આપણી મુખ્ય સમસ્યા છે મુક્ત થવાની, તો પછી એ સ્પષ્ટ છે કે આપણને જ્યાં સુધી આપણે પોતે નિર્વિશેષ હોવાની અનુભૂતિ થાય નહિ ત્યાં સુધી આપણે મુક્તિ પ્રાપ્ત કરી શકીએ નહિ. એમ છતાં આ અનુભૂતિ પ્રાપ્ત કરવાના વિવિધ માર્ગાે છે. આ પદ્ધતિઓનું વ્યાપક નામ છે યોગ (એટલે કે જોડવું, એટલે કે આપણી જાતને આપણા યથાર્થ સ્વરૂપ સાથે જોડવી). આ યોગો વિવિધ સમૂહોમાં વહેંચાયેલા હોવા છતાં, મુખ્યત્વે તેમના ચાર વર્ગ પડી શકે; વળી પ્રત્યેક વર્ગ નિર્વિશેષની અનુભૂતિ તરફ પરોક્ષ રીતે લઈ જનાર કેવળ એક પદ્ધતિ હોવાથી, ભિન્ન ભિન્ન સ્વભાવને તેઓ અનુકૂળ પડે છે. હવે એ યાદ રાખવું જોઈએ કે આભાસિક માનવી સાચો માનવી બને છે અથવા નિર્વિશેષ થાય છે એમ નથી. નિર્વિશેષમાં થવાપણું હોતું નથી. નિર્વિશેષ તો સદા મુક્ત છે, સદા પૂર્ણ છે; પરંતુ જે અજ્ઞાને તેના સ્વરૂપને થોડા સમય માટે ઢાંકી દીધું છે તેને દૂર કરવાનું છે. તેથી, યોગની તમામ પદ્ધતિઓનું (અને દરેક ધર્મ એકેકનું પ્રતિનિધિત્વ ધરાવે છે) સમગ્ર ક્ષેત્ર આ અજ્ઞાનને દૂર કરવાનું છે અને આત્મા પોતાનું મૂળ સ્વરૂપ ધારણ કરે તે જોવાનું છે. આ મુક્તિ માટેના મુખ્ય સહાયકો છે અભ્યાસ અને વૈરાગ્ય. વૈરાગ્ય એટલે જીવન પ્રત્યેની અનાસક્તિ; કારણ કે ભોગ ભોગવવાની ઇચ્છા જ પોતાની પાછળ આ બધાં બંધનોને લાવે છે અને અભ્યાસ એટલે કોઈ પણ એક યોગનો સતત મહાવરો.

‘કર્મયોગ’. કર્મયોગ એટલે કાર્ય દ્વારા મનને શુદ્ધ કરવું. હવે જો કોઈ પણ શુભ કે અશુભ કાર્ય કરવામાં આવે તો તેનાથી શુભ કે અશુભ અસર ઉત્પન્ન થવી જ જોઈએ; એક વાર કારણ મોજૂદ હોય તો કોઈ શક્તિ તેને અટકાવી શકે નહિ. એટલે શુભ પ્રવૃત્તિ શુભ કર્મને ઉત્પન્ન કરતી હોવાથી તથા અશુભ પ્રવૃત્તિ અશુભ કર્મને ઉત્પન્ન કરતી હોવાથી, મોક્ષની કદી પણ આશા રાખ્યા વિના આત્મા શાશ્વત બંધનમાં પડયો રહેશે. હવે કર્મ તો દેહનું અથવા મનનું જ હોય, આત્માનું કદી જ હોઈ શકે નહિ; માત્ર આત્માની આડે આવરણ ઊભું કરી શકે. અશુભ કર્મે ઊભું કરેલું આવરણ એ અજ્ઞાન છે. શુભ કર્મમાં નૈતિક શક્તિઓને પ્રબળ બનાવવાનું સામર્થ્ય રહેલું છે. આ રીતે તે અનાસક્તિ ઉત્પન્ન કરે છે; અશુભ કર્મ માટેની વૃત્તિનો નાશ તે કરે છે અને તેથી કરીને મનને વિશુદ્ધ બનાવે છે. પરંતુ જો તે કાર્ય ભોગ ભોગવવાના ઇરાદાથી કરવામાં આવે તો તે કાર્ય તે ભોગ જ પેદા કરે છે અને મન અથવા ચિત્તને વિશુદ્ધ કરતું નથી. તેથી સઘળાં કર્મો તેમાંથી નિષ્પન્ન થતા ફળના ઉપભોગની કોઈ પણ ઇચ્છા વિના થવાં જોઈએ. કર્મયોગીએ સઘળા ભયોનો અને આ લોકમાં અથવા પરલોકમાં ભોગ ભોગવવાની તમામ ઇચ્છાઓનો સદા માટે ત્યાગ કરવો જોઈએ. વળી ફળની ઇચ્છા વિનાનું આ કર્મ સઘળાં બંધનોના મૂળ રૂપ સ્વાર્થવૃત્તિનો નાશ કરશે. કર્મયોગીનું સૂત્ર છે ‘હું નહિ, પણ તું’; અને તે માટે કોઈ પણ પ્રકારનો સ્વાર્થત્યાગ વધારે પડતો નથી. પણ કર્મયોગી આ બધું સ્વર્ગે જવાની કોઈ પણ ઇચ્છા વિના, નામ કે કીર્તિના લોભ વિના અથવા ઈહ લોકના બીજા કોઈ લાભની આશા વિના કરે છે. જો કે આ નિ:સ્વાર્થ કર્મનું સ્પષ્ટીકરણ અને મૂળભૂત કારણ તો માત્ર જ્ઞાનયોગમાં જ છે; છતાં માનવીનું સ્વભાવગત દિવ્યત્વ, કેવળ બીજાના ભલા ખાતર, આગળ ઉપરના કોઈ હેતુ વિના, તેનામાં સર્વ પ્રકારના સ્વાર્થત્યાગ માટે ચાહના ઉત્પન્ન કરે છે, પછી તેનો મત કે પંથ ગમે તે હોય. વળી ઘણાને માટે સંપત્તિનું બંધન બહુ મોટું હોય છે; અને તેમની ધનલાલસાની આસપાસ એકત્રિત થયેલી આસક્તિની જડતા તોડવા માટે તેમને માટે કર્મયોગ અનિવાર્યપણે જરૂરી છે.

પછી છે ‘ભક્તિયોગ’. ભક્તિ અથવા ઉપાસના અથવા એક યા બીજા પ્રકારનો પ્રેમ, એ માનવીનો સહેલામાં સહેલો, સુખદમાં સુખદ અને સ્વાભાવિકમાં સ્વાભાવિક માર્ગ છે. આ વિશ્વની સ્વાભાવિક અવસ્થા આકર્ષણ, સંયોગ છે; અને તેની પાછળ અંતિમ વિયોગ નિ:સંશય આવે છે. એમ છતાં પ્રેમ એ માનવ-હૃદયમાં રહેલી સંયોગ માટેની સાહજિક પ્રેરક શક્તિ છે; અને જો કે એ પોતે દુ:ખનું મહાન કારણ છે, છતાં યોગ્ય વિષય તરફ જો તેને યોગ્ય રીતે વાળવામાં આવે તો તે મોક્ષ આપે છે. ભક્તિનું પાત્ર છે ઈશ્વર. પ્રેમ કરનાર તથા પ્રેમનું પાત્ર, એ બે વિના પ્રેમ થઈ શકે નહિ. વળી પ્રેમનું પાત્ર પ્રથમ તો આપણા પ્રેમનો પ્રત્યુત્તર આપે એવી કોઈ એક વ્યક્તિ હોવી જોઈએ. તેથી પ્રેમમય ઈશ્વર અમુક અર્થમાં માનવી ઈશ્વર હોવો જોઈએ. તે પ્રેમમય ઈશ્વર હોવો જોઈએ. આવો ઈશ્વર અસ્તિત્વમાં છે કે નહિ એ પ્રશ્નને બાજુએ રાખીએ તો પણ, એ તો હકીકત છે કે જેમના હૃદયમાં પ્રેમ છે તેમને આ નિર્વિશેષ ઈશ્વર એક પ્રેમમય ઈશ્વર તરીકે, એક વ્યક્તિ તરીકે દેખાય છે.

ભક્તિના હલકા પ્રકારો કે જેમની અંદર ઈશ્વર એક ન્યાયાધીશ અથવા સજા કરનાર અથવા ભયને લીધે જેનો હુકમ માનવો પડે એવી કોઈ વ્યક્તિ હોવાની ભાવના સમાયેલ છે, તેઓ જો કે ક્રમે ક્રમે ઊંચા અને વધુ ઊંચા પ્રકારોમાં વિસ્તાર પામતા ભક્તિના પ્રકારો છે, તો પણ તેઓ પ્રેમ કહેવડાવવાને લાયક તો નથી જ. આપણે સ્વયં પ્રેમના વિચાર તરફ વળીએ. ઉદાહરણરૂપે પ્રેમને આપણે ત્રિકોણ તરીકે લઈશું. એનો પાયાનો પ્રથમ ખૂણો છે નિર્ભયતા. ભય હોય ત્યાં સુધી એ પ્રેમ નથી; પ્રેમ સર્વ ભયને દૂર કરે છે. પોતાનું બાળક સાથે હોય તો માતા બાળકને બચાવવા વાઘની સામે પણ થશે. પ્રેમના ત્રિકોણનો બીજો ખૂણો છે અયાચકતા. પ્રેમ કદી માગતો નથી, કદી યાચના કરતો નથી. પ્રેમનો ત્રીજો ખૂણો અથવા શિરોબિંદુ એ છે કે પ્રેમ, કેવળ પ્રેમની ખાતર જ પ્રેમ કરે છે. પ્રેમના પાત્રનો ખ્યાલ પણ અદૃશ્ય થઈ જાય છે. જેમાં પ્રેમ પ્રતિ પ્રેમ થતો હોય એવું એકમાત્ર સ્વરૂપ પ્રેમ જ છે. આ ઊંચામાં ઊંચો ભાવ છે અને એ નિર્વિશેષ સ્વરૂપ જ છે.

ત્યાર પછી છે ‘રાજયોગ’. યોગમાંના પ્રત્યેક સાથે આ રાજયોગ બંધ બેસે છે. કોઈ પણ માન્યતાવાળા અથવા માન્યતા વગરના ગમે તે પ્રકારના જિજ્ઞાસુઓને તે બંધ બેસતો થાય છે અને ધર્મજિજ્ઞાસુનું તે ખરેખરું સાધન છે. જેમ પ્રત્યેક વિજ્ઞાનને સંશોધનની પોતાની વિશિષ્ટ પદ્ધતિ હોય છે, તેમ રાજયોગ એ અધ્યાત્મશાસ્ત્રની પદ્ધતિ છે. આ વિજ્ઞાનને પણ વિવિધ રચના પ્રમાણે વિવિધ રીતે લાગુ કરવામાં આવે છે. તેનાં મુખ્ય અંગો છે પ્રાણાયામ, ધારણા અને ધ્યાન. જેઓ ઈશ્વરમાં માનતા હોય તેને માટે એક સાંકેતિક શબ્દ જેવો કે ૐ અથવા ગુરુ પાસેથી મળેલ મંત્ર, ઘણા સહાયરૂપ થશે. ૐ સૌથી મહાન છે, કારણ કે તેનો અર્થ છે પરમાત્મા. આ પવિત્ર શબ્દોનો જપ કરતી વખતે તેમના અર્થ પર ધ્યાન કરવું એ મુખ્ય અભ્યાસ છે.

ત્યાર પછી છે ‘જ્ઞાનયોગ’. એ ત્રણ વિભાગમાં વહેંચાયેલ છે. પ્રથમ છે સત્યનું શ્રવણ કરવું : એટલે કે આત્મા જ એકમાત્ર સત્ય વસ્તુ છે અને અન્ય સર્વ માયા (સાપેક્ષતા) છે. બીજો વિભાગ છે : આ તત્ત્વજ્ઞાનનો સર્વ દૃષ્ટિબિન્દુથી વિચાર કરવો. ત્રીજો છે સર્વ વાદવિવાદનો ત્યાગ કરવો અને સત્યની અનુભૂતિ કરવી. આ અનુભૂતિ

(૧) બ્રહ્મ જ સત્ય છે અને અન્ય સર્વ કંઈ મિથ્યા છે એવો નિશ્ચય

(૨) ભોગ ભોગવવાની સઘળી કામનાનો ત્યાગ

(૩) ઇંદ્રિયો તથા મનનું નિયમન અને

(૪) મુક્ત થવાની તીવ્ર ઝંખનામાંથી પ્રાપ્ત થાય છે.

સર્વદા આ સત્યનું ધ્યાન અને આત્માને તેના સાચા સ્વરૂપનું સતત ભાન એ બે માર્ગાે માત્ર આ યોગમાં છે. આ યોગ ઊંચામાં ઊંચો છે, પરંતુ કઠિનમાં કઠિન છે. ઘણા માનવીઓ તેને બુદ્ધિથી ગ્રહણ કરી શકે છે, પણ બહુ થોડા માણસો એની અનુભૂતિ પ્રાપ્ત કરે છે.

(સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ-૮.૧૫૬)

Total Views: 383

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.