(શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્‌ સંન્યાસી શિષ્ય હરિ મહારાજે—સ્વામી તુરીયાનંદજીએ—રામકૃષ્ણ મિશન સેવાશ્રમ, કાશીમાં રહેવાના સમયે જે વાર્તાલાપ કર્યો હતો તેની કાળજીપૂર્વક નોંધ રખાઈ છે. બંગાળી પુસ્તક ‘સ્વામી તુરીયાનંદેર સ્મૃતિકથા’માં છપાયેલ આ નોંધનું ભાષાંતર આપની સમક્ષ પ્રસ્તુત છે. અહીં મહારાજ બાંગ્લાદેશના કુમીલ્લા શહેરના એક આગંતુક યુવકની સાથે વાર્તાલાપ કરી રહ્યા છે. આ યુવક કોઈ મહાપુરુષ પાસેથી બ્રહ્મચર્ય અને મંત્રદીક્ષા મેળવીને ૧૧ વર્ષ ચિત્તાગોંગમાં કેટલાક ગુરુભાઈઓ સાથે રહીને ભજન અને સત્સંગમાં સમય પસાર કરતો હતો. -સં.)

હરિ મહારાજ: ‘જિહ્વાનો લોભ અને કામવાસનાનો જય કરવાથી જ બધા ઉપદ્રવ મટી જાય. મહાપ્રભુ જ્યારે સંન્યાસ લેવા માટે કેશવ ભારતી પાસે ગયા ત્યારે કેશવ ભારતી તેમને જોઈને બોલ્યા,

‘“તારું આ ઉદ્દામ યૌવન અને અતુલનીય રૂપ, તને કોણ સંન્યાસ આપશે?”

‘પ્રભુ બોલ્યા, “તમે તો અધિકારી જોઈને સંન્યાસ આપો છો. હું જો અધિકારી હોઉં તો તમારે સંન્યાસ આપવો જ પડશે. તમે પરીક્ષા કરીને જુઓ કે હું અધિકારી છું કે નહિ?”

‘ભારતીએ મહાપ્રભુને કહ્યું, “તારી જીભ બતાવ.” મહાપ્રભુએ જીભ બહાર કાઢતા તેમણે થોડી ખાંડ મહાપ્રભુની જીભ પર મૂકી. ખાંડ જેમની તેમ રહી, જરાપણ ભીની ન થઈ. ફૂંક મારતા જ બધી ખાંડ જીભ ઉપરથી ઊડી ગઈ. બીજી કોઈ પરીક્ષાની જરૂર રહી નહીં.

तावज्जितेन्द्रियो न स्याद् विजितान्येन्द्रिय: पुमान्।
न जयेद् रसनं यावज्जितं सर्वं जिते रसे॥
(ભાગવત્‌ ૧૧/૮/૨૧)

‘જિહ્વા જય થતા જ કામ પણ જય થાય. ઇન્દ્રિય સંયમ થતા પહેલાં કશું જ થવાની સંભાવના નથી. સંપૂર્ણ ગીતામાં આ વાત વારંવાર આવે છે:

तस्मात्त्वमिन्द्रियाण्यादौ नियम्य भरतर्षभ।
पाप्मानं प्रजहि ह्येनं ज्ञानविज्ञाननाशनम्॥
(ગીતા ૩/૪૧)

‘એક પણ ઇન્દ્રિય જો સંયમમાં ન હોય તો બધી તપસ્યા, બધા પ્રયત્નો નિષ્ફળ જાય. જેવી રીતે કળશીમાં એક નાનું કાણું હોય તો બધું પાણી તેમાંથી નીકળી જાય. ઠાકુરની પેલી ખેડૂતના છેલ્લે સુધી ખેતરમાં પાણી આપવાની વાત તો જાણે છે ને? નાળામાંથી બધું પાણી નીકળી ગયું. એક ટીપું પણ ખેતરમાં ન ગયું.

इन्द्रियाणां तु सर्वेषां यद्येकं क्षरतीन्द्रियम्।
तेनास्य क्षरति प्रज्ञा दृतेः पादादिवोदकम्॥
(મનુ, ૨/૭૪)

‘रसवर्जं रसोऽप्यस्य परं दृष्ट्वा निवर्तते।। પરાણે શું ઇન્દ્રિયનિગ્રહ થાય? ઈશ્વરપ્રાપ્તિથી જ સંપૂર્ણ ઇન્દ્રિય સંયમ થાય. છતાં શરૂઆતમાં બળપૂર્વક પ્રયત્ન કરીને ઇન્દ્રિય સંયમ કરવો પડે, પછી તે સ્વાભાવિક થઈ જાય. પરંતુ દુઃસાહસ ન કરવું.

‘બુદ્ધિમાન પારધિ જેમ હરણને પકડીને તેને બાંધી રાખે તેવી રીતે ઇન્દ્રિય સંયમ કરી શમદમ અવલંબન કરી સાવધાનીથી રહેવું જોઈએ.’

વાતવાતમાં મગ્નીરામબાબાની વાત નીકળી. તેઓએ લગભગ ૪૦ વર્ષ એકનિષ્ઠાથી કઠોર બ્રહ્મચર્ય વ્રતનું અનુષ્ઠાન કરી ઘણાં શાસ્ત્રોનું અધ્‍યયન કર્યું હતું. હાલમાં સંન્યાસ લઈને દુર્ગાવાડી પાસે એક બગીચામાં રહેતા હતા. મહાત્યાગી. કોઈ સાથે વધારે વાતચીત ન કરતા.

ત્યારબાદ નિષ્ઠાની વાત નીકળી. હરિ મહારાજે કહ્યું, ‘દૃઢ નિષ્ઠા ન રહે તો વસ્તુલાભ થવો (અર્થાત્‌ ઈશ્વરપ્રાપ્તિ થવી) અસંભવ.’

બીજા એક યુવાન સાધુની વાત નીકળી. તેઓ પણ કઠોર તપસ્વી. થોડા દિવસ પહેલાં અહીં આવ્યા હતા. હાલમાં તેઓ મૌન પાલન કરે છે. તેમની વાત થવા લાગી.

હરિ મહારાજ: ‘તે અહીં ઘણી વાર આવતો, પરંતુ મૌની. મેં કહ્યું, “મૌની-ટૌની એ બધું તો જોઈ લીધું, હવે શું કામ? હવે વાતચીત કરો. શું સિધ્ધાઈ-ટિધ્ધાઈ જોઈએ છે?” તે હસતો. તેનામાં ખૂબ દૃઢતા હતી તથા ખૂબ sincere નિષ્ઠાવાન.’

(લાંબા સમય સુધી એકાગ્રતાપૂર્વક ગુરુએ આપેલ મંત્ર જપ કરવાથી સાધકમાં અતિન્દ્રિય શક્તિઓ પ્રગટ થાય જેમ કે અણિમા—ખૂબ નાના થઈ જવાની શક્તિ, ગરિમા—વિરાટકાય થવાની શક્તિ, વશીકરણ, વગેરે. યોગશાસ્ત્ર અનુસાર આ બધી સિિદ્ધઓ સાધનમાર્ગમાં ખૂબ મોટો અંતરાય બને છે. જો સાધક ઈશ્વરને ભૂલીને લોભ માટે, ઇન્દ્રિયભોગ વશત: આ સિદ્ધિઓનો પ્રયોગ કરે તો તેનો સર્વનાશ થાય. -સં.)

હરિ મહારાજ (આવેલ યુવક સામે જોઈને): ‘આને જોઈને મનમાં થાય છે કે આ અભ્યાસુ છોકરો છે. (બીજા બધાની સામે જોઈને) તમે કંઈ સમજી નથી શકતા? પરંતુ હું ખૂબ સમજી શકું છું. મન સ્થિર થઈ જાય. વાણી અને વર્તનમાં ચંચળતાનો ભાવ રહે નહિ.

હરિ મહારાજ (યુવક પ્રત્યે સહાસ્ય): ‘તને શું જોઈએ છે? સિધ્ધાઈ-ટિધ્ધાઈ તો ઇચ્છતો નથી ને?

હરિ મહારાજ (બધા પ્રત્યે): ‘અંતિમ ક્ષણ સુધી બચી શકાય તો જ રક્ષા. છેલ્લે સુધી ટકી રહેવું અઘરું છે. સાધકોના અંતઃકરણમાંથી જ પ્રેરણા ક્યારેક ક્યારેક આવે. પરંતુ સિધ્ધાઈ તરફ મન ખેંચાવાથી જ બસ, તેનો સર્વનાશ થઈ ગયો. છેવટે સિધ્ધાઈ પણ રહેતી નથી. પોતાના સ્વાર્થ માટે વ્યવહાર કરવાની તો વાત જ છોડી દો, નિ:સ્વાર્થભાવે વાપરવા માટે પણ તે રહે નહિ. કોઈએ ઘર છોડ્યું સાગર મંથન કરીને રતન શોધવા માટે. કિનારે આવીને જુદા જુદા રંગના પથ્થર, છીપલા, શંખ જોઈને ખોળો ભરીને તે જ લઈ લીધા. સમુદ્રનાં રત્નોની શોધ ભૂલાઈ ગઈ. મહામાયાએ બધું ભૂલાવી દીધું.

‘કઠોપનિષદમાં નચિકેતાને યમ કહે છે:

इमा रामाः सरथाः सतूर्या
न हीदृशा लम्भनीया मनुष्यैः।
आभिर्मत्प्रत्ताभिः परिचारयस्व
नचिकेतो मरणं माऽनुप्राक्षी:॥
(કઠ, ૧/૧/૨૫)

“તું જો ઇચ્છતો હો તો તને સુંદર સ્ત્રીઓ હું આપું. એ બધી તારી સેવિકાઓ થશે. ગમે તેમ પણ હે નચિકેતા, મૃત્યુ સંબંધી તારા પ્રશ્નનો ઉત્તર આપવા માટે મને દબાણ કરીશ નહિ. એટલે કે મૃત્યુ પછી સઘળાંનો અંત જ આવી જાય છે કે પછી આત્મા જેવું કંઈક ચાલુ રહે છે, તે વિષયના ઉત્તર માટે વિવશ કરીશ નહિ.”

‘અને જો નચિકેતા શું કહે છે:

श्वोभावा मर्त्यस्य यदन्तकैतत्‌
सर्वेन्द्रियाणां जरयन्ति तेजः।
अपि सर्वं जीवितमल्पमेव
तवैव वाहास्तव नृत्यगीते॥
(કઠ, ૧/૧/૨૬)

“હે મૃત્યુના દેવ, આ બધા ભોગવિલાસો તો પરિવર્તનશીલ—આવનજાવનવાળા છે; વળી તે માણસની બધી ઈંદ્રિયોના તેજને હરી લેનારા છે. સૌથી લાંબું મનાયેલું આયુષ્ય પણ ટૂંકું જ છે. તમારાં વાહનો, નૃત્ય અને ગીત (નર્તકો અને ગાયકો) તમારી પાસે જ રાખો, તમને જ મુબારક હો.”

न वित्तेन तर्पणीयो मनुष्यो
लप्स्यामहे वित्तमद्राक्ष्म चेत्त्वा।
जीविष्यामो यावदीशिष्यसि त्वं
वरस्तु मे वरणीयः स एव॥
(કઠ, ૧/૧/૨૭)

“ધનથી તો કોઈ ધરાતો જ નથી. અને મેં તમને જોયા છે એટલે એ (ધન) તો અમને મળી જ રહેશે. અને જ્યાં સુધી તમે યમરાજ તરીકે શાસન કરો છો, ત્યાંં સુધી હું લાંબું જીવીશ પણ ખરો જ, એટલા માટે મારે તો એ જ વરદાન (માગેલું) જોઈએ છે. મારે એ સિવાયનું કોઈ વરદાન જોઈતું નથી.”

‘યમે જેવી રીતે નચિકેતાને ભ્રમિત કરવાનો પ્રયત્ન કર્યો હતો તેવી રીતે મહામાયા બધાને ભ્રમિત કરી મૂકે છે. ઠાકુરની તે વાત જાણે છે ને? હૃદયે એક દિવસ ઠાકુરને કહ્યું, “માની (જગદંબાની) પાસેથી કોઈ સિધ્ધાઈ માગી લ્યોને.” ઠાકુર તો બાળક સ્વભાવ. તેઓએ માની પાસે જઈને માગણી કરતાં જ માએ ભાવમાં દેખાડી દીધુંં કે એક વૈશ્યા મળત્યાગ કરે છે. મા તે વિષ્ટા સામે આંગળી ચીંધીને બોલ્યાં: આ જ છે સિધ્ધાઈ, શું લઈશ? ઠાકુરે પાછા આવીને હૃદયને ખૂબ ગાળો આપી.

‘કેવી અદ્‌ભુત વાત, વિચારીને જુઓ તો! સાચું જોતાં તો સિધ્ધાઈ શું અત્યંત ઘૃણિત વસ્તુ નથી? આમાં છે શું? તેમની જ તો બધી વસ્તુ, તારી અંદરથી એક વાર Pass (પસાર) કરીને ચલાવી લે છે એ સિવાય તો બીજું કંઈ નહિ. તે હાથી મરવા-બચવાની વાર્તા. હાથી મરે કે બચે તેથી તારે શું? (યુવક પ્રત્યે) એ બધાથી કંઈ મળવાનું નથી, ભક્તિ જોઈએ. ભક્તિ જો થઈ જાય તો બીજું શું જોઈએ? નારદે એક વાર ખૂબ કઠોર તપસ્યા કરી હતી, ત્યારે તેણે દેવવાણી સાંભળી:

अन्तर्बहिर्यदि हरिस्तपसा ततः किम्।
नान्तर्बहिर्यदि हरिस्तपसा ततः किम्॥
(નારદ-પંચરાત્ર)

‘જો અંતરમાં અને બહાર હંમેશાં હરિ વિરાજમાન રહે તો તપસ્યા નકામી છે. શરીરનું પોષણ શેના માટે કરશો? તથા અંતરમાં અને બહાર હરિ જો ન રહે તો તપસ્યા દ્વારા શું થશે? અર્થાત્‌ એમનો સહારો લઈને તપસ્યા કરવી પડે.

‘પરંતુ આપણા દેશમાં અત્યારે તપસ્યાનો ખૂબ અભાવ થઈ પડ્યો છે. ક્યાં, એ પ્રકારની તપસ્યાની વાતો તો હવે સાંભળવા મળતી નથી. વેદાંત-ખીચડી થઈ જવાથી આ બધું થયું છે, બીજું શું? તપસ્યા ન કરીને શું વેદાંત-તત્ત્વ સમજી શકાય? આ “વિચાર સાગર” કે “કીચડ સાગર.” માટે જ દેશની દુરાવસ્થા થઈ છે. મોઢેથી મોટી મોટી વાતો કરશે: “બ્રહ્મ જ તો છે, જગત તો ત્રણ કાળમાં નથી.” અરે રામ, તું પણ કેવી વાત કરે છે? આ વાતનો કોઈ અર્થ ખરો? વિના તપસ્યા શું વેદાંત સમજી શકાય?’

(વિચાર સાગર એક પ્રખ્યાત વેદાંત ગ્રંથ છે. બંગાળમાં એ સમયે ઘણા લોકો એ સમયે આ ગ્રંથનો અભ્યાસ કરતા હતા. વેદાંત અનુસાર બ્રહ્મ સત્ય છે અને જગત મિથ્યા. આ વેદાંત વાક્યનો સહારો લઈ કેટલાક પોતાના દુરાચારને પ્રમાણિત કરવાનો પ્રયત્ન કરે છે. જો જગત મિથ્યા જ હોય તો જગતમાં સત્‌ આચરણનો શું લાભ? માટે જ મહારાજ વિચાર સાગરને કીચડ સાગર સાથે સરખાવી કટાક્ષ કરે છે. -સં.)

સ્નાનનો સમય થયો.

હરિ મહારાજ (યુવક પ્રત્યે): ‘વચ્ચે વચ્ચે આવજે.’

યુવકને એક કેરી આપવામાં આવી.

Total Views: 632

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.