મણિ નાગેશ્વરમાં નવરાત્રીના સમય સહિત થોડા દિવસ ખૂબ જ આનંદમય અને ભક્તિમય પસાર થયા, ૨૨ ઓક્ટોબરના રોજ ૭ કન્યાઓને ભોજન પણ કરાવાયું. તારીખ ૨૪ ઓક્ટોબર ૨૦૧૫, શનિવારના રોજ સંન્યાસીએ બધા અંતેવાસીને મળી ભાવપૂર્વક વિદાય લીધી અને મણિ નાગેશ્વરથી પરિક્રમાના માર્ગે આગળ વધવા તૈયાર થયા. વાસ્તવમાં એક દૃષ્ટિએ જોઈએ તો હવે જ સંન્યાસીની નર્મદા પરિક્રમા શરૂ થઈ, કારણ કે અત્યાર સુધી પરિક્રમાના માર્ગમાં કોઈને કોઈ સથવારો સાથે હતો પરંતુ હવે ત્યાગીજી અહીં રોકાઈ જવાના હતા અને સંન્યાસી એકલા આગળ વધવાના છે અને જાણે સમુદ્રમાં ગોતાખોર પ્રથમ વાર એકલા જાય તેવો ભાવ. ત્યાગીજી અને બીજા એક મહાત્મા સંન્યાસીને અડધો કિલોમીટર દૂર સુધી મૂકવા આવ્યા. જાણે મુગ્ધાને મૂકવા આવેલ પિયરીયા!

સંન્યાસી આગળ વધતાં વધતાં કેળના બગીચામાં જઈ ભરાણા, અનુભવ પ્રમાણે કેળના બગીચામાં નાગદાદાનો વાસ હોય એટલે પગને પણ સંભાળી સંભાળીને ડગલાં ભરવાં પડે, કેળના મોટા બગીચામાં કેટલુંય ચાલ્યા પછી પણ આગળનો રસ્તો મળે નહીં, આગળ એટલાં ઝાડવાઓ, રસ્તો કંઈ દેખાય નહીં. એટલે સંન્યાસીએ અમોઘ હથિયાર વાપર્યું, ‘નર્મદે હર નર્મદે હર’ના નાદ સાથે વાતાવરણને ગજવી દીધું, સામેથી તરત જવાબ આવ્યો, ‘ડાબી બાજુ ધીરે ધીરે ચાલતા આવો!’ તાર પાર કરી એક બાબાના આશ્રમમાં સંન્યાસી જઈ ચડ્યા. ઉદાસીન સંપ્રદાયના એક સંન્યાસીએ પ્રેમપૂર્વક જળપાન કરાવ્યું, બે સફરજન અને ૨૦ રૂપિયા પ્રણામી આપ્યાં. પોતાનું કાર્ડ આપ્યું. પ્રસાદ લેવો હોય તો બપોર સુધી રોકાઈ જાઓ, પણ બપોર સુધીમાં ભાલોદ પહોંચી જવાશે, એમ વિચારી પૂજ્ય મહારાજ પાસેથી સંન્યાસીએ ભાવભરી વિદાય લીધી.

આગળ ચાલતાં ચાલતાં ભાલોદમાં ગૌતમેશ્વર, કાશી વિશ્વનાથ રામનાથ અને મોક્ષનાથ મહાદેવનાં મંદિરો આવ્યાં. ગૌતમેશ્વર મંદિરમાં એક માત્ર કિશોરી ભોલેબાબાની પ્રેમપૂર્વક -ભાવપૂર્વક પૂજા કરી રહ્યાં હતાં. સંન્યાસીને જાણે શિવ-પાર્વતીનાં દર્શન થઈ ગયાં! મંદિરની બહાર બે-ત્રણ ટાબરિયાં સાથે આલાપ થઈ ગયો, જાણે કેટલાય સમયથી જાણતા ન હોય! નર્મદે હર બોલાવડાવી એક-એક ચોકલેટ આપી. બાળકો બોલવા લાગ્યા તમે પાછા ક્યારે આવશો? પ્રભુની ઈચ્છા, કહી સંન્યાસી આગળ વધ્યા. ભાલોદના ગાયત્રી મંદિરમાં આસન લગાવ્યું, હરીહરાનંદજી મહારાજ સેવાની સુંદર મૂર્તિ હતા. અહીંના મુખ્ય સ્વામીજી રાજેશ્વરાનંદજી બીલખા ગયા હતા. સાંજે દત્ત મંદિરમાં દર્શન કરી આવ્યા. ગાયત્રી મંદિરમાં એક પરિવ્રાજક સાધુ હતા, તેમની સાથે આલાપ થયો, તેઓ અત્યંત નિરાશ હતા અને જીવનમાં નાસીપાસ થયેલા હતા, વાત-વાતમાં આત્મહત્યા કરવાનું કહેતા હતા. સંન્યાસી વિચારવા લાગ્યા કે

अविद्यायामन्तरे वर्तमानाः स्वयं धीराः पण्डितम्मन्यमानाः।
दन्द्रम्यमाणाः परियन्ति मूढाअन्धेनैव नीयमाना यथान्धाः॥

(કઠોપનિષદનો શ્લોક ૨.૫)

છતાં પણ સંન્યાસીએ સહાનુભૂતિપૂર્વક આશાસ્પદ અને આશ્વાસનના શબ્દો કહ્યા. બીજે દિવસે સવારે ‘નર્મદે હર’ના નાદ સાથે સંન્યાસી પરિક્રમાના માર્ગે આગળ વધ્યા. હવે નકશામાં બતાવ્યા પ્રમાણે નર્મદા ખૂબ મોટો વળાંક લે છે, એટલે સંન્યાસીએ નર્મદાનો તટ છોડી અવિધા ગામ થઈને સાંજ સુધીમાં જગદીશ મઢીમાં પહોંચે છે. અવિધા ગામમાં રામેશ્વર મહાદેવનું સુંદર મંદિર હતું અને પરિક્રમાવાસી માટે રહેવા અને ભોજનની ખૂબ જ સારી વ્યવસ્થા હતી. અહીં અમૃતલાલ કરીને ગ્રામજન ખૂબ જ પ્રેમિક અને સેવાભાવી હતા. આ ગામમાં કંઈક વિશેષત્વ હતું. સંન્યાસીએ પરિક્રમામાં અનુભવ કરેલાં શ્રેષ્ઠ ગામોમાંનું આ એક ગામ. રસ્તામાં રેલવે લાઇનમાં થોડાક કિલોમીટર ચાલીને, કબીર વડ તરફ જતા માર્ગ પાસેથી થઈ સાંજે પાંચેક વાગ્યે જગદીશ મઢી આશ્રમમાં સંન્યાસી પહોંચ્યા.

આ જગદીશ મઢી એટલે અદ્‌ભુત આશ્રમ! જાણે આપણે પ્રાચીન સમયના કોઈ આશ્રમમાં પહોંચી ગયા હોઈએ! મોટા મોટા ઘેઘૂર વડલા, પીપળા, આંબા, લીમડા બધા જાણે વૃક્ષોરૂપી ઋષિઓ ધ્યાનસ્થ છે! એક તરફ રામજીનું મંદિર, હનુમાનજીની ડેરી અને મા નર્મદાનું મંદિર તથા પરિક્રમાવાસી સાધુ ભક્તોથી આશ્રમ મઘમઘતો મહેકતો હતો. અહીં સતત એક તરફ અખંડ રામધુન, વળી હનુમાનજીની દેરીમાં અખંડ રામચરિતમાનસ-પાઠ થાય. જગદીશ બાપુનું અપાર વાત્સલ્યપૂર્ણ સરળ પવિત્ર ચરિત્ર. સાંજના ભોજનપ્રસાદને હજુ વાર હતી, નર્મદા તટે આવેલ ઘાટ પાસે સંન્યાસી પહોંચી ગયા, ખૂબ જ આનંદપૂર્વક નર્મદાસ્નાન થયું. નર્મદા જળમાં થોડી ખારાશ હતી, કારણ કે સમુદ્ર નિકટસ્થ, અહીં દિવસમાં ભરતી-ઓટ આવે અને નદીનું વહેણ પણ બદલે, જળમાં થોડી રતાશ પણ આવી ગઈ હતી. આકાશમાં સૂર્યનારાયણ નર્મદાના ઉત્તર તટે કોઈ ગામમાં જાણે નિવાસ હોય અને જલદી જલદી જઈ રહ્યા ન હોય! આકાશ શાંત, સ્નિગ્ધ, પીળા રંગમાંથી લાલ રંગમાં પરિવર્તિત થઈ રહ્યું હતું, પક્ષીઓનો સુંદર કલરવ, કેટલાંક પક્ષીઓ દૂર-દૂર પોતાની મુસાફરી પૂરી કરી, ફરી પાછાં પોતાના આશ્રયસ્થાને જઈ રહ્યાં છે, કોણ કરે છે આ બધું! અદ્‌ભુત લીલા છે શ્રીપ્રભુની!

આશ્રમમાં દેશી ગાયો ચરીને પાછી ફરી રહી હતી. સંન્યાસીએ ભોજનપ્રસાદ પછી આશ્રમની સંધ્યા આરતીમાં અને થોડો સમય અખંડ રામધૂનમાં પણ ભાગ લીધો. જગદીશ મઢી આશ્રમમાં સવારે ત્રણથી ચારમાં બધા ભક્તો-સાધુ-સંતો ઊઠી જાય, પાંચ વાગે પ્રાંગણમાં સ્વયં જગદીશ બાપુ મહારાજ મોટી ધ્વજા-પતાકા સાથે હાજર થાય, બધા સાધુ-ભક્તો પણ પ્રભાત ફેરી માટે હાજર થાય. પ્રથમ રામજી મંદિર, નર્મદા મંદિર, હનુમાનજી મંદિર પાસે મંડળી ભજન-કીર્તન કરતી કરતી આશ્રમના પ્રાંગણમાં પોતાના પ્રભુને રીઝવવા મધુર સ્વરે પોકાર કરે. અંતે નર્મદા તટે મા નર્મદાને ભજન સંભળાવે અને પરિક્રમા પૂર્ણ થાય. પ્રભાત ફેરી પૂર્ણ થયા પછી જગદીશ બાપુ મા નર્મદા મૈયાને સાષ્ટાંગ પ્રણામ કરે, નિહાળવા જેવું અદ્‌ભુત દૃશ્ય! બાપુનો પોતાના ઇષ્ટ રામજી પ્રત્યે જેટલો પ્રેમ એટલો જ નર્મદા મૈયા પ્રત્યે!

Total Views: 18

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.