શ્રીમદ્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના દસમા પરમાધ્યક્ષ હતા. આ લેખ તેમના અંગ્રેજી ગ્રંથ “The Spiritual Ideal for the Present Age”માંથી અનૂદિત થયો છે. ભાષાંતરકાર : શ્રી દુષ્યત પંડ્યા.

આપણાં બધાં દુ:ખોની પારની સ્થિતિએ પહોંચવા માટે જે સંઘર્ષ કરવો પડે તેને આપણે આધ્યાત્મિક સાધના કહીએ છીએ. આપણા માનસિક આઘાતો, શારીરિક નિર્બળતાઓ, દૈહિક બીમારીઓ અને માનસિક સ્વાસ્થ્યને વિચલિત કરી આપણને ઉપાધિઓનો ભોગ બનાવતી અનેક આધિવ્યાધિઓ આપણા આ શાન્ત અને ક્ષણિક જીવનમાં આપણે અનુભવીએ છીએ તે તો એક સામાન્ય અનુભવ છે. આપણી બધી ઉપાધિઓનું કારણ આ પીડા છે ને તે આપણી મનની સ્થિતિ પર અવલંબે છે. આ પીડા માટે મન જવાબદાર છે અને આ બધાં બંધનમાંથી મન જ આપણને મુક્તિ અપાવી શકે. દેહ, બહારના સંજોગો, મિત્રો, સંબંધીઓ અને મિલકત-આ બધા પદાર્થો વિશે અમુક ચોક્કસ રીતે વિચારવાને, એ પદાર્થો સાથે એકરૂપ થવાને મન ટેવાયેલું છે. એ સૌ ‘આપણાં’ છે એમ માનવાની આપણને ટેવ પડેલી છે. આ ‘હું’ અને ‘મારું’ એ બધી યાતનાનું કારણ છે. આ બધી પીડાથી પર જવું હોય તો આપણે આનાથી મુક્ત જ માલ થવું જોઈએ.

તો આ બધાં માટે મને કારણરૂપ છે. ભલે આપણી ઉપર પ્રભુની કૃપા અને બધા સંતોના આશીર્વાદની વૃષ્ટિ થતી હોય અને આપણને સજ્જનોનો સંગ પણ મળતો હોય, પરંતુ આ પ્રયત્નમાં મનનો સહકાર નહીં હોય તો એ બધાં નિરુપયોગી છે. આમ, આધ્યાત્મિક પ્રયત્નમાં સૌથી ઉપયોગી સાધન મન છે. એ આપણે સમજવું જોઈએ, મનને અભ્યાસથી, નિયમનથી અને વધારે ને વધારે વિશુદ્ધ કરીને આપણે ઈશ્વર સાક્ષાત્કાર પામી શકીશું.

શાસ્ત્રો કહે છે કે, આપણી ઇન્દ્રિયો બહિર્મુખી છે, બહારથી આનંદ શોધનારી છે. ઈશ્વરને પામવો હોય તો આ બહિર્મુખી પ્રવૃત્તિને આપણે રોકવી જોઈએ અને, અંત:કરણમાં રહેલ પરમાત્માની ખોજમાં મનને અંતર્મુખ કરવું જોઈએ. આ એક લાંબી કપરી સાધના છે. જે દીર્ઘ તૈયારી અને પ્રયત્ન માગી લે છે. કારણ કે બધી આકર્ષક ઇન્દ્રિયાનુભૂતિની ક્ષણિકતા અને મૂલ્યહીનને સમજ્યા વિના, એમની તૃષ્ણાનો ત્યાગ મનુષ્ય કરી શકે નહીં અને એ તૃષ્ણા જાય નહીં ત્યાં સુધી એ ઇન્દ્રિય પદાર્થોનું ચિંતન આપણે છોડી ન શકીએ.

પૂર્વજન્મોમાં પણ ઈન્દ્રિય પદાર્થો વિશે આમ જ ચિંતવવા મન ટેવાયેલું હતું ને આ જન્મમાં પણ વર્ષોથી એ તેમજ કરે છે. એને ઠીક લાગે તેમ વર્તવાને એ સ્વતંત્ર છે. એટલે એને કોઈ નિયમન ગમતું નથી. એ માટે આપણે આખી પ્રક્રિયા ઉલટાવવી પડશે. આપણે મનને તેમ ઉલટવાનું કહેશું તો, એ તાબે નહીં થાય, કેમ કે એથી એના સ્વાતંત્ર્ય પર તરાપ પડે છે. તેથી, આ પ્રયત્નમાં સફળ થવા માટે આપણે વિવેક જાળવવો જોઈએ. અથવા સત્ય અને અસત્ય વચ્ચે વિચારભેદ કરતાં શીખવું જોઈએ. સત્ય વિશે દૃઢ રીતે જાણવું જોઈએ અને ત્યાર બાદ, જે સર્વક્ષણિક છે માટે અસત્ય છે તેને તજવું જોઈએ. ઈશ્વર જ સત્ય છે, બીજું બધું અસત્ય છે. આપણને શાશ્વત શાંતિ જોઈતી હશે તો આપણે બધી અસત્ય વસ્તુઓને છોડી દેવી પડશે. જે બધું દૃશ્યમાન છે તે ક્ષણિક છે એમ આપણને ભાન થશે ત્યારે જ આપણે સત્યની ખોજ પાછળ પડીશું. શ્રીરામકૃષ્ણ કહેતા: ‘આ બધું સત્ય છે એમ મને લાગ્યું હોત તો, કામારપુકુરને મેં સોનાનું કરી નાખ્યું હોત. પણ એ શાશ્વત ન થાત એ હું જાણતો હતો. એ જ રીતે, ચૈતન્યના શિષ્ય એવા એક મોટા ભક્તને સંસારમાં રત એવા પોતાના ભાઈને-એ ગૌડના નવાબનો દીવાન હતો તેને લખ્યું હતું: ‘વિચાર કરો, ભાઈ! અયોધ્યા-રામની અયોધ્યા-ક્યાં ગઈ? કૃષ્ણની સુવર્ણનગરી દ્વારકા ક્યાં ગઈ, તેનો પણ વિચાર કરો. આ જગતમાં કશું શાશ્વત નથી એ જાણી લો. બધું ક્ષણિક છે. શાશ્વતને સમજવા યત્ન કરો: આ શબ્દોએ એ મહાપુરુષના અંતરાત્માને જગાડ્યો અને એને ધર્મ- માર્ગે જવા બાહ્ય પ્રેરણા પૂરી પાડી. તરત જ એણે પોતાનું સંસારી જીવન તજી દીધું, દીવાનપદ છોડી દીધું અને ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે તપસ્યા આરંભી દીધી. આમ, આધ્યાત્મિક માર્ગના પહેલા કદમ તરીકે આવો વિવેકવિચાર આવશ્યક છે.

વિચારની સહાયથી આ જગતમાંના તમામ પદાર્થો માટેની અહીં કે પરલોકમાં, સ્વર્ગમાં કે અન્યત્ર ભોગની-ઈચ્છાને આપણે તજી દેવી જોઈએ. આપણે એમને તજી દેવી હોય તો આપણને ખાતરી થવી જોઈએ કે પાર્થિવ સુખોપભોગ વ્યર્થ છે. ઉપનિષદોમાં आनन्दના કેટલાક ભેદોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સુખી કુટુંબ, સંપત્તિ આદિ જીવનનાં બધાં સુખો જેને સાંપડ્યાં છે, એવા એક દીર્ઘાયુ મનુષ્યના આનંદના એકમથી ઉપનિષદો આરંભ કરે છે. આમ કરતાં કરતાં એ ગ્રંથો આનંદની માત્રા વધારતા જતાં ઈશ્વર સાક્ષાત્કારથી મળતા અનંત આનંદ સુધી પહોંચે છે, એ આનંદ અવર્ણનીય છે. સાક્ષાત્કાર સ્વરૂપે એની અનુભૂતિ જ હોઈ શકે. એ આનંદની પ્રાપ્તિ માટે આપણા ક્ષણિક સુખને આપણે તજી દેવું જોઈએ.

ઈશ્વર સાક્ષાત્કારની આ ઈચ્છાને આપણે પ્રબળ કેવી રીતે બનાવી શકીએ? સંત સમાગમ દ્વારા જ એ શક્ય છે. પાવનકારી વ્યક્તિઓના સમાગમમાં આપણે આવીશું તો, બધી પીડાથી પરની સ્થિતિ તેમણે પ્રાપ્ત કરી છે તે આપણને એમના જીવનમાંથી જણાશે, એમની સિદ્ધિની છાપ આપણી ઉપર પડશે અને એમને પગલે ચાલવા પ્રયત્ન કરવા આપણને પ્રેરણા મળશે. પરંતુ સંતો પાસે જવું ને એમનો બોધ સાંભળવો એ જ બસ નથી. એમનું અનુસરણ કરવા માટે આપણે એમને નજીકથી જોવા જોઈએ, એમના જીવનનો અભ્યાસ કરવો જોઈએ, એમનું અવલોકન કરવું જોઈએ. અને નિત્યાચરણનો અભ્યાસ કરવો જોઈએ.

આજકાલ સંતસમાગમ મળવો દુર્લભ છે. તો આપણે સારા ગ્રંથો વાંચવા જોઈએ, અને ભાગવત, રામાયણ, શ્રીરામકૃષ્ણ કથામૃત, સ્વામીજીની કૃતિઓ જેવા ધર્મગ્રંથો ઊંડાણથી વાંચવા જોઈએ: એમના બોધનું મનન કરવું જોઈએ, એમનું ચિંતન કરવું જોઈએ અને એ વિચારોનું ધ્યાન કરવું જોઈએ. આમ, આવાં પુસ્તકોમાંથી આપણને સંતસેવન પ્રાપ્ત થશે.

શ્રીરામકૃષ્ણ કથામૃતના લેખક માસ્ટર મહાશય દક્ષિણેશ્વર જતા ત્યારે, શ્રીરામકૃષ્ણ ભક્તોની સાથે જે વાર્તાલાપ કરતા તેના મુદ્દાઓ ટૂંકમાં, નાનાં વાક્યોમાં, ટપકાવી લેતા. પણ પછી, ત્યાં જે કંઈ બન્યું હોય તેના પર પોતે મનન કરતા અને એ દરેક બાબત એમને સ્પષ્ટ થઈ જતી, દરેક દૃશ્ય, દરેક શબ્દ એમના મનમાં ફરી આવતાં અને આ રીતે માસ્ટર મહાશય શ્રીરામકૃષ્ણ અને એમના શિષ ભક્તોનો સંગાથ ફરી માણતા. કથામૃતનાં દૃશ્યો અને વાર્તાલાપોનું આપણે ધ્યાન ધરીએ તો આપણે પણ તેમ કરી શકીએ અને એ પાવક સંગાથ માણી શકીએ. નવલકથા વાંચતા હોઈએ તેમ શ્રીરામકૃષ્ણ કથામૃત કે એવા બીજા કોઈ મહાન ગ્રંથને ઝડપથી વાંચી જવાનો કશો અર્થ નથી. ગીતા કે ઉપનિષદો વાંચતાં એમાંના પ્રત્યેક શ્લોકના અર્થ પર ધ્યાન ધરો. સ્વામી તુરીયાનંદ ઉપનિષદના પ્રત્યેક શ્લોક પર તેમ કરતા અને એમાં વ્યક્ત થતા પરમ તત્ત્વને પામતા. પરમ તત્ત્વને પામવા માટે સ્વામી વિવેકાનંદજી પણ તેમ કરતા.

આ ઉપરાંત ઈશ્વરચિંતનની ઉચ્ચ સ્થિતિમાં આપણા મનને આપણે રાખવું જોઈએ. આ પ્રકારનું ચિંતન ખૂબ આવશ્યક છે. ‘હું’ અને ‘મારું’ને ભુલાવી શકે તેવી – ધ્યાન, ભક્તિ, જ્ઞાન કે સેવા કોઈ પણ પ્રકારની સાધના દ્વારા આપણે આમ કરી શકીએ. ભક્તિમાં તમે ઈશ્વરનો વિચાર કરો છો ને એની સેવા કરો છો કે તમારી જાત વિશે વિચાર કરવાનો સમય પણ નથી મળતો. ધ્યાનમાં પણ તમે ઈશ્વરના વિચાર કરો છો ને એનું ચિંતન કરો છો ને આમ તમારી જાતને ભૂલી જાઓ છો.

આપણે બધો સમય ધ્યાનમગ્ન રહી શકીએ નહીં, તેથી આપણે બીજાની સેવા કરવી જોઈએ. તે, એમ સમજીને કે પ્રભુ સર્વ પ્રાણીઓમાં વસે છે. આમ, સેવા દ્વારા આપણે પ્રભુ સાથે તાદાત્મ્ય સાધશું. તમે કુટુંબ સાથે રહેતા હો તો, આ દૃષ્ટિકોણથી તમે કુટુંબના દરેક સભ્યની સેવા કરી શકો. દરેક વ્યક્તિમાં ઈશ્વર છે એમ તમે સતત વિચારતા રહેશો તો એમનામાં ઈશ્વરથી કશી ભિન્નતા નહીં અનુભવો. મનને તમારે સદા કેટલાક અંકુશ હેઠળ રાખવું જોઈએ. જેથી, દુન્યવી પદાર્થો વિશે વિચારવાનો તમને સમય જ ન રહે અને દુન્યવી સુખોની એ મનને તૃષ્ણા ન રહે. સંસારની ચિંતાઓ ચિત્તમાં પ્રવેશે નહીં ત્યારે, તે આપમેળે જ ઈશ્વર ચિંતન કરે છે અને ઈશ્વરથી જુદાઈનો ખ્યાલ પછી આવતો નથી.

આમ, આધ્યાત્મિક સાધના એક આકરી પ્રક્રિયા છે એ સમજી શકાશે. એમાં પાસા ઊંધા પણ પડે ને પીછેહઠ પણ કરવી પડે. ધ્યેય પ્રાપ્ત થાય ત્યાં સુધી તમારામાં અખૂટ ધીરજ અને ખંત હોવાં જોઈએ. અને પોતાની જાતમાં અડગ વિશ્વાસ પણ હોવો જોઈએ. પાછા પડવાની ભીતિ નહીં રાખવી જોઈએ અને પરિણામ ન આવે તો નિરાશ ન થવું જોઈએ. એક કે બીજે દહાડે તમે ઈશ્વરને પામવાના છો તેવી શ્રદ્ધા હોવી જ જોઈએ, તો જ લાંબે ગાળે તમારો પ્રયત્ન ફળશે. તો તમને ઇશ્વર પ્રાપ્ત થશે જ. એ વિશે ખંત, ધીરજ અને શ્રદ્ધા હોવાં જોઈએ. તમારે પ્રતિદિન, પ્રતિસપ્તાહ અને પ્રતિવર્ષ યત્ન કરતાં રહેવું જ જોઈએ. ઢીલા પડી ગયા તો, મહેનત બધી વ્યર્થ જવાની.

લોકો કેટલીક વાર માને છે કે આત્મસમર્પણ કરીને પોતે પ્રભુને પામી શકે છે. પણ સમર્પણ કંઈ સરળતાથી થતું નથી. આપણી અહંતા જાય નહીં, ‘હું’ અને ‘મારુ’નું ભાન જાય નહીં ત્યાં સુધી સંપૂર્ણ સમર્પણ કરી શકાય નહીં, આપણી મર્યાદાનો છેડો આવે અને આપણી બધી શક્તિ ખૂટી જાય ત્યારે જ ઈશ્વરની કૃપા આપણી ઉપર ઊતરે.

પ્રભુ પોતે કૃપા કરીને દર્શન ન દે ત્યાં સુધી આપણા પ્રયત્નો સફળ ન થાય એ સાચું છે. પરંતુ ઇશ્વરની કૃપા અને મનુષ્યયત્ન બંને જરૂરનાં છે. આપણે આપણી શક્તિ અનુસાર બધો પ્રયત્ન કરી છૂટીશું અને આપણે હવે વધારે કશું કરી શકીએ એમ નથી એમ આપણને લાગે ત્યારે જ ઇશ્વરની કૃપા ઊતરે.

આપણી ખોજ આપણે આ જ ઘડીએ ને અહીંથી જ આરંભી દેવી જોઈએ. કારણ કે મનુષ્ય જીવનમાં જ ઇશ્વર-પ્રાપ્તિ શક્ય છે. અને મનુષ્ય જીવન તો દુર્લભ છે. આપણને પાકી ખાતરી થવી જોઈએ કે જીવનનો હેતુ પ્રભુપ્રાપ્તિ છે અને બીજું બધું ગૌણ છે.

જીવનનો હેતુ પ્રભુપ્રાપ્તિ છે એમ ખાતરી થયા પછી આપણે કોઈ પણ ત્યાગ કરતાં અચકાશું નહીં. આપણા માર્ગમાંના બધા અંતરાયોને આપણે દૂર કરવા જોઈએ. ઈશ્વરપ્રાપ્તિ ન થાય તો જીવનનું કશું મૂલ્ય નથી, એવો વિશ્વાસ ઊગે તો જાણવું કે અર્ધો પંથ તો કપાઈ ગયો છે, તે પછી તો બધું સરળ છે.

એટલે, વિવેક વિચાર કરી આપણે જીવનનો હેતુ જાણવો જોઈએ, યોગ્ય પંથ ખોળવો ને તે પંથે જવું જોઈએ. સદ્ભાગ્યે શ્રીરામકૃષ્ણ આપણે માટે એટલું બધું કરી ગયા છે કે, એમની રહે ચાલતાં આપણે અલ્પ પ્રયત્ન જ કરવાનો રહે છે. શ્રીરામકૃષ્ણના શિષ્યો અમને કહેતા કે, પવન સાનુકૂળ છે અને નાવને સામે કાંઠે પહોંચવા માટે આપણે માત્ર સઢ જ ખુલ્લો કરવાનો છે. ઇશ્વરને પામવા માટે આપણને ઇચ્છા હોય અને બીજો માનવજન્મ પણ એ માટે મળે પણ વાતાવરણ સાનુકૂળ ન હોય, ઈશ્વરપ્રાપ્તિ માટે અનુકૂળ વાયરો જ ન વાતો હોય-તેવું બને, તો જીવનનો હેતુ સરે નહીં. તેથી આપણા આ જન્મમાં જ ઇશ્વર પ્રાપ્તિ માટે યત્નશીલ બનવું રહ્યું, અને આ યુગમાં શ્રીરામકૃષ્ણે સરળ બનાવી આપેલા ધ્યેયને પામવું રહ્યું.

Total Views: 177

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.