સાંજનો સમય છે. વૃક્ષો બધાં જ શ્રી રાધા-કૃષ્ણની હાજરીમાં ઝૂલી રહ્યાં છે. વૃંદાવનની એક નિકુંજમાં રાધાજી તથા કૃષ્ણ બેઠેલાં છે. ચારે બાજુ મધુર-વાતાવરણ છે. વાતો કરી રહ્યાં છે ત્યાં શ્રીકૃષ્ણને વિચાર આવ્યો કે ચાલો, હું રાધા બનું. તેથી, શ્રીકૃષ્ણે રાધાજીને કહ્યું, “રાધે, ચાલ હું તારાં વસ્ત્રો પહેરીને રાધા બનું અને તું મારાં વસ્ત્રો પહેરીને કૃષ્ણ બની જા.” બન્નેએ એકમેકનાં વસ્ત્રો પહેર્યાં અને કાનો બોલ્યો, ‘જો રાધે, તમે કૃષ્ણ બની ગયાં અને હું રાધા બની ગયો.’ ત્યારે રાધાજી બોલે છે, “કાન્હા મારાં વસ્ત્રો પહેરવાથી તું રાધા બની જતો નથી. રાધા બનવું ખૂબ જ કઠિન છે. હું રાત-દિવસ તારા વિરહમાં ‘કૃષ્ણ-કૃષ્ણ’ કહીને તડપું છું. મારા આખા શરીરમાં વિરહની આગ લાગે છે. અરે, મારી રગેરગમાં કૃષ્ણ-મિલનની ઝંખના છે. અને મારું રોમેરોમ કૃષ્ણ જ બોલે છે. મારું મન મારું જ નથી રહી શકતું મને બાહ્યભાન જ રહેતું નથી. તે તો, તું આ મારા ભાવનો અનુભવ કર તો જ તને ખ્યાલ આવે કે, રાધાજી શું છે? રાધાભાવ શું છે?”

બસ, ત્યારથી જ કાન્હાએ નક્કી કર્યું કે મારે ભાવથી રાધા બનવું છે. અને આ રાધાભાવનો અનુભવ કરવા માટે જ શ્રીકૃષ્ણે શ્રીચૈતન્ય મહાપ્રભુ અને શ્રીરામકૃષ્ણદેવનો અવતાર ધારણ કર્યો. અને આ અવતારોના જીવન દ્વારા સમજાવ્યું કે, રાધાજી એક ભાવ છે-મહાભાવ છે અને સાધકમાં તે ભાવ આવે તો જ ઇષ્ટ-દર્શન શક્ય બને છે.

આ મહાભાવ સુધી પહોંચવા માટે સાત ભાવોમાંથી પસાર થવું પડે છે. જે નીચે મુજબ છે.

રતિ-સ્નેહ-માન-પ્રણય-રાગ-અનુરાગ-ભાવ-મહાભાવ. સામાન્ય માનવી મહાભાવ સુધી પહોંચી શકતો નથી. માત્ર ઈશ્વર-કોટિ અવતાર જ મહાભાવ  સુધી પહોંચી શકે છે. આ ભાવો ટૂંકમાં સમજીએ.

રતિ (પ્રેમ) : જ્યારે સાધકના મનમાં વિષયભોગ તથા વિકાર-વાસના રહેતાં નથી અને ઇષ્ટ પ્રત્યે પવિત્ર અનુપમ વૃત્તિનો ઉદય થાય છે. તેને રતિ અથવા પ્રેમ કહે છે. તેમાં પ્રેમપાત્ર ઇષ્ટ જ સર્વસ્વ હોય છે.

સ્નેહ : આ જ પ્રેમનું જ્યારે ઊર્ધ્વીકરણ થાય છે ત્યારે પોતાના ઇષ્ટ પ્રત્યે ચિત્ત દ્રવિત થાય છે. જેમ દીવો ઘીના સંયોગથી પૂર્ણ થાય અને તેની જ્યોતિ તથા ઉષ્ણતા વૃદ્ધિ પામે છે તેમ ઇષ્ટ પ્રત્યે હૃદયમાં સ્નેહ ઉત્પન્ન થાય છે અને ઇષ્ટ-દર્શનની પિપાસા વધે છે, જેને ઇષ્ટ પ્રત્યે સ્નેહ ઉત્પન્ન થયો કહેવાય.

માન : હજી વધુ પ્રેમનું ઊર્ધ્વીકરણ થાય છે ત્યારે એક અત્યંત નવીન જ માધુર્યનો અનુભવ થાય છે. તેને માન કહેવાય છે, જેમાં ઇષ્ટ પ્રત્યે મમત્વ આવે છે. મારા વગર ઇષ્ટને કોણ ખવરાવશે? કોણ ધ્યાન રાખશે? વગેરે. જેમ યશોદાજીને થતું કે, જો તેઓ કાનાનું ધ્યાન નહિ રાખે તો કોણ રાખશે? આમ, જે મમત્વ આવે તેને માન કહેવાય.

પ્રણય : આ માનનું પણ હજી વધુ ઊર્ધ્વીકરણ થાય છે ત્યારે પ્રિયતમની સાથે અભિનત્વ વધતું જાય છે. એકાગ્રતા વધતી જાય છે. આ સ્થિતમાં મન-બુદ્ધિ-પ્રાણ-શરીર-વસ્ત્રાભૂષણ બધામાં પ્રિયતમથી જુદાપણું લાગતું નથી. તેનું દૃષ્ટાંત જોઈએ તો રાસલીલા વખતે જ્યારે શ્રીકૃષ્ણ અદૃશ્ય થઈ જાય છે ત્યારે ગોપીઓ આકુળ-વ્યાકુળ થઈ જાય છે. અમુક ગોપીઓ એમ જ માનવા લાગે છે કે પોતે જ કૃષ્ણ છે અને બોલવા લાગે છે કે, “મેં જ કાલીય નાગને માર્યો, મેં જ ગોવર્ધન પર્વતને ઉપાડ્યો, મેં જ તો વ્રજવાસીઓને બધાં સંકટોમાંથી બચાવ્યા, વગેરે.” આમ, આ સ્થિતને ‘પ્રણય’ કહે છે.

રાગ : ઇષ્ટને મળવાની ઝંખનામાં જ્યારે દુઃખ જ પરમસુખ બની જાય છે અને વિયોગનાં તમામ દુઃખો અત્યંત સુખદ લાગે છે ત્યારે આ સ્થિતિને રાગ કહેવાય છે.

અનુરાગ : જ્યારે ઇષ્ટ પળેપળમાં નૂતન સ્વરૂપે દેખાવા લાગે; હરક્ષણે અત્યંત પવિત્ર, સુંદર, સરસ તથા પરમ મધુર દેખાવા લાગે ત્યારે રાગના આ ઉત્કર્ષને અનુરાગ કહેવાય છે.

ભાવ : જ્યારે પ્રાણત્યાગથી પણ વધારે કઠિન દુઃખ પણ અત્યંત તુચ્છ લાગે છે અને ઇષ્ટપ્રાપ્તિ માટે પોતાના શરીરનો ખ્યાલ સુદ્ધાં ન રહે અને ઇષ્ટને સર્વોત્તમ સુખ આપવાની ઉત્કંઠા જાગે ત્યારે વૃદ્ધિ પામેલો આ અનુરાગ ભાવમાં પરિણત થાય છે.

મહાભાવ : આ ભાવ ઉચ્ચતમ સ્તરે પહોંચે ત્યારે આ મધુરતમ, નિર્મળ, મનભાવન ભાવને મહાભાવ કહે છે. મધુરભાવનું ઉચ્ચતમ સ્તર એટલે આ મહાભાવ. રાધાજી કાયમ આ જ મહાભાવમાં રહેતાં હોવાથી તેને જ રાધાભાવ કહેવાય છે. શ્રીકૃષ્ણ ભગવાને આ ભાવનો જ અનુભવ કરવા માટે બે અવતારો ધારણ કર્યા. એક શ્રીચૈતન્ય મહાપ્રભુ અને શ્રીરામકૃષ્ણદેવ.

ઠાકુર જ્યારે નાના હતા ત્યારે પોતાની જાતને રાધા માનતા અને શ્રીકૃષ્ણને ઝંખતા. તેને માટે ભજનો ગાઈને કોઈ સાંભળે નહીં તે રીતે રડતા. જ્યારે શ્રીઠાકુર દક્ષિણેશ્વરમાં આવ્યા, ત્યારે તેમણે દાસ્યભાવ, વાત્સલ્યભાવ વગેરે ભાવની સાધના કરી. હવે, શ્રીઠાકુરને મધુરભાવની સાધના કરવાની ઇચ્છા થઈ. તેઓ સ્ત્રીની જેમ સાડી પહેરતા અને સ્ત્રીઓની સંગાથે રહેતા. મથુરબાબુના ઘરની સ્ત્રીઓને સાચે જ એમ થતું કે તેઓ સ્ત્રી જ છે. જ્યારે વહેલી સવારે ફૂલો ચૂંટવા માટે બગીચામાં આવતા ત્યારે મથુરબાબુ અને હૃદયનાથ જોતા કે, શ્રીઠાકુર સ્ત્રીઓની જેમ જ ડાબો પગ પહેલાં મૂકે છે. ભૈરવી બ્રાહ્મણીએ પણ કહ્યું, તેમણે જ્યારે જોયું કે ઠાકુર ફૂલ ચુંટી રહ્યા છે તો એમ જ લાગ્યું કે, શ્રીરાધાજી ફૂલ ચૂંટી રહ્યાં છે.

શ્રીઠાકુર આ ભાવની સાધનામાં ફૂલો જાતે ચૂંટીને રાધાકૃષ્ણની મૂર્તિને હાર પહેરાવતા અને ગોપીઓ જેવી રીતે મા કાત્યાયિનીની પૂજા કરી શ્રીકૃષ્ણને પતિરૂપે પ્રાપ્ત કરવા પ્રાર્થના કરતી, તે જ રીતે શ્રીઠાકુર મા-કાલીને આવી પ્રાર્થના કરતા.

આ રીતે સાધનાના દિવસો વિતતા જાય છે. ત્યારબાદ શ્રીઠાકુરના સાંભળવામાં આવ્યું કે, શ્રી રાધાજીની કૃપા વગર કૃષ્ણ-પ્રાપ્તિ અશક્ય છે. તેથી ઠાકુર રાધાજીની ભક્તિ કરવા લાગ્યા, અને શ્રીરાધાજીનાં દર્શન થયાં અને તેઓ શ્રીઠાકુરમાં સમાઈ ગયાં.

બસ, હવે શ્રીઠાકુરમાં રાધાભાવ ઉત્પન્ન થયો પ્રેમનું ઊર્ધ્વીકરણ થવા લાગ્યું. રાત-દિવસ વિરહમાં તડપવા લાગ્યા. એ અરસામાં ભૈરવી બ્રાહ્મણીનું આગમન થયું. શ્રીઠાકુર વિરહમાં તડપે છે. આખું શરીર બળે છે. વિરહ-અગ્નિથી તડપીને શરીરમાં બધા જ સાંધા ઢીલા પડી જતા અને જાણે છૂટા પડી ગયા હોય તેવું લાગતું. બધી જ ઇન્દ્રિયો કામ કરતી બંધ થઈ જતી અને શરીર જડ જેવું ગતિવિહીન થઈ જતું અને મરેલા માણસ-મડદાની જેમ બેભાન થઈ જતું. કોઈ વખત રડવા લાગતા અને શરીર પછડાટો ખાતું. ‘હા કૃષ્ણ’ મારા પ્રિયતમ, તમે ક્યાં છો? કહી શ્રીઠાકુર મોટેથી રુદન કરતાં જે લોકો જોતા તેમની આંખોમાં પણ આંસુ આવી જતાં. કાયામાંથી પરસેવાનાં બિંદુઓને બદલે લોહીનાં બિંદુઓ ફૂટવા લાગ્યાં. પોતાના વ્યકિતત્વને ભૂલીને તે પોતાને કૃષ્ણસ્વરૂપ માનવા લાગ્યાં. સચરાચર વિશ્વમાં એમને બધું કૃષ્ણમય ભાસવા લાગ્યું. બ્રાહ્મણી અને વૈષ્ણવ-ચરણ જેવા ભક્તો જાણી ગયા કે જે અવસ્થા રાધાજીની અને ચૈતન્ય મહાપ્રભુની થઈ હતી તે જ અવસ્થા શ્રીઠાકુરની પણ થઈ હતી.

શાસ્ત્ર અનુસાર ૧૯ પ્રકારના ભાવોનો સમન્વય એકસાથે થાય તેને ‘મહાભાવ’ કહેવાય. આવો ભાવ અવતારો સિવાય શક્ય જ નથી, ભૈરવી બ્રાહ્મણીએ મથુરબાબુને કહ્યું કે, શ્રીઠાકુર ઈશ્વરનો અવતાર છે. મથુરબાબુ માનતા ન હતા તેથી વૈષ્ણવોની સભા બોલાવી. વૈષ્ણવશાસ્ત્રમાં પારંગત એવા વૈષ્ણવચરણ પંડિત, ગૌરી પંડિત, ભૈરવી વચ્ચે વિવાદો થયા અને શ્રીઠાકુર ઈશ્વરનો અવતાર છે તે સાબિત થયું.

ત્યારબાદ પણ ઠાકુરની આ અવસ્થા ચાલુ જ રહી. એક વાર ત્રણ દિવસ અને ત્રણ રાત સુધી આ ભાવમાં પડ્યા રહ્યા. ચોથે દિવસે ભાન આવ્યું ત્યારે ભૈરવીને થયું, શ્રીઠાકુરને પકડીને સ્નાન કરાવું. પરંતુ આ શું! જ્યાં અડકવા જાય છે તો એકદમ દાઝી જાય છે. ઠાકુરનું આખું શરીર વિરહાગ્નિથી બળતું હોય છે. ભૈરવી જાડી ચાદર લાવે છે અને શ્રીઠાકુરને તેનાથી પકડે છે. માટી લાવીને ઠાકુરના શરીર પર રાખવામાં આવી તો તે સૂકી થઈને ખરી પડતી.

શ્રીઠાકુરે પોતે જ કહેલું, “નાના ખાબોચીયામાં જો હાથી નહાવા પડે તો જેવી સ્થિતિ ખાબોચીયાની થાય તેવી સ્થિતિ મહાભાવ આવતાં આ શરીરની થઈ છે. મારી કરોડરજ્જુમાંથી કરંટ પસાર થતો હોય તેવું લાગતું. હું બૂમો પાડતો કે હું મરી જઈશ. બસ, પછી અખૂટ આનંદ આવતો.”

આમ, શ્રીઠાકુરે પોતાના જીવન પરથી બતાવી આપ્યું કે રાધાભાવ—મહાભાવ આવે ત્યારે ઈશ્વરનાં દર્શન કરી શકાય છે. અને રાધાજીએ કાન્હાને કહેલું કે, રાધા કપડાં પહેરવાથી ન થવાય પરંતુ ભાવ અનુભવવાથી થવાય તે ભાવ શ્રીઠાકુરે પોતાના અવતારમાં ચરિતાર્થ કરી બતાવ્યો.

જય શ્રી રાધે!

 

Total Views: 1,438

7 Comments

 1. ગીતા પટેલ August 20, 2022 at 2:32 am - Reply

  ઠાકુરના રાધાભાવ માટે બહુ જ સુંદર જ્ઞાનની પ્રાપ્તિ થઇ 🙏

 2. मनीषा पटेल August 19, 2022 at 3:23 pm - Reply

  बहुत सुंदर अद्भुत अलौकिक अध्यात्मिक अभिव्यक्ति 🙏
  शब्द नहीं है इसके लिए बस थोड़ा सा भी महसूस करले तो जीवन धन्य हो जाएगा 🙏 जयश्री कृष्णा 🙏 राधे राधे 🙏 जयश्री ठाकुर 🙏

 3. मनीषा पटेल August 19, 2022 at 2:01 pm - Reply

  बहुत सुंदर अद्भुत अलौकिक अध्यात्मिक अभिव्यक्ति 🙏
  शब्द नहीं है बस इसे थोड़ा सा भी महसूस करले तो जीवन धन्य है 🙏।

 4. પરથીભાઈ ચૌધરી,"રાજ"(બાળકવિ, લોકસાહિત્યકાર, ભજનિક) August 19, 2022 at 8:39 am - Reply

  સામાન્ય માણસમાં આવો મહાભાવ સંભવી ન શકે. એ તો શ્રીઠાકુર જેવા અવતારી પુરુષો જ કરી શકે.

 5. Kajal lodhia August 13, 2022 at 5:37 pm - Reply

  જય ઠાકુર! સાચી વાત કરી સામાન્ય મનુષ્ય મહાભાવ કેતા રાધાભાવ સુધી પહોંચી તો નો શકે પણ તેની કલ્પના પણ નો કરી શકે….

 6. પરથીભાઈ ચૌધરી,"રાજ"(બાળકવિ, લોક સાહિત્યકાર, ભજનિક) August 13, 2022 at 3:24 pm - Reply

  કૃષ્ણની લીલા અપરંપાર છે. રામકૃષ્ણ પરમહંસ અને શ્રી ચૈતન્ય મહાપ્રભુ જેવા બે અવતારી પુરુષોમાં પણ રાધાભાવમાંવિરહમાં ઝૂર્યા પછી મહાભાવનાં દર્શન કરાવ્યાં છે.

 7. Deviben vyas July 30, 2022 at 3:37 am - Reply

  Jythakur jyma jyswamiji Maharaj eshvr mnushy avatar dharn kre matra button mate ne dharm ni raksha mate bhagvan mate kshu ashkya nathi pn mhamaya ni shay li ma no mhima vdhari potanu karm puru kri chalya Jay chhe jene aapne Lila khie chhie

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.