રાજા યયાતિની પુરાણકથા સુપ્રસિદ્ધ છે. તે વૃદ્ધ થઈ ગયો પણ તેની ભોગ ભોગવવાની ઇચ્છા ઓછી થઈ નહીં. તેણે પોતાના યુવાન પુત્ર નહુષની યુવાની પોતાની વૃદ્ધાવસ્થા આપીને મેળવી. એ યુવાનીમાં ખૂબ ભોગો ભોગવ્યા. આખરે એ યુવાની પણ ચાલી ગઈ અને પાછી વૃદ્ધાવસ્થા આવી ગઈ તો પણ ભોગોનો અંત ન આવ્યો, ત્યારે તેને જ્ઞાન થયું કે અગ્નિમાં ઘીની આહુતિ આપતાં અગ્નિની જવાળાઓ વધે છે, તેમ ઇચ્છાઓને પૂરી કરતાં ઇચ્છાઓ પણ વધતી જ જાય છે. મનુષ્યના જીવનનો અંત આવી જાય છે, પણ ઇચ્છાઓનો કદી અંત આવતો નથી.

આ સંદર્ભમાં ટોલ્સ્ટોયની એક વાર્તા છે. એક માણસને એમ કહેવામાં આવ્યું કે સાંજે સૂરજ આથમે ત્યાં સુધીમાં તું જેટલી જમીન ઉપર દોડીશ તેટલી જમીન તારી માલિકીની થઈ જશે. આથી તે માણસ ખૂબ ઝડપથી દોડવા લાગ્યો. હાંફવા લાગ્યો તોય દોડતો રહ્યો. મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યાં તોય દોડતો રહ્યો કે બસ આટલું દોડી લઉં તો આટલી વધારે જમીન મારી થઈ જાય. પછી તો તેના પગ લથડિયાં ખાવા લાગ્યા તોય પરાણે દોડતો રહ્યો કે હજુ વધારે આટલી જમીન લઈ લઉં. સાંજ પડી ત્યારે તો તેણે કેટલી બધી જમીન મેળવી લીધી હતી! સૂરજનું જ્યારે છેલ્લું કિરણ પડ્યું, ત્યારે તે જમીન ઉપર ફસડાઈ પડ્યો અને થોડી જ વારમાં ધમણની જેમ ચાલી રહેલો તેનો શ્વાસ શમી ગયો અને તે ત્યાં જ મરી ગયો. જ્યારે તેને દફનાવવામાં આવ્યો ત્યારે તો માત્ર છ જ ફૂટ જમીન તેની હતી! આ વાર્તા માનવનો અસંતોષ અને સંપત્તિની ભૂખને પ્રગટ કરે છે. દોડી દોડીને મનુષ્ય સંપત્તિ મેળવે છે પણ પછી તેને ભોગવવાનો તેની પાસે સમય જ રહેતો નથી. અને જો સમય હોય છે, તો તન અને મન ભોગવવા જેવાં રહ્યાં હોતા નથી!

વધારે સંપત્તિ મેળવવાની દોટમાં માણસ પોતાના વર્તમાનનાં સહજ સુખો અને સ્વાભાવિક આનંદોને ગુમાવી દે છે. આ વિશે એક હોડીવાળાની સુંદર કથા છે. એક દિવસ બપોરના સમયે એક હોડીવાળો પોતાની હોડીને નાંગરીને નદી કિનારે વૃક્ષની છાયામાં નિરાંતે સૂતો હતો. ત્યાં એક વેપારી આવ્યો. તેણે હોડીવાળાને જગાડીને કહ્યું, ‘અરેરે, તું આમ ધંધો કરવાનું મૂકીને બપોરે ઊંઘે છે? તારે તો દૂર દૂર સુધી જવું જોઈએ અને ખૂબ માછલાં પકડવાં જોઈએ,’

‘પણ શેઠજી, મને આજના દિવસનું ગુજરાન ચાલે તેટલી રકમ મળી ગઈ છે. હવે મારે વધારે જરૂર નથી.’

‘અરે, તું તો કેવો મૂરખ છે. તું વધારે માછલાં પકડીશ, તો તને વધારે પૈસા મળશે.’

‘પછી તું મારી પાસે આવજે. હું તને શેરમાં અને જુદી જુદી સ્કીમોમાં પૈસાનું રોકાણ કેવી રીતે કરવું તે બતાવીશ અને તેથી તારા પૈસા અનેકગણા વધી જશે અને એનાથી તને નિયમિત વ્યાજ મળતું રહેશે. એટલે તને નિશ્ચિત રકમ દર મહિને મળતી રહેશે.’ ‘પછી?’

‘પછી તારે કોઈ ચિંતા નહીં રહે. તું નિરાંતે ઊંઘી શકીશ.’ ‘શેઠજી, અત્યારે એ તો હું કરી રહ્યો છું. એના માટે આટલી બધી દોડધામ કરવાની શી જરૂર છે? તમે જાવ અને મને નિરાંતે ઊંઘવા દો.’ અને શેઠ હોડીવાળાની મૂર્ખાઈ ઉપર બબડાટ કરતા ચાલ્યા ગયા પરંતુ હોડીવાળાને જે સમજાયું હતું, તે શેઠને સમજાતું ન હતું. આજે મોટાભાગના મનુષ્યો આ શેઠ જેવા જ છે કે ભવિષ્યમાં નિરાંતે ઊંઘવા માટે વર્તમાનની નિષ્ફિકર આનંદભરી ઊંઘને છોડીને વિશેષ ધનની લાલસામાં દોડે છે. અને પછી જ્યારે ધન મેળવી લે છે, ત્યારે ઊંઘ જ જતી રહે છે.

આજના ઉપભોક્તાવાદના રાક્ષસે ભવિષ્યની મોહક ભ્રમજાળ એવી રચી કે ભલભલા મનુષ્યો એમાં ફસાઈને વર્તમાનનાં સુખ-શાંતિને ગુમાવી દે છે. આથી સુખશાંતિની શોધમાં નીકળેલા આધુનિક માનવે ઉપભોક્તા-વાદના રાક્ષસની પકડમાંથી મુક્ત થવું પડશે. પાશ્ચાત્ય મનોવૈજ્ઞાનિક એરિક ફોમના મંતવ્ય અનુસાર માનવ આજે ઉપભોક્તાવાદનો શિકાર બનીને પોતે જ એક ભોગ્ય પદાર્થ બની ગયો છે.

તો પછી એને સાચું સુખ અને શાંતિ કેવી રીતે મળી શકે? શાંતિની શોધ માટે તે બહાર આમતેમ ભટકી રહ્યો છે, પણ બહાર સુખશાંતિ મૃગજળ જેવાં છે. માત્ર આભાસ જ છે. ખરી વસ્તુ તો તેની અંદર જ છે. સાચી શાંતિ અને સાચો આનંદ તેની અંદર છે. અખૂટ શાંતિનો મહાસાગર એની અંદર જ આવેલો છે. કબીરનું સુંદર ભજન છે, ‘મોકો કહાં તૂ ઢૂંઢે બંદે મૈં તો તેરે પાસમેં…’ એમ પોતાની પાસે જ રહેલી શાંતિને તેણે પ્રાપ્ત કરવાની છે.

Total Views: 466

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.