જો આપણે આપણા જીવનનું નિરીક્ષણ કરીએ, તો માનસિક અશાંતિનું એક કારણ ‘અન્યના દોષ જોવા તે છે.’ મોટાભાગના મનુષ્યોનો સ્વભાવ બીજાના દોષ જોવાનો હોય છે. જેઓ સતત બીજાના દોષ જોતા રહે છે, એમનું જીવન પણ પછી એ ખામીઓવાળું બની જાય છે. કેમ કે અન્યની ભૂલો અને ખામીઓનું સતત નિરીક્ષણ કરતાં, એનું ધ્યાન કરતાં,અન્યને રસપૂર્વક એની વિગતો આપતાં, એમનું મન સતત આ દોષોમાં જ રચ્યું-પચ્યું રહે છે. અને પછી એ દોષો એમની ચેતનામાં સંક્રમિત થઈ જાય છે. શ્રીમદ્ ભાગવતમાં કહ્યું છે, ‘यति तत्कत् सरूपताम्’- એટલે કે માણસ જેનું ધ્યાન કરે છે, ચિંતન કરે છે, તેના જેવો તે બને છે. બીજાના દોષોનું જેઓ ધ્યાન કરે તો તે એ દોષોવાળો બની જાય છે. અને એથી એની શાંતિ તો ગુમાવી દે છે, પણ અન્યની શાંતિને પણ હરી લે છે.

આ સંદર્ભમાં એક સંતે કહ્યું હતું કે જ્યારે તમે બીજાના દોષો સામે આંગળી ચીંધો છો, ત્યારે યાદ રાખજો કે તેની સામે તો એક આંગળી તકાય છે, પણ બાકીની ત્રણ આંગળી તમારી તરફ રહે છે, એ ધ્યાન રાખો. એટલે કે જે અવગુણો બીજામાં છે, તેના કરતાં ત્રણગણા અવગુણો તમારી અંદર છે, એનું તો પહેલાં જુઓ. કબીરજીએ પણ કહ્યું છે,

‘બૂરા જો દેખન મૈં ચલા, બૂરા ન દેખા કોઈ
જો દિલ દેખા આપના, મુઝસા બૂરા ન કોઈ’.

સંત કબીર બૂરા મનુષ્યને શોધવા નીકળ્યા તો તેમને કોઈ ખરાબ માણસ જ ન મળ્યો. પણ પોતાની અંદર જોતાં તેમને જણાયું કે મારા જેવો ખરાબ તો બીજો કોઈ નથી. એટલે કે બીજાના દોષ જોવા કરતાં પોતાના દોષ જોવા જોઈએ.

શ્રીમા શારદાદેવીએ પોતાની અંતિમ વિદાયના ત્રણ દિવસ પૂર્વે એક ભક્ત સ્ત્રીને ઉપદેશ આપતાં કહ્યું હતું, ‘દીકરી, જો શાંતિ ઇચ્છતી હોય તો કોઈના દોષ જોઈશ નહીં. દોષ પોતાના જોજે. આ જગતમાં કોઈ પારકું નથી. બધાં પોતાનાં છે.’ ખરેખર જેઓ જગતમાં બધાંને પોતાનાં માને છે અને કોઈના દોષ જોતાં નથી, એમને કોઈ જાતનો ભય હોતો નથી, કોઈ ઉદ્વેગ થતો નથી. અન્યના દોષ જોવા જેવી તદ્દન નકામી બાબતમાં તેમનો સમય અને શક્તિ વેડફાતાં નથી. એ સમય શક્તિનો ઉપયોગ અન્ય મહત્વનાં કાર્ય માટે કરી શકવાથી એમના પોતાના જીવનનો ઝડપી વિકાસ કરી શકે છે. વળી એમના મનમાં કોઈના દોષોનો કૂડો- કચરો ન હોવાથી મન સ્વચ્છ અને સ્વસ્થ રહે છે, પ્રસન્ન રહે છે. વળી વ્યક્તિ પોતાના દોષ પ્રત્યે જાગ્રત થવાથી એની નબળાઈઓ અને ખામીઓને દૂર કરવા તે પ્રયત્નશીલ બને છે. જેમ જેમ મનુષ્ય પોતાના દોષો દૂર કરતો જાય છે, તેમ તેમ તેને જીવનમાં વધુ ને વધુ આનંદ મળતો જાય છે. કંઈક મેળવ્યાની તૃપ્તિ અનુભવે છે. એના જીવનમાં વધુ ને વધુ શાંતિ ઊતરી આવે છે. મહાત્મા ગાંધીજીના ઓરડામાં ત્રણ વાંદરાઓની મૂર્તિ હતી. તેમાં એકના બંને હાથથી આંખો ઢાંકેલી હતી, બીજાના બંને હાથથી કાન ઢંકાયેલા હતા અને ત્રીજાના બંને હાથ મુખ ઉપર હતા. એ એમ સૂચવતા હતા કે કોઈનું બૂરું જોવું નહીં, કોઈનું બૂરું સાંભળવું નહીં અને કોઈનું બૂરું બોલવું નહીં. જો મનુષ્ય પોતાના જીવનમાં આ ત્રણ વાંદરાની વાત ચરિતાર્થ કરે તો એને જીવનમાં શાંતિ તો મળે જ, પણ સાથે સાથે જીવનનો આનંદ પણ મળે જ.

Total Views: 630

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.