(લેખક રામકૃષ્ણ મઠ, આદિપુર (સૂચિત)ના અધ્યક્ષ છે. – સં.)

શાસ્ત્રોમાં લખ્યું છે—‘निराकारापि साकारा कस्त्वां वदितुम्‌ अर्हति’—નિરાકાર હોવા છતાંય શા માટે આકાર (નરદેહ) ધારણ કરે છે?—‘उपासकानां कार्यार्थं श्रेयसे जगदामपि’—ભક્તો તથા મુમુક્ષુઓ માટે મુક્તિનું દ્વાર ઉન્મુક્ત કરવા માટે, જગતનું કલ્યાણ કરવા માટે આ વખતે માતૃરૂપિણી પરાશક્તિ પૃથ્વી પર અવતીર્ણ થયાં હતાં. મહામાયા શ્રીમા શારદાએ આ વખતે અસંખ્ય અનુગતો પર અનેક પ્રકારે, શત શત રૂપે કૃપા વરસાવી હતી અને વરસાવે છે.—‘उपासकानां कार्यार्थं श्रेयसे जगदामपि’—ઉપાસકોની કાર્યસિદ્ધિ તથા જગતના કલ્યાણ અર્થે શતરૂપા શ્રીમા શારદાની શત શત રૂપોમાં અભિવ્યક્તિ થઈ છે; થઈ રહી છે.

શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતામાં કહ્યું છે—

मनुष्याणां सहस्रेषु कश्चिद्यतति सिद्धये।
यततामपि सिद्धानां कश्चिन्मां वेत्ति तत्त्वतः॥

“હજારો લોકોમાંથી કોઈક જ મોક્ષરૂપી સિદ્ધિ માટે પ્રયત્ન કરે છે, અને એ પ્રયત્ન કરનારા સાધકોમાંથી પણ કોઈક જ મને સાચી રીતે જાણી શકે છે.” (૭.૩)

શ્રીરામકૃષ્ણદેવે પણ શ્રીમાના દેવીરૂપ અંગે સંકેત કરતાં કહ્યું હતું, “તે છે શારદા, સરસ્વતી… જ્ઞાન આપવા આવ્યાં છે…” વળી તેમણે અન્યત્ર કહ્યું હતું, “તે તો રાખ ચોળેલી બિલાડી છે… આ વખતે પોતાનું રૂપ ઢાંકીને આવ્યાં છે, જેથી કરીને અશુદ્ધ દૃષ્ટિથી જોવાથી માણસોનું અકલ્યાણ ન થાય.”

આમ શ્રીમા શારદા છે અનંત રૂપિણી, અનંત ગુણવતી. તેનો પાર તો વિરલા જ પામી શકે!

આ સંદર્ભમાં સ્વામી હરિપ્રેમાનંદના જીવનનો દિવ્ય પ્રસંગ અત્રે ઉલ્લેખનીય છે.

સ્વામી હરિપ્રેમાનંદનું પૂર્વાશ્રમનું નામ હરિ. તેઓ એક વખત શ્રીમા સાથે રાધુને લઈને બાંકુડા ગયા હતા. બાંકુડા મઠમાં રહેવાની વિશેષ વ્યવસ્થા ન હતી તેથી તે સૌ ભાડાના મકાનમાં રોકાયાં. રાધુ અસ્વસ્થ હોવાથી બીજે દિવસે ડોક્ટર મહારાજ રોગીને તપાસી ચાલ્યા ગયા. ઓરડામાંના નાનકડા સ્ટૂલ પર શ્રીમા બેઠાં હતાં. કેમ જાણે શું થયું કે હરિ શ્રીમાનાં ચરણોમાં હાથ ફેરવવા લાગ્યા. બંને ચરણ શુષ્ક હતા, કેમ કે તે દિવસોમાં શ્રીમાનું સ્વાસ્થ્ય સારું ન હતું. હરિના મનમાં પ્રશ્ન ઊઠ્યો, “શું મા સાચે જ જગદંબા છે? તો પછી જગદંબના ચરણોમાં આવી કરચલીઓ કેમ?” પ્રશ્ન મનમાં જ ગુપ્ત રાખીને ચરણચંપી ચાલુ રાખી.

ધીરે ધીરે અનુભૂતિ થવા લાગી કે તે ચરણ કોઈ વૃદ્ધાના નથી, એક યુવાન સ્ત્રીના જેવા પુષ્ટ છે. બાજુમાં પડેલા ફાનસના પ્રકાશમાં સ્પષ્ટ જોયું—આલતો લગાડેલા અનુપમ સુંદર ચરણદ્વય, ચરણની આંગળીઓ પરિપુષ્ટ, અર્ધચન્દ્ર સમાન શોભિત નખ. બંને ચરણોમાં મણિ-મુક્તા જડિત નુપૂર. મનમાં આવ્યું-‘હું આ કોની પદસેવા કરી રહ્યો છું?’ ચરણો પરથી નજર ઉઠાવીને શ્રીમાના મુખ તરફ જોયું—સ્વર્ણકાંતિ ત્રિનયના, ચતુર્ભુજા, નાનાલંકાર પ્રશોભિત જગદ્ધાત્રી મૂર્તિ. મસ્તકે મુકુટ, હસ્તમાં શસ્ત્ર, દેહમાંથી અનુપમ કાંતિનું પ્રસવણ. ‘મા, મા’, બોલતા હરિ અચેત થઈ ગયા. ચેતના આવી ત્યારે જોયું તો શ્રીમા, “ઓ હરિ, ઓ હરિ, આ તને શું થયું? ઊઠ, ઊઠ!” કહેતાં હરિની પીઠે હાથ ફેરવી રહ્યાં હતાં.

આ છે આપણા સૌનાં જગદંબા શ્રીમા શારદા, ભગવાન શ્રીરામકૃષ્ણનાં લીલાસંગિની. કોઈ મહાન વિભૂતિ પરમ વિદુષી હોય, સત્તારૂઢ હોય તો સંસારભરના લોકો તેની તરફ અહોભાવ અને કૃતકૃત્યતાની દૃષ્ટિએ નીરખ્યા કરે. પરંતુ જો તે વિભૂતિનું સંતાન હોય તો તે તેના તરફ માત્ર વાત્સલ્યપૂર્ણ શિશુદૃષ્ટિથી જ નિહાળશે. શ્રીમાના અનુરાગી એવા આપણા માટે પણ આવું જ કંઈક છે. શ્રીમા શારદાદેવી છે પરમા પ્રકૃતિ, આદિશક્તિ, અખિલબ્રહ્માંડ સર્જન-પાલન-કારિણી પણ આપણા સૌ માટે તો છે ‘મા’ બસ, આટલું જ! શ્રીમાનું બ્રહ્માંડ-આલોકિત ઐશ્વર્ય આપણા જેવાં ‘માતૃગતપ્રાણ’ સંતાનોને લગારેય વિસ્મય પમાડતું નથી. સાધારણ જનગણ ભલેને શ્રીમાના આવાં મહિમા-ગરિમાને ન જાણતો હોય, પરંતુ આપણને તેની અનુભૂતિ થાય છે. અરે, ભૂતકાળમાં પણ અનેકને થઈ હતી અને વર્તમાનમાં થતી જોઈ છે. શ્રીમા સમક્ષ જો આપણે વાત્સલ્યભાવે પોકાર કરીએ તો તે ચોક્કસ એનાં સ્નેહ-વાત્સલ્યની અનુભૂતિ કરાવે છે.

શ્રીમા નરદેહે વિદ્યમાન હતાં ત્યારે પણ પોતાના માતૃસ્નેહનું વર્ષણ અહૈતુકપણે અનરાધાર કરતાં હતાં એટલું જ નહીં, તેઓ મર્ત્યધામ છોડીને સ્વધામ સિધાવ્યાં છે છતાંય એ જ કૃપાવર્ષણ નિરંતર-નિરવચ્છિન્નપણે સંતાનો પર થતું રહ્યું છે. એ માટે જોઈએ આપણો વત્સભાવ, અબોધ સંતાનભાવ.

એક ઘટના છે. એક વખત રામકૃષ્ણ સંઘના કેટલાક સંન્યાસીઓ કુદરતી વિપત્તિકાળે અંતરિયાળ ક્ષેત્રમાં રાહતકાર્ય કરી રહ્યા હતા. સેવાકાર્યના અંતરાલમાં વિશ્રામરૂપે તેઓ અલ્પાહાર અર્થે માર્ગ પરની નાનકડી છાપરાવાળી દુકાનમાં રોકાયા. સૌ સંન્યાસીઓના વિસ્મય વચ્ચે, તેઓએ તે દુકાનમાં શ્રીમાની છબિ ટીંગાડેલી જોઈ. અતિ આશ્ચર્ય! એક સંન્યાસીએ કુતૂહલભાવે ગ્રામ્ય દુકાનદારને પૂછ્યું કે તે છબિ કોની છે. દુકાનદારે તરત જ, ખચકાટ વિના ઉત્તર આપ્યો, “તે છબિ મારી માની છે.” સંન્યાસીઓ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. સંન્યાસીએ પૂછ્યું, “એ કોણ છે, તે તું જાણે છે?” દુકાનદારે કહ્યું કે તેની બાલ્યાવસ્થામાં જ તેનાં જન્મદાયિની મા મૃત્યુ પામ્યાં હતાં. તે માતૃવિરહમાં સર્વદા ઝૂરતો હતો. એક વખત એક સમાચારપત્રમાં તેણે તે છબિ જોઈ. તેને અંતઃકરણમાંથી સાદ સંભળાયો—આ તારાં માતાની છબિ છે. બસ, મેં તે છબિ ત્યાંથી લઈને મઢાવી. સાચું કહું, તે મારાં માતા છે. સંન્યાસીઓને ત્યારે દૃઢ ધારણા બેઠી કે શ્રીમાનું કથન, “હું સર્વની માતા છું,” એ શત પ્રતિશત સત્ય છે. આવશ્યકતા છે માત્ર પવિત્ર હૃદયપૂર્વકના સાદની!

અન્ય એક પ્રસંગ અત્રે ટાંકવા યોગ્ય છે. એક વખત કેટલાક ભક્તો તીર્થાટનના ઉપક્રમે જયરામવાટી મહાતીર્થધામ ગયા હતા. ત્યાં પહોંચીને તેઓ માતૃમંદિરમાં પ્રણામાદિ કરી ભજન કરવા લાગ્યા, ગરબા ગાવા લાગ્યા. આશ્રમના કાર્યાલયમાંના સંન્યાસીગણે આ કીર્તનાદિ સાંભળ્યાં. ત્યારબાદ તેમણે સૌ ભક્તજનો માટે ફળપ્રસાદની વ્યવસ્થા કરી. બધાને પડિયામાં ફળ-મીઠાઈનો પ્રસાદ વહેંચવામાં આવ્યો. સમૂહમાંના એક ભક્તને મનમાં ઇચ્છા જાગી કે જો તેને પ્રસાદમાં કાકડી મળે તો સારું. તે ભક્તના પરમ વિસ્મય અંતર્ગત તેને પડિયામાં કાકડીનો જ પ્રસાદ મળ્યો. આ જોઈ-નીરખીને તે ભક્તનું હૃદય સ્નેહ-વિગલિત થઈ ગયું. ધન્ય ધન્ય જનની! તારાં દોષયુક્ત સંતાનોની તું કેવી સંભાળ રાખે છે! સાચે જ તું અંતર્યામિની જગજ્જનની છે! તને કોટિ કોટિ વંદન.

સમાપનમાં એક વધુ પ્રસંગ. એક સંન્યાસી નર્મદા પરિક્રમા કરી રહ્યા હતા. સંયોગવશાત્‌ તે પાવન દિવસ હતો શ્રીમાના આવિર્ભાવનો. એટલે સંન્યાસીએ નિર્ધાર કર્યો કે પોતે તે દિવસે નર્મદામૈયાના કિનારે કિનારે જ ચાલશે. માર્ગમાં આવ્યું માંડવગઢ સ્થાન, તેની નજીક આવેલ કુંડના પ્રાગટ્યની કથા અત્રે જણાવવી આવશ્યક નથી. સંન્યાસીના સાથીઓ અને અન્ય પરિક્રમાવાસીઓ તે કુંડની ફરતે ચાલીને આગળ વધ્યા. સંન્યાસીએ નર્મદાતટનો જ માર્ગ લીધો. માર્ગમાં જ અંધારું થઈ ગયું.

આજુબાજુ નજીકમાં કોઈ ગામ જણાતું ન હતું. સદ્‌નસીબે એક પુરાણું મંદિર નજરમાં પડ્યું, ત્યાં આશરો લેવાનું વિચાર્યું. એટલામાં સફેદ વસ્ત્રમાં સજ્જ એક વયસ્ક નારી સંન્યાસી સમીપ આવ્યાં અને આવકાર આપ્યો, ત્યાં રાત્રિ-રોકાણ નિર્ધારિત થયું. ભોજનાદિ પતાવીને રાત્રે સૂવા ટાણે, બહાર ઠંડી હોવાથી, તે સન્નારીએ ઓરડામાં જ સૂવાનો આગ્રહ રાખ્યો. સંકોચવશ સંન્યાસીએ ઓરડામાં જ સૂવું પડ્યું. સવારે નિત્યક્રમ પતાવીને આગળ ચાલતા પહેલાં, તે નારીએ મોટો પ્યાલો ભરીને મધુર દૂધ આપ્યું. તેને ન્યાય આપી સંન્યાસી આગળ ચાલ્યા. આગળ જઈને માર્ગમાં અનેકને પૂછતાં જણાયું કે તે મંદિરમાં તો કોઈ જ રહેતું નથી! તો પછી સંન્યાસીનો આદર-સત્કાર કરનાર, ભોજન કરાવનાર, રાત્રે અજાણ્યા સ્થળે અગ્નિપરીક્ષારૂપ સ્થિતિમાં રક્ષા કરનાર કોણ? શ્રીમા સિવાય કોણ હોઈ શકે!

જય મા! શ્રીમા તારો દિગ્દિગંતમાં જય થાઓ!

Total Views: 153

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.