સ્વામી વિવેકાનંદે રાજયોગ વિશે ન્યુયોર્કમાં આપેલાં વ્યાખ્યાનોનો સંક્ષિપ્ત સાર

યોગ એટલે જોડાણ, મેળાપ, પરમાત્મા સાથે સંબંધ કરાવવાનો ઉપાય. સ્વામી વિવેકાનંદે રાજયોગ વિશે ન્યુયોર્કમાં આપેલાં વ્યાખ્યાનો તેમજ પતંજલિનાં યોગસૂત્રોની સમજૂતી પર આધારિત પ્રસ્તુત લેખમાં રાજયોગ વિશેની સંક્ષિપ્ત માહિતી આપવાનો પ્રયાસ કરેલ છે.

રાજયોગનાં આઠ અંગ છે. (૧) યમ (૨) નિયમ (૩) આસન (૪) પ્રાણાયામ (૫) પ્રત્યાહાર (૬) ધારણા (૭) ધ્યાન અને (૮) સમાધિ.

યોગનાં અંગોના અનુષ્ઠાન દ્વારા અશુદ્ધિનો નાશ થવાથી જ્ઞાનનો પ્રકાશ થાય છે અને તેથી છેવટે વિવેક યાને સદ્બુદ્ધિ આવે છે.

(૧) યમઃ- તેમાં અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આવે છે. આનું પાલન કરવાથી ચિત્ત શુદ્ધ થાય છે.

(ક) અહિંસાઃ- કોઈ પણ જીવતા પ્રાણીને મન, વચન અને કર્મથી કદી દુઃખ ન પહોંચાડવું તેનું નામ અહિંસા. ‘અહિંસા પરમો ધર્મ.’ સમસ્ત સૃષ્ટિ પ્રત્યે આ અહિંસાની ભાવના વડે મળતા સુખ કરતાં વધુ મોટું બીજું કોઈ સુખ નથી. અહિંસામાં દૃઢ થવાથી તેની હાજરીમાં સૌ કોઈમાંથી વેરભાવ નીકળી જાય છે

(ખ) સત્યઃ- સત્ય દ્વારા આપણને કર્મનાં ફળ પ્રાપ્ત થાય છે. સત્ય દ્વારા સર્વ કંઈ મળે છે. સત્યમાં સર્વ કંઈ પ્રતિષ્ઠિત છે. હકીકતોને જેવી છે તેવી જણાવવી તેનું નામ સત્ય. સત્યમાં દૃઢ થવાથી યોગી કર્માે કર્યા વિના કર્માેનું ફળ પ્રાપ્ત કરવાની સિદ્ધિ મેળવે છે.

(ગ) અસ્તેયઃ- બીજાઓની વસ્તુઓ ચોરીથી કે બળજબરીથી ન લેવી તેનું નામ અસ્તેય એટલે કે નિર્લાેભીપણું. અસ્તેયમાં દૃઢ થવાથી સર્વ રત્નો યોગીને પ્રાપ્ત થાય છે.

(ઘ) બ્રહ્મચર્યઃ- વિચાર, વાણી અને ક્રિયામાં હંમેશાં અને સર્વ સ્થિતિમાં ઇન્દ્રિય-સંયમ પાળવો એ બ્રહ્મચર્ય કહેવાય. બ્રહ્મચર્યમાં સ્થિર થવાથી શક્તિ મળે છે.

(ચ) અપરિગ્રહઃ- ભારેમાં ભારે દુઃખ આવી પડે તોપણ કોઈની પાસેથી કશું દાન ન લેવું તેને અપરિગ્રહ કહેવામાં આવે છે. અપરિગ્રહમાં દૃઢ થવાથી પાછલા જન્મોની સ્મૃતિ થાય છે.

(૨) નિયમઃ- તેમાં તપ, સ્વાધ્યાય, સંતોષ, શૌચ અને ઈશ્વરપ્રણિધાન આવે છે. આ બાબતો યોગમાં સફળતા માટે સહાયક છે. એમને નિયમ એટલે કે નિયમિત ટેવો અને વ્રતો કહેવામાં આવે છે.

(ક) તપઃ- તપ એટલે ઉપવાસાદિ અથવા બીજા પ્રકારોથી શરીરને નિયમમાં રાખવું તે શારીરિક તપ. તપ વડે અશુદ્ધિનો નાશ થવાથી શરીર અને ઇન્દ્રિયોની સિદ્ધિઓ આવે છે.

(ખ) સ્વાધ્યાયઃ- વેદોનો પાઠ અને જેમના વડે શરીરમાંના સત્ત્વગુણની વૃદ્ધિ થાય તેવા મંત્રનો જાપ કરવો એ સ્વાધ્યાય. આ મંત્રોના જપના ત્રણ પ્રકાર છેઃ એક છે શાબ્દિક, બીજો અર્ધશાબ્દિક અને ત્રીજો માનસિક. શાબ્દિક એટલે સંભળાય તેવો જપ નીચામાં નીચી કોટિનો છે અને જરાય સંભળાય નહીં તેવો જપ સૌથી ઊંચી કોટિનો છે. જેમાં મંત્રનો ઉચ્ચાર મોટેથી કરવામાં આવે તે શાબ્દિક; ત્યાર પછીનો પ્રકાર એ છે કે જેમાં માત્ર હોઠ જ હાલે પણ અવાજ ન આવે. ત્રીજો પ્રકાર ‘માનસ જપ’ એટલે જેની અંદર મંત્રના અર્થનો વિચાર પણ રહેતો હોય છે અને જે કોઈના સાંભળવામાં ન આવે તેવો જપ અને તે સર્વાેચ્ચ પ્રકારનો છે. સ્વાધ્યાય (મંત્રજપ) વડે ઇષ્ટદેવતાઓનો સાક્ષાત્કાર થાય છે.

(ગ) સંતોષઃ- સંતોષી જીવને હંમેશાં શાંતિ હોય છે, આવેગ નથી હોતો.

(ઘ) શૌચઃ- શૌચને વિશે ઋષિઓએ કહ્યું છે કે શૌચ બે પ્રકારના છે. બાહ્ય અને આંતર. જળથી, માટીથી કે બીજા પદાર્થાેથી શરીરની શુદ્ધિને બાહ્ય શૌચ કહેવામાં આવે છે. જેમ કે સ્નાન વગેરે. જ્યારે સાચું બોલવું તથા બીજા સદ્ગુણો વડે મનને શુદ્ધ કરવું તેને આંતર શૌચ કહેવામાં આવે છે. બન્ને પ્રકારના શૌચ જરૂરી છે. શૌચથી ચિત્તની શુદ્ધિ, મનની પ્રસન્નતા, એકાગ્રતા, ઇન્દ્રિયજય અને આત્મદર્શન માટેની યોગ્યતા વગેરે ગુણો આવે છે.

(ચ) ઈશ્વરપ્રણિધાનઃ- સ્તુતિ દ્વારા, ચિંતન દ્વારા તેમજ ભક્તિ દ્વારા ઈશ્વરની પૂજા એટલે ઈશ્વરપ્રણિધાન. ઈશ્વરને આત્મસમર્પણ કરવાથી સમાધિમાં સિદ્ધ થવાય છે.

(૩) આસનઃ- આસન વિશે સમજી રાખવાની બાબત છે – છાતી, ખભા અને માથું સીધાં ટટ્ટાર રાખીને શરીરને મોકળું રહેવા દેવું. જે બેઠકમાં વધુમાં વધુ સહેલાઈથી રહી શકાય તે બેઠક પસંદ કરવી. આસન જય થાય એટલે દ્વન્દ્વો એટલે સારું-નરસું, ઠંડી-ગરમી વગેરે ખલેલ પહોંચાડી શકતા નથી.

(૪) પ્રાણાયામઃ- પ્રાણાયામ એટલે શરીરની અંદરની જીવનશક્તિઓને કાબૂમાં લેવી. પ્રાણાયામના ત્રણ પ્રકાર છેઃ બાહ્ય, આંતરિક અને ગતિરહિત. પ્રાણાયામના ત્રણ વિભાગ છે. પૂરક, કુંભક, અને રેચક. પૂરક એટલે શ્વાસને અંદર લેવો, કુંભક એટલે શ્વાસને અંદર પૂરી રાખવો અને રેચક એટલે શ્વાસને બહાર છોડવો. આ ત્રણે ક્રિયાઓમાં દેશ અને કાળ પ્રમાણે ફેરફાર થાય છે. તેનાથી કુંડલિની જાગ્રત થાય છે.

(૫) પ્રત્યાહારઃ- ઇન્દ્રિયો એટલે કે જ્ઞાનેન્દ્રિયો બહિર્મુખ છે. તે બાહ્ય વિષયોની સાથે સંસર્ગમાં આવે છે. એ ઇન્દ્રિયોને ઇચ્છાશક્તિના કાબૂ નીચે લાવવી તેને પ્રત્યાહાર કહેવામાં આવે છે. તેનાથી ઇન્દ્રિયો પરનો સંપૂર્ણ કાબૂ આવે છે.

(૬) ધારણાઃ- ધારણા એટલે અમુક ખાસ વિષય પર ચિત્તને સ્થિર કરવું. મન જ્યારે કોઈ એક વસ્તુ પર, પછી તે શરીરની અંદર હોય કે શરીરની બહાર હોય, સ્થિર થાય અને તે અવસ્થામાં ચોંટી રહે ત્યારે તેને ધારણા કહેવામાં આવે છે.

(૭) ધ્યાનઃ- મન જ્યારે ધારણાની સ્થિતિ પ્રાપ્ત કરી લે અને જ્યારે મન એ સ્થિતિમાં અમુક સમય સુધી સ્થિર રહેવામાં સફળ થાય તો તેને ધ્યાન કહેવાય છે.

(૮) સમાધિઃ- આ ધ્યાન જ્યારે વિષયનાં બાહ્ય રૂપોને છોડી દઈને કેવળ અર્થને જ પ્રકાશિત કરે ત્યારે સમાધિ કહેવામાં આવે છે.

જ્યારે ધ્યાનમાં આકાર એટલે બાહ્ય વિભાગનો ત્યાગ કરવામાં આવે છે ત્યારે તે સમાધિની કક્ષાએ પહોંચે છે. ધારો કે હું એક પુસ્તક પર ધ્યાન કરું છું અને ક્રમે ક્રમે મનને તેના પર એકાગ્ર કરવામાં સફળ થયો છું અને માત્ર અંદરનાં સંવેદનોને યાને કોઈ પણ આકાર રૂપે વ્યક્ત થયા વગરના અર્થને જ અનુભવું છું, તો ધ્યાનની એ અવસ્થાને સમાધિ કહેવામાં આવે છે.

સ્વામીજી રાજયોગના આરંભમાં કહે છે આપણા સમગ્ર જ્ઞાનનો આધાર છે અનુભવ. જગતના બધા ધર્માે આપણા સર્વ જ્ઞાનના એકમાત્ર વિશ્વવ્યાપી અને વજ્ર જેવા મજબૂત પાયા-પ્રત્યક્ષ અનુભવ પર રચાયેલા છે. જ્ઞાન મેળવવાની ક્રિયામાં આપણે સર્વસામાન્ય નિયમનો ઉપયોગ કરીએ છીએ, સર્વસામાન્ય નિયમનો આધાર છે નિરીક્ષણ. ત્યાર પછી આવે છે યોગ્ય પૃથક્કરણ.

રાજયોગ-વિજ્ઞાન સૌથી પહેલું તો આપણી અંદરની અવસ્થાઓનું નિરીક્ષણ કરવાનું સાધન આપે છે. એ સાધન છે મન પોતે જ. ધ્યાન કરવાની શક્તિને જ્યારે યોગ્ય દોરવણી આપીને અંદરની દુનિયા પર વાળવામાં આવે છે, ત્યારે તે મનનું પૃથક્કરણ કરી બતાવે છે અને હકીકતોને પ્રકાશમાં લાવે છે. આ જ્ઞાન મેળવવાની માત્ર એક જ રીત છે. જેને એકાગ્રતા કહેવામાં આવે છે. માનવમનની શક્તિની કોઈ સીમા નથી. જેમ જેમ તે વધુ એકાગ્ર થાય છે, તેમ તેમ તેની શક્તિ એક કેન્દ્ર પર વધુ ને વધુ એકાગ્ર કરી શકાય છે. મનની શક્તિઓને એકાગ્ર કરવી જોઈએ અને તેને તેના પોતાના પર જ વાળવી જોઈએ, એટલે જેવી રીતે ગાઢમાં ગાઢ અંધારી જગા પણ સૂર્યનાં વેધક કિરણોના પ્રકાશમાં પોતાનું રહસ્ય ખુલ્લું કરી દે, તેવી રીતે આ એકાગ્ર થયેલું મન પોતાનાં જ ઊંડામાં ઊંડાં રહસ્યોનો ભેદ ઉકેલશે. આ રીતે આપણે માન્યતાના મૂળ આધાર પાસે, ખરા સત્યથી ધર્મ સુધી પહોંચીશું. આપણને આત્મા છે કે નહીં, જીંદગી પાંચ મિનિટની છે કે અનંત છે, વિશ્વમાં કોઈ ઈશ્વર છે કે નહીં, એ બધું આપણે પોતે જ અનુભવીશું. એ બધાનું આપણને પ્રત્યક્ષ રૂપે દર્શન થશે. રાજયોગ જે શીખવવા માગે છે, તે આ છે. તેના સઘળા ઉપદેશોનું ધ્યેય એ છે મનને કેવી રીતે એકાગ્ર કરવું, ત્યાર પછી આપણા પોતાના મનનાં ઊંડામાં ઊંડાં રહસ્યોને કેવી રીતે શોધી કાઢવાં, ત્યાર પછી તે બધા વિષયો પરથી સામાન્ય નિયમો કેવી રીતે તારવવા અને તેમના પરથી આપણા પોતાના નિર્ણયો કેવી રીતે બાંધવા તે જ તેના સઘળા ઉપદેશોનું ધ્યેય છે.

આ રીતે આપણે જોઈએ છીએ કે રાજયોગની સાધનામાં કોઈ જાતની શ્રદ્ધા કે માન્યતા આવશ્યક નથી. તમે પોતે જ શોધી ન કાઢો ત્યાં સુધી કશું જ માની લેવું નહીં રાજયોગ આપણને આ શીખવે છે. સત્યને ખડું રાખવા માટે ટેકાની જરૂર નથી પડતી. આ રાજયોગની સાધના માટે લાંબો સમય અને નિરંતર સાધના જોઈએ છે. આ સાધનાનો અમુક અંશ શરીરને લગતો છે, પણ મુખ્યત્વે કરીને એ મનને લગતો છે. જેમ જેમ આપણે આગળ જઈશું તેમ તેમ આપણને જણાશે કે મનનો શરીરની સાથે કેટલો નિકટનો સંબંધ છે. જો આપણે માનીએ કે મન કેવળ શરીરનો વધુ સૂક્ષ્મ વિભાગ છે અને મન શરીર પર અસર કરે છે તો એ દલીલ પણ સાચી છે કે શરીર પણ મન પર વળતી અસર કરે જ. જો શરીર માંદું પડે તો મન પણ માંદું થઈ જાય. જો શરીર તંદુરસ્ત હોય, તો મન પણ તંદુરસ્ત અને મજબૂત રહે. માનવજાતિના મોટા ભાગનાં મન ઘણે અંશે શરીરની હકૂમતમાં હોય છે. કારણ કે તેમના મનનો વિકાસ ઘણો જ ઓછો હોય છે. માનવ સમાજનો અતિ વિશાળ સમુદાય પશુત્વથી બહુ આગળ વધેલો નથી હોતો. એટલું જ નહિ, પણ અનેક કિસ્સાઓમાં તો તેમની સંયમશક્તિ નીચલી કોટિનાં જાનવરોની સંયમશક્તિ કરતાં સહેજસાજ જ ઊંચી હોય છે. આપણો આપણા મન પર કાબૂ ઘણો જ ઓછો હોય છે. તેથી તે કાબૂ લાવવા માટે, શરીર અને મન પરનો એ કાબૂ મેળવવા માટે , આપણે કેટલીક શારીરિક મદદ લેવી પડશે. જ્યારે શરીર સારી રીતે કાબૂમાં આવી જાય, ત્યારે મનને ઇચ્છાનુસાર ચલાવવાનો પ્રયત્ન કરી શકાય. મનને ઇચ્છા પ્રમાણે ચલાવવાથી, આપણે તેના પર કાબૂ મેળવી શકીશું અને આપણી ઇચ્છા પ્રમાણે તેની શક્તિઓને એકાગ્ર કરવાની તેને ફરજ પાડી શકીશું.

રાજયોગીના મત પ્રમાણે બાહ્ય જગત એ આંતર યાને સૂક્ષ્મ જગતનું સ્થૂળ રૂપ છે. સૂક્ષ્મ એ હંમેશાં કારણરૂપ હોય છે, જ્યારે સ્થૂળ કાર્યરૂપ. તેથી બાહ્ય જગત એ કાર્યરૂપ છે, અને આંતરજગત કારણરૂપ.

ભિન્ન ભિન્ન પ્રજાઓ પ્રકૃતિ પર કાબૂ મેળવવાની ભિન્ન ભિન્ન પદ્ધતિઓ અજમાવે છે. જેવી રીતે એક સમાજમાં કેટલીક વ્યક્તિઓ બાહ્યપ્રકૃતિ પર કાબૂ મેળવવા માગે છે, જ્યારે અન્ય અંદરની પ્રકૃતિ પર; તેવી રીતે પ્રજાઓમાં પણ કેટલીક પ્રજાઓ બાહ્યપ્રકૃતિ પર કાબૂ મેળવવા માગે છે, જ્યારે અન્ય આંતરપ્રકૃતિ પર. કેટલાક એમ કહે છે કે આંતરપ્રકૃતિ પર કાબૂ મેળવવાથી આપણે દરેક વસ્તુ પર કાબૂ મેળવીએ છીએ. અન્ય કહે છે કે બાહ્યપ્રકૃતિ પર કાબૂ મેળવવાથી આપણે દરેક વસ્તુ પર કાબૂ મેળવીએ છીએ.

આ બન્ને વિચારોને છેક છેડા સુધી લઈ જઈએ તો બન્ને સાચા ઠરે છે, કારણ કે પ્રકૃતિમાં આંતર કે બાહ્ય એવા વિભાગ જેવું છે જ નહિ. બાહ્યવાદીઓ અને આંતરવાદીઓ જ્યારે તેમની જ્ઞાનની છેલ્લી સીમાએ પહોંચશે ત્યારે બન્ને એક જ જગ્યાએ મળવાના છે. જેવી રીતે ભૌતિક વિજ્ઞાની તેના જ્ઞાનને આગળ લઈ જતાં જતાં જ્યારે છેક છેડે લઈ જાય છે, ત્યારે તે જુએ છે કે તેનું ભૌતિક જ્ઞાન ઓગળતું ઓગળતું તત્ત્વજ્ઞાનમાં પરિણમવા લાગે છે. તેમ તત્ત્વજ્ઞાનીને પણ જણાશે કે જેને તે મન અને જડ દ્રવ્ય એમ જુદા પદાર્થાે કહે છે તે ભેદ દેખાવ પૂરતો જ છે, તેમનું ખરું તત્ત્વ તો એક જ છે.

સઘળાં વિજ્ઞાનનું ધ્યેય અને હેતુ એ એકતા શોધવાનો છે, જેમાંથી બહુત્વ તૈયાર થાય છે તે એકત્વને ખોળી કાઢવાનો છે, જે એક અનેકરૂપે વિલસી રહ્યું છે તેને પકડી પાડવાનો છે. રાજયોગ આંતર જગતથી શરૂ કરવા માગે છે, આંતરપ્રકૃતિનો અભ્યાસ કરવા માગે છે અને તેના દ્વારા આંતર અને બાહ્ય- સમગ્ર પ્રકૃતિ પર કાબૂ મેળવવા માગે છે.

યોગની આ સાધનાપદ્ધતિઓમાં જે કંઈ ગુહ્ય અને રહસ્યમય કહેવામાં આવે છે તેનો તાબડતોબ ત્યાગ કરવો. સૌથી પ્રથમ તેમાં રહસ્ય જેવું કશું જ નથી. અંધશ્રદ્ધા રાખવી એ ખોટું છે. તમારે તમારી પોતાની બુદ્ધિનો અને ન્યાયશક્તિનો ઉપયોગ કરવો; તમારે સાધના કરી જોવી અને અનુભવ લેવો કે આ બધી બાબતો બને છે કે નહિ. જેવી રીતે તમે બીજી કોઈ વિદ્યાનો અભ્યાસ કરો, બરાબર તેવી જ રીતે તમારે આ યોગવિદ્યાનો અભ્યાસ કરવો. તેમાં કશું ગુપ્ત નથી કે ભય નથી.

યોગના જુદાં જુદાં સઘળાં પગથિયાંનો હેતું આપણને વૈજ્ઞાનિક પદ્ધતિએ અતિચેતન યાને સમાધિ અવસ્થામાં લઈ જવાનો છે. એક મનુષ્ય એ અવસ્થાએ કોઈ કાળે પહોંચ્યો, તે હકીકત જ સાબિત કરે છે કે દરેક મનુષ્યને માટે ત્યાં પહોંચવું શક્ય છે એટલું જ નહીં, પણ આખરે તો દરેક મનુષ્યે એ અવસ્થાએ પહોંચવું જ પડશે અને તેનું નામ છે ધર્મ.

જેમ દરેક વિજ્ઞાનમાં કેટલીક તૈયારીઓ કરવી પડે છે અને તેની પોતાની એક આગવી પદ્ધતિ હોય છે કે જેનું અનુસરણ કરવાથી જ તે વિજ્ઞાન સમજી શકાય, રાજયોગમાં પણ તેમ જ છે.

Total Views: 488

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.