આજથી આશરે ૭૦૦ વર્ષ પૂર્વે હિંદુ સમાજ અશિક્ષણ, નિરક્ષરતા અને અજ્ઞાન તેમજ આંતરિક વૈમનસ્યને કારણે વિભિન્ન ભાગોમાં ટુકડે ટુકડા થઈ ગયો હતો. તે સમયે ભારતના અભાવગ્રસ્ત આકાશમાં એક દિવ્ય ભાસ્કરનો ઉદય થયો જેણે અશાંતિ અને અવ્યવસ્થાથી ગ્રસિત ભારતને પ્રેમ, શાંતિ, નિર્ભિકતા અને સ્વસ્થતા પ્રદાન કર્યાં અને સર્વત્ર શ્રીરામનામ તથા શ્રીરામભક્તિનો પ્રચાર-પ્રસાર કર્યો. એ મહાપુરુષ હતા સ્વામી રામાનંદાચાર્યજી. તે જગદ્‌ગુરુ પરંપરામાં અવતીર્ણ થયેલ શ્રીસ્વામી પરમેશ્વરદાસજી મહારાજના જ શિષ્ય અનૂઠી આધ્‍યાત્મિક પ્રતિભા સંપન્ન સ્વામી અભિરામદાસજી ત્યાગી.

સ્વામી અભિરામદાસજીનો જન્મ ભક્તિપૂર્ણ અને સુસંસ્કૃત પરિવારમાં થયો હતો. પૂર્વજન્મના સંસ્કારવશ યુવાવસ્થામાં જ તેઓએ ગૃહત્યાગ કર્યો હતો ને સ્વામી પરમેશ્વરદાસજી મહારાજનું શિષ્યત્વ ગ્રહણ કર્યું હતું. અયોધ્‍યામાં થોડો સમય સાધના કર્યા બાદ ચિત્રકૂટના શ્રીજાનકી કુંડમાં દીર્ઘસાધના પશ્ચાત્‌ તેમણે આત્મસાક્ષાત્કાર કર્યો.

મધ્‍યપ્રદેશમાં બેતવા નદીને કિનારે તેઓનું ગુરુસ્થાન છે. વળી એક આશ્રમ શ્રીકેદારનાથ જ્યોતિર્લિંગથી ૨ કિ.મી. દૂર પૂર્વમાં ગરુડચટ્ટીમાં છે. બીજો આશ્રમ માયાકુંડ-હૃષીકેશમાં પણ છે. મધ્‍યપ્રદેશમાં દેવલાગામની પાસે શ્રીરામટેકરી તપોવન આશ્રમનું પણ નિર્માણ થયું છે. અહીંથી ૧૨ કિ.મી. દૂર બૌનાગંજમાં અખંડ ધૂન સાથે ચાલતો સંત-આશ્રમ છે. આમ હિમાલય, ઉત્તરપ્રદેશ, ઉત્તરાંચલ, મધ્‍યપ્રદેશ અને ગુજરાતમાં આવેલ આશ્રમોની વિશેષતા છે કે અહીં જે સાધુ-સંત કે સાધક જે પ્રકારે સાધના કરવા ઇચ્છતા હોય તેના માટે પૂર્ણ સ્વતંત્રતા છે, સાધનાની બધી સુવિધાઓ અત્રે ઉપલબ્ધ છે.

સુંદર કલાત્મક કોતરણી ધરાવતા ગુજરાતમાં આવેલ ગુવાર ગામના આ આશ્રમના મધ્ય ભાગમાં પદ્માસનમાં બિરાજમાન ભગવાન શ્રી સીતા-રામજીની પ્રતિમા હૈયાને ઠંડક આપે છે. ડાબી બાજુએ ભગવાન શ્રીસ્વામી રામાનંદાચાર્યજી અને ગુરુદેવ સ્વામી શ્રી પરમેશ્વરદાસજીની પ્રતિમા છે. જમણી બાજુએ માતા વૈષ્ણોદેવી અને માતા નર્મદાજીની પ્રતિમા છે. સામેની બાજુએ એક છેડે હનુમાનજી મહારાજ અને બીજા છેડે ભગવાન પારદેશ્વરનું મંદિર આવ્યું છે. મંદિરની ફરતે દીવાલ ઉપર ભગવાન સ્વામી રામાનંદાચાર્યજીના જીવન શિલ્પને ચૈતન્યજી દ્વારા પૈશાચિક ભાષામાં લિખિત અષ્ટપદીના રૂપે આરસપહાણી શિલા ઉપર કોતરવામાં આવેલું છે. આ દરેક અષ્ટપદીનું અનુષ્ઠાન જુદી જુદી સિદ્ધિ અપાવે છે અને માનવીને આધિ, વ્યાધિ, ઉપાધિ જેવા વિવિધ તાપમાંથી મુકિત અપાવે છે. આશ્રમના સંતનિવાસમાં ઘણા ઓરડાઓ અને કેટલીક અલગ સ્વતંત્ર કુટિરો પણ છે કે જયાં મોટી સંખ્યામાં સાધુ સંતો પોતાની નિત્ય સાધના અને ભક્તિમાં લીન હોય છે. અહીં નર્મદાજીની પરિક્રમાએ નીકળેલા સંતો અને ભક્તો આશ્રમમાં દર્શન. વિશ્રામ અને સેવાનો લાભ લઈને ધન્યતા અનુભવે છે.

પૌરાણિક ધર્મગ્રંથો અને શાસ્ત્રોમાં પારદેશ્વર, એકમુખી રુદ્રાક્ષ, સ્ફટિક લિંગ અને નર્મદામૈયાના ધસમસતા પ્રવાહથી નિર્મિત નર્મદેશ્વરને ભગવાન શંકરના શ્રેષ્ઠ વિગ્રહ સ્વરૂપે ગણાવાયાં છે. એમાંયે સંપૂર્ણ વિધિવત્‌ નિર્મિત અને પ્રતિષ્ઠિત પારદેશ્વર (પારાનું શિવલિંગ) સ્વયં જયોતિસ્વરૂપ હોઈ તેનું આધ્યાત્મિક માહાત્મ્ય અને ઊર્જા સ્વયંભૂ જ્યોતિર્લિંગ સમાન માનવામાં આવે છે.

ગુવાર ગામમાં આવેલ આ શ્રીસ્વામી રામાનંદ સંત આશ્રમમાં પ્રતિષ્ઠિત શ્રી પારદેશ્વર શિવલિંગના સર્જનની કથા ઘણી જ રસપ્રદ છે. આશ્રમમાં પ્રતિષ્ઠિત પારાના શિવલિંગ (પારદેશ્વર)ને બનાવવા માટે દોઢ કિવન્ટલ જેટલો પારો, ૫૦ કિલોગ્રામ ચાંદી, અલ્પમાત્રામાં સોનું, વિપુલ પ્રમાણમાં અષ્ટધાતુ, બિલ્વનો ગર્ભ અને હિમાલયમાં ૧૨થી ૧૩ હજાર ફૂટની ઊંચાઈએ ઊગતી દિવ્ય જડી બુટ્ટીઓનો ઉપયોગ થયો હતો અને આમ સંયોજન અને ચોક્કસ પ્રકારના સિદ્ધિ મંત્રોના જાપ વડે પારાના લિંગની સ્થિરતા શક્ય બની હતી. પારાનું આ સિદ્ધ શિવલિંગ (પારદેશ્વર) સ્વયંભૂ દ્વાદશ જયોતિર્લિંગ સમાન આધ્યાત્મિક માહાત્મ્ય અને ઊર્જા ધરાવે છે અને તેના પૂજનથી વાસ્તુદોષોનું આપોઆપ નિવારણ થાય છે. નર્મદા નદી બહુ મોટા નગરોથી દૂર પર્વતો અને જંગલો વચ્ચે થઈને વહેતી હોવાથી લગભગ પ્રદૂષણ રહિત છે. આવું શુદ્ધ જળ ધરાવતી પવિત્ર નર્મદાનો કાંઠો તપ-સાધના-પૂજા-અર્ચન અને ધાર્મિક વિધિઓ માટે ઘણો જ ઉત્તમ છે.

ઉત્તરવાહિની નર્મદાના પાવન તટે અતિ પ્રાકૃતિક સૌંદર્યમય તપોભૂમિમાં આવેલ રામાનંદ સંત આશ્રમમાં ચાતુર્માસ કરવાનું સદ્‌ભાગ્ય એક સંન્યાસીને પ્રાપ્ત થયું હતું. એ માટે સીતારામ ભગવાન, શ્રીઠાકુર, મા શારદાદેવી, સ્વામીજી અને નર્મદામૈયાની અસીમ દિવ્યકૃપા પ્રાપ્ત થયા બદલ એક સંન્યાસી હજુ પણ ધન્યતા અનુભવે છે.

ધનોપાર્જન અને સાંસારિક વ્યસ્તતામાં ડૂબેલ રહ્યા પછી પણ કેટલોક સમય કાઢી આવા આશ્રમોમાં નિવાસ કરીને દર્શન, શ્રવણ, સત્સંગ, સાન્નિધ્ય અને પૂજનથી લાભાન્વિત થઈ આપણે સૌએ મનુષ્યજન્મની ધન્યતા અનુભવવી જોઈએ.

Total Views: 593

One Comment

  1. Hitesh manjibhai sorathia July 6, 2022 at 9:51 am - Reply

    if in ramkrishna Jyot, our different utsav like holi, Diwali,……. And symbolic idea like swastika, fire pot in funeral,……., are given as series with relious relation, science hidden behind, local understanding, what to do to carry forward. Similarly for different yatra, Parikrama, temples, devtas,…..

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.