શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની ગ્રીષ્મ સંસ્કાર શિબિરમાં યોજાયેલ માતૃપિતૃ વંદના

તાજેતરમાં દર વર્ષની જેમ ઉનાળુ વેકેશનમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા વિવેક હાૅલમાં તા.૬ થી ૨૬ મે, ૨૦૧૯ દરમિયાન બે બાળ સંસ્કાર શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું. મા શારદા સંસ્કાર શિબિરનો સમય- ધોરણ ૪ થી ૮નાં બાળકો માટે સવારે ૯ થી ૧૧નો હતો. સ્વામી વિવેકાનંદ સંસ્કાર શિબિરનો સમય સાંજે ૬ થી ૭ :૩૦નો હતો. એમાં ધોરણ ૧ થી ૩નાં બાળકોએ ભાગ લીધો હતો. બન્ને શિબિરોમાં કુલ ૩૮૦ બાળકોએ ભાગ લીધો હતો. સોમવારથી શનિવાર દરમિયાન ચાલતી આ શિબિરોમાં મુખ્યત્વે પ્રાર્થના, ભજન, યોગ, ધ્યાન, વાર્તાકથન, રમતો, માનસિક રમતગમત, સ્વાસ્થ્ય સભાનતા, પર્યાવરણીય સભાનતા, મૂલ્ય આધારિત ઓડિયો વિÈયુઅલ ફિલ્મ, ચર્ચાવિચારણા, આશ્રમના સંન્યાસીઓ સાથે વાર્તાલાપ જેવા કાર્યક્રમો યોજાયા હતા. આશ્રમના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદ સાથેની પ્રશ્નોત્તરીના આ કાર્યક્રમમાં બાળકોએ સક્રિય રસ લીધો હતો. દરરોજ બાળકોને અલ્પાહાર આપવામાં આવતો હતો. શિબિરના અંતે દરેકને મૂલ્યલક્ષી કેળવણીનાં પુસ્તકો ભેટરૂપે આપવામાં આવ્યાં હતાં. સંસ્કાર શિબિરના સમાપન કાર્યક્રમમાં ‘માતૃપિતૃ વંદના’નું આયોજન થયું હતું. આ કાર્યક્રમમાં બાળકોએ માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવની અનન્ય ભાવના સાથે પોતાનાં માતપિતાની જીવિત દેવતાના રૂપમાં પૂજા કરી હતી. માતૃપિતૃ વંદનાના કાર્યક્રમમાં માતપિતાની આંખો ભીની થઈ અને તેઓ પોતાનાં સંતાનોને પ્રેમથી ભેટી પડ્યાં હતાં. આ ભાવુકદૃશ્ય નિહાળીને બધાં મુગ્ધ બની ગયાં હતાં. આશ્રમના સંન્યાસીઓ, ભક્તો અને સ્વયંસેવકોએ સમગ્ર પ્રવૃત્તિઓનું સંચાલન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમના મુખ્ય સંયોજક સ્વામી વેદનિષ્ઠાનંદ હતા.

આ શિબિરને સાર્વત્રિક હકારાત્મક પ્રતિભાવ સાંપડ્યો. આવા કાર્યક્રમો સતત યોજાતા રહે એવાં સૂચનો પણ થયાં. સંસ્કાર-સંપોષણ દ્વારા બાળકે પોતાના મન-મસ્તિષ્કના સમાન વિકાસ સાથે સમગ્રતયા વિકસિત થવાનું છે. આ જ કારણોસર આવી શિબિરો યોજવામાં આવે છે.

રામકૃષ્ણ મિશન, પોરબંદરની ગ્રીષ્મ સંસ્કાર શિબિરનો સમાપન સમારોહ

રામકૃષ્ણ મિશન, પોરબંદર દ્વારા સંચાલિત ગ્રીષ્મ બાલ સંસ્કાર શિબિરનો સમાપન સમારંભ અહીંના વિવેક હાૅલમાં તા. ૪ થી ૯ મે, ૨૦૧૯, ૬ દિવસ સુધી યોજાયો હતો. ધોરણ ૪ થી ૯ સુધીનાં બાળકો માટે યોજાયેલ આ શિબિરમાં નોંધાયેલ ૧૨૦ માંથી ૯૦ બાળકોએ ભાગ લીધો હતો. સમાપન સમારંભ દરરોજ સાંજના ૫ થી ૭ :૩૦ દરમિયાન યોજાતો રહ્યો. આ સમારંભમાં બાળકોએ પોતપોતાની રીતે તૈયાર કરેલ નાટક, ચિત્રકામ, ભજન-ગીત વગેરે રજૂ કર્યાં હતાં. સમગ્ર તાલીમકાળ દરમિયાન અને સમાપન સમારંભમાં સંસ્થાના સચિવ સ્વામી આત્મદિપાનંદજી, જાણીતાં કેળવણીકાર અને લેખિકા જ્યોતિબહેન થાનકી, શિક્ષકો અને પ્રશિક્ષકોએ પોતપોતાનાં પ્રવચનો આપ્યાં હતાં. સમાપન સમારંભમાં ડૉ. સુરેશ ગાંધીએ ઉપસ્થિત રહીને બાળકોને સંબોધ્યાં હતાં. આ બાળકોને શિબિર દરમિયાન વૈદિક મંત્ર, શ્રીમદ્ ભગવદ્ગીતા પારાયણ, ભજન, વૈદિક ગણિત, શાસ્ત્રીય નૃત્ય, નાટક, વાર્તાકથન, ચિત્રકામ, યોગાસન, વ્યાયામ, દોરીકૂદ અને અન્ય રમતોનું શિક્ષણ અપાયું હતું. આ ગ્રીષ્મ શિબિર સવારે ૮ :૩૦ થી ૧૧ :૩૦ સુધી ચાલતી. બાળકોને સ્વચ્છતા અને આરોગ્યની જાળવણી વિશે નિષ્ણાતોએ ઘટનાઓ સાથે વાતો કરી હતી. શિબિરાર્થીઓએ ભગિની નિવેદિતા, મીરાબાઈ, નરેન અને ઠાકુરના મિલનના નાટ્યપ્રયોગો રજૂ કર્યા હતા. અંતિમ દિવસે બાળકોને બાળસુલભ પુસ્તકો, શ્રીઠાકુર, શ્રીમા અને સ્વામીજીના ફોટા ભેટરૂપે અપાયાં હતાં.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ‘વાયુ’ વાવાઝોડા રાહતકાર્ય

૧૨મી જૂનથી સૌરાષ્ટ્રના દરિયા કિનારે ‘વાયુ’ વાવાઝોડાની ત્રાટકવાની જાહેરાત થઈ. ગુજરાતના ૧૦ જિલ્લાના લાખો લોકોને સલામત સ્થળે સ્થળાંતરિત કરાયા હતા. આ બધા લોકોને સહાયરૂપ થવા શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા કચ્છ, મોરબી, જામનગર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લાના સ્થળાંતરિત લોકોમાં ૫૩૦૦ ફૂડ પેકેટનું વિતરણ કાર્ય થયું હતું.

રામકૃષ્ણ મિશન, પોરબંદરની ‘વાયુ’ વાવાઝોડા રાહતકાર્ય

રામકૃષ્ણ મિશન, પોરબંદર દ્વારા જિલ્લા કલેક્ટરશ્રીની સૂચના મુજબ ‘વાયુ’ વાવાઝોડાથી અસરગ્રસ્ત લોકોમાં ૧૨૦૦ ફુડપેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

નેત્રચિકિત્સા સેવા

તા.૧૪-૦૬-૨૦૧૯ અને શુક્રવારે સંસ્થાના પટાંગણમાં ૬૨ દર્દીઓની વિનામૂલ્યે નેત્રચકાસણી થઈ હતી. તેમાંથી ૪૧ દર્દીઓના મોતિયાનાં ઓપરેશન ડૉ. કે.એ.ગજેરાની ઓજસ આઈ હોસ્પિટલમાં વિનામૂલ્યે થયાં હતાં.

Total Views: 324

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.