શ્રીરામકૃષ્ણ શું હતા? માનવ સ્વરૂપમાં આવિર્ભાવ પામેલ પ્રભુ. પરંતુ એ પ્રકટ સ્વરૂપની પાછળ તેમના બિન-અંગત વ્યક્તિત્વ તથા વૈશ્વિક વ્યક્તિત્વમાં પણ પ્રભુ રહેલા છે.

આ વર્ષ શ્રીઅરવિંદના ૧૫૦મા જન્મદિવસનું વર્ષ છેે. આ ભારતને સ્વતંત્ર અને ૭૫ વર્ષ થયાં હોઈ અમૃત મહોત્સવનું વર્ષ છે, સાથે સાથે રામકૃષ્ણ મિશનની સ્થાપનાનું ૧૨૫મું વર્ષ છે. આમ, ચાલુ વર્ષ ઐતિહાસિક છે.

શ્રીઅરવિંદનો જન્મ ૧૫ ઓગસ્ટ, ૧૮૭૨માં થયો હતો. માત્ર સાત વર્ષની વયે તેમને ઇંગ્લેંન્ડમાં ભણવા માટે મોકલ્યા હતા. આઈ.સી.એસ.ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા પછી ઘોડેસ્વારીની પરીક્ષામાં હાજર ન રહેવાના લીધે તેમની પસંદગી ઇન્ડિયન સિવિલ સર્વિસમાં ન થઈ, શ્રીઅરવિંદની ઇચ્છા પણ કંઈક આવી હતી. ૧૮૯૩માં તેઓ ભારતમાં આવ્યા અને સીધા વડોદરા રાજ્યની નોકરીમાં જોડાયા. અહીંથી જ સ્વાતંત્ર્ય સંગ્રામની ચળવળનાં બીજ રોપાયાં.

તેમના જીવનનો પૂર્વાર્ધ માતૃભૂમિને સમર્પિત હતો. તેઓ સ્વાતંત્ર્ય-સંગ્રામમાં સક્રિય રીતે જોડાયા. બ્રિટિશ સરકારે ખોટો આરોપ મૂકીને તેમને એક વર્ષ માટે અલીપુરની જેલમાં પૂર્યા હતા. જેલમાં તેમને આશ્ચર્યજનક રીતે અનેક આધ્યાત્મિક અનુભૂતિઓ થઈ. તેમણે યોગસાધના થકી આધ્યાત્મિક જગતનાં ઊંડાં રહસ્યોનો તાગ મેળવ્યો. જેલમાંથી છૂટ્યા બાદ તેઓએ પોતાનો ઉત્તરાર્ધ સંપૂર્ણ આધ્યાત્મિક સાધના અને તેનાં ઉચ્ચ સોપાનોનો સાક્ષાત્કાર કરીને આત્મવિકાસ કરવામાં ગાળ્યો.

શ્રીઅરવિંદનાં આત્મવૃત્તાંત, લખાણો, નિબંધો તેમજ વાર્તાલાપમાં શ્રીરામકૃષ્ણ તેમજ સ્વામી વિવેકાનંદ પ્રત્યે તેમનો આદર, પ્રેમ, શ્રદ્ધા તથા ઉચ્ચ ભાવ પ્રદર્શિત થાય છે.

શ્રીઅરવિંદની જન્મ શતાબ્દી નિમિત્તે પ્રકાશિત સેન્ટીનરી એડીશનના ભાગ-૧માંથી તારવેલ કેટલાક અંશ આ પ્રમાણે છે:

જ્યારે સંશયવાદ એની પરાકાષ્ઠાએ પહોંચ્યો હતો ત્યારે જ; આધ્‍યાત્મિકતા પોતાને પ્રસ્થાપિત કરે, જગત એ આત્મત્વનો આવિર્ભાવ છે એ સત્યને પ્રસ્થાપિત કરે, ઇન્દ્રિયો દ્વારા જે ગૂંચવાડો ઉત્પન્ન થયો છે તેનું રહસ્ય સમજાવે, માનવમાં રહેલી અદ્‌ભુત શક્યતાઓ વિશે અને ઈશ્વરના અવર્ણનીય પરમ આનંદને વ્યક્ત કરે અને તે માટેનો સમય પણ પાકી ગયો હતો. આ કાર્યની પરિપૂર્ણતાની શરૂઆત કરવા માટે રામકૃષ્ણ આવ્યા હતા. એમ અગાઉનાં બે હજાર વર્ષ અને એથી પણ પહેલાં બુદ્ધ આવ્યા. ત્યારથી જે વિકાસ સાધવામાં આવ્યો હતો, તે દક્ષિણેશ્વરના અવતારના આધ્‍યાત્મિક દર્શન અને અનુભૂતિની તૈયારીરૂપ હતું.

આ બધા અવતારોમાં રામકૃષ્ણ છેલ્લા અને સૌથી મહાન આત્મા હતા, કારણ કે બીજાઓએ જ્યારે ઈશ્વરનો કોઈ એક અથવા મર્યાદિત પાસમાં અનુભવ કર્યો ત્યારે તેઓએ ઈશ્વરનો અમર્યાદિત એકતામાં, અમર્યાદિત વિવિધતાઓના સરવાળારૂપ અનુભવ કર્યો. શ્રીરામકૃષ્ણમાં એમની અગાઉ થઈ ગયેલા લાખો સંતોની આધ્‍યાત્મિક અનુભૂતિઓ એકતા પામી નવીનીકરણ પામી હતી. શ્રીરામકૃષ્ણે જગતને આપવાના હિંદુત્વના છેવટના સંદેશની ભારતને ભેટ આપી. એમના જન્મથી નૂતનયુગની શરૂઆત થઈ, એવો યુગ જેમાં પૃથ્વીના લોકો ઈશ્વર સાથેના તાદાત્મ્યમાં વૃદ્ધિ પામશે અને આધ્‍યાત્મિકતા એ માનવ-જીવનનું મહત્વનું અંગ બની રહેશે.

ભારતનું પુનરુત્થાન આને માટે થયું છે. આ જ કારણસર ભગવાને ભારતની અંદર ફરી વાર જીવન ધબકતું કર્યું છે.

બંધનોનો વિનાશ, મુક્તિની અનુભૂતિ, બેડીઓને કચડી નાખવી, એ ભવિષ્યની પ્રાથમિક જરૂરિયાત છે. શ્રીરામકૃષ્ણ આપણને મુક્તિ અપાવવા આવ્યા હતા, કોઈ નવા બંધનમાં બાંધવા માટે નહિ. માટે જ વિવેકાનંદ એમના દૂત બનીને આપણે માટે આવ્યા, જેઓએ પ્રત્યેક વસ્તુમાં મુક્તિની હિમાયત કરી.

શ્રીરામકૃષ્ણ શું હતા? માનવ સ્વરૂપમાં આવિર્ભાવ પામેલ પ્રભુ. પરંતુ એ પ્રકટ સ્વરૂપની પાછળ તેમના બિન-અંગત વ્યક્તિત્વ તથા વૈશ્વિક વ્યક્તિત્વમાં પણ પ્રભુ રહેલા છે. અને વિવેકાનંદ શું હતા? શિવજીનાં નેત્રનો તેજસ્વી ચમકાર, પરંતુ એ વ્યક્તિત્વની પાછળ દિવ્યદૃષ્ટિ રહેલી છે, જેમાંથી વિવેકાનંદ પોતે તેમજ શિવ, બ્રહ્મા, વિષ્ણુ અને સર્વને અતિક્રમી જનાર ૐ પ્રકટ થયા છે.

આપણે સામાન્ય રીતે ઉલ્લેખ કરવો હોય તો એમ કહી શકાય કે અવતાર એટલે એવું સ્વરૂપ કે તેના સંકલ્પ અને કાર્યને દોરનાર દિવ્યતાની, તેની અંદર જન્મેલી, અથવા અવતરણ પામેલી હાજરી અને શક્તિ વિશે સભાન હોય, વિભૂતિને માટે એમ માનવામાં આવે છે કે તે પોતાની અંદર પ્રભુની કોઈ શક્તિને ધારણ કરતી હોય છે અને એના વડે જગત ઉપર જોરદાર શક્તિપૂર્વક કાર્ય કરી શકે છે. પરંતુ એને વિભૂતિ બનાવવા માટે એટલું પૂરતું હોય છે. એનામાં શક્તિ દુર્ઘર્ષ હોઈ શકે પરંતુ એની ચેતના સ્વયંભૂ અથવા અંતઃસ્થિત દિવ્યતાની નથી હોતી. આ વિષય ઉપર પ્રમાણભૂત પુસ્તક ગીતા છે અને તેના વડે આપણે અવતાર અને વિભૂતિ વચ્ચે રહેલો ભેદ સમજી શકીએ છીએ. આપણે જો આ તફાવતને બરાબર સમજી શકીએ તો પછી આપણે રામ અને કૃષ્ણ વિશે જે કાંઈ કહેવાયેલું છે, તેના ઉપરથી તેઓ અવતારો હતા એમ નિશ્ચિતપણે કહી શકીએ છીએ; બુદ્ધ પણ એ જ રીતના હોવાનું જણાય છે પણ એમની અંદર રહેલી શક્તિ વિશે એ બધું પ્રમાણમાં વધુ સભાનતાવાળા લાગે છે. રામકૃષ્ણ પણ જ્યારે તેમની ભીતરમાં રામ કોણ હતા અને કૃષ્ણ કોણ હતા એને વિશે વાત કરેલી, ત્યારે પેલી દિવ્યતાની જ વાત કરેલી.

અન્ય સ્થળે આર્કાઇવ અને રીસર્ચની નોંધ :

આપણે ઈશ્વરને જાણી શકીએ છીએ. ઈશ્વર બની શકીએ છીએ. આ ખાતરી જે લાંબા સમય સુધી બહુ થોડા લોકોને દીક્ષા પામેલાઓને જ ભારતમાં આપવામાં આવતી હતી. એ ફરી એક વખત સમગ્ર જગત સમક્ષ એના સ્વીકાર માટે રજૂ કરવામાં આવી છે. દક્ષિણેશ્વરના પરમહંસ રામકૃષ્ણનું જીવન—જે પૃથ્વી પરના એક ખૂણામાં હાલના સમયમાં વ્યતીત થયું છે—તે આ ખાતરીનું મૂર્ત સ્વરૂપ, તેમજ તેજસ્વી પ્રતીક છે, એમ મને લાગે છેે. અને મને આમ લાગી રહ્યું છે તેનું કારણ, તેઓ પોતાની પાછળ જે ઉપદેશો મૂકી ગયા છે તે, અથવા તો અમુક પ્રકારનું મર્યાદિત જીવન, કે નીતિની અમુક ચોક્કસ પ્રણાલી કે ધાર્મિક તપસ્યા કે એવું કાંઈ નથી—મને એમ લાગે છે. એનું કારણ એ છે કે તેઓ ફરી એક વાર આપણી સમક્ષ મહાન વેદાંતિક પદ્ધતિ, અનુભૂતિ અને આંતરિક સાક્ષાત્કારને જેનો કોઈ જોટો નથી, એવી સંપૂર્ણ રીતે અને પૂરી સ્વતત્રંતાપૂર્વક લઈ આવ્યા છે અને તેની શક્યતાઓ પણ આપણને દર્શાવી છે. એક અશિક્ષિત, ગરીબ, ગામડામાં ઊછરેલો, બંગાળી ખેડૂત, જેણે પોતાના જીવનના અંત ભાગ સુધી ગામઠી, ગમાર ભાષાનો જ ઉપયોગ કર્યો છે, જેને સંસ્કૃતનું જ્ઞાન બિલકુલ ન હતું. અરે! બીજી કોઈપણ ભાષા—સિવાય કે પોતાની ગામઠી ભાષા—વિજ્ઞાન કે તત્ત્વજ્ઞાન વિશે સંપૂર્ણ અજ્ઞાત, જગતનું પણ જેને જ્ઞાન ન હતું, છતાં એણે પોતાની અંદર યુગોના આધ્‍યાત્મિક જ્ઞાનનો સાક્ષાત્કાર કર્યો, અને પોતે જે કાંઈ થોડું બોલ્યા, તે દ્વારા એમણે આપણા આંતર સ્વરૂપની ગહનતા વિશે તેમજ આધ્‍યાત્મિક જ્ઞાનના ગહન પ્રશ્નો વિશે એવો પ્રકાશ પાથર્યો કે મોટા મોટા વિચારકો અને ખૂબ અભ્યાસુ પંડિતોએ પણ એનાથી પ્રભાવિત થઈ એમની મહાનતાનો સ્વીકાર કર્યો….શ્રીરામકૃષ્ણની સફળતાનું રહસ્ય એ હતું કે તેઓ જ્ઞાનને હંમેશાં જીવી જાણતા અને એનું સીધું દર્શન કરતા, જ્યારે મોટા ભાગના માણસો તર્કપૂર્વક વિચારનું લાગણીમાં પરિવર્તન કરે છે; લાગણીઓ અનુભવે છે અને એનું વિચારોમાં પરિવર્તન કરે છે. શ્રીરામકૃષ્ણ હૃદય દ્વારા કે ઉચ્ચશક્તિ દ્વારા વસ્તુઓને જોતા અને પોતાના દર્શનને અનુભૂતિમાં સાક્ષાત્કારની શક્તિ સહિત મૂકી આપતા, જે આધુનિક મન કરી શકે એમ નથી કારણ કે એની આ ક્ષમતા ક્યારનીય ખલાસ થઈ ગયેલી છે…. યોગની પ્રણાલીઓની સંકુચિતતાઓને તોડીને તેઓએ એ પ્રત્યેકની સાધના વારાફરતી કરી અને મહાન યોગીઓને પણ જેની પ્રાપ્તિ માટે દાયકાઓનો સમય લાગી જાય, અથવા એકથી વધુ જીવનની જરૂર પડે છે એ બધી સિદ્ધિઓ (પ્રત્યેક સાધનાની) તેઓએ ત્રણ ત્રણ દિવસમાં પ્રાપ્ત કરી. તેઓએ ધર્મની સંકુચિતતાઓને તોડીને ઈશુ ખ્રિસ્ત અને અલ્લાહની પૂજા કરીને પોતાની અનુભૂતિની ચરિતાર્થતા પ્રાપ્ત કરી અને તે પણ પોતપોતાની વ્યક્તિગત અવસ્થામાં. આમ કરતી વખતે શાક્ત હિંદુ રહીને જ બધું કર્યું… તેઓએ તત્ત્વજ્ઞાનની પ્રણાલીઓની તર્કસંગત મર્યાદાઓને તોડી નાખી આપણને એ બતાવ્યું કે દ્વૈત અને અદ્વૈત તે બંનેને એકબીજાથી અલગ ન પાડી શકાય એ રીતે અને છતાં સંવાદમય રીતે અનુભૂતિમાં એક જ છે અને તે આપણને વેદ અને વેદાન્તમાં જે રીતે દર્શાવવામાં આવે છે તેમાં પણ તે એ એક જ છે.

પૃથ્વી ઉપર જો કોઈ પ્રભાવશાળી વ્યક્તિત્વ જોવા મળતું હોય તો તે છે વિવેકાનંદ. તેઓ માનવો વચ્ચે સિંહ હતા… તેઓની અસર અત્યારે પણ પ્રચંડ રીતે કાર્ય કરતી આપણે અનુભવી રહ્યા છીએ, આપણે હજુ પૂરી રીતે એ સમજી શક્યા નથી કે ક્યાં અને ક્યારે એક એવી વસ્તુ ભારતવર્ષના આત્મામાં પ્રવેશી છે જે સિંહના જેવી ભવ્ય ક્રાંતિકારી અને ઉથલપાથલ કરી નાખનારી છે. અને આપણે જણાવીએ છીએઃ વિવેકાનંદ એમની માતા (ભારત માતા)ના આત્મતત્ત્વમાં હજુ જીવંત છે; ભારત માતાનાં સંતાનોના આત્મામાં હજુ તેઓ જીવી રહ્યા છે.

ભારતીય તત્ત્વજ્ઞાનની વાત કરું તો મેં તેનો અભ્યાસ કર્યો નથી… જે ભારતીય લખાણોએ સૌ પ્રથમ મારા મન પર કબજો જમાવ્યો તે હતાં ઉપનિષદો. ઉપનિષદોએ મારામાં પ્રબળ ઉત્સાહ પ્રગટાવ્યો અને પછીથી મેં એનો અનુવાદ કરવાનો પ્રયત્ન પણ કર્યો હતો. બીજી પ્રબળ બુદ્ધિમાન અસર પ્રારંભિક જીવનમાં મારા પર થઈ હતી તે શ્રીરામકૃષ્ણના ઉદ્‌ગારોની અને વિવેકાનંદનાં લખાણો અને ભાષણોની….

આમ, આપણે જોઈએ છીએ કે સૈકાઓની ગુલામી પછી રાષ્ટ્રીય જીવનમાં પ્રાણ ફૂંકનારાં જીવનચરિત્રોમાં શ્રીરામકૃષ્ણદેવ અને સ્વામી વિવેકાનંદનું સ્થાન મોખરે છે. આ બન્ને અવતારી પુરુષોનો તેમના સમકાલીન, અને ત્યાર પછીના આધ્‍યાત્મિક માર્ગના મુમુક્ષુઓ, પ્રવાસીઓ, સાધકો ઉપર તેમનો પ્રભાવ અચૂક ઊંડો પડ્યો છે. આવો, આપણે બધા આ અવાજને સાંભળીએ, પોતાનું જીવન ઉન્નત બનાવીએ અને અંતરમાં અજવાળું કરીએ.

(આ લેખની સામગ્રી શ્રીઅરવિંદ સોસાયટી, વડોદરા દ્વારા પ્રકાશિત ‘અર્પણ’ વિશિષ્ટ અંક સપ્ટેમ્બર-ઓકટોબર, ૧૯૯૩, સળંગ અંક ૨૦૦માં પ્રકાશિત લેખ ‘શ્રીઅરવિંદનાં લખાણોમાં શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદ’ માંથી સાભાર સ્વીકૃત છે.)

Total Views: 1,238

5 Comments

 1. પરથીભાઈ ચૌધરી,"રાજ"(બાળ કવિ, લોકસાહિત્યકાર, સમાજ સેવક) August 12, 2022 at 4:46 pm - Reply

  મહર્ષિ અરવિંદ રામકૃષ્ણ પરમહંસ તથા સ્વામી વિવેકાનંદને સહજ રીતે સમજીને બિરદાવ્યા છે, એ હિન્દુ ધર્મનું જમા પાસુ છે. ધન્યવાદ.

 2. નેહલ ત્રિવેદી August 11, 2022 at 8:41 pm - Reply

  બહુ જ સરસ લેખ અને મહાન શ્રી અરવિંદની નજરે અને એમનાં શબ્દોમાં જે રીતે શ્રી રામકૃષ પરમહંસ અને સ્વામી વિવેકાનંદ વિશે અવલોકન અને પરિચય આપ્યા છે તે ખુબ જ પ્રેરક છે
  જયશ્રી રામકૃષ્ણ પરમહંસ
  જ્ય સ્વામી વિવેકાનંદ
  જ્ય શ્રી અરવિંદ
  જ્ય ભારત માતા🙏🌹💐

 3. Bhavna vyas August 11, 2022 at 9:06 am - Reply

  વંદન સાથે આભાર.

 4. રસેન્દ્ર અધ્વર્યુ August 11, 2022 at 8:00 am - Reply

  ખુબ સરસ અને સરળ રીતે શ્રી રામકૃષ્ણ અને સ્વામીજીની ઓળખાણ અને સમજ આપી છે. ખુબ આનંદ થયો આભાર !

 5. Atul Jani (Agantuk) August 11, 2022 at 5:33 am - Reply

  મહર્ષિ અરવિંદ જેવા મહામાનવ શ્રી રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદને સુપેરે સમજી શક્યા છે અને તેમની મહતાનું મહિમાગાન કરે છે તે ખુબ જ આનંદપ્રદ છે.

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.