‘ધ કેન્સસ સીટી સ્ટાર’ કેન્સસ સીટી, મિોરીનાં દૈનિકપત્ર દ્વારા જુદા જુદા ધર્મ પાળતા, એક ખ્રિસ્તી, એક હિંદુ અને એક મુસલમાન બૌદ્ધિકને ‘દુઃખ એ જીવનનું સૌથી મોટું રહસ્ય છે’ એ અંગે એક સરખો સવાલ પૂછવામાં આવ્યો. તેના ત્રણેએ આપેલા જવાબનું શ્રી પી. એમ. વૈષ્ણવે કરેલું ગુજરાતી ભાષાંતર ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના વાચકોના લાભાર્થે અહીં આપીએ છીએ. – સં.

પ્રશ્ન હતો : ‘આપણને પ્રાપ્ત થતાં દુઃખ માટે શું ઈશ્વર જવાબદાર છે? આ પ્રશ્ન આમ તો સરળ લાગે છે, પરંતુ જો ઈશ્વર આ તમામ વિશ્વનો પૂર્ણ અધિપતિ હોય તો દુઃખ અને વેદના તેમાં કેમ હોઈ શકે?’

૧. પ્રથમ ખ્રિસ્તી મિત્ર ધી રેવરન્ડ બીલી ગ્રેહામે ઉત્તર આપ્યો. ‘ના, આ કાંઈ સાવ સરળ પ્રશ્ન નથી. ખરેખર તો તે બહુ ગંભીર પ્રશ્ન છે, કેમકે તે જીવનનાં એક ઊંડાં રહસ્ય પ્રત્યે આંગળી ચીંધે છે. તે છે દુઃખનું રહસ્ય. બાઈબલ (૨ થેસા લોનીયન્સ ૨ : ૭)માં અરાજકતા કે અનિષ્ટની એક ગુપ્ત શક્તિની વાત કરે છે. શાશ્વત તત્ત્વની આ કાળી બાજુને આપણે કદી સમજી શકવાના નથી, તેમ તે કહે છે.

તેમ છતાં દુ:ખની સમસ્યા અંગે આપણે થોડું તો જાણી શકીએ, જેમ કે, બાઈબલ તો સ્પષ્ટ કહે છે કે પ્રભુ દુઃખનો સર્જક કે તેનું કારણ નથી જ. નવો કરાર (સામ ૧૮:૩૦)જણાવે છે, ‘ઈશ્વરની પદ્ધતિ તો સંપૂર્ણ છે, પ્રભુનો શબ્દ ભૂલરહિત છે. પ્રભુએ નહિ પણ શેતાને જ પ્રભુ અને તેની ઇચ્છા સામે બળવો કરીને દુનિયામાં દુઃખ આપ્યું છે. પરંતુ શેતાન આ કામ કરી શકે છે કારણ કે આ યુગમાં પ્રભુએ જ તેને આ સ્વતંત્રતા બક્ષી છે. પ્રભુ શા માટે દુઃખદાયક વસ્તુઓની છુટ આપે છે તે આપણે સમજી શકતા નથી. પરંતુ આ બાબતમાં બે મહત્ત્વનાં સત્ય ધ્યાનમાં રાખવા જેવાં છે. પહેલું તો એ કે દુઃખ આપણને એ શીખવે છે કે આપણે જીવનમાં પ્રભુને અગ્રિમ સ્થાન આપવું જોઈએ અને તેનામાં વિશ્વાસ રાખવો જોઈએ. જ્યારે માંદગી આવી પડે, મૃત્યુ ડોળા કાઢતું સામે હોય કે જીવનમાં અન્ય કોઈ ગંભીર કટોકટી ઊભી થાય ત્યારે આપણે પ્રભુ સિવાય બીજા કોના તરફ વળીશું? માત્ર પ્રભુ જ આ બધાંમાં આપણને સધિયારો આપી શકે. બાઈબલ (શામ : ૨૩ : ૧, ૪)માં સાચું જ કહ્યું છે, ‘પ્રભુ જ મારો રખેવાળ છે. મારે મૃત્યુની ભયંકર ખીણમાં ચાલવું પડે, તો પણ હું તે દુઃખને કાંઈ વિસાતમાં નહિ લઉં, કેમ કે, પ્રભુ, તું મારી સાથે જ છે.’

બીજું પણ એક સત્ય છે. તે એ કે પ્રભુએ પોતે વધસ્તંભે ચડી અને પછી પુનર્જીવીત થઈ, અનિષ્ટનાં બળોને હરાવ્યાં છે. અને એક દિવસ તેઓ ફરી પાછા અહીં આવશે ત્યારે અનિષ્ટ પર પૂરેપૂરો વિજય મેળવાશે, પણ તે માટે શું આપણે ઈસુને જીવન સોંપ્યું છે ખરું? શું પ્રત્યેક દિવસ આપણે તેના વિશ્વાસમાં જીવીએ છીએ ખરા?

૨. ડૉ. સઈદ હસન (ઈસ્લામિક રીસર્ચ ફાઉન્ડેશન) આ વિશે આમ કહે છે :

અહીં પાયાનો પ્રશ્ન એ છે કે સારું શું અને અનિષ્ટ શું? વસ્તુઓને અને કાર્યોને કેટલાક માપદંડથી આપણને એક કાર્ય સારું જણાય છે, તો અન્યના માપદંડથી તે ખરાબ જણાય છે. માનવમનરચિત નિયમો અને માપદંડોમાં આ ગૂંચ રહેલી છે.

આપણે ઈન્સાનો કાંઈ પૂર્ણ હોતા નથી. અન્ય ઈન્સાનને અને બનાવોને જાણવામાં આપણે ગોથું ખાધું છે અને ભૂલો કરેલી છે. તેથી સારાં-નરસાંનો આપણો માપદંડ સંપૂર્ણ હોતો નથી. પરંતુ અલ્લાહ, જે એક જ પૂર્ણ છે તેણે સ્થાપેલા માપદંડનો આપણે ઉપયોગ કરીએ, તો આપણે વસ્તુઓને સાચી રીતે સમજી શકીએ છીએ.

આપણા સર્જક એવા અલ્લાહે ઈન્સાન પરની દયા અને પ્રેમને લીધે, સારાં નરસાં વચ્ચેનો ભેદ પારખવા ઊંચા માપદંડ આપેલા જ છે. આનાથી આપણને કાયમી આચારસંહિતા મળી છે એટલું જ નહિ, પરંતુ તેણે ઈન્સાને બનાવેલા અપૂર્ણ કાયદા-કાનૂન પર આધાર રાખવાની જરૂરિયાત પણ મીટાવી દીધી છે. આ માપદંડો તેમના અસલ રૂપમાં પવિત્ર ગ્રંથ કુરાનમાં આપવામાં આવ્યા જ છે. તેના આધારે સારાં-નરસાનો વિવેક કરી, માણસ જીવનમાં સારું- નરસું શું તેનો નિર્ણય લઈ શકે છે.

જે નિયમ ખુદાએ આપેલ માપદંડ પ્રમાણેનો હોય તેને જ સારો ગણવો. અધકચરાં જૂઠાં ધોરણોને આચરીએ. તો આપણે ખોટો નિર્ણય કર્યો ગણાય. એક દાખલો લઈએ. લોકશાહી વ્યવસ્થામાં તો એક ખરાબ કાર્ય કે બાબતને બહુમતિના મતથી સ્વીકારી તેને કાયદાનું સ્વરૂપ પણ અપાય; પરંતુ ખરું જોતાં તે સારી બાબત ન પણ હોય; શરાબ પરથી નિષેધ ઊઠાવી અને તેને કાયદેસર રીતે મંજૂરી અપાય છે, તે આ પ્રકારનો દાખલો છે.

એ ખરું કે અલ્લાહની ઇચ્છા સિવાય એક પાંદડું પણ હલી શકતું નથી, પરંતુ આપણને થતાં સુખ દુઃખ માટે અલ્લાહને જવાબદાર ગણવો તે ઉચિત નથી. કેમકે આપણે ઈન્સાન જ સારાં કે ખરાબ કર્મ કરીએ છીએ. ખુદા કશું કર્મ કરતો નથી.

૩. એન્જિનિયર અરવિંદ ખેતિયા અને એક સર્જક એવા પ્રેમલ ખેતિયાએ આ જ પ્રશ્નનો જવાબ હિંદુ ધર્મને આધારે આ રીતે આપ્યો : એ તો સ્પષ્ટ છે કે પ્રભુ આ તમામ જગતનો સ્વામી છે. પરંતુ દુનિયામાં દુઃખ માટે તેને દોષિત ગણવો ઊંચિત નથી. આ દુનિયામાં સૌને જે દુઃખ છે તે કોયડાનો જવાબ કર્મના સરળ અને છતાં વિશ્વવ્યાપી નિયમ દ્વારા આપી શકાય. કર્મ એટલે માણસે પોતાની સ્વતંત્ર ઇચ્છાથી કરેલું કોઈ પણ કાર્ય. આ સિદ્ધાંત કોઈ એક વ્યક્તિ કે એક સંસ્કૃતિનો કાનૂન નથી. આપણે જે વાસ્તવિકતા અનુભવીએ છીએ તેને જ તે સમજાવે છે.

ઈશ્વરે માનવને મુક્ત-ઇચ્છાશક્તિ આપી છે. આપણે શું વિચારવું અને કેવું કર્મ કરવું તે તો આપણે પોતે પસંદ કરતા હોઈએ છીએ. તેથી મુક્ત ઇચ્છાશક્તિથી કરેલાં કર્મોની જવાબદારી પણ આપણી છે. કર્મનો સિદ્ધાંત એ છે કે આપણાં ભૂતકાળનાં કર્મોથી આપણી વર્તમાન પરિસ્થિતિનું સર્જન થયું છે, તથા અત્યારે આપણે જે કર્મો કરીએ છીએ તેનાથી આપણા તથા આપણા સમાજના ભાવિનું સર્જન થાય છે. શ્રીમદ્ ભગવદ્‌ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે, ‘કોઈનાં પણ સારાં કે માઠાં કર્મોમાં ઈશ્વર ભાગીદાર બનતો નથી. અજ્ઞાનથી જ્યારે જ્ઞાન આવૃત્ત થઈ જાય છે, ત્યારે માણસ સારાસારનો વિવેક કરી શકતો નથી.’ આપણે જો સ્વાર્થી હેતુઓ માટે કે આપણા અહમ્‌ને પોષવા કર્મો કરીએ, તો દુઃખ આવવું અનિવાર્ય છે. પરંતુ જો આપણા કર્મોનો પાયો સૌનું ભલું અને નૈતિક તથા આધ્યાત્મિક પ્રગતિ હોય, તો દુનિયામાંથી અનિષ્ટ કે દુઃખને દૂર કરી શકાય છે.

આપણા ઈતિહાસ, આપણા સાંપ્રત સામાજિક પ્રશ્નો અને નષ્ટ થતાં પર્યાવરણ (અને તેને લીધે અંતે આપણો જ વિનાશ) – આ બધાંની પ્રામાણિક અને પૂર્વગ્રહરહિત ચકાસણી કરશું તો જરૂર લાગશે કે કર્મનો સિદ્ધાંત ખરેખર સાચો છે.

તેથી આપણાં દુઃખો કે અનિષ્ટ બનાવો વિશે નસીબ, વિધાતા, કોઈ રાક્ષસી તત્ત્વ કે અન્ય કોઈ વહેમને દોષ ન દઈએ. અને તે માટે ખાસ તો ઈશ્વરને કદિ દોષ ન દઈએ, કેમ કે તે આપણને સૌને ચાહે છે અને તેથી આપણને સ્વતંત્ર ઇચ્છાશક્તિરૂપી વરદાન તેણે આપ્યું જ છે. તેના આ આશીર્વાદનો ડહાપણભર્યો ઉપયોગ કેમ કરવો તે આપણે સમજવાનું છે.

Total Views: 154

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.