આજના ડિજિટલ યુગમાં બચ્ચાંથી બુઢ્ઢા સુધી દરેકના હાથમાં સતત રમતું રમકડું એટલે સ્માર્ટફોન કે મોબાઈલ. સોશીયલ મીડિયા સાથે આજે આપણે બધા જ કનેક્ટેડ છીએ. કોઈક કદાચ ઓછા કનેક્ટેડ હશે, તો કોઈક એટલા બધા કનેક્ટેડ હશે કે પોતાના આજુબાજુના સમાજથી જ ડિસકનેક્ટેડ હશે. અત્યાર સુધી ફક્ત આનંદ અને મજા માટે વપરાતું સોશીયલ મીડિયા આજે માહિતીના આદાનપ્રદાન માટેનું પણ મહત્ત્વનું માધ્યમ બની ગયું છે. એમાંય આજકાલ જેમ જેમ લોકોની ભોજન, પોષણ અને સ્વાસ્થ્ય સંબંધી જાગૃતિ વધતી જાય છે તેમ તેમ સોશીયલ મીડિયા પર વાઇરલ થતા મેસેજ અને પોસ્ટમાં પણ ધરખમ ફેરફાર આવી રહ્યો છે. જેમ કે અત્યાર સુધી ફક્ત ગુડમોર્નિંગ, ગુડ ઇવનિંગ કે જય શ્રીકૃષ્ણના મેસેજ ખૂબ મોકલાતા, તેને બદલે હવે ક્યા ફ્રૂટ્સના શા ફાયદા, ક્યા શાકભાજીમાંથી શું મળે, ક્યા રોગમાં શું ખવાય, અમુક તમુક હર્બલ છોડ-ઔષધિઓનું મિશ્રણ કે અમુક તમુક રસ ભેગા કરીને પીવાથી રોગો મટી જાય જેવા તો અનેક મેસેજ અને પોસ્ટ લોકોને ખૂબ પસંદ આવતા હોય એવું લાગે છે. પણ શું આપણે ક્યારેય એ દરકાર કરી છે ખરી કે આ મેસેજ કે પોસ્ટ કેટલા અધિકૃત છે? ખરેખર સાચા છે કે ગેરમાર્ગે દોરનારા છે? ક્યાંક એવું ન થાય કે ફાયદાની બદલે નુકસાન થાય !! તાજેતરમાં કોરોના વાયરસે કાળો કેર વર્તાવ્યો છે. એટલે ‘કોરોના વાયરસથી ચિંતા કરવાની જરૂર નથી’ એવા શીર્ષક સાથેના મેસેજ ફરતા થયા છે. આ મેસેજમાં કહ્યું છે કે લસણની ૮-૧૦ કળીને પાણીમાં ઉકાળીને એ ઉકાળો પીવાથી કોરોના મટી જાય છે ! એકદમ હાસ્યાસ્પદ અને તદ્દન ખોટી વાત છે આ. જો લસણનો ઉકાળા પીવાથી કોરોના વાયરસ મટી જતો હોત તો ચીનમાં સેંકડો લોકો મોતને ભેટ્યા ન હોત.

આવું જ ફેસબુક કે વોટ્સઅપ ઉપર ગંભીર કહી શકાય અને અમુક વખતે તો અસાધ્ય હોય તેવી બીમારીઓ મટાડવા માટે સાવ આસાન જણાય એવા ટુચકા વહેતા મૂકવામાં આવે છે. આકર્ષક ફોટા અને લખાણની અંતે આ પોસ્ટ શેર કરવાથી ‘ક્યા પતા કિસી મરીઝ કે કામ આ જાયે’, ‘ક્યા પતા કિસીકી જાન બચ જાયે’, ‘ક્યા પતા હમ કિસી ગરીબ કા ભલા કર દે’, ‘આપકે અપનોમેં જલ્દી સે શેર કરો’ જેવું પહેલી દૃષ્ટિએ અનુકંપા તથા ભારોભાર ભલાઈથી ભરેલ પરંતુ હકીકતે ગેરમાર્ગે દોરતું લખાણ લખેલું હોય છે. મોટે ભાગે પોસ્ટનું લખાણ કયા પુસ્તક, રીસર્ચ પેપર કે સ્રોતમાંથી લીધેલું છે એવું કશું જ આપેલું હોતું નથી. બસ આકર્ષક ફોટા જરૂર હોય છે. જો જે તે વિષયના નિષ્ણાત પાસે આવાં લખાણોની સત્યતાની ચકાસણી કરશો તો મોટા ભાગના મેસેજ અર્ધસત્ય કે સંપૂર્ણ અસત્ય જ નીકળશે. આમ છતાં લોકો પૂરતી જાણકારી મેળવ્યા વગર જ જનહિતમાં આવા ગેરમાર્ગે દોરતા મેસેજ ફોરવર્ડ કરતા રહે છે અને પોતાના દોસ્તો અને પ્રિયજનોનું હિત નહીં પણ અહિત કરતા રહે છે ! ઘણી વખત લોકોને જલદીથી વિશ્વાસ બેસી જાય એટલે લખાણની નીચે અમુક તમુક ડાૅક્ટર, હાૅસ્પીટલ, ડાયેટિશિયન, સંસ્થા કે એનજીઓનું નામ પણ લખેલું હોય છે, જેથી ભોળા લોકો એવું માની બેસે છે કે આ મેસેજ કે વાક્ય ફલાણા ઢીંકણા ડાૅક્ટર કે હેલ્થ એક્સપર્ટ કે હાૅસ્પીટલનું છે અથવા તો તેમના દ્વારા પ્રસારિત છે તેથી તેને અનુસરવામાં કોઈ વાંધો નથી. પણ મજાની વાત એ છે કે જો તમે ખરેખર તપાસ કરશો તો આખી વાત કોઈકના નામે ઉપજાવી કાઢેલા
ડીંડકથી વધુ કંઈ પણ નહીં હોય. આવાં કેટલાંક ઉદાહરણ જોઈએ તો એક મેસેજમાં સરસ વિડિઓ અને સ્લાઈડ શો બનાવાયો છે. તેમાં અલગ અલગ ખાદ્યોનો આકાર શરીરના અલગ અલગ અંગોને હૂબહૂ મળતો આવે છે તેમ જણાવાયું છે, જેમ કે કિડ્નિ બીન્સ એટલે કે રાજમા કિડ્નિ જેવા આકારના છે અને આથી જ કિડ્નિ માટે ફાયદાકારક છે તેવું જણાવાયું છે. પણ હકીકતે રાજમાને કિડ્નિના સ્વાસ્થ્ય સાથે કોઈ સીધો સંબંધ નથી. બીજાં બધાં કઠોળની જેમ તે શરીર માટે ફાયદાકારક જરૂર છે પણ આ મેસેજમાં મળતો સંદેશ એવું માનવા પ્રેરે છે કે રાજમા કિડ્નિ માટે વિશેષ ફાયદાકારક છે ! હવે જો કોઈને કિડ્નિની એવી બીમારી હોય કે જેમાં ભોજનમાં પ્રોટીન અને કઠોળ ઓછી માત્રામાં લેવાનાં હોય તે વ્યક્તિ આ પ્રકારના મેસેજ અધૂરી સમજણ સાથે વાંચે ત્યારે કિડ્નિને ફાયદો થવાને બદલે નુકસાન થઈ શકે છે. આ જ વિડિઓમાં એવું કહેવાયું છે કે શક્કરિયાનો આકાર સ્વાદુપિંડ જેવો છે અને તેથી જ તે ડાયાબિટીસમાં ગ્લાયસેમીક ઇન્ડેક્ષને બેલેન્સ કરે છે. હકીકતે તો ડાયાબિટીસમાં સરળ શર્કરા કાર્બાેદિત બટેટા કે શક્કરિયા જેવા કંદમૂળ નહીં પણ જટિલ કાર્બાેદિત ધરાવતાં લીલાં શાક અને પાંદડાંવાળી ભાજી લો જે શુગર કંટ્રોલ કરવામાં મદદ કરે !

ડાયાબિટીસને સંપૂર્ણ મટાડી દે તેવી કોઈ દવા હજુ સુધી વિશ્વના કોઈ વિજ્ઞાનીઓએ શોધી નથી કે ન તો કોઈ ડાૅક્ટર કે ડાયેટિશિયન આવો દાવો કરે છે. પણ ડાયાબિટીસ મટાડવાનો દાવો કરતા એક મેસેજમાં એવું હમ્બગ ચલાવાય છે કે અમુક તમુક દિવસો સુધી ઘઉંના જવારાનો રસ પીઓ તો ડાયાબિટીસ સંપૂર્ણ મટી જશે. મેસેજ નીચે વળી અમુક તમુક કહેવાતા અંગ્રેજી વૈજ્ઞાનિકનું નામ લખી દેવાયું છે. જો આવું ખરેખર હોત તો આજે ડાયાબિટીસના રોગનું દુનિયામાંથી નામોનિશાન મટી ગયું હોત ! તો વળી અમુક મેસેજમાં અમુક તમુક વનસ્પતિ કે ઔષધિઓ (હર્બ્સને) મિક્ષ કરીને ચટણી ખાવાની સલાહ અપાઈ છે ! ત્યાં સુધી કે વ્યક્તિને ડાયાબિટીસને લીધે કોઈ અંગ કાપવું પડે એટલી હદે સુગર વધુ હોય તો પણ આવી ચટણી ખૂબ ફાયદો કરે છે તેવો દાવો પણ કરી દેવાયો છે ! હકીકતે તો આ મેસેજમાં બતાવેલી એક પણ વસ્તુમાં સીધી રીતે એન્ટિડાયાબિટીક સાબિત થઈ હોય એવી એક પણ ઔષધિ છે જ નહીં. પણ આ વાત કોઈ મેડીકલ કે પેરામેડીકલ ફીલ્ડની વ્યક્તિ જ સમજી શકે. બીચારા ભોળા લોકો તો આવા ‘ફલાણી
ઢીંકણી બીમારી કા રામબાન ઇલાજ’ જેવું સદંતર ગેરમાર્ગે દોરતાં શીર્ષક વાંચીને જ ભોળવાઈ જાય અને આવા ન કરવાના અખતરા કરી બેસે. હવે જો કોઈ વ્યક્તિને ખરેખર ડાયાબિટીસ કાબૂમાં ના હોય, ઇન્સ્યુલીન કે એન્ટિડાયાબિટીક દવાઓ ઉપર હોય એ વ્યક્તિ જો આવા મનઘડંત મેસેજના અખતરા અમલમાં મૂકે અને દવાઓ પ્રત્યે દુર્લક્ષ્ય સેવે તો તેને પરિણામે તેના સ્વાસ્થ્ય ઉપર તો ગંભીર ખતરો આવી શકે છે !!

એક ઓડિયો મેસેજમાં તો રોજનો ૧-૨-૩ લીટર ગાજરનો રસ પીવાથી કેન્સર સંપૂર્ણ મટી ગયાની એકદમ સાચૂકલી જ લાગે તેવી વાત કહેવાય છે. વાત કહેનાર બહેન આટલેથી જ નથી અટકતાં પણ સાથે ડાૅક્ટર દ્વારા સૂચવાયેલી કેન્સરની બધી જ ટ્રીટમેંટ બંધ કરીને ગાજરનો રસ પીવાની ભલામણ કરે છે ! વધુમાં પોતે કોઈક મેગેઝીનમાં આવો લેખ વાંચ્યાનો દાવો કરે છે. પણ ક્યા મેગેઝીન કે જર્નલમાં આવું છપાયું છે તેનો કોઈ જ ઉલ્લેખ આવતો નથી. ગાજરનો રસ તંદુરસ્તી વધારવા ખૂબ સારો છે. પણ જો બધાં કેન્સર ગાજરના રસ પીવા માત્રથી જ મટી જતાં હોય તો આખી દુનિયામાં આટલી બધી કેન્સર હાૅસ્પીટલ, ઓન્કોલોજિસ્ટ (કેન્સર નિષ્ણાત) અને કેન્સર રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટ હોત જ નહીં !

આવાં કેટલાક ખૂબ વાઇરલ થતાં મેસેજ અને પોસ્ટ જોઈએ તો એમાંની એક છે, ‘આ પોસ્ટ શેર કરો- ફલાણા દર્દીને મદદ કરો’. આ પ્રકારની પોસ્ટમાં એક બીમાર બાળક કે દર્દીનો આપણને દુ :ખી કરી મૂકે તેવો ફોટો મૂકેલો હોય છે. પોસ્ટમાં લખેલું હોય છે કે આ બાળક કે વ્યક્તિને અમુક તમુક ગંભીર બીમારી છે અને તેની પાસે ઇલાજના પૈસા નથી. એટલે જો તમે આ પોસ્ટ શેર કરશો તો ગૂગલ, ફેસબુક કે વોટ્સઅપ આ દર્દીને દર પોસ્ટ દીઠ અમુક તમુક ડોલર ઇલાજ માટે દાનમાં આપશે. આપણે પણ જેવી આ પોસ્ટ જોઈએ કે દયાભાવનાથી કે સારું કરવાની ભાવનાથી તરત શેર કરી દઈએ. પરંતુ હકીકત એ છે કે સોશીયલ મીડિયા વેબસાઈટ્સ આવાં પ્રકારનાં કોઈ પણ દાન કરતી નથી. આમ છતાં આશ્ચર્ય અને દુ :ખની વાત એ છે કે ભણેલા-ગણેલા અને કહેવાતા સમજુ લોકો પણ આવી પોસ્ટ શેર કરી બારોબાર દાન કરી દીધાનો સંતોષ માને છે. હકીકત એ છે કે આવું કરીને આપણે કોઈ દર્દી કે બાળકની મદદ તો નથી જ કરતા પરંતુ, તેમનાં માતાપિતા કે ડાૅક્ટર્સની પરવાનગી વગર તેમની અતિ દુ :ખની પળોના ફોટાઓ તેમની જાણ બહાર સોશીયલ વેબસાઈટમાં ફેલાવીને તેમની પીડા અને બીમારીની ક્રૂર મજાક ઉડાવીએ છીએ. અને એ પણ આપણી પોતાની જાણ બહાર !

એટલે સો વાતની એક વાત એ કે તમારી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓના સાચા ઇલાજ સોશીયલ મીડિયા પાસે ન શોધો પરંતુ ડાૅક્ટર કે હેલ્થ એક્સપર્ટને મળો. આટલું જ નહીં ડાૅક્ટર કે ડાયેટિશિયનની સલાહ વગર તમારી રોજિંદી દવાઓ કે ડાયેટમાં મેસેજ કે પોસ્ટ પર ભરોસો મૂકી ફેરફાર ન કરો. આટલું જ નહીં, પૂરતી ખાતરી કર્યા વગરના એક પણ મેસેજ કે પોસ્ટને ગ્રુપમાં શેર કરવાની લાલચ ટાળો. ખરેખર તો ગેરમાર્ગે દોરતા મેસેજ ફોરવર્ડ કરવાથી કોઈનું હિત તો નથી જ થતું પણ બહુ મોટું અહિત થાય એ પહેલાં જ ચેતી જઈએ. બને તો આવા મેસેજ આવે તો ડિલીટ કરો. આટલું જ નહીં ગ્રુપમાં પણ સૌને અનુરોધ કરો કે તથ્યતા વગરના મેસેજ ફોરવર્ડ ના થાય. એક જાગૃત અને સ્વાસ્થ્યપ્રેમી નાગરિક તરીકે આપણે આવા ગેરમાર્ગે દોરતા મેસેજને ફેલતાં રોકીને સોશીયલ મીડિયાનું સફાઈ અભિયાન હાથ ધરીએ તો એ પણ એક પ્રકારનું ‘સોશીયલ મીડિયાનું સ્વચ્છતા અભિયાન’ થયું જ ગણાશે.

Total Views: 358

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.