નર્મદા શર્મદા લોકે પુરારિપદદા મતા।
યે સેવન્તે નરા ભક્ત્યા તે ન યાન્તિ પુનર્ભવમ્‌॥
(અક્ષરગીતા – રંગ અવધૂત)

આપણે આની પહેલા પણ કહેલું છે કે નર્મદા નદીના પ્રવાહનો આશરે ૮૦% ભાગ મધ્ય પ્રદેશમાં, ૫% મહારાષ્ટ્રમાં અને ૧૫% ભાગ ગુજરાતમાં વહે છે. પરંતુ નર્મદા ખંડના આશરે ૮૦% તીર્થો ગુજરાતમાં આવેલા છે. જે ગુજરાતનું સદ્‌ભાગ્ય છે. ગુજરાતના લોકોએ નર્મદા ખંડના આ તીર્થો વિશે જાણીને તેનો લાભ લેવો જોઈએ.

આનંદ આશ્રયધામમાં આશરે ૧૦ દિવસ દિવ્ય આનંદમાં વિતાવી માર્ચ ૨૦૧૫ના મધ્યમાં સંન્યાસી પરિક્રમાના માર્ગે આગળ વધ્યા. ૧ કિ.મી. આગળ જતાં પિપલેશ્વરધામ આવ્યું. અહીં નર્મદા કિનારે પિપલેશ્વર મહાદેવના પુરાણા શિવાલયનું દર્શન થયું. અહીં પ્રાચીનકાળમાં પિપ્પલાદ ઋષિએ તપસ્યા કરી હતી અને સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. આ તીર્થ ભક્તિ-મુક્તિ આપનારું છે. વરદાન આપીને શિવજી અહીં વસ્યા, અષ્ટમી અને ચતુર્દશીએ અહીં સ્નાન, ભજન, પૂજન કરવાનો વિશેષ મહિમા છે.

એક બાબા સાદી કુટિયામાં તપસ્યા કરે છે. આશરે ૨૦૦ વારના ઘેરાવામાં આશ્રમ. એક તરફ વાંસના બનાવેલા મંડપ નીચે પ્રાચીનતીર્થ પિપલેશ્વર મહાદેવ ભક્તિભાવથી તેમજ સાદાઈથી સુંદર પુષ્પ અને ચંદનથી સુશોભિત થયા હતા. અહીંથી નર્મદામૈયાનાં સુંદર દર્શન થતાં હતાં. પ્રાકૃતિકરૂપે સમુદ્રનાં મોજાં સમાન નર્મદામાં જાણે લાંબી સફેદ રેખા ખેંચાઈ ગઈ હોય અને તેને લીધે નર્મદામાંથી મધુર રવ સંભળાતો હતો. ચોતરફ પરમશાંતિ, મા નર્મદાનાં સુંદર દર્શન અને સાધુ-મહાત્માના પરમ આગ્રહથી સંન્યાસી અહીં રોકાઈ ગયા. અહીં જાજરૂની વ્યવસ્થા ન હોવાથી ડોલડાલ જવા ખુલ્લા મેદાનમાં જવાનું હતું, તેનાથી તો હવે અભ્યસ્ત થઈ ગયા હતા. પરંતુ આ અતિ સાદા આશ્રમની માટીમાં બે-ત્રણ વાર આંગળા લાગી જાય તો વીંછી નીકળે! સંન્યાસીએ તો માનું નામ લઈ આસન લગાવી દીધું. આટલી અગવડતાની વચ્ચે પણ પરમ આનંદ-ઉત્સાહ, મધુરતા અને દિવ્યતામાં પણ રહી શકાય છે તે સાધુબાબા પાસે રહીને અનુભવ કર્યો.

‘નર્મદે હર’ કહીને માત્ર નર્મદામૈયાનો મહિમા ગાનાર ભક્તોએ નર્મદા તટે રહેલ આવા જરૂરિયાતવાળા આશ્રમોને સહાય કરવી જોઈએ. બીજે દિવસે નર્મદે હરના નાદ સાથે સંન્યાસી પરિક્રમામાં આગળ વધ્યા.

૪ કિ.મી દૂર ઇન્દ્રેશ્વર મહાદેવનું પ્રાચીન તીર્થ આવેલું છે, જ્યાં ઇન્દ્રદેવે તપસ્યા કરી હતી. દૈત્યોથી થાકેલા ઇન્દ્રદેવે અહીં તપસ્યા કરીને શિવજીને પ્રસન્ન કર્યા હતા અને શક્તિ મેળવી હતી. ઇન્દ્રએ અહીં ઈન્દ્રેશ્વર શિવજીની સ્થાપના કરી હતી. ઇન્દ્રની ભૂમી તેથી આ નાના ગામનું નામ ઇન્દ્રવર્ણા પડ્યું છે. વૈકુંઠ ચતુર્દશીનું અહીં વિશેષ માહાત્મ્ય છે. ઇન્દ્રના એક બીજા નામ શક્ર પરથી આ તીર્થ શક્રતીર્થ પણ કહેવાય છે.

નર્મદા તટના સામેના ભાગમાં ગરુડેશ્વર મંદિરનાં દર્શન થતાં હતાં. ચારેય તરફ ધૂળ-માટી, કાચા રસ્તા અને ધૂળિયું વાતાવરણ હતું, કારણ કે ગુજરાત સરકાર દ્વારા ગરુડેશ્વર પાસે નાના ડેમનું બાંધકામ ચાલુ હતું. (માર્ચ ૨૦૧૫) ઇન્દ્રેશ્વર મહાદેવનાં દર્શન કર્યાં અને એવું લાગ્યું કે જાણે ઇન્દ્રદેવ કોઈ કામ માટે બહાર ગયા હશે, કારણ કે મંદિરની પાસે રહેલ મકાન વગેરેનો કબજો સંસારી ગૃહસ્થ પૂજારી પાસે હતો અને દરિદ્રતા વર્તાતી હતી. અહીંથી સંન્યાસી વિદાય થઈ પરિક્રમામાં આગળ વધ્યા. ૫ કિ.મી. દૂર નર્મદા પુલ પાસે નાનીરાવલ ગામ આવ્યું. બપોર થઈ ગયા હતા અને ભૂખ લાગી ગઈ હતી. તપાસ કરતાં ધોરીમાર્ગની એક બાજુએ પથ્થર અને આરસપહાણથી બનેલ એક નાનું રામજી મંદિર હતું. મંદિરમાં દર્શન કર્યાં. મંદિરના મુખ્ય મહારાજજી બહાર ગયા હતા. કાચા સીધાની વ્યવસ્થા હોવાથી સંન્યાસી અને તેમની સાથે ચાલતા બીજા બે પરિક્રમાવાસીઓએ ભેગા મળી ટીકળ (જાડી ભાખરી) અને દાળ બનાવ્યાં. ભૂખ લાગે અને જાતમહેનતથી વળી ચૂલા ઉપર ભોજન બનાવાયું હોય તેનો સ્વાદ કદાચ ઇન્દ્રદેવના અમૃત સમાન હશે એવું લાગે છે. થોડો વિશ્રામ કરી નર્મદા તટ પર આવેલ પગદંડી પર પરિક્રમા માર્ગે આગળ વધ્યા. વચ્ચે ફૂલવાડી કરી એક ગામ આવ્યું. ત્યાં વગડામાં ૪-૫ મહાત્માઓ ઝાડ-પાન, ફૂલ-છોડ વગેરેની સુંદરતા વચ્ચે કાચાં-પાકાં મકાનમાં તપસ્યામાં રત હતા.

સહજ નૈસર્ગિક પ્રાકૃતિક સૌંદર્ય, નિરવતા અને વળી નર્મદામૈયાના પાવન તટ પર આવેલ આશ્રમમાં રહેતા મહાત્માઓની ક્યારેક ઈર્ષા થઈ આવે. મહાત્માઓનાં દર્શન કરી પરિક્રમાવાસી આગળ વધ્યા.

અહીં આગળ સૂરજવર ગામમાં આનંદેશ્વર તીર્થ હતું. અહીં શિવજીએ આનંદમાં આવી નૃત્ય કર્યું હતું. દૈત્યોનો વધ કર્યા પછી આનંદથી નૃત્ય કરતા શિવજી પાસે દેવો પણ આવ્યા ને આનંદ પામ્યા. દેવોએ અહીં શિવલિંગની પણ સ્થાપના કરી. ચૈત્રી ત્રયોદશીએ અહીં સ્નાન, પૂજન તથા શ્રાદ્ધ કરવાનું માહાત્મ્ય છે.

થોડે દૂર આવેલું સૂરજવર પણ પ્રાચીન, પવિત્ર તીર્થ છે. અહીં આસપાસમાં માતૃતીર્થ, નર્મદાતીર્થ, મૂડેશ્વરતીર્થ વગેરે તીર્થ છે.

બ્રાહ્મી, વૈષ્ણવી, રૌદ્રી, ઈન્દ્રાણી વગેરે માતાઓએ આ તીર્થસ્થળે શિવજીને પ્રસન્ન કરી વર મેળવ્યાં હતાં. એથી માતાઓ અજેય થઈ અને એ સ્થળે માતાઓએ શિવલિંગની સ્થાપના કરી. આ સ્થળ માતૃતીર્થ નામે જાણીતું થયું. અહીંના સ્નાન-પૂજનથી વંધ્યા તથા મૃતપુત્રા સ્ત્રીને સંતતિ પ્રાપ્ત થાય છે. દુર્ગાનવમીનું અહીં માહાત્મ્ય છે.

Total Views: 980

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.