કોરોના વાયરસને લીધે જે પરિસ્થિતિ સર્જાઈ છે એમાં આપણું શું કર્તવ્ય છે તેના વિશે થોડી વાતો કરવાની છે. સૌથી પહેલી વાત તો, સ્વાસ્થ્ય વિભાગ દ્વારા અને સરકાર દ્વારા જે સૂચનાઓ આપવામાં આવી છે, એ બધાનું આપણે અક્ષરશ : પાલન કરવું જોઈએ. જેમ કે વારંવાર સાબુથી હાથ ધોવા, મોટો મેળાવડો ન કરવો, હસ્તધૂનન કરવાને બદલે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે નમસ્તે કરવું, લોકોની સાથે વાત કરતી વખતે ઓછામાં ઓછું એક ફૂટનું અંતર રાખવું. એક પ્રબુદ્ધ નાગરિક તરીકે આ બધી તકેદારી રાખીશું તો જ આપણે એક મહાન સંકટના ભયમાંથી મુક્ત થઈ શકીશું .

કોઈ વિપત્તિ જ્યારે આવે છે, ત્યારે એ સંદેશ આપે છે, જેમ કે અત્યારે જે વિપત્તિ આવી છે તે આપણને ઘણું બધું શીખવી જાય છે.

પહેલી વાત, માત્ર વિજ્ઞાન અને ટેકનોલોજી વિશ્વનું કલ્યાણ નહીં કરી શકે. તે ટેકનોલોજી તો માત્ર જૈવિક શસ્ત્રોનું નિર્માણ કરી શકશે. પણ વિજ્ઞાન અને ટેકનોલોજીનો સદુપયોગ તો આધ્યાત્મિકતા જ શીખવશે.સમસ્ત વિશ્વના કલ્યાણ માટે વિજ્ઞાન અને અધ્યાત્મનો સમન્વય કરવો પડશે.

બીજી વાત, હવે ભારતીય સંસ્કૃતિનો ‘वसुधैव कुटुम्बकम्’ જે આદર્શ છે એનું આચરણ કર્યા વગર ચાલશે નહીં. કારણ કે સમસ્ત વિશ્વ ગ્લોબલ વિલેજ બની ગયું છે. વૈશ્વિકીકરણના આ યુગમાં વૈશ્વિક શાંતિ જોઈતી હશે અને વૈશ્વિક કલ્યાણ જોઈતું હશે તો વૈશ્વિક સભ્યતાનો ઉદય કરવો પડશે, વિશ્વબંધુત્વની ભાવના કેળવવી પડશે. કોઈ પણ દેશ અન્યોના વિકાસ વગર પોતાનો વિકાસ કરી નહીં શકે.

ત્રીજી વાત, આપણાં શાસ્ત્રો અને સંતો કહેતા આવ્યા છે કે જીવનને પરિપૂર્ણ બનાવવા માટે બે વાતો સદા યાદ રાખવાની છે, એક છે મૃત્યુ અને બીજું ઈશ્વર.

दो बातन को भूल मत जो चाहे कल्याण ।

नारायण एक मौत को दूजे श्रीभगवान ।।

આજે જ્યારે વાયરસને કારણે મૃત્યુથી ભયભીત થયા છીએ ત્યારે ઈશ્વરનું નામસ્મરણ કરીએ , શરણાગત થઈએ. એક રીતે જોઈએ તો આ કોરોના વાયરસ નથી પણ કરુણા વાયરસ છે. આપણને ઈશ્વરનું નામ લેવાની ફરજ પાડી રહ્યું છે. આ વાયરસને હવે વિદાય આપીએ, તેનો સંદેશ મળી ગયો છે.

સ્વામી વિવેકાનંદજીએ કહ્યું હતું કે શાંતિ પ્રાપ્ત કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે – બીજાને શાંતિ મળે એના માટે પ્રાર્થના કરવી. આપણા દેશની સંસ્કૃતિમાં એક શ્લોકનું રટણ નિયમિત કરવામાં આવે છે. સ્વામી વિવેકાનંદ કહે છે કે આ પ્રાર્થના આપણે નિયમિત કરવી જોઈએ-

सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया ।

सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद् दुःख भाग्भवेत् ।।

ચાલો, આપણે સૌ નિરંતર આ પ્રાર્થના કરીને વર્તમાન સંકટને ટાળીએ અને સમસ્ત વિશ્વના અને આપણા પોતાના કલ્યાણનો માર્ગ મોકળો કરીએ.

 

Total Views: 417

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.