શ્રી અક્ષયકુમાર સેન શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ શિષ્ય હતા. પદ્યમાં લખાયેલ તેમનો બંગાળી ગ્રંથ ‘શ્રીરામકૃષ્ણપુંથી’ ઘણો પ્રસિદ્ધિ પામ્યો છે. સ્વામી વિવેકાનંદજીએ આ ગ્રંથ વાંચીને ૧૮૯૫માં પોતાના ગુરુભાઈઓને લખ્યું હતું, ‘હમણાં જ મેં અક્ષયનું પુસ્તક વાંચ્યું. તેને મારા તરફથી પ્રેમપૂર્વકનાં લાખો આલિંગનો આપજો. તેની કલમ દ્વારા શ્રીરામકૃષ્ણ પોતાને વ્યક્ત કરે છે.’ આ ગ્રંથનું ભાષાંતર સ્વામી ચૈતન્યાનંદજીએ કર્યું છે, જે હજી અપ્રકાશિત છે. વાચકોના લાભાર્થે અમે તેને ધારાવાહિક રૂપે રજૂ કરી રહ્યા છીએ.

જય જય રામકૃષ્ણ વાંછાકલ્પતરુ,
જય જય ભગવાન જગતના ગુરું;
જય જય રામકૃષ્ણ તણા ભક્તગણ,
યાચું રજ ચોટેલી એ સહુને ચરણ.
સુજલ સુફલ ને સુંદર બંગદેશ,
ભાગીરથી જયહાં કરે સાગર પ્રવેશ.
હૂગલી જિલ્લામાં ગામ કામારપુકુર,
જન્મ લીધો પ્રભુએ પવિત્ર દ્વિજકુળ.
પિતા ખુદીરામ ચેટરજી સત્યધારી,
તેજસ્વી બ્રાહ્મણ અતિ શુદ્ધ નિષ્ઠાચારી.
બ્રાહ્મણનાં કર્મો બધાં ચીવટથી કરે;
જપ તપ ધ્યાન પૂજાપાઠ તીર્થે ફરે.
દૂર હોય તીર્થ તોય નિર્ભય અંતરે,
પગે ચાલી જાય સેતુબંધ રામેશ્વરે.
ન્યાયપરાયણ તેમ ધાર્મિક સુધીર,
રામભક્ત: ઘેર શાલીગ્રામ-રઘુવીર.
રઘુવીર-પૂજનમાં હતી અતિ પ્રીતિ,
દ્વિજવર સિદ્ધવાક્ એવી ગામે ગીતિ.
અનેક કહાણી એની લોકો કહી ઊઠે,
એને વેણે મોગરામાં ફૂલો રોજ ફૂટે.
બ્રહ્મશક્તિ -પરિપૂર્ણ તેજપુંજ કાય,
દેખતાં જ શ્રદ્ધા એની મેળે ઉભરાય.
ગરીબ ભલેને ગૃહે હતું નહિ અર્થ,
સામે ઊભા થવા ન્હોતું કોઈએ સમર્થ.
જે તળાવે દ્વિજ ન્હાય ઊઠીને પ્રભાત,
તેમાં એની પહેલાં ના’વા કોંની ન તાકાત.
આચારમાં કડક એ તેજસ્વી બ્રાહ્મણ,
શૂદ્ર કેરું દાન કદી કરે ન ગ્રહણ.
કહે તેની પદરજે વ્યાધિ નાશ થતો,
પગે પડી રજ લેતાં જવર શમી જતો.
નીકળતાં નમે ગામ લોકો વાટ ધારે,
હાથ જોડી ઊભા થાય વેપારી બજારે.
અંતરે દયાળુ વાણી અતિ મીઠી બોલે,
ઉદાર સરલતામાં કોઈ ના’વે તોલે.
દ્વિજ જેવા, તેવી તેની ભાર્યા ગુણવતી,
આબેહૂબ ઘડી જાણે દયાની મૂરતિ.
ભૂખ્યું કોઈ યદિ રહે ઊભું દરવાજે,
જે હોય તે ઘરમાંથી આપે ખાવા કાજે.
અંતરમાં સરળતા એવી મૂર્તિમાન,
વાંકાં વેણ, આડી ભાષા તણું નહિ જ્ઞાન.
પારકી પંચાત મૂકી પર-હિત -રત,
નિરુપમ અલૌકિક ગુણ શત શત.
સામાન્ય નહિ એ બાઈ, બ્રાહ્મણને ધરે,
ધારે જે ભૂભારહારી પ્રભુને ઉદરે.
પ્રભુની જનેતા થાય, આપણી તો ‘આઈ’,
હવે થકી ‘આઈ’ કહી તેની કથા ગાઈ.
કોટિ-કોટિ દંડવત્ ‘આઈ’ને ચરણે,
ધોખો રહ્યો મોટો નવ દેખીયાં નયને.
નત શિર જોડી કર સર્વ થકી આગે,
‘આઈ’ની ચરણરજ પામર આ માગે.
આઈનાં નસીબ કહ્યાં જાય ન વખાણી,
ત્રણ પુત્ર જન્મ આપે આઈ-ઠાકુરાણી.
શ્રીરામકુમાર મોટા, વચ્ચે રામેશ્વર,
એ ત્રણેમાં નાના પ્રભુ કરુણાસાગર.
દેવી જેવી દીકરી બે, કાત્યાયની મોટી,
અને સર્વમંગલા એ સર્વ થકી છોટી.
મોટા પુત્ર શ્રીરામનો ‘અક્ષય’ નંદન,
કિશોર વયમાં તેણે તજિયું જીવન.
વચેટના દ્વય પુત્ર એક જ નંદિની,
રામલાલ, શિવરામ, લક્ષમી ભગિની.
આટલો જ માત્ર કહ્યો ઇષ્ટ-પરિવાર,
તેમને પ્રણામ પગે કરું વારવાર.
આઈને ઉદર રહ્યા ગર્ભ માંહે પ્રભુ,
અદ્ભુત આખ્યાન એમાં નવાઈ છે બહુ.
એક વાર પ્રભુપિતા ગયા ધામે જાય,
થયું ત્યાંહાં કેવું બધું સુણો કથામાંય.
એક દિન દ્વિજવરે દેખીયું સ્વપન,
અતિ સુમધુર કથા વિચિત્ર કથન.
શંખ, ચક્ર, ગદા, પદ્મ, ચતુર્ભુજ ધારી,
શ્યામળી ઉજ્જવળ કાયા પરે જાઉં વારી.
બોલે, પુત્ર થઈ અવતરું તુજ ઘરે,
હસી હસી દ્વિજવર સાથે વાતો કરે.
ઉત્તરમાં બોલે દ્વિજ, “અરે મારા બાપ!
ગરીબ બ્રાહ્મણ હું તો, વિશ્વપતિ આપ.
સેવા કેમ કરી થાય આપની મુજથી,
ઘેર મારે ચાર દીનું ખાવા ભાત નથી.”
ઉત્તરમાં દેવ કહે, “ડર મા તું, દ્વિજ,
પોષણ મારાની ચિંતા રાખવી નહિ જ.”
એમ કહી નિમિષમાં થયા અંતર્ધાન,
પ્રભુ જતાં વિપ્રના વ્યાકુળ થયા પ્રાણ.
ઊંઘ ઊડી જાગી ગયા ભૂદેવ ચમકી,
ઘોર રજનીમાં અદ્ભુત સ્વપ્ન દેખી.
મનોમન દ્વિજવર કરે છે વિચાર,
સ્વપ્ન-અર્થ કળવામાં લાગી નહિ વાર.
અહીં આઈ ઠાકુરાણી પોતાને ભવને,
બેસી કરે વાતચીતો નારીઓ ત્રણને.
શિવનું મંદિર એક હતું સાવ સામે,
મહાજ્યોતિ ત્યાંથી ધસી આવી તેહ ઠામે.
વાયુવેગે આઈ તણા પેટમાં એ જાય,
ભય પામ્યાં આઈ કાયા થરથર થાય.
જેહ ત્રણ નારી સાથે વાતો થતી હતી,
આઈ બોલ્યાં ફોડ પાડી ઘટના એ બધી.
સુણી લોકો વાતો કરે વિવિધ પ્રકાર,
ઊભાં થઈ રહે આઈ ઝાલી ઘરબાર.
નારી ત્રણમાંથી એક ધની લુહારણ,
આગળ ગવાશે તેનું વધુ વિવરણ.
અતિ ભાગ્યવતી એહ લુહારણ બાઈ,
હોત તો જરૂર લેત પદરજ ધાઈ.
પ્રભુ પરે પુત્રસ્નેહ બહુ હતો તેને,
મળે એ સૌભાગ્ય, હોય મહાભાગ્ય જેને.
ભુવનપાવન જેહ વાંછાકલ્પતરુ,
અનાથના નાથ જેહ જગતના ગુરુ.
પ્રભુદેવ બાઈને સંબોધી કહે ‘માતા’,
તેની પદરજે થાય ચિત્ત તણી શાતા.
વિચાર કરું ન કશો જાતિકુળ ધારા,
ચાહે રામકૃષ્ણને જે પૂજ્ય છે એ મારા.
બ્રાહ્મણ થઈને જે કો’ પ્રભુદ્વેષી હોય,
ચંડાળથી નીચ તેને મારું મન જોય.
શ્રાદ્ધયાત્રા પૂરી કરી છોડી ગયા ધામ,
ચાલીને શ્રીખુદીરામ પહોંચ્યા નિજ ધામ.
સ્વામી પાસે બોલ્યાં બધું આઈ ઠાકુરાણી,
જે દી જે દી જે જે બન્યું તે તે યાદ આણી.
સ્વપ્ન કથાને સ્મરી દ્વિજ નિજ મને,
આઈને કહે, ‘એ કે’શો નહિ કોઈ કને.’
દિન પર જાય દિન ગર્ભ તેમ વધે,
કાંતિ બ્રાહ્મણીની દેખી વાતો થાય બધે.
આઈની લાવણ્યછટા અતિશય રૂપ,
સ્વરૂપ વધીને થયું સુંદર સ્વરૂપ.
સ્વભાવ જુઓ તો જાણે બરાબર ગાંડી,
જોઈ પાડોશણો કરે વાતો ખાંડી ખાંડી.
કહે ‘જુઓ રૂપછટા ફૂટી બહાર આવે,
વિના બ્રહ્મદૈત્ય આવું રૂ૫ કોઈ ન લાવે.’
મોટી વયે પેટ ચડ્યું, બીજું તે શું થાય,
જીવે તો નસીબ, નહિતર પ્રાણ લઈને જાય.
આઈ પણ વર્તે જાણે ભૂત અંગમાંહે,
ક્યારેક ઉલ્લાસે વાતો કરે રંગમાંહે.
બોલી નાખે આઈ બધી વાત કોઈ ભેટયે,
પતિસ્પર્શ ગર્ભ નથી, ઘૂસ્યું કંઈક પેટે.
જુએ, સુણે અલૌકિક ગર્ભવતી આઈ,
અતિ અસંભવ વાતો વર્ણવી ન જાઈ.
ગર્ભાવસ્થા કેરી કથા સુંદર ભારતી,
આઈ દેખે ઘણાં દેવદેવીની મૂરતિ.
ત્રણચાર માસ તણો થયો ગર્ભ જ્યારે,
એક દિન થયું એક કૌતુક જ ત્યારે.
થાકથી અવશ આઈ સૂતાં ઘરમાં રે,
બારણાં અંદર વાસી દીધી કડી દ્વારે.
એટલામાં કાને સુણે ઠાકુરાણી આઈ,
ઝાંઝરોના શબ્દ તેથી પામિયાં નવાઈ.
કુતૂહલવશ આઈ ધ્યાન દઈ સુણે,
તેમ તેમ ઝાંઝરીઓ વધુ ઝણઝણે.
નવાઈ પામીને આઈ બોલે નિજ મન,
ઝાંઝરીઓ અહીં વાગે એનું શું કારણ?
એકલી હતી તે દીધાં બારણાં વાસી,
ઘૂસિયો જરૂર કો’ અજાણ્યો સર્વનાશી.
એમ જાણી બારણાં ઉઘાડી જુએ આઈ,
ખાલી આખું ઘર બીજું બ્રેઈ નહિ ત્યાંઈ.
કોઈને કરી ન વાત સુણ્યું જે અકળ,
સ્વામી ઘેર આવ્યા ત્યારે બોલિયાં સકળ.
ઝાંઝરીના ઝમકારા શું કરવા થાય,
ઘરમાં ન કોઈ બીજું, નવાઈ કે’વાય.
ભૂદેવ સમજી અર્થ કહે નિજ દાર,
ગભરાટ છોડી ધીરજને ધાર.
ચિહ્‌નો બધાં મંગળ એ કરીશ મા ભય,
થશે ઘેર ગોકુળના ચંદ્રનો ઉદય.
બીજે એક દિન દેખે ઊંઘમાં સ્વપન,
રમણીય શિશુ ખોળે કરે આરોહણ.
હૈયે ચડી નાના હાથે ગ્રીવાને પકડે,
જાણી શશી રૂપરાશિ કંઠને ઝકડે.
હાસ્યભર્યું મુખ વાતો અસ્પષ્ટ કરી,
છેવટે હૃદય થકી પડ્યો બાળ સરી.
ચમકીને આઈ એથી ઝબકી ઉઠિયાં,
‘ક્યાંહાં ગયો, બેટાં’, બોલી રોવાને લાગિયાં.
સ્વપનાની વાત એમ જાણ્યું બહુ વારે,
લૂછી નાખ્યાં પાલવથી નેત્રજળ ત્યારે.
કેટલુંયે દેખે આઈ શું હું કહું કથા,
ઘરમાંહે દેખે કોટિ વીજળીની છટા.
કોઈ દિન આવે જાણે ચંદનની વાસ,
સુખડથી બાંધ્યું જાણે હોય ન આવાસ.
કોઈ દિન ઘરમાંથી દિવ્ય ગંધ ઊઠે,
ખીલી ચારે કોર જાણે પદ્મવન ફૂટે.
એવી રીતે નવ માસ પૂરા વીતી જાય,
આઈને પ્રસવકાળ ઉપસ્થિત થાય.
પહોર દિવસ ચડ્યે ઠાકુરાણી કહે,
થાય મને વેદના, વિલંબ નવ સહે.
સાંભળીને સ્વામી કહે, એ શી વાત દેવા,
હજી તો થઈયે નથી રઘુવીર-સેવા.
રામજીનો ભોગ રામ બધું થઈ જાય,
દિન વીત્યે સુખેથી પ્રસવ ભલે થાય.
દ્વિજનાં વચન અનુસારે વીત્યો દિન,
દ્વિતીયાનો ચંદ્ર ઊગ્યો આભમાં નવીન.
પ્રસૂતિનું ગૃહ હતું ખાંડણિયો જ્યાંહાં,
યથાકાળે સુખથી પ્રસવ થયો ત્યાંહાં.
સંવત અઢારસો ને બાણુંની મોઝાર,
ફાગણ મહિનો, સુદ બીજ, બુધવાર.
રવિ, બુધ, ચંદ્ર, શુભ ગ્રહો લગ્નધારી,
ભૂમિ તળે અવતર્યા વૈકુંઠ વિહારી.
પ્રભુ મુખે સુણી જન્મપત્રિકાની કથા,
અહીં કહીં એ જ કથા સાંભળેલી યથા
શ્રી પ્રભુની જન્મકથા જેહ સુણે ગાય,
પુત્ર-દર્શનનો આનંદ તેને થાય.

શ્રીરામકૃષ્ણદેવના કથાપ્રસંગો

Total Views: 193

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.