દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા કલ્યાણપુર તાલુકાના હર્ષદ (ગોંધાવી) મુકામે આવેલાં હરસિદ્ધિ માતાના મંદિરનું અનેરું માહાત્મ્ય છે. આ મંદિર દરિયા કિનારાની પાસે આવેલા એક પર્વત પર બનેલું છે, જે કોયલા ડુંગર તરીકે પ્રસિદ્ધ છે. કોયલા ડુંગરની ટોચે અને ડુંગરની તળેટીમાં એમ બંને જગ્યાએ માતાજીનાં મંદિરો છે, જેનાં દર્શન કરી દરરોજ હજારો ભક્તો કૃતકૃત્ય થાય છે. આ બંને મંદિરો સાથે પૌરાણિક કથાઓ જોડાયેલી છે. હરસિદ્ધિ મા હર્શલ, હર્ષદ, હર્ષત્, સિકોતેર અને વહાણવટી માતા જેવાં નામો દ્વારા ઓળખાય છે. તેઓ ભગવાન શ્રીકૃષ્ણનાં કુળદેવી પણ છે.
શ્રીકૃષ્ણ ભગવાનનાં કુળદેવી કહેવાતાં હરસિદ્ધિ માતાનું કોયલા ડુંગર પર પ્રાગટ્ય કેવી રીતે થયું તેની કથા એવી છે કે બેટદ્વારકામાં રહેતા રાક્ષસ શંખાસુરને હણવા માટે ભગવાન શ્રીકૃષ્ણે તેમનાં કુળદેવી હરસિદ્ધિ માતાની કોયલા ડુંગર પાસે પૂજા-અર્ચના કરી. શ્રીકૃષ્ણની ભક્તિથી પ્રસન્ન થયેલાં માતા કોયલા ડુંગર પર પ્રગટ થયાં અને શ્રીકૃષ્ણને કહ્યું કે ‘તમે તો ત્રિભુવનના નાથ છો, સર્વશક્તિમાન છો, છતાં મને કેમ યાદ કરી? ત્યારે શ્રીકૃષ્ણે માતાને વિનંતી કરી કે બેટદ્વારકામાં રહેતા રાક્ષસ શંખાસુરને હણવા માટે મારે તમારી સહાયતાની જરૂર છે. માતાજીએ વચન આપ્યું કે ‘જ્યારે તમે છપ્પનકોટિ યાદવો સાથે શંખાસુરને હણવા જશો ત્યારે દરિયાકિનારે ઊભા રહીને મારું સ્મરણ કરશો ત્યારે હું તમને મદદ કરવા આવી પહોંચીશ.’
બીજી એક એવી લોકવાયકા હતી કે દરિયામાં વેપાર અર્થે નીકળતાં વહાણ જ્યારે કોયલા ડુંગર પાસે માતાજીના મંદિરની સન્મુખ આવે ત્યારે તેમનું સ્મરણ કરીને દરિયામાં નાળિયેર પધરાવવું પડતું, જેથી તેમની આગળની મુસાફરી નિર્વિઘ્ને પાર પડે. એક વાર કચ્છના વેપારી જગડુશા તેમનાં સાત વહાણોમાં માલ ભરીને વેપાર અર્થે દરિયો ખેડવા નીકળ્યા પરંતુ તેઓ માતાજીની સન્મુખ આવતાં આહુતિ આપવાનું ભૂલી ગયા એટલે તેમનાં છ વહાણ ડૂબી ગયાં. સાતમું વહાણ બચાવી લેવા માટે જગડુશાએ માતાજીને ભાવભરી પ્રાર્થના કરી, જેનાથી માતાજી પ્રસન્ન થયાં અને વરદાન માગવા કહ્યું. તે જ સમયે જગડુશાએ કહ્યું કે ‘માતાજી તમે ડુંગરની ટોચ પરથી તળેટીમાં પધારો અને આજ પછી કોઈનાં વહાણ ડૂબે નહીં તેવું કરો.’
માતાજીએ જગડુશાની કસોટી કરવા માટે કહ્યું કે ‘જો તું દરેક પગથિયે મને બલિ ચઢાવે તો હું નીચે આવું.’ જગડુશાએ માતાજીની શરત માન્ય રાખી અને દરેક પગથિયે એક-એક પશુનો બલિ આપતા ગયા, પણ છેલ્લાં ચાર પગથિયાં બાકી હતાં ત્યારે બલિ ખૂટી ગયા એટલે જગડુશાએ પોતાના દીકરા, બે પત્નીઓનો બલિ આપ્યો અને છેલ્લા પગથિયે પોતાનો બલિ આપ્યો. આખરે માતાજી તેમની ભક્તિથી પ્રસન્ન થયાં અને જગડુશા, તેમનો દીકરો, બંને પત્નીઓ તથા બલિઓને સજીવન કર્યાં અને જગડુશાએ માતાજીનું મંદિર ડુંગરની તળેટીમાં બંધાવ્યું. આજે પણ આ મંદિરનું ભારે માહાત્મ્ય છે.
બન્ને મંદિરોની મુખ્ય પીઠ પર સરખા યંત્ર તેમજ પાછળથી દેવીની મૂર્તિઓ લગભગ સરખી છે. હરસિદ્ધિ માતાનું મંદિર માત્ર સમચોરસ ગર્ભગૃહનું બનેલું છે. તેની દીવાલો તદ્દન સાદી છે. તેની રચનામાં ભૂમિ સમાંતર થર છે, જે ટોંચે પહોંચતાં પહોંચતાં સાંકડા બનતા જાય છે તે તેની ખાસિયત છે. મંદિરના શિખર ઉપરની અણિયારી ટોચ જો કે આજે અસ્તિત્વ ધરાવતી નથી. આ મંદિર ટેકરીની ટોચે આવેલું છે. અત્યારે જે મંદિર છે તે લગભગ બારમા સૈકામાં બનેલું હોય તેવું માનવામાં આવી રહ્યું છે.
અન્ય એક લોકવાયકા એવી પણ છે કે એક વાર નવરાત્રીના પવિત્ર તહેવાર દરમિયાન પ્રભાતસેનની સાત પત્નીઓ ગરબા રમતી હતી. તેથી, કોયલા ડુંગરમાંથી જગદંબા માતાજી એક સુંદર સ્ત્રીના રૂપે રાસ રમવા માટે નીચે આવ્યાં હતાં. રાજા પ્રભાતસેન નવરાત્રીનો ઉત્સવ જોતા હતા ત્યારે આ સુંદર સ્ત્રીને જોઈ તેના પ્રત્યે આકર્ષાયા. મોડી રાત્રે, જ્યારે માતાજીએ ટેકરી પર પાછા જવું શરૂ કર્યું, ત્યારે રાજાએ તેમનું અનુસરણ કરવાનું શરૂ કર્યું. આ જોઈને માતાજી ગુસ્સે થયાં અને તેને શ્રાપ આપ્યો. આ શ્રાપની અસર રાજા પ્રભાતસેનના સ્વાસ્થ્ય પર થઈ. તે સમય દરમિયાન મહાન રાજા, વીર પ્રભાતસેનના માતૃ-પિતરાઈ દ્વારકાના તીર્થયાત્રા પર આવ્યા અને તેમના મહેમાન બન્યા. તેમના પિતરાઈની સ્થિતિ જોઈને, રાજા વીર વિક્રમાદિત્યએ આનું કારણ પૂછ્યું અને તેમને શ્રાપની આ વાર્તા કહેવામાં આવી. તેથી મહાન રાજા વિક્રમાદિત્યે નિર્ણય લીધો અને તેના પિતરાઈના શ્રાપને પૂર્ણ કરવા માટે ગયા. પ્રેમ અને હિંમતને કારણે માતાજી પ્રસન્ન થયાં તેથી માતાજીએ તેમને વરદાન માગવા કહ્યું. રાજા વિક્રમે બે વરદાન માગ્યાં. ૧. પિતરાઈ પ્રભાતસેનને શ્રાપમુક્ત કરવા અને ૨. તેમના રાજ્ય માલવાણની રાજધાની ઉજ્જૈનના મહેમાન બનવા માટે પધારવું.
આ રીતે મહારાજા વિક્રમાદિત્યે તપશ્ચર્યા કરીને દેવીને પ્રસન્ન કર્યાં અને તેમને પોતાની સાથે ઉજજૈન લઈ ગયા. આમ માતાજીનો વાસ રાત્રી દરમ્યાન ઉજજૈનના હરસિદ્ધિ મંદિરમાં અને દિવસ દરમ્યાન દ્વારકા જીલ્લાના હરસિદ્ધિ મંદિરમાં હોય છે. માતાજી અહીં પધારે તે વખતે હિંડોળાનો અવાજ થાય ત્યાર બાદ જ આરતી કરવામાં આવે છે અને ત્યારબાદ જ દર્શન થાય છે.
હરસિદ્ધિ માતા ત્રિવેદી અને બીજા ઘણા બધા કુટુંબમાં કુળદેવી તરીકે પૂજાય છે. તેમનામાં શ્રદ્ધા ધરાવતા અનેક લોકો તેમની માનતા માને છે અને બાધા ઉતરાવવા માટે આ સ્થળે આવે છે. તેથી આ મંદિરનું જેટલું ધાર્મિક મહત્ત્વ રહેલું છે, તેટલું જ તેના દરિયા કિનારાનું આકર્ષણ રહેલું છે. અહીંનો દરિયાકિનારો ખૂબ જ નયનરમ્ય છે. મંદિરની પાછળ એક કિલોમીટર દૂર સુધી રેતીવાળો છીછરો દરિયાકિનારો જોવા મળે છે. આમ આ મંદિર પ્રવાસન સ્થળ તરીકે પણ પ્રખ્યાત છે.
Your Content Goes Here