સૂર્ય, માણસ, જીવ-જંતુ બનાવ્યાં છે; જીવ-જંતુઓના ખાવાપીવાની વ્યવસ્થા કરી છે… તે સમજાવશે. એ તો અંતર્યામી છે. અગર આ માટીની પ્રતિમાની પૂજા કરવામાં કંઈ ભૂલ થતી હોય તો શું તેઓ એ જાણતા નથી કે એ તેમની જ પૂજા થાય છે? તે પૂજાથી જ તેઓ સંતોષ માનશે. એને માટે તમને આટલી બધી માથાકૂટ શા માટે ? તમને પોતાને જેનાથી જ્ઞાન મળે, ભક્તિ મળે તેનો પ્રયાસ કરો ને.’

આ વખતે શ્રી મ.એ અનુભવ્યું કે એમનો અહં સંપૂર્ણપણે ભાંગીને ભુક્કો થઈ ગયો છે. તેમના વિશ્ર્લેષણાત્મક મને હવે સ્વીકાર્યું કે શ્રીઠાકુરે સત્ય જ કહ્યું છે. એમણે પોતાની નોંધપોથીમાં નોંધ્યું છે કે આ તેમની શ્રીઠાકુર સાથેની પહેલી દલીલ હતી અને સુખદ વાત તો એ છે કે તે છેલ્લી જ રહી.

જો વાંસળી સાવ પોલી ન હોય તો વાંસળીવાદક એમાંથી સંગીત નિપજાવી શકતો નથી. એવી જ રીતે જ્યાં સુધી વ્યક્તિમાં અહંભાવ હોય ત્યાં સુધી તેના દ્વારા ઈશ્વર પોતાનો સંદેશ પ્રસરાવી શકતો નથી. આ જ  કારણે શ્રીઠાકુરે શ્રી મ.નો કાચો અહં સમૂળ દૂર કર્યો.

શ્રી મ.એ બીજી મુલાકાત વખતે શ્રીરામકૃષ્ણને માનવજીવન વિશેના ચાર મહત્ત્વના પ્રશ્ન પૂછ્યા. શ્રીઠાકુરના એ જવાબ વિશે કોઈ ટીકા-ટિપ્પણની જરૂર નથી. કોઈપણ વાચક એટલું જોઈ શકે છે કે શ્રીઠાકુરે પોતાના ઉપદેશમાં બોધકથાઓ, પ્રતીકો, ગીતો, વાર્તાઓ, લોકપ્રણાલીઓ, પુરાણકથાઓ, વૈજ્ઞાનિક તર્ક, ગૃહસ્થોના દૈનંદિનજીવનનાં ઉદાહરણો, વળી પ્રકૃતિનાં તેમજ પ્રાણીઓ અને માનવનાં વર્તન વલણનાં ઉદાહરણોને વણી લીધાં છે. એમણે ભાગ્યે જ શાસ્ત્રગ્રંથોમાંથી ઉદ્ધરણ ટાંક્યાં હતાં. તેમણે પોતાના વ્યક્તિગત અનુભવોમાંથી આધ્યાત્મિક જીવનનાં ગહન સત્યોને અત્યંત સરળ રીતે સમજાવ્યાં છે. આનાથી શ્રીમ. મુગ્ધ બની ગયા. તેઓ આ પહેલાં આવા કોઈ માનવને મળ્યા ન હતા.

શ્રી મ.એ પૂછ્યું, ‘ઈશ્વરમાં મન કેવી રીતે જાય?’

શ્રીરામકૃષ્ણે કહ્યું, ‘ઈશ્વરનાં નામ, ગુણગાન, કીર્તન અને સત્સંગ હંમેશાં કરવાં જોઈએ. ઈશ્વરના ભક્ત કે પાવન વ્યક્તિને અવારનવાર મળવું જોઈએ. સંસાર અને વ્યવહારમાં રાતદિવસ રહેવાથી ઈશ્વરમાં મન ન જાય. વચ્ચે વચ્ચે એકાંતમાં જઈને ઈશ્વરનું ચિંતન કરવાની બહુ જરૂર છે. શરૂઆતમાં એકાંતમાં ન જઈએ તો ઈશ્વરમાં મન લગાડવું કઠિન છે. રોપ નાનો હોય ત્યારે તેની ચારે બાજુએ વાડ કરી લેવી જોઈએ. વાડ ન કરીએ તો ગાયબકરાં ખાઈ જાય.

ધ્યાન કરવું મનમાં, ખૂણામાં કે વનમાં. હંમેશાં સત્ અસત્નો વિચાર કરવો. ઈશ્વર એટલે નિત્ય વસ્તુ. બાકીનું બીજું બધું અસત્ એટલે અનિત્ય. એવી રીતે વિચાર કરતાં કરતાં અનિત્ય વસ્તુનો મનમાંથી ત્યાગ કરવો.’                                                                     (ક્રમશ:)

Total Views: 393

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.