શ્રીરામકૃષ્ણદેવની જન્મતિથિ (૨૮-૨-૯૮) પ્રસંગે

સ્વામી લોકેશ્વરાનંદજી મહારાજ રામકૃષ્ણ સંઘના વરિષ્ટ સંન્યાસી છે અને રામકૃષ્ણ મિશન ઈન્સ્ટિટ્યૂટ ઑફ કલ્ચર, કલકત્તાના સેક્રેટરી છે. -સં.

શ્રીરામકૃષ્ણ હતા અપરિચિત વૃક્ષ સમાન. તેઓ કોણ કે શું હતા તે કહેવું ઘણું અઘરું. તેમની તુલના જ ન થઈ શકે. તેઓ હતા અતલ, દિગ્દિગંતહીન, અસીમ. વિદ્યાસાગરને શ્રીરામકૃષ્ણે કહ્યું હતું કે બધું જ ઉચ્છિષ્ટ થયું છે, પણ બ્રહ્મ ઉચ્છિષ્ટ થયા નથી. તેઓ અવાડ્‌મનસાગોચ૨મ્. વિદ્યાસાગર આ સાંભળીને મુગ્ધ થઈ ગયા હતા. એટલા માટે શ્રીરામકૃષ્ણ છે વાક્ય મનાતીત- બ્રહ્મ.

સામાન્ય દૃષ્ટિથી જોઈએ તો એક સાધારણ વ્યક્તિ, ગામડીયા, ગરીબ, મૂર્ખ, માતૃભાષા બંગાળી તે પણ સારી રીતે ઉચ્ચારી શકતા ન હતા. નરેનને કહે ‘લરેન’. વ્યાકરણ અશુદ્ધ. ‘આપ બધા શું કહે છે?’ આ છે વ્યાકરણનો નમૂનો. પણ તેમની વાતો? ના, ના, વાતો નહિ અમૃત. જેમણે સાંભળી છે તે બધા ધન્ય થઈ ગયા. પ્રતાપ મજુમદાર એક ખ્રિસ્ત ભક્ત બ્રાહ્મ હતા. પોતાની ભાષામાં પાશ્ચાત્ય ભાવાપન્ન, પોતે હતા એક નામી વક્તા – વિશ્વના વિખ્યાત એવા ઘણા વક્તાઓનાં વ્યાખ્યાનો તેમણે સાંભળ્યાં છે, પણ તેમાંના કોઈ પણ શ્રીરામકૃષ્ણના બરાબરિયા ન કહી શકાય. પ્રતાપચંદ્રે શ્રીરામકૃષ્ણની વાણી કલાકો સુધી સાંભળી છે, મુગ્ધ થઈને. તેમના મત પ્રમાણે શ્રીરામકૃષ્ણ એક અદ્વિતીય કથાશિલ્પી હતા. જેવો વાતનો વિષય તેવી જ શબ્દોની પસંદગી. જ્યાં જે શબ્દ યોગ્ય ત્યાં તે જ શબ્દ આવે. એમાં જરા જેટલું પણ આઘું પાછું નહિ. વળી તેની સાથે સાથે ઉપમા, ગમતની વાતો અને ગાન પણ ખરાં. અચિન્ત્ય સેનગુપ્તે કહ્યું છે કે ઉપમામાં શ્રીરામકૃષ્ણ કાલિદાસને પણ હરાવી શકે છે. વક્તા તરીકે પણ અદ્‌ભુત; ના વક્તા નહિ પણ પ્રવક્તા. વેદાંતનાં ગંભીર તત્ત્વોને અમૃતના રસાયણમાં પલટી નાખતા. અને પિપાસુઓ જે બધા હતા તેમને તૃપ્ત કરતા સીધી સાદી છંદોમયી ભાષામાં, ખરી રીતે તો શ્રીરામકૃષ્ણે નવી જ બંગાળી ભાષા સર્જી છે. એકાદ બે લિસોટામાં સિદ્ધ શિલ્પી જેમ સુંદર પૂર્ણાંગ છબિ ચિતરે છે, શ્રીરામકૃષ્ણે તે પ્રમાણે કર્યું છે. તેમની ઘણી બધી વાતો ‘શ્રી મ’ એટલે કે શ્રી મહેન્દ્રનાથ ગુપ્તે (માસ્ટરમશાયે) ‘શ્રીશ્રીરામકૃષ્ણ કથામૃત’ ગ્રંથોમાં સાચવી રાખી છે. આ ગ્રંથો એકાધારે સાહિત્ય, દર્શન અને ઇતિહાસ છે – મહાકાવ્ય છે એમ પણ કહી શકાય. આ એક એવા અવતારી પુરુષ છે કે જેમની વાણી અને ફોટા જરા પણ વિકૃત થયા સિવાય લોકો પાસે આવ્યાં છે.

મોટાભાઈ રામકુમારના કહેવાથી શ્રીરામકૃષ્ણ, કલકત્તા આવ્યા. તે વખતે તેમની ઉંમર હતી ૧૭ / ૧૮ વર્ષની. મોટાભાઈ ઈચ્છતા હતા કે શ્રીરામકૃષ્ણ તેમની સંસ્કૃત પાઠશાળામાં ભણે – ગણે અને આજુબાજુના ગૃહસ્થોને ત્યાં ગૃહદેવતાઓની પૂજા કરી તેમાંથી થોડી કમાણી કરે. આ બીજા પ્રસ્તાવમાં શ્રીરામકૃષ્ણને કંઈ વાંધો ન હતો. પણ તેઓ ભણવાની બાબતમાં એકદમ નાખુશ. મોટાભાઈએ ભાઈનો વાંધો જોઈને ઝાઝો આગ્રહ ન કર્યો. શ્રીરામકૃષ્ણ ફરી વાર પોતાના આગળના જીવનમાં પાછા ફર્યા. ગામમાં રહેતાં ત્યારે રઘુવીરની પૂજા કરતા અને આમતેમ આડોશ-પાડોશમાં ફર્યા કરતા. અહીં પણ તે જ પ્રમાણે ઘેર ઘેર પૂજા કરવી, અને રખડ્યા કરવું, પણ બધે જ તેમને સ્નેહાદર મળ્યા કરતા. વાતો, ગીતો અને ઠઠ્ઠામશ્કરી, અને તે પણ બહુ જ સરળ સહજ, અત્યંત પવિત્ર – આવું તે કોઈએ ક્યાંય જોયું ન હતું. રામકુમાર રાજી તો શ્રીરામકૃષ્ણ રાજીના રેડ!

પણ અવરોધ ઊભો કર્યો રાણી રાસમણિએ. તેમણે દક્ષિણેશ્વરમાં મા કાલી, રાધાગોવિંદ અને શિવનાં મંદિર ઊભાં કર્યાં. તેમની મહેચ્છા એવી કે મા કાલી અને રાધા ગોવિંદનાં મંદિરોમાં અન્ન-ભોગ ધરાવી પૂજા થાય. પણ તેમાં કોઈ પણ બ્રાહ્મણ તે માટે સંમત ન થયા. શૂદ્રે રચેલા મંદિરમાં પ્રતિષ્ઠિત મૂર્તિની પૂજા કરવા તેઓ રાજી ન થયા, અન્ન-ભોગની વાત તો આવી રહી! છેવટે રામકુમાર રાજી થયા. તે પણ કેટલીક શરતો સાથે. રામકુમારે ત્યાં કેટલાંક વર્ષો સુધી પૂજારી તરીકે રહી, વૃદ્ધાવસ્થાને કારણે નિવૃત્તિ લીધી ત્યારે શ્રીરામકૃષ્ણે તેમનું સ્થાન લીધું.

એક વ્યક્તિ સાથે એક જાતિનું ભાગ્ય કેવી રીતે જોડાઈ શકે છે તે આપણે હવે જોઈશું. આપણે હવે એ પણ જોઈશું કે કેવી રીતે શ્રીરામકૃષ્ણે ભારતની સાહેબગીરી રૂપ વ્યાધિને રોકી. શ્રીરામકૃષ્ણ જ્યારે કામારપુકુરમાં રહેતા હતા ત્યારે ભાવ અને સમાધિ થતાં, જ્યારે તેમના મનમાં ઘણો જ ઉદ્વેગ ઊભો થતો ત્યારે તે સમાધિસ્થ થતા. શ્રીરામકૃષ્ણ, મા કાલીનું ચિંતન કરતાં કરતાં સમાધિની સ્થિતિમાં પહોંચી જતા. સ્કૉટિશ ચર્ચ કૉલેજના અધ્યક્ષ હેસ્ટી સાહેબે શ્રીરામકૃષ્ણને સમાધિ-અવસ્થામાં જોયા હતા. ક્યારે તે તો કોઈ જાણતું નથી. તેઓએ એક અંગ્રેજી કવિતા ભણાવતાં ભણાવતાં છાત્રોને આ વાત કરી હતી. તેમણે કહ્યું કે, ‘જો તમે સમાધિ વસ્તુ શું છે તે જાણવા માગતા હો તો તમે દક્ષિણેશ્વર જઈને શ્રીરામકૃષ્ણને જોઈ આવો. તેઓ સમાધિ – માન પુરુષ છે.’ આ છાત્રોમાં નરેન્દ્રનાથ (સ્વામી વિવેકાનંદ) પણ એક હતા. ત્યાર પછી એક દિવસ ત્યાં જઈને શ્રીરામકૃષ્ણને નરેન્દ્રએ જ પૂછ્યું હતું. – ‘આપે શું ઈશ્વરને જોયા છે?’ આ પ્રશ્ન કેવળ નરેન્દ્રનાથનો જ ન હતો; હતો આખા ભારતભરના અંગ્રેજી શિક્ષણ પામેલી વ્યક્તિઓનો. મૅકૉલે ઈચ્છતા હતા કે તેમણે પ્રવર્તાવેલ શિક્ષણ વ્યવસ્થાના પ્રભાવથી બધા જ ભારતવાસી અંગ્રેજ થઈ જશે. ડી.ઍલ.રાયના એક ગાનમાં આવે છે :- ‘આપણને બધાંને સાહેબ સજવું બહુ ગમે છે.’ શિક્ષિત અને સભ્ય ગણાવા માટે સાહેબ બનવું જરૂરી હતું. સાહેબ લોકોનું બધું જ ઉત્તમ. ધર્મ, ભાષા, સંસ્કૃતિ – બધું જ સારું! પશ્ચિમના બધા દેશોમાં ત્યારે અનીશ્વરવાદનું જોર. ભારતમાં પણ આ મોજું આવી પહોંચ્યું હતું. એટલા માટે આ પ્રશ્ન- ‘આપે શું ઈશ્વરને જોયા છે?’ આ પ્રશ્ન હતો નવીન ભારતનો પ્રાચીન ભારતને પડકાર. શ્રીરામકૃષ્ણ હતા પ્રાચીન ભારતના પ્રતીક કારણ કે તેઓ ઈશ્વરમાં વિશ્વાસ ધરાવતા હતા અને સાહેબી પ્રભાવથી એકદમ મુક્ત હતા. પણ હતા પ્રાચીન ભારતની વાણીરૂપ. તેમણે શો ઉત્તર આપ્યો? તેમણે કહ્યું, – ‘હા મેં જોયા છે, વળી શું? તમને જેવી રીતે જોઉં છું તેવા જ. એટલું જ નહિ પણ વધારે સ્પષ્ટ રીતે! અને તમે જો ઈચ્છો તો તમને પણ દેખાડી શકું છું.’ આ તો થયો પ્રાચીન ભારતનો ઉલટો પડકાર! ખરેખર નરેન્દ્રનાથે આટલી બધી આશા રાખી નહિ હોય!

નરેન્દ્રનાથ જેવા કેટલાય તરુણો શ્રીરામકૃષ્ણ પાસે આવ્યા. કેવળ તરુણો જ નહિ પણ પ્રવીણો પણ. બધા જ અંગ્રેજી શિક્ષણ પદ્ધતિથી તૈયાર થયેલા. ધનવાન, પ્રતિભાશાળી સમાજના દિક્પાલો. આ બધામાં જેમનો ઉલ્લેખ કરવો યોગ્ય છે તે છે કેશવચંદ્ર સેન. વસ્તુત: કેશવચંદ્રે જ કલકત્તાના શિક્ષિત સમાજમાં જુદી જુદી પત્રિકાઓ, સામયિકો અને તેમના પોતાનાં લખાણો દ્વારા શ્રીરામકૃષ્ણનો પરિચય કરાવ્યો હતો. આ બધું વાંચીને ટોળે ટોળે લોકો શ્રીરામકૃષ્ણ પાસે આવવા લાગ્યા. બધા જ સંપ્રદાયોના અને બધી જ ઉંમરના. ‘કથામૃત’નાં પાનાં ફેરવતાં જ આ સમજી શકાશે. શ્રીરામકૃષ્ણ વાતો કર્યે જ જાય છે. વિષય એક જ – ઈશ્વર. આ ઈશ્વરને લઈને કેટકેટલા વિતંડાવાદ, શ્રીરામકૃષ્ણ કહેતા – ‘મધમાખી ક્યાં સુધી ગણગણ કરે?’ જ્યાં સુધી ફૂલ ઉપર બેસી મધ ન લે. મધ લીધું કે તરત જ ચૂપ. તેવી જ રીતે માણસ ઈશ્વરને મેળવતો નથી ત્યાં સુધી ઈશ્વર અંગે તર્ક કરવામાં મંડ્યો રહે છે.

શ્રીરામકૃષ્ણ જાણે પ્રાચીન કાળના ૠષિની જેમ જ બોલે છે, ‘હે, અમૃતનાં સંતાનો તમે મારી પાસે આવો. મેં જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે હું તમને આપીશ.’ જેઓ તેમની પાસે આવતા તે બધા પૂર્ણકામ થઈ પાછા ફરતા. વળી તેઓ પોતાના બંધુ – બાંધવોને કહેતા – ‘ત્યાં જાઓ. અમૃત – ભાંડ ભરેલું છે. બે ખોબા ભરીને લઈ આવો.’

શ્રીરામકૃષ્ણના પ્રભાવે આપણો પાશ્ચાત્યનો મોહ ઓછો થવા લાગ્યો. ભારતના તે નવા રત્નભંડાર તરફ આપણી નજર ગઈ. ભારતનું નવું જાગરણ શરું થયું. પછી સ્વામી વિવેકાનંદના આહ્‌વાનથી આ જાગરણ ત્વરિત થવા લાગ્યું.

શ્રીરામકૃષ્ણનું સૌથી મોટું પ્રદાન શું? તેમનાં બે વાક્યો : ‘શિવજ્ઞાને જીવસેવા’ અને ‘જેટલા મત તેટલા પથ.’ તેમણે કોઈ એક સાંપ્રદાયિક ધર્મનો પ્રચાર કર્યો નથી. જે બધા ધર્મોનો સાર છે તે જ સત્યનો પ્રચાર કર્યો છે. શ્રીરામકૃષ્ણ બધા જ ધર્મોના અનુગામી હતા અને સાથે સાથે બધા જ ધર્મોના ગુરુ હતા.

ભાષાંતર : શ્રી મોહનદાસ પટેલ

(બંગાળી દૈનિક ‘આનંદ બઝાર’ પત્રિકામાંથી સાભાર)

Total Views: 26
By Published On: April 30, 2022Categories: Lokeshwarananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram