શ્રીમા શારદાદેવી વાંચતાં શીખ્યાં હતાં પરંતુ એમને લખવાનો અભ્યાસ ન હતો. શ્રીરામકૃષ્ણદેવના સ્વહસ્તે સુદર્શન અક્ષરોમાં લિખિત બાંગ્લા ગ્રામ્ય નાટકોનો સંગ્રહ આપણી પાસે તો છે પરંતુ માના સ્વહસ્તે લિખિત એકમાત્ર ‘મા’ શબ્દ જ આપણી પાસે છે.
પરંતુ તેઓએ પોતાના જીવન દરમ્યાન 300થી વધુ પત્રો લખાવ્યા હતા. શ્રીમા પોતે પત્ર લખતાં નહીં પરંતુ તેઓ બંગાળીમાં જેમ બોલતાં એમ એમનાં ભત્રીજી અથવા સંન્યાસી-સંતાનો લિપિબદ્ધ કરી લેતાં. આ પત્રોનું સંકલન રામકૃષ્ણ મિશન ઇન્સ્ટિટ્યૂટ ઑફ કલ્ચર દ્વારા ‘માયેર ચિઠિ’ નામે બંગાળી ભાષામાં પ્રકાશિત કરવામાં આવ્યું છે.

શ્રીમાના પત્રોમાં સ્વામી વિવેકાનંદના પત્રોની જેમ રાષ્ટ્રપ્રેમ, ગહન આધ્‍યાત્મિક ચિંતન, કે સ્વામી તુરીયાનંદજીના પત્રોની જેમ આધ્‍યાત્મિક સફરનું માર્ગદર્શન વગેરે જોવા મળતું નથી. પરંતુ છલકાઈ ઊઠે છે શ્રીમાનો પોતાનાં સંતાનો પ્રત્યે અફૂરંત પ્રેમ અને આશીર્વાદ. અને સાથે જ જોવા મળે છે શ્રીમાનું સહજ સરલ પારિવારિક જીવન કે જેમાં તેઓ પોતાનું જગદંબા સ્વરૂપ છુપાવી એક સામાન્ય જનનીની જેમ પોતાનાં સંતાનોની ચિંતા કરવામાં અને ઘરનું બધુ કામ કરવામાં જ દિવસો પસાર કરે છે.

બલરામ બસુને ઉદ્દેશિત એક પત્રમાં શ્રીમા લખે છેઃ

***

શ્રીશ્રીદુર્ગાસહાય
જયરામબાટી 14-11-1889
આશીર્વાદ પત્ર

શ્રીશ્રી જગદ્ધાત્રી પૂજા સારી રીતે થઈ ગઈ છે. કાડી કૃષ્ણરાયજી [કાલીકૃષ્ણ બાબાજી?] નાં દર્શને ગઈ હતી. એ કારણે આટલા દિવસ સુધી પત્ર લખી શકી નહીં. આહાર-ગ્રહણ ક્યારથી કર્યો છે? અત્યારે કેમ છો? સવિશેષ સમાચાર લખશો. હું તો સર્વદા તમને આશીર્વાદ કરતી આવી છું, જેથી તેઓ [ઈશ્વર] શારીરિક અને માનસિક રીતે તમને સ્વસ્થ રાખે. સારદા પશ્ચિમની યાત્રા કરશે એમ કહીને અહીંથી નીકળ્યો હતો. ચાર કોશ ગયા પછી તાવ આવ્યો અને એ પાછો ફર્યો. અત્યારે એને ખૂબ સારું છે. યોગેન અને ગોલાપને જતાં 15 અગ્રહાયણ થશે. હું શારીરિક રીતે સ્વસ્થ છું.

આશીર્વાદ પત્ર

પત્ર પ્રાપકનું નામ અને સરનામું
પરમકલ્યાણીય
શ્રીમાન બલરામ બસુ બાબાજીવન ચિરજીવેશુ
57 Ramkanto Bose’s Street
Baghbazar, Calcutta

***

સારદા એટલે સારદાપ્રસન્ન મિત્ર—શ્રીરામકૃષ્ણ-દેવના એક ત્યાગી શિષ્ય જેઓ સંન્યાસ લઈ સ્વામી ત્રિગુણાતીતાનંદ નામે પરિચિત થયા હતા. તેઓ સ્વામી વિવેકાનંદના આહ્‌વાને નિઃસંગ પરિવ્રાજક સંન્યાસીરૂપે ભારતભ્રમણ માટે વરાહનગર મઠ છોડીને બંગાળની પશ્ચિમ દિશામા એટલે કે કાશી-વૃંદાવન તરફ જવા માટે નીકળ્યા હતા.

યોગેન અને ગોલાપ એટલે યોગેન મા અને ગોલાપ મા—શ્રીરામકૃષ્ણદેવનાં મહિલાભક્ત જેઓએ શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ બાદ આજીવન શ્રીમા શારદાદેવીની સેવા કરી હતી. તેઓ એ સમયે જયરામબાટીમાં હતાં અને 15 અગ્રહાયણે કલીકાતા જવા રવાના થવાનાં હતાં.

થોડા દિવસો બાદ જ બલરામ બસુને લિખિત બીજા પત્રમાં શ્રીમા કહે છેઃ

***

શ્રીશ્રી ગુરુદેવ
જયરામબાટી
બૃહસ્પતિવાર, 23-11-1889
આશીર્વાદ પત્ર

રાખાલને તાવ આવ્યો હતો. એ સુસ્થ થઈ ગયો છે તો? તમે કેમ છો. તમને તાવ આવ્યો હતો સાંભળી ખૂબ ચિંતામાં છું. કેમ રહો છો, એ સર્વદા પત્ર લખી જણાવશો. મારા આશીર્વાદ જાણજો. માસ્ટર મહાશયના ઘરના શું ખબર છે? તેઓ કેમ પત્ર લખતા નથી? સાંભળ્યું કે રાખાલ પશ્ચિમમાં જવાનો છે. ગઈ વખતે જગન્નાથમાં ઠંડીના કારણે કષ્ટ પામ્યો હતો. ઠંડી પછી ફાલ્ગુન માસમાં જવાથી સારું થાય. પણ જો તીવ્ર ઇચ્છા થઈ રહી હોય તો હું બીજું શું કહું? અહીં બધાં જ મજામાં છે. હું મજામાં છું. મારા આશીર્વાદ જાણજો. પુત્ર યોગેને ચિત્રકૂટથી પત્ર લખ્યો છે. એ મજામાં છે.

આશીર્વાદ પત્ર

***

માસ્ટર મહાશય એટલે શ્રીરામકૃષ્ણદેવના ગૃહી શિષ્ય અને ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના લેખક શ્રીમ.

રાખાલ એટલે શ્રીરામકૃષ્ણદેવના યુવા સંન્યાસી શિષ્ય સ્વામી બ્રહ્માનંદ. સ્વામી ત્રિગુણાતીતાનંદની જેમ તેઓ પણ પશ્ચિમ એટલે કાશી વગેરે તરફ પ્રવ્રજ્યા માટે જવાના હતા.

પુત્ર યોગેન એટલે શ્રીરામકૃષ્ણદેવના યુવા સંન્યાસી શિષ્ય સ્વામી યોગાનંદ. તેઓ આ સમયે ચિત્રકૂટમાં તપસ્યા કરી રહ્યા હતા.

શ્રીમા પોતાની સેવિકા યોગિન માને પણ યોગેન કહીને બોલાવતાં. માટે જ બેઉને અલગ કરવા યોગાનંદજીને પુત્ર યોગેન અને યોગિન માને પુત્રી યોગેન કહી બોલાવતાં.

Total Views: 465

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.