(‘ગ્લોબલ વેદાંત’, વિન્ટર (૧૯૯૮-૯૯) વૉ. ૩, નં.૩માં સ્વામી ભાસ્કરાનંદે લખેલા લેખના આધારે શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુભાવન – સં.)

છેલ્લાં ૪૦ વર્ષથી હું રામકૃષ્ણ સંઘનો સંન્યાસી છું. મારા જીવનમાં બનેલી ઘટનાઓમાં રામકૃષ્ણ મિશન, હૉમ ઑફ સર્વિસ – રામકૃષ્ણ સંઘની બનારસમાં આવેલી અદ્યતન હૉસ્પિટલની એક ઘટના મારા જીવનની એક અવિસ્મરણીય ઘટના છે. એણે જાણે કે મારી હૃદયવીણાને ઝણઝણાવી મૂકી.

સ્વામી વિવેકાનંદે સ્થાયેલ રામકૃષ્ણ મઠ અને મિશનની અનેકવિધ સંસ્થાઓ ભિન્ન ભિન્ન પ્રકારનાં માનવસેવાનાં કાર્યો આપણા દેશમાં અને વિદેશમાં કરતી રહી છે. મિશનની આ સેવાઓને ધ્યાનમાં લઈને આ સંસ્થાને ૧૯૯૮નો ‘ગાંધી શાંતિ પુરસ્કાર’ એનાયત કરવામાં આવ્યો છે.

શ્રીરામકૃષ્ણદેવે માનવમાં રહેલા, માનવરૂપે રહેલાને પ્રભુ માનીને એમની સેવા એ જ પ્રભુપૂજા ગણી છે. એમના અનુયાયીઓને ‘શિવજ્ઞાને જીવસેવા’ના આદર્શને અનુસરવાનું કહ્યું છે.

ગયે વર્ષે સ્વામી વિવેકાનંદની જન્મજયંતી પ્રસંગે હું વારાણસીના ‘રામકૃષ્ણ મિશન, હૉમ ઑફ સર્વિસ’માં હતો. તે દિવસે સવારે આ સંસ્થાના વડા સ્વામી શુદ્ધવ્રતાનંદજીએ મને આજના વિશિષ્ટ ઉત્સવમાં તેમની સાથે જવા વિનંતી કરી. એ દિવસે બધા જ રોગીઓને નારાયણ માનીને તેમની પૂજાઅર્ચના થાય છે અને હૉસ્પિટલના બધા કર્મચારીને ‘દર્દીઓની સેવા એ જ પૂજા’ની યાદ અપાવે છે. છેલ્લાં કેટલાંક વર્ષથી આ પ્રણાલી પ્રમાણે આ પાવન દિવસની ઉજવણી આ રીતે થાય છે.

ઈન્ડોર દર્દીઓના ખંડમાં પ્રવેશતાં જ મેં ફૂલોની તેમજ સુગંધી દ્રવ્યોવાળી ધૂપસળીઓની મીઠી સુગંધ માણી. હૉસ્પિટલના કર્મચારીઓના હાથમાં પુષ્પમાળાઓ હતી અને સંન્યાસીઓના હાથમાં ધૂપસળીઓ હતી. અહીં રોગીનારાયણને ધરવા માટે ફળો પણ હતાં. અને થોડી વારમાં વિધિવિધાનો સાથે આ અનન્ય સેવાપૂજા શરૂ થઈ. આ હૉસ્પિટલમાં ત્રણ વિભાગ છે :

(૧) ભાઈઓ માટે (૨) બહેનો માટે (૩) બાળકો માટે કુલ ૧૧૮ પથારીની સુવિધા છે.

એક વરિષ્ઠ સંન્યાસી અને એમના સહાયકોએ બધા દર્દીઓના ખાટલે જઈને એમની પૂજા કરી. એમને ચંદન-પુષ્પ, ધૂપ-દીપ અને ફળ પણ અર્પણ કરવામાં આવ્યાં. સ્વામીજીના જીવનસંદેશની પુસ્તિકાઓ પણ આપવામાં આવી. પૂજાના અંતે સૌએ રોગીનારાયણને પ્રણામ કર્યા. ત્રણેક કલાક સુધી ચાલેલા આ વિશિષ્ટ પૂજા ઉત્સવમાં નવા બ્રહ્મચારીઓ અને સંન્યાસીઓએ વૈદિક મંત્રોચ્ચારથી વાતાવરણને દિવ્યતાથી ભરી દીધું.

એમાંય સૌથી વધુ સ્પર્શી જાય એવું દૃશ્ય એટલે થોડા વખત પહેલાં મેજર સર્જરીમાંથી પસાર થયેલા એક નાના બાળકની પ્રતીકરૂપે થયેલી પૂજા. એ સમયે એ બાળકના મુખ ઉપર તરી વરેલું સ્મિત ‘રામકૃષ્ણ મિશન, હૉમ ઑફ સર્વિસ’વારાણસીના બધા સહકાર્યકર મિત્રોના જીવનની અનેરી કૃતકૃત્યતા બની રહી.

આજના ભારતને જરૂર છે આવા ‘હૉમ ઑફ સર્વિસ’ અને એવા જ સેવાભાવને વરેલા તેમજ દરિદ્રને, દુ:ખીને, અજ્ઞાનીને, રોગીને નારાયણ માનીને એની પૂજામાં પ્રભુપૂજાનું પુણ્ય મેળવીને ધન્યતા અનુભવનારા સંન્યાસીઓ અને સેવાભાવી સદ્‌ગૃહસ્થોની.

Total Views: 116

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.