‘તૈત્તિરીયોપનિષદ’માં ભૃગુવલ્લીમાં કહ્યું છે – आनन्दो ब्रह्मेति व्यजानात् ‘આનંદ જ બ્રહ્મ છે.’ – એવું (ભૃગુએ પોતાના પિતા વરુણના ઉપદેશ પર વિચાર કરીને) નિશ્ચયપૂર્વક જાણ્યું છે. સ્વામી વિવેકાનંદજી કહેતા, ‘ધર્મ તો જગતની સૌથી વધુ આનંદપૂર્ણ વસ્તુ હોવી જોઈએ, કારણ કે તે સર્વોત્તમ છે.’ એટલા માટે અમે આ સ્તંભ પ્રારંભ કર્યો છે. આશા છે વાચકોને આ સ્તંભ ગમશે. – સં.

સ્વામી વિવેકાનંદજીની વિનોદપ્રિયતા

સ્વામી વિવેકાનંદજી રાજસ્થાનમાં ખેતડી ગયા ત્યારની વાત છે. પંડિત સૂરજનારાયણ સાથે વાતચીતના પ્રસંગમાં પંડિતજીએ કહ્યું, ‘હું તમારા અવતારોમાં માનતો નથી. વેદાંતના મત પ્રમાણે બધા જ બ્રહ્મ છે. હું પણ અવતાર છું.’ સ્વામીજીએ હસતાં હસતાં કહ્યું, ‘માની લીધું કે, તમે પણ અવતાર છો. આપણાં શાસ્ત્રોમાં ઘણા અવતારોની વાત આવે છે – મત્સ્ય અવતાર, કચ્છપ અવતાર, વરાહ અવતાર વગેરે, આપ આમાંના ક્યા અવતાર છો?’ ઉપસ્થિત સૌ હસવા લાગ્યાં; પંડિતજી તો ઝંખવાણા પડી ગયા.

***

એક અનીશ્વરવાદી અને એક સ્વામીજી ઈશ્વરના અસ્તિત્વ વિશે, આત્મા વિશે અને કુદરત સાથેના માનવીના આધ્યાત્મિક સંબંધો વિશે એકબીજા સાથે દલીલ કરી રહ્યા હતા. અનીશ્વરવાદીએ કટાક્ષમાં કહ્યું, ‘મહાન ફિલૉસૉફર સ્પિનૉઝાએ લખ્યું છે કે જાનવર કરતાં માણસ કોઈ બાબતમાં ઊંચો નથી અને જાનવરની જેવી પ્રકૃતિ છે એવી જ માનવીની છે.’ સ્વામીજીએ હકારમાં માથું ધુણાવતાં કહ્યું, ‘હા, મને એ લખાણ યાદ છે. પણ મને એટલું કહો કે જાનવરોને ત્યાં સ્પિનૉઝાનો જન્મ કેમ થતો નથી?’

***

બે ભાઈઓ ચર્ચા કરી રહ્યા હતા. મોટાએ કહ્યું, ‘તું એમ કહેવા માગે છે કે તું નાસ્તિક છે અને કશામાં માનતો નથી.’

નાનાએ કહ્યું, ‘હા, બિલકુલ. હું એ જ વાત માનું છું જે હું સમજી શકું છું.’

મોટાએ કહ્યું, ‘એટલે જ હવે મને સમજાય છે કે તારા માનવામાં કોઈ વાત શા માટે આવતી નથી.’

***

એક નાસ્તિક એક ઈમામ સામે ચર્ચાએ ચઢ્યો હતો. નાસ્તિકે કહ્યું, ‘વિદ્વાન કહે છે કે પાગલ કૂતરો સામે મળે ત્યારે એક બાજુ ચૂપ બેસી જવું, પણ ઈમામ સામે મળે તો તેમનો ઊભા થઈને આદર કરવો.’

ઈમામે કહ્યું, ’ હા, એ વાત સાચી છે.’

નાસ્તિકે સવાલ કર્યો, ‘પણ જો ઈમામ અને પાગલ કૂતરો બન્ને એક સાથે સામે મળે તો શું કરવું?’

જવાબમાં ઈમામે કહ્યું, ‘આ એક મુશ્કેલ સવાલ છે. મને લાગે છે કે આનો જવાબ મેળવવા માટે આપણે લોકોના પ્રતિભાવ જોવા જોઈએ, ચાલ, આપણે બન્ને ગલીમાંથી પસાર થઈએ અને લોકો શું કરે છે તે જોઈએ.’

Total Views: 193

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.