ગુરુ કેમ કરીને મળે?

પાડોશી: આપે કહ્યું, ગુરુનો ઉપદેશ. તે ગુરુ કેમ કરીને મળે?

શ્રીરામકૃષ્ણ: ગમે તે માણસ ગુરુ થઈ શકે નહિ. જંગી લાકડું પોતેય તરતું ચાલ્યું જાય, અને કેટલાંય જીવજંતુઓ પણ તેના પર બેસીને જઈ શકે. પણ પોલું ફોફાં જેવું લાકડું, જો તેના ઉપર કોઈ બેસે તો તે પોતેય ડૂબી જાય અને જે બેસે તેય ડૂબી જાય. એટલા માટે ઈશ્વર પોતે યુગે યુગે લોકોને ઉપદેશ આપીને માર્ગ બતાવવા માટે ગુરુરૂપે અવતાર લે; સચ્ચિદાનંદ ગુરુ.

જ્ઞાન કોને કહે; અને હું કોણ? ‘ઈશ્વર જ કર્તા, બીજા બધા અકર્તા’ એ અનુભવવાનું નામ જ્ઞાન. હું અકર્તા, ઈશ્વરના હાથનું યંત્ર. એટલે હું કહું કે ‘મા, તમે યંત્રી, હું યંત્ર; તમે ઘરમાલિક, હું ઘર; હું ગાડી, તમે ગાડી ચલાવનાર; જેમ ચલાવો તેમ ચાલું, જેમ કરાવો તેમ કરું; જેમ બોલાવો તેમ બોલું; નાહં, નાહં તુંહિ તુંહિ.’

ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરનાં સાત્ત્વિક કર્મો

શ્રીરામકૃષ્ણ (ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરને): તમારું કર્મ સાત્ત્વિક કર્મ, સત્ત્વનો રજ. સત્ત્વગુણથી દયા થાય. દયાને લઈને જે કર્મ કરાય તે કર્મ રાજસિક ખરું, પરંતુ એ રજોગુણ, સત્ત્વનો રજોગુણ, એમાં દોષ નહિ. શુકદેવ વગેરેએ લોકોપદેશ કરવા સારુ દયા રાખી હતી, ઈશ્વર સંબંધી ઉપદેશ આપવા સારુ. તમે વિદ્યાદાન, અન્નદાન કરો છો; એ પણ સારું. નિષ્કામભાવે કરી શકાય તો એનાથીયે ભગવત્પ્રાપ્તિ થાય. કોઈ કરે નામના સારુ, પુણ્ય સારુ. તેમનું કર્મ નિષ્કામ નહિ. અને સિદ્ધ તો તમે છો જ.

વિદ્યાસાગર: મહાશય, કેવી રીતે?

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય): બટાટા, પરવળ વગેરે સિદ્ધ થાય એટલે કે બફાય ત્યારે નરમ થાય. તમે પણ ખૂબ નરમ છો, તમારામાં આટલી બધી દયા છે! (હાસ્ય.)

વિદ્યાસાગર (સહાસ્ય): વાટેલી અડદની દાળનાં મૂઠિયાં બાફો તો કઠણ થાય. (સૌનું હાસ્ય.)

શ્રીરામકૃષ્ણ: તમે એવા નથી, ભાઈ! જેઓ ખાલી જ પંડિતો છે તેઓ અર્ધા કાચા અને અર્ધા બળી ગયેલા. નહિ આણીકોર કે નહિ પેલીકોર.

ગીધ ખૂબ ઊંચું ઊડે, પણ તેની નજર ઉકરડા પર. જેઓ ખાલી પંડિત હોય, તે કહેવા પૂરતા જ પંડિત. પરંતુ તેમની આસક્તિ કામ-કાંચનમાં જ. ગીધડાંની પેઠે સડેલું મડદું શોધે. અવિદ્યાના સંસારમાં આસક્તિ હોય. દયા, ભક્તિ, વૈરાગ્ય એ વિદ્યાનું ઐશ્વર્ય.

બ્રહ્મ એ વિદ્યા અને અવિદ્યાથી પર, માયાતીત

શ્રીરામકૃષ્ણ: બ્રહ્મ એ વિદ્યા અને અવિદ્યાથી પર, માયાતીત.

આ જગતમાં વિદ્યામાયા અને અવિદ્યામાયા બન્ને છે; જ્ઞાનભક્તિ છે તેમજ કામ-કાંચન પણ છે; સત્ પણ છે, અસત્ પણ છે; સારુંય છે, તેમ નરસુંય છે; પરંતુ બ્રહ્મ છે અલિપ્તઃ સારું નરસું જીવને માટે, સત્ અસત્ જીવને માટે. બ્રહ્મ તેથી લેપાતું નથી.

જેમ કે દીવાની સામે કોઈ ભાગવત વાંચે, અને કોઈ ખોટી સહી કરે, પણ દીવો નિર્લેપ!

સૂર્ય સજ્જનને પણ પ્રકાશ આપે, તેમજ દુર્જનને પણ.

જો એમ કહો કે દુઃખ, પાપ, અશાંતિ એ બધાં ત્યારે કોને માટે? તો તેનો જવાબ એ કે એ બધાં જીવને લાગુ પડે છે. બ્રહ્મ અલિપ્ત. સાપની અંદર વિષ છે, તે બીજાને કરડે તો મરી જાય, પરંતુ તેથી સાપને કશું થાય નહિ.

બ્રહ્મ શું એ મુખેથી બોલી શકાય નહિ. બધી વસ્તુ એઠી થઈ ગઈ છે; વેદ, પુરાણ, તંત્ર, ષડ્દર્શન, એ બધાં એઠાં થઈ ગયાં છે! મોઢેથી બોલવામાં આવ્યાં છે, મોઢેથી ઉચ્ચારણ થયું છે, એટલે જાણે કે એઠાં થઈ ગયાં છે. પરંતુ માત્ર એક વસ્તુ એઠી થઈ નથી. એ વસ્તુ બ્રહ્મ. બ્રહ્મ શું તે આજ સુધી કોઈ મુખેથી બોલી શક્યું નથી.

એક બાપને બે દીકરા. બ્રહ્મવિદ્યા શીખવા સારુ બન્ને છોકરાને બાપે આચાર્યના હાથમાં સોંપ્યા. કેટલાંક વરસ આચાર્યને ઘેર રહ્યા પછી તેઓ પોતાને ઘેર પાછા આવ્યા અને બાપને પ્રણામ કર્યા. બાપને ઇચ્છા થઈ કે જોઈએ, આ બન્નેને બ્રહ્મજ્ઞાન કેવુંક થયું છે. એટલે તેણે મોટા દીકરાને પૂછ્યું કે,

‘બેટા! તું તો બધું ભણી આવ્યો; તો બ્રહ્મનું સ્વરૂપ શું છે, બોલ તો?’

એટલે મોટા દીકરાએ તો વેદમાંથી કેટલાય મંત્રો બોલી બોલીને બ્રહ્મનું સ્વરૂપ સમજાવવા માંડ્યું! બાપ ચૂપ રહ્યા. પછી જ્યારે નાના દીકરાને પૂછ્યું ત્યારે તે મુખ નીચું કરીને ચૂપ થઈ ગયો. મુખે એક શબ્દ સરખોય નહિ! પિતા તેના પર પ્રસન્ન થઈને બોલ્યા,

‘બેટા! તું જ સમજ્યો છે! બ્રહ્મ શું એ મોઢેથી બોલી શકાય નહિ.’

માણસ મનમાં માને કે આપણે ઈશ્વરને જાણી લીધો છે. એક કીડી સાકરના પહાડ પાસે ગઈ હતી. એક દાણો ખાધો ત્યાં એનું પેટ ભરાઈ ગયું. એટલે બીજો એક દાણો મોઢામાં લઈને દરમાં જવા લાગી. જતી વખતે વિચાર કરે છે કે આ વખતે આવીને આખો પહાડ જ ઉઠાવી જાઉં.

ક્ષુદ્ર જીવો આવું બધું ધારે. તેમને ખબર નથી કે બ્રહ્મ મન અને વાણીથી અતીત છે. કોઈ ગમે તેટલો મોટો હોય, તો પણ તે શું ઈશ્વરને જાણી શકે? શુકદેવ વગેરે બહુ તો મોટા મંકોડા, ખાંડના વધારેમાં વધારે આઠ દસ દાણા મોઢામાં લઈ જઈ શકે!

Total Views: 872

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.