(2 ફેબ્રુઆરી શ્રીરામકૃષ્ણદેવના માનસપુત્ર સ્વામી બ્રહ્માનંદજીની તિથિપૂજાના પાવનપ્રસંગે મહારાજજી દ્વારા મંત્રદીક્ષા અને જપધ્યાન સંલગ્ન કેટલાક ઉપદેશ આપની સમક્ષ પ્રસ્તુત છે. આ ઉપદેશ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશિત પુસ્તક ‘ધ્યાન, ધર્મ અને સાધના’ પૃ.31 માંથી સંકલિત કરવામાં આવ્યા છે. -સં.)

પ્રશ્નઃ મહારાજ, મન જપ-ધ્યાન એક સાથે કરવાનો આદેશ મળ્યો છે. પણ ધ્યાન તો બિલકુલ થતું નથી. એટલા માટે વચ્ચે વચ્ચે મન બહુ જ બગડી જાય છે.

મહારાજઃ મનમાં આવી નિરાશા આવે તે સ્વાભાવિક છે. દક્ષિણેશ્વરમાં મને એક વખત આવું થયેલું. મારી ઉંમર તે સમયે નાની હતી અને ઠાકુર ત્યારે લગભગ પચાસ વર્ષના હતા. એટલે મનની બધી જ વાતો એમને કહેતાં શરમ આવતી હતી. એક દિવસ હું કાલીમંદિરમાં ધ્યાન કરી રહ્યો હતો. ધ્યાન લાગતું ન હતું. મનમાં બહુ ખરાબ લાગવા માંડયું. વિચાર્યુંઃ ‘આટલા દિવસથી અહીં છું. કંઈ પણ ન થયું. તો પછી શું મોઢું લઈને રહું? બધું જાય ચૂલામાં. એમને (ઠાકુરને) પણ કંઈ નહીં કહું. જો આ રીતે બેત્રણ દિવસ વધારે ચાલ્યું તો ઘરે પાછો જતો રહીશ. ત્યાં પાંચ-દશ વસ્તુઓમાં મન તો લાગશે.’

આવું વિચારીને કાલીમંદિરમાંથી બહાર આવી રહ્યો હતો કે તરત ઠાકુરે મને જોઈ લીધો. તેઓ એ સમયે પરસાળમાં ટહેલતા હતા. મને જોઈને ઓરડામાં ચાલ્યા ગયા. ત્યારે અમારા બધાનો એવો નિયમ હતો કે કાલીમંદિરમાંથી આવ્યા બાદ એમને પ્રણામ કરીને થોડો પ્રસાદ લેવો. મેં અંદર જઈને એમને પ્રણામ કર્યા. તેઓ બોલ્યાઃ ‘જો, જ્યારે તું કાલીમંદિરમાંથી આવી રહ્યો હતો, ત્યારે જોયું તો તારું મન જાણે પરદાથી ઢંકાઈ ગયેલું લાગ્યું.’

મેં વિચાર્યુંઃ ‘અરે, તેઓ તો બધું જ જાણી ગયા છે.’ મેં કહ્યુંઃ ‘મારું મન આટલું બગડી ગયું છે, તે તો આપ જાણી જ ગયા છો.’ ત્યારે તેમણે મારી જીભ પર કશુંક લખી દીધું. તત્ક્ષણ હું મારું પહેલાંનું સમસ્ત દુઃખ ભૂલીને અપૂર્વ આનંદવિભોર થઈ ગયો. ગમે ત્યારે પણ તેમની સમીપ હોઉં ત્યારે હંમેશાં આનંદથી ભરપૂર રહેતો. એટલા માટે તો સિદ્ધ અને શક્તિશાળી ગુરુની આવશ્યકતા રહે છે.

એ જરૂરી છે કે દીક્ષા આપતાં અને ગ્રહણ કરતાં પહેલાં ગુરુ-શિષ્ય એકબીજાની પરીક્ષા કરીને જોઈ લે, નહીંતર છેતરાવું પડે છે. આ કંઈ એકાદ-બે દિવસનો સંબંધ નથી. મારી પાસે કોઈ દીક્ષા લેવા આવે તો પહેલાં તો હું તેને ભગાડી જ મૂકું છું. જ્યારે જોઉં કે તે છોડતા નથી, ત્યારે કહું છું કે આ ‘નામ’ નો દરરોજ એક વર્ષ સુધી ઓછામાં ઓછો એક હજાર વાર જપ કરો, ત્યાર પછી મળજો. ઘણા લોકો આનાથી જ ભાગી જાય છે.

એક વ્યક્તિને દીક્ષા આપવા માટે કેટલી બધી મહેનત કરવી પડે છે! પહેલાં તો એ સમજવું મુશ્કેલ થઈ જાય છે કે એના ઇષ્ટ દેવતા કોણ છે. એક વ્યક્તિને દીક્ષા આપતાં પહેલાં વિચાર્યું કે ધ્યાનમાં એના ઇષ્ટદેવતા જો મળે તો પછી એને દીક્ષા આપીશ, નહીંતર નહીં. લગભગ એક કલાક ધ્યાન કર્યા બાદ એક મૂર્તિનાં દર્શન થયાં; પછી તે વ્યક્તિને પૂછતાં જણાયું કે તે મૂર્તિ જ તેને સર્વથી અધિક પ્રિય હતી. આજકાલ ઘણા લોકો દીક્ષા લઈને કંઈ જ કરતા નથી; જેવા તેવાને દીક્ષા આપવી ઉચિત નથી.

ખૂબ જ ધીરજ જોઈએ. ધીરજ ધરીને સાધના કર્યે જાઓ. જ્યાં સુધી તત્ત્વલાભ ન થાય ત્યાં સુધી ખૂબ મહેનત કરો. શરૂશરૂમાં સાધના વેઠની પેઠે નીરસ લાગે છે. જેમ કે પહેલાં પહેલાં અ, આ વગેરે શીખવું. પરંતુ ધીરજપૂર્વક મંડ્યા રહેવાથી ધીમે ધીમે શાંતિ મળે છે. અમારી પાસેથી દીક્ષા ગ્રહણ કર્યા બાદ જેઓ ફક્ત ફરિયાદ જ કરે છે અને કહે છેઃ ‘મહારાજ, કંઈ પણ થતું જણાતું નથી,’ એમની વાત હું બેત્રણ વરસ સુધી તો બિલકુલ સાંભળતો જ નથી. ત્યાર પછી તે લોકો જાતે જ આવીને કહે છેઃ ‘હા મહારાજ, હવે કંઈક થઈ રહ્યું છે.’ આ કંઈ ઉતાવળે મળી જાય તેવી વસ્તુ નથી! બેત્રણ વરસ સુધી ખૂબ સાધનભજન કરો. ત્યાર પછી આનંદની પ્રાપ્તિ થશે. તમારી વાત સાંભળીને અત્યંત આનંદ થયો. આજકાલ અનેક લોકો કામચોરી કરીને છળકપટથી પોતાનું કામ કરાવી લેવા ઇચ્છે છે.

પ્રશ્નઃ મહારાજ, ભગવાનમાં મન કેવી રીતે લાગે?

ઉત્તરઃ સાધુસંગ કરતાં કરતાં ભગવાનમાં મન લાગશે. સાધુઓની પાસે ફક્ત આવવા-જવાથી કંઈ નહીં વળે. એમનું જીવન જોઈને, એમનો ઉપદેશ સાંભળીને, તે પ્રમાણે જીવન ઘડવું પડશે. બ્રહ્મચર્ય અને સાધનભજન વગર સાધુઓનો ભાવ અને ઉપદેશ વગેરે ટકી શકતાં નથી. શાસ્ત્રો વગેરેનો પાઠ કરવાથી પણ તેનો ખરો અર્થ સમજવામાં આવતો નથી. ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ વગેરે પુસ્તકો ખૂબ વાંચવાં અને તેની ધારણા કરવા પ્રયત્ન કરવો. જેટલી વખત તે વાંચશો તેટલી વખત તેમાંથી નવો ને નવો અર્થ મેળવશો. સાધક ભગવાન વિશે સાંભળીને એક રીતે સમજે છે, સાધના કરીને તેને બીજી રીતે સમજે છે અને સિદ્ધ થયા બાદ તેને વળી જુદા જ પ્રકારથી સમજે છે.

તેમને મેળવવા માટે, તેમનાં દર્શન માટે, ખૂબ સાધનભજન કરવાં જોઈએ. સરળ અને વ્યાકુળ હૃદયે એમને પોકારવા જોઈએ. એમના માટે સર્વસ્વનો ત્યાગ કરવો જોઈએ. કામિની-કાંચન અને માન-યશની થોડીક પણ આકાંક્ષા હોય, તો કામ નહીં પાર પડે. નાગ મહાશય કહેતાઃ ‘લંગર નાખીને નૌકા ચલાવવાથી કેવી રીતે ચાલે?’ તેમની એક બીજી પણ વાત હતી કેઃ ‘પ્રતિષ્ઠા મેળવવી સહેલી છે, પણ તેને છોડવી મુશ્કેલ છે. જે તેનો ત્યાગ કરી શકે છે તે જ ખરો સાધુ છે.’

આવો દુર્લભ મનુષ્યજન્મ પ્રાપ્ત કરીને જો ભગવાન મેળવવા માટેનો પ્રયત્ન ન કરો તો જન્મ વ્યર્થ છે. શંકરાચાર્યે કહ્યું છેઃ ‘મનુષ્યત્વં મુમુક્ષુત્વં મહાપુરુષસંશ્રયઃ’ -મહાપુરુષનો સંગ મોટા ભાગ્યશાળીને જ મળે છે.

Total Views: 555

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.