(લેખક રામકૃષ્ણ મઠ, આદિપુર (સૂચિત)ના અધ્યક્ષ છે. – સં.)

मनुष्याणां सहस्रेषु कश्चिद्यतति सिद्धये।
यततामपि सिद्धानां कश्चिन्मां वेत्ति तत्त्वतः।।७:३।।

કે તોમારે જાનતે પારે, તુમીના જાનાલે પરે… ‘તમે સ્વયં ન જણાવો તો કોણ જાણી શકે!’

અવતાર પુરુષને સમજવા સાચે જ ખૂબ જ કઠિન છે. સ્વામી વિવેકાનંદ કહે છે, ‘અનંત ભાવમય શ્રીઠાકુરને વળી હું કેટલું સમજી શક્યો છું!’

મહાપુરુષ મહારાજ બેલુર મઠમાં હતા ત્યારે બ્રિટિશ ગવર્નરનાં પત્ની શ્રીમતી મેન્ટો આવ્યાં હતાં અને તેમણે વાત વાતમાં કહ્યું, ‘રામકૃષ્ણ મિશનની સ્થાપના સ્વામી વિવેકાનંદે કરી છે ને?’ ત્યારે મહાપુરુષ મહારાજે કહ્યું, ‘આ મઠની સ્થાપના સ્વયં શ્રીઠાકુર રામકૃષ્ણદેવે કરી છે.’ ખરેખર, મહાપુરુષ મહારાજની આ વાતમાં ખૂબ ગંભીર સંકેત છે, કારણ કે પરમ લીલામય શ્રીઠાકુરના દિવ્ય જીવનના તેઓ પણ એક દ્રષ્ટા હતા!

પરમ લીલામય દિવ્ય શ્રીઠાકુરે જાણે અતિ સહજતાથી અનાયાસે રામકૃષ્ણ મઠ-મિશનરૂપી સુપક્વ વટવૃક્ષનાં બીજ વાવી, તેનું સંવર્ધન, પોષણ, સંરક્ષણ કર્યું છે.

એક વાર દક્ષિણેશ્વરમાં કેટલાક ભક્તો બેઠેલા હતા, તેમાં અચાનક એક યુવકના ખોળામાં શ્રીઠાકુર થોડી વાર બેસી ગયા અને પછી સ્વગત કહેવા લાગ્યા, ‘ઠીક છે ઠીક છે, થઈ જશે!’ જાણે ચકાસતા હોય કે આ યુવક તેમનો ભાર ઉપાડી શકશે કે કેમ? અને સાચે જ, એ શરત્‌ નામધારી યુવાને ભવિષ્યમાં સ્વામી સારદાનંદ બનીને રામકૃષ્ણ મઠ-મિશનમાં દીર્ઘ ૨૭ વર્ષ સુધી મહાસચિવના દુષ્કર ને કઠિન પદને ઉત્તમ અને સાંગોપાંગ રીતે નિભાવ્યું!

શ્રીમા શારદાદેવીની ષોડશીરૂપે પૂજા કરી ઠાકુરે પોતાની સાધનાનું સર્વ ફળ સમર્પિત કરીને, તેમને ભવિષ્યનાં પ્રેમ, કરુણા, જગદંબાના માતૃસ્વરૂપના પૂર્ણ પ્રગટીકરણ માટે તૈયાર કર્યાં! પોતાની મહાસમાધિના અંતિમ સમયમાં શ્રીઠાકુરે એક વાર મા શારદાદેવીને પાસે બોલાવ્યાં અને કહ્યું, ‘જુઓ, આ જગતના લોકો સંસારની જ્વાળાથી બળી-ઝળી રહ્યા છે, તમારે તેમને પાર કરવાના છે.’ મા શારદાદેવી કહેવા લાગ્યાં, ‘હું તો સ્ત્રી છું, હું વળી શું કરી શકું?’ શ્રીઠાકુરે કહ્યું, ‘નહીં, તમારે ઘણું કરવાનું છે.’ અને ખરેખર, શ્રીઠાકુરની મહાસમાધિ પછી આ ધરાતલ પર ૩૪ વર્ષ રહી શ્રીમાએ કેટલાય સાધકો અને જીવોને સંસારસાગરની પાર ઉતાર્યા છે!

દક્ષિણેશ્વરમાં તારક મહારાજ (સ્વામી શિવાનંદજી) એક વાર ખૂબ જ મન દઈને ભગવાન શ્રીરામકૃષ્ણદેવનાં અમૃત સમાન વચનોને સાંભળીને નોંધી રહ્યા હતા. શ્રીરામકૃષ્ણદેવે પૂછ્યું, ‘શું કરે છે?’ તારક મહારાજે કહ્યું, ‘આપનાં અમૃત સમાન વચનો નોંધી રાખું છું, જેથી ભવિષ્યમાં લોકોનું કલ્યાણ થાય.’ રામકૃષ્ણદેવે કહ્યું, ‘એ તારે કરવાની જરૂર નથી. એના માટે માણસ ચિહ્નિત છે.’ અને આપણે જાણીએ છીએ કે આ કામ મહેન્દ્રનાથ ગુપ્ત (માસ્ટર મહાશય) દ્વારા થયું! શ્રીરામકૃષ્ણદેવ કેટલીક વાર અમુક ઉપદેશોને એમની પાસે દોહરાવતા અને એમાં સુયોગ્ય સુધારણા પણ કરાવતા! અને આ રીતે જગતને આધુનિક યુગનું ભાગવત કહી શકાય, એવો સાધકોને માટે અત્યંત ઉપયોગી અને પ્રેરણાદાયી ગ્રંથ કે જેનું જગતની મોટા ભાગની ભાષામાં ભાષાંતર પણ થઈ ગયું છે, તેની રચના કરાવાઈ!

બાબુરામ મહારાજ (સ્વામી પ્રેમાનંદ)ને ભક્તોનો મહિમા, તેમના પ્રત્યે પ્રેમભાવ અને તેમની કાળજી કેવી રીતે લેવી, વગેરેના અદ્‌ભુત પાઠો શીખવ્યા! આપણને ખબર છે કે રામકૃષ્ણ મઠ-મિશનની સ્થાપના પછી તેમની એક આગવી ભૂમિકા રહી હતી. સ્વામી પ્રેમાનંદજીનો ભક્તો પ્રત્યેનો પ્રેમ આજે પણ મઠ-મિશનના ઇતિહાસમાં કિંવદન્તિ બની ગયો છે!

શ્રીરામકૃષ્ણદેવ કહેતા કે રાખાલ (સ્વામી બ્રહ્માનંદ) મારો માનસપુત્ર છે; તે રાખાલ  છે, તે એક રાજ્ય ચલાવી શકે! આ વાતને જાણીને જ સ્વામી વિવેકાનંદે સ્વામી બ્રહ્માનંદને રામકૃષ્ણ મઠ-મિશનના પ્રથમ અધ્યક્ષ બનાવ્યા હતા! અને ખરેખર, તેમણે પોતાની અદ્‌ભુત આધ્યાત્મિક શક્તિ અને શાણપણથી રામકૃષ્ણ મઠ-મિશનનો દૃઢ પાયો નાખ્યો હતો!

સેવારત લાટુ મહારાજ (સ્વામી અદ્‌ભુતાનંદ)ને શ્રીરામકૃષ્ણદેવ એક વાર પૂછે છે, ‘બોલ તો લેટો,  તારા શ્રીરામ અત્યારે શું કરે છે?’ (લાટુ મહારાજ બિહારના હતા, શ્રીરામના‌ ભક્ત હોઈ) લાટુ મહારાજ કહે, ‘મને શું ખબર, રામજી અત્યારે શું કરે છે?’  ત્યારે રામકૃષ્ણદેવે કહ્યું, ‘તારા રામ અત્યારે સોયના કાણામાંથી હાથી પસાર કરે છે!’ એનો અર્થ એ થયો કે અભણ ને દરિદ્ર એવા ગામડાના અતિ સામાન્ય ભરવાડ બાળકને જ્ઞાનની પરમસીમા એટલે કે બ્રહ્મજ્ઞાન માટે તૈયાર કરી રહ્યા હતા! જાણે સોયના કાણામાંથી હાથી પસાર કરવો! શ્રીપ્રભુ માટે બધું જ શક્ય છે, મૂકં કરોતિ વાચાલમ્….

કાશીપુર ઉદ્યાનગૃહમાં શ્રીરામકૃષ્ણદેવે પોતે જ પોતાના કેટલાક યુવા શિષ્યોને ગેરુઆ કપડાં આપી, જાણે સંન્યાસ ધર્મમાં દીક્ષિત કરીને મઠનો પાયો નાખ્યો હતો!

કોનામાં કેવાં લક્ષણો છે, કોના દ્વારા શું કામ કરાવવું વગેરે ગુપ્ત વાતો શ્રીરામકૃષ્ણદેવે નરેન્દ્રનાથ (સ્વામી વિવેકાનંદ)ને કરી ને યુવા ભક્તોના નેતા બનાવ્યા. પોતાની મહાસમાધિના થોડા દિવસ પહેલાં પોતાની સર્વશક્તિ નરેન્દ્રનાથમાં સંક્રમિત કરી, શ્રીરામકૃષ્ણદેવે કહ્યું કે તારે માનું કામ કરવાનું છે, ત્યારે નરેન્દ્રનાથે કહ્યું, ‘નહીં,  હું તો સમાધિમાં જ રહીશ. હું કશું નહીં કરું.’ ત્યારે શ્રીરામકૃષ્ણદેવે હસતાં હસતાં કહ્યું, ‘તું શું નહીં કરે, તારાં હાડકાં પણ કરશે!’ અને ભવિષ્યવાણી કરી—નરેન જગતને ઉપદેશ આપશે!

શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ પછી સ્વામી વિવેકાનંદ પરિવ્રાજક રૂપે ભારતના ભ્રમણ માટે નીકળી પડ્યા.

ગાજીપુરમાં  દૃઢ ઇચ્છાશક્તિ સંપન્ન સ્વામી વિવેકાનંદે પવહારીબાબા પાસે યોગવિદ્યા શીખવાનો નિર્ધાર કર્યો. પરંતુ ૨૧ દિવસ સુધી શ્રીરામકૃષ્ણદેવે સ્વપ્નમાં દર્શન આપીને જાણે કહ્યું કે તને જે શક્તિ મળી છે, એનાથી બધું થઈ રહેશે! પ્રેમ અને કરુણામૂર્તિ પોતાના ગુરુદેવની ઇચ્છા સામે સ્વામી વિવેકાનંદે પોતાની હઠયોગ શીખવાની ઇચ્છાનો ત્યાગ કર્યો અને પરિભ્રમણમાં આગળ વધ્યા!

Total Views: 122

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.