(કથામૃત ૧/૫/૬ : ૨૭ ઓક્ટોબર, ૧૮૮૨)

નામમાં વિશ્વાસ

કેશવ તથા અન્ય બ્રાહ્મભક્તોની સાથે શ્રીઠાકુરની અવિરામ ઈશ્વર-પ્રસંગચર્ચા ચાલે છે. શ્રીઠાકુર કહે છે : ‘મનથી જ બદ્ધ , મનથી જ મુક્ત !’ જો મનુષ્ય મનમાં ને મનમાં દૃઢ સંકલ્પ કરીને કહી શકે કે તે મુક્ત છે, તો તે ખરેખર મુક્ત જ બની જાય છે. અને એવું ન કરતાં તે લગાતાર એમ વિચારતો રહે કે હું પાપી છું, હું બદ્ધ છું, તો તે બદ્ધ જ બની જાય છે. શ્રીઠાકુર કહે છે કે ઈશ્વરનામમાં એવો વિશ્વાસ હોવો જોઈએ કે – ‘અરે, મેં એમનું નામ લીધું છે, પછી મારે પાપ વળી શેનું !’ આમ કહીને શ્રીઠાકુરે નિષ્ઠાવાન બ્રાહ્મણ કૃષ્ણકિશોરની વાત કહી : કૃષ્ણકિશોરને એવો વિશ્વાસ હતો કે સમાજમાં અપવિત્ર અને અછૂત ગણાતા મોચીની પાસે જઈને કહ્યું : ‘તું શિવ બોલ’; અને એના શિવ ઉચ્ચારણની સાથે જ તેમને શ્રદ્ધા બંધાઈ ગઈ કે તે શુદ્ધ થઈ ગયો છે અને એમના હાથે તેમણે પાણી પી લીધું. શ્રીઠાકુર કહે છે : ‘એમના નામમાં શ્રદ્ધા રાખો અને કહો કે જે કાંઈ ખોટું કાર્ય મેં કર્યું છે, તે ફરીથી નહિ કરું.’ – આ બંને વાત એકી સાથે થવી જોઈએ. જો તેમના ચરણોમાં શરણાગત થઈને શ્રદ્ધા સાથે તેમનું નામ લેવાય તો તેઓ બધાં પાપોથી આપણો ઉદ્ધાર કરે છે. પરંતુ, સાથે ને સાથે એ પણ સમજી લેવું પડશે કે જે એમના પર નિર્ભર રહે છે, જે એમનો શરણાગત છે, તે ફરીથી કુમાર્ગે જતો નથી અને જો કોઈ કુમાર્ગે ચાલતો દેખાય અને કહે કે, ‘મેં એમનું નામ લીધું છે, હું શુદ્ધ છું, મુક્ત છું,’ તો એનાથી એ સમજવું રહ્યું કે એણે બરાબર નામ નથી લીધું અને ઈશ્વરનામમાં એની શ્રદ્ધા નથી, એટલે ન તો તે શુદ્ધ છે કે ન મુક્ત. એના આચરણ દ્વારા જ એનું સ્વરૂપ પ્રગટ થશે.

ભગવદાશ્રય

ભાગવતમાં કહ્યું છે કે જે એમનો આશ્રય લે છે, તેનું ક્યારેય પદસ્ખલન થતું નથી. શ્રીઠાકુર એને આમ કહેતા : ‘પગ બેતાલ નથી પડતા.’

યમાશ્રિત્ય નરો રાજન્ ન પ્રમાદ્યેત કર્હિચિત્ ।
ધાવન્નિમીલ્ય વા નેત્રે ન સ્ખલન્ન પતેદિહ ॥

કહે છે કે ભગવાનનું કે એમના પ્રત્યે શુદ્ધભક્તિનું અવલંબન કરીને મનુષ્ય જ્યારે શુદ્ધ અને પવિત્ર બની જાય છે, ત્યારે એ આશ્રયનો સ્વભાવ જ એવો છે કે તે મનુષ્ય ફરીથી પ્રમાદગ્રસ્ત બનતો નથી. ન પ્રમાદ્યેત કર્હિચિત્ -તે ક્યારેય ભૂલ કરતો નથી. ધાવન્નિમીલ્ય વા નેત્રે ન સ્ખલન્ન પતેદિહ – અને જો તે આંખો મીંચીને પણ દોડે તો પણ એનો પગ લપસતો નથી. શ્રીઠાકુર કહે છે – જે બાળક પિતાના ખોળામાં બેઠું છે તે મજાથી તાળી વગાડતો જઈ શકે છે. તેને પડવાનો કોઈ ભય નથી રહેતો, પરંતુ જે બાળક પિતાનો હાથ પકડીને ચાલે છે તે જો અચાનક કંઈ જોઈને અન્યમનસ્ક બને કે તાળી વગાડવાનો પ્રયાસ કરે તો પિતાનો હાથ છૂટી જવાથી પડી શકે છે. એટલા માટે જો કોઈ ભક્તનું વારંવાર પદસ્ખલન થાય છે એવું જોવા મળે તો એ સમજવું પડશે કે એની ભક્તિ આંતરિક ભક્તિ નથી. જો એની ભક્તિ આંતરિક ભક્તિ હોત તો ભગવાન સ્વયં તેનું રક્ષણ કરત અને તેના પગને લથડવા ન દેત.

તેષામહં સમુદ્ધર્તા મૃત્યુસંસારસાગરાત્ ।
ભવામિ ન ચિરાત્ પાર્થ મય્યાવેશિતચેતસામ્ ॥

– જે અનન્ય ભાવે ભગવાનનો શરણાગત બને છે, ભગવાન જ એમનો ઉદ્ધાર કરે છે. ભગવાન પ્રતિજ્ઞા કરીને કહે છે કે તેઓ લોકોનો મૃત્યુસંસાર રૂપી સાગરથી ઉદ્ધાર કરે છે. તેઓ પોતાની પ્રતિજ્ઞાની રક્ષા કરે છે. પરંતુ હા, શરત એ છે કે તેમને મહત્ત્વ આપવું હોય તો સંપૂર્ણ રૂપે દેવું પડશે, એમાં કોઈ પ્રકારની વહેંચણી કરવાથી ચાલશે નહિ.

ગિરિશબાબુ અને મુખત્યારનામું – શરણાગતિ

શ્રીઠાકુરને મુખત્યારનામું આપીને ગિરિશબાબુએ ઘણી નિરાંત અનુભવી, વિચાર્યું કે હવે હું નિશ્ચિંત બની ગયો. આ પ્રસંગ પછી થોડા દિવસો બાદ વાતવાતમાં ગિરિશબાબુ બોલી ઊઠ્યા : ‘મારે ક્યાંક એક જગ્યાએ જવું પડશે.’ આ સાંભળતાં જ ઠાકુર બોલી ઊઠ્યા : ‘અરે, આ શું ? તમે મને મુખત્યારનામું નથી લખી દીધું ? તો પછી ‘આ કરવું પડશે ને તે કરવું પડશે’ એમ કેમ કહો છો ?’ તરત જ ગિરિશબાબુ સમજ્યા – વાત તો સાચી છે, જ્યારે એમને મુખત્યારનામું આપ્યું છે ત્યારે ‘થોડું એમનું અને થોડું મારું’ એમ કરવાથી ચાલશે નહિ. જ્યાં જ્યાં આપણું અભિમાન નિહિત છે, ‘આને આપણે કરીશું અને જે કઠિન છે તે તેઓ કરશે.’ આ પ્રકારની કાર્ય વહેંચણીથી કામ થાય નહિ. એટલા માટે શાસ્ત્ર કહે છે કે સંપૂર્ણભાવે અનન્યચિત્ત બનીને તેમના શરણાગત બનવું પડશે. ‘અનન્ય’ બન્યા વિના ચાલશે નહિ. જો આપણે ‘આ પણ થોડું ઘણું’ અને ‘તે પણ થોડું ઘણું’ એમ કરીએ તો એટલું સમજવું રહ્યું કે આપણી કોઈના પર નિષ્ઠાશ્રદ્ધા નથી. એટલે કહ્યું છે : ‘અનન્યાશ્ચિન્તયન્તો માં યે જના: પર્યુપાસતે’ – અનન્યચિત્ત બનીને જો કોઈ એમનો શરણાગત બની જાય તો તેઓ બધી રીતે તેની રક્ષા કરે છે. શ્રીઠાકુર આ વાત ગિરિશને બરાબર રીતે સમજાવી દે છે કે તેમના પ્રત્યે અનન્યભાવવાળા બનવું પડશે અને સંપૂર્ણપણે એમના ઉપર સર્વ કંઈ છોડી દેવું પડશે. આ વિશે પછીથી ગિરિશબાબુ કહેતા રહેતા – ત્યારે તો હું વિચારતો હતો કે મુખત્યારનામું આપીને હું નિશ્ચિંત થઈ ગયો છું, પરંતુ પછીથી પ્રત્યેક કાર્ય પહેલાં, ત્યાં સુધી કે પ્રત્યેક શ્વાસોચ્છ્વાસ પહેલાં, મારે એ વિચારવું પડતું હતું કે આ કાર્ય પણ હું કરું છું કે શ્રીઠાકુર કરી રહ્યા છે. મુખત્યારનામું દેવાનો અર્થ આટલો બધો ગૂઢ છે, આ વાત એ સમયે એમની સમજમાં આવી શકી ન હતી. શ્રીઠાકુર પણ આ વાત વારંવાર કહેતા હતા : ‘જગદંબા જ કરાવી લે છે, છોડતી નથી.’ આ વાત એટલી બધી સરળ નથી એ બધું સંસાર સામે પ્રદર્શિત કરવા માટે તો પોતાના પ્રિય સંતાનો પાસે કઠોર સાધના કરાવી લીધી હતી. પરંતુ હા, જો કોઈ એના ઉપર આધાર રાખે તો, તો જે કંઈ પણ કરાવવાનું છે તે તેઓ પોતે કરાવી લે છે.

ત્યાર પછી શ્રીઠાકુર કહે છે કે બ્રાહ્મસમાજ પર ઈસાઈ ધર્મનો પ્રભાવ રહેવાથી તેમાં ઈસાઈઓની જેમ પાપ અને પાપી પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. શ્રીઠાકુર આ બાબતને જરાય પસંદ કરતા ન હતા. આ વિશે એમણે અનેકવાર કહ્યું હતું કે જે ‘નામ’ લે છે, ‘જપ’ કરે છે, તેઓ એટલું ‘પાપી’, ‘પાપી’ કેમ કરે છે ? આનાથી તો એવું લાગે છે કે એમને નામ પર એટલી શ્રદ્ધા નથી. પુરાણમાં એક આખ્યાયિકા આવે છે : કોઈ એક રાજા બ્રહ્મહત્યા કરીને તેનું પ્રાયશ્ચિત્ત કેવી રીતે કરી શકાય તે જાણવા માટે એક ઋષિ પાસે ગયા. ઋષિ ઘરે ન હતા, ઋષિપુત્ર હતા. તેણે કહ્યું : ‘બ્રહ્મહત્યા કરીને આવ્યા છો ! બરાબર, ત્રણવાર ‘રામ’, ‘રામ’ રટો. તેમણે આ પ્રમાણે કર્યું એટલે ઋષિપુત્રે કહ્યું: ‘હવે તમે નિષ્પાપ બની ગયા.’ ઋષિજી ઘરે આવ્યા ત્યારે તેના બાળકપુત્રે તેમને આ બધી વાત કરી. આ સાંભળીને ઋષિએ કહ્યું : ‘અરે ! તેં આ શું કર્યું ? એક રામનામ કોટિ બ્રહ્મહત્યાના પાપને હરી લે છે, અને તેં તેની પાસે ત્રણવાર રામનામ જપાવ્યું ?’

એટલે જ તો શ્રીઠાકુર કહે છે કે આટલું નામ રટણ કર્યા પછી પણ મનુષ્ય જો પોતાને ‘પાપી’, ‘પાપી’ કહેતો રહે તો એનાથી આટલું તો સમજવું પડશે કે એમને નામ પર શ્રદ્ધા નથી.

આપણે ભગવાન સાથે એવો સંબંધ જોડવો પડશે કે આપણે તેમનાં સંતાન છીએ; તેમના અનંત આધ્યાત્મિક ઐશ્વર્ય પર આપણો અધિકાર છે; એમની પવિત્રતા, એમની શુદ્ધતા, બધાં બંધનોથી એમની ઉપરતિ – આ બધાં પર આપણો દાવો છે – હક્ક છે – શ્રીઠાકુરના મત પ્રમાણે આવો દાવો કે જેનામાં કોઈ ઉપેક્ષા કે બાંધછોડ ચાલતી નથી. એટલે તો શ્રીઠાકુર ગાતા :

આમિ ‘દુર્ગા’ ‘દુર્ગા’ બોલે યદિ મા મરિ ।
આખેરે એ દીને, ના તારો કેમને, યાના જાબે ગો શંકરી ॥

નાશિ ગોબ્રાહ્મણ, હત્યા કરિ ભ્રૂણ,

સુરાપાન આદિ બિનાશિ નારો ।
એ સબ પાતક, ના ભાબિ તિલેક, બ્રહ્મપદ નિતે પારિ ॥

‘દુર્ગા’, ‘દુર્ગા’ કહેતાં કહેતાં નીકળે જો મારા પ્રાણ,
જોઉં ભલા શંકરી કેમ ન કરે તું મારા ત્રાણ.

અને કરું ગોબ્રાહ્મણનારીવધ, ભ્રૂણઘાત અને મદિરા પાન,
છતાં પણ નથી જરા ભય પાતકનો, લઈ શકું છું પદનિર્વાણ.

આપણામાં આવો વિશ્વાસ-શ્રદ્ધા હોવો જોઈએ કે જો હું એમનું નામ સ્મરણ કરું તો ઉદ્ધાર તો મારી મુઠ્ઠીમાં જ સાચવી રાખ્યો છે. પણ જો નામ લેતાં લેતાં પણ જો આપણે ચિંતા કરીએ તો આટલું સમજવું પડશે કે એમના ‘નામ’માં આપણને ન તો શ્રદ્ધાવિશ્વાસ છે કે ન ભક્તિ.

શુદ્ધભક્તિ

શ્રીઠાકુરે કાલી મા પાસેથી એવી શુદ્ધભક્તિની, અહૈતુકીભક્તિની યાચના કરી હતી. એનું પ્રયોજન કોઈ સાધના માટે ન હતું, કોઈ વિશેષ ઉદ્દેશ્યને સિદ્ધ કરવા માટે પણ ન હતું, એટલે સુધી કે મુક્તિ માટે પણ તેનું કોઈ પ્રયોજન ન હતું. અને જો કોઈમાં એવી ભક્તિ હોય તો તેણે સંસારની કોઈ વસ્તુ માટે પ્રાર્થના કરવી પડતી નથી. ભગવાનને સાધારણતયા આપણે લોકો એક ઉપાયના રૂપે સ્વીકારીએ છીએ, આપણે કહીએ છીએ : ‘ભગવાન, હું વિપત્તિમાં આવી પડ્યો છું, મારો ઉદ્ધાર કરો. મને આ અપાવી દો, તે અપાવી દો’ વગેરે. પરંતુ શુદ્ધભક્તિ આનાથી બરાબર ઊલટી છે. એમાં એકમાત્ર પ્રભુને છોડીને કોઈ કામ્ય નથી હોતું. એમાં તો ભક્ત આ જ કહે છે : ‘હું કંઈ પણ માગતો નથી, ઇચ્છતો નથી; ભગવન ! એક માત્ર તમને જ ચાહું છું, ઇચ્છું છું; તમને જ પ્રેમ કરવા ચાહું છું – આવો પ્રેમ નિષ્કામ પ્રેમ હોવો જોઈએ. જેનો કોઈ હેતુ ન હોવો જોઈએ.’ ત્યારે તો શ્રીઠાકુરે શ્રી શ્રીમાના ચરણોમાં શુચિ-અશુચિ, પાપ-પુણ્ય, ધર્મ-અધર્મ, આ બધું નિવેદિત-અર્પણ કરી દીધું હતું અને માત્ર શુદ્ધભક્તિ માગી હતી.

રામપ્રસાદે કહ્યું હતું : ‘આ સંસાર ભ્રમજાળ છે, માયામય ઘાસની ટટ્ટી છે.’ પરંતુ પ્રભુનાં પાદપદ્મોમાં ભક્તિ ઉપજવાથી આ સંસાર ‘આનંદની કુટિર’ બની જાય છે. સંસારની અનિત્યતાનો વિચાર કરીને જ્યારે આ સંસાર મિથ્યા, માયિક વસ્તુ પ્રતીત થાય છે, ત્યારે સમજાય છે કે તે માયામય ઘાસની ટટ્ટી છે. પરંતુ જ્યારે આ સિદ્ધાંત મનમાં દૃઢ થઈ જાય છે કે પેલા એક પરમેશ્વરને છોડીને આ સંસાર કંઈ પણ નથી, ભગવાન સિવાય બીજી કોઈ અલગ સત્તા નથી, આપણે જે કાંઈ પણ જોઈ રહ્યા છીએ તે બધું બ્રહ્મ સ્વરૂપ જ છે; ત્યારે આપણે આ સંસારમાં રહીને પણ ભગવાનની લીલાનું આસ્વાદન કરી શકીએ છીએ અને ત્યારે એ ‘આનંદની કુટિર’ બની જાય છે. ત્યારે આ સંસાર મને બંધનમાં નાખશે, બાંધી લેશે કે એ મને બ્રહ્મથી દૂર લઈ જશે એવી કોઈ આશંકા પણ રહેતી નથી.

શ્રીઠાકુર કહે છે : એકવાર હું આંખો મીંચીને ધ્યાન કરતો બેઠો હતો, અને હું વિચારવા લાગ્યો કે શું આંખ મીંચવાથી જ તેઓ (પ્રભુ) છે અને આંખ ખૂલી રાખવાથી તેઓ શું નથી ? એમ વિચારવા લાગ્યો કે આંખ બંધ કરવાથી એમનું ધ્યાન કરવું પડશે આ વળી કેવો ભાવ છે ? તેઓ શું ભીતર અને બહાર સર્વત્ર વિરાજમાન નથી ? શું જગતમાં કોઈ એવી વસ્તુ છે જે એમના વિનાની હોય ? ગીતામાં તો ભગવાને કહ્યું છે : ‘ન તદસ્તિ વિના યત્ સ્યાન્મયા ભૂતં ચરાચરમ્’ — પૃથ્વી પર એવી કોઈ વસ્તુ નથી જે મારા વિનાની હોય, જગતના પ્રત્યેક અણુ-પરમાણુંમાં તેઓ ઓતપ્રોત છે, એક એક રજકણની ભીતર પણ તેઓ પૂર્ણરૂપે વિરાજમાન છે — અંશત: નહિ, ક્ષુદ્રરૂપે પણ નહિ; કારણ કે જે અખંડ છે, અવિભાજ્ય છે, તેમને શું ટુકડેટુકડા કરીને વિભક્ત કરી શકાય ખરો ? જ્યારે મનુષ્યમાં આવી ધારણા બંધાઈ જાય છે ત્યારે જગતમાં શું એવી કોઈ વસ્તુ છે જે તેને મોહગ્રસ્ત કરી શકે ? ઉપનિષદ કહે છે કે જ્યારે કોઈ આત્માને સર્વત્ર જુએ છે, ‘તત્ર કો મોહ: ક: શોક એકત્વમનુપશ્યત:’ — ત્યારે શોક ક્યાં છે, મોહ ક્યાં છે ?

એના પછી શ્રીઠાકુર કહે છે – એ વાત સાચી છે કે રાજા જનક એક જ આધારમાં જ્ઞાની અને કર્મી બંને હતા, તેઓ નિત્ય સત્યમાં પ્રતિષ્ઠિત હતા, છતાં પણ આ સંસારમાં સર્વસાધારણ માનવની જેમ વ્યવહાર પણ કરતા હતા. તેઓ રાજા હતા, સંસારી હતા, છતાં સંસાર ત્યાગ કરીને તેઓ વનવાસી ન બન્યા એટલે એમના જ્ઞાનની સાથે સંસારનો કોઈ વિરોધ જોવા મળતો ન હતો. આ કહીને શ્રીઠાકુર ફરીથી કહે છે, ‘પરંતુ, પટ દઈને કોઈ રાજા જનક નથી બની શકતો.’

નિર્જનવાસ અને સાધના

રાજા જનકનું ઉદાહરણ દઈને આપણે બહુધા એવું કહી નાખીએ છીએ કે આપણે રાજા જનકની જેમ સંસાર પણ રચીશું અને ભગવાનનું ચિંતન પણ કરીશું. પરંતુ આ જે ભગવાનમાં નિત્યપ્રતિષ્ઠિત થવાનું છે તે એટલું સહજસાધ્ય કાર્ય નથી. એના માટે તો ઘણી સાધના કરવી પડે છે. રાજા જનકે નિર્જનમાં જઈને ઘણી તપસ્યા કરી હતી અને એને પરિણામે તેઓ રાજા જનક બની શક્યા હતા. એટલા માટે સંસારમાં રહેતાં રહેતાં પણ વચ્ચે વચ્ચે – સમય કાઢીને નિર્જનવાસ કરવો પડશે. નિર્જન સ્થળે જઈને જો કોઈ ભગવાન માટે ત્રણ દિવસ પણ રડે તો તે પણ સારું. પરંતુ એ ધ્યાનમાં રાખવું પડશે કે તે કેવળ નિર્જનવાસ માટે કરેલો નિર્જનવાસ એ નિર્જનવાસ નથી. અને જો એવું બને તો નિર્જન-સેલ (કોટડી-જેલ)માં બંદીવાન થયેલા બધા કેદી શ્રેષ્ઠ ધાર્મિક વ્યક્તિ બની જાત, પણ આવું નથી. કારણ એ છે કે જ્યાં સુધી આપણે નિર્જનમાં જઈને પોતાના મનનું વિશ્લેષણ કરતા નથી ત્યાં સુધી આપણને પોતાના લક્ષ્યથી ભ્રષ્ટ કરી દેનારી કેટલી શક્તિ આપણા મનની પાસે છે તેનો આપણે અંદાજ કાઢી શકતા નથી. જે પ્રવાહ સાથે પોતાની જાતને વહાવી દે, તે એ જાણતો નથી કે પ્રવાહની શક્તિ કેટલી પ્રબળ છે. જ્યારે કોઈ પ્રવાહની વિપરિત દિશામાં જવાની કોશિશ કરે છે ત્યારે તે એની શક્તિનો પરિચય મેળવે છે. એટલે જ જેઓ સાધનભજન કરે છે, તેઓ માને છે કે તેઓ જેટલા પ્રમાણમાં પોતાના મનને ઈષ્ટમાં નિવિષ્ટ-લીન થવાનો નિર્દેશ દે છે, મન એટલું જ ઈષ્ટને છોડીને સંસારની અન્ય વસ્તુઓના ચિંતનમાં લાગી જાય છે. આ મન સાથે સર્વદા વિક્ષેપમય સંસારની અંદર રહીને ઝઝૂમતું રહેવું આપણા માટે સંભવ નથી. એટલે શ્રીઠાકુરે નિર્જનમાં જઈને ઈશ્વરચિંતન કરવાનો ઉપદેશ આપ્યો. નિર્જન સ્થળમાં કેમ? – એટલા માટે કે ત્યાં ચિત્ત વિક્ષેપની સંભાવના થોડી ઘણી ઓછી રહે છે. આપણે નિર્જનવાસમાં જ મનના સ્વરૂપથી પરિચિત બની શકીએ છીએ અને મન આપણને ક્યાં લઈ જઈ રહ્યું છે, કેટલા પ્રકારે આપણને વિભ્રાંત કરી રહ્યું છે એ સમજી શકીએ છીએ. નિર્જનમાં વિક્ષેપ પડવાનું કોઈ કારણ નથી એટલે ભગવાન સાથે આપણો નિર્બાધ સંબંધ સ્થાપી શકાય છે. આપણે અહર્નિશ આ સંસારના કોલાહલની વચ્ચે જેવી રીતે દિવસો પસાર કરી રહ્યા છીએ તેમાં આ મનને સંયમિત કરીને તેને ભગવાન પ્રત્યે સ્થિર બનાવી રાખવું અસંભવ બની જાય છે. અત: મનુષ્યે અવસરની પ્રતિક્ષા કરવી જોઈએ અને જ્યારે ક્યારેય પણ આવો અવસર મળે ત્યારે તેણે નિર્જન સ્થળે જઈને મનને ઈશ્વરચિંતનમાં લગાડવાનો અભ્યાસ કરવો જોઈએ. આવો અભ્યાસ કરતાં કરતાં વળી ક્યારેક ભગવાન પ્રત્યે એક આકર્ષણ, એક સ્વાદ, એક આનંદનો બોધ થઈ જાય છે. આ આનંદનું પાર્થિવ આનંદથી સાવ અલગ જ હોય છે. પાર્થિવ વસ્તુથી આનંદ પ્રાપ્ત કરવો એ નિતાંત સ્વાભાવિક છે, કારણ કે મનની સ્વાભાવિક ગતિ જ એના તરફ હોય છે; પરંતુ ભગવદાનંદની તરફ ઇન્દ્રિયોની સ્વાભાવિક પ્રવૃત્તિ નથી રહેતી. એટલે ભગવાન તરફ મનને વાળવા માટે મન સાથે યુદ્ધ કરવું પડે છે, પ્રયત્ન કરવો પડે છે, અભ્યાસ કરવો પડે છે. ત્યારે વળી ક્યાંક ક્યારેક ધીમે ધીમે એ આનંદનો આસ્વાદ મળી શકે છે.

Total Views: 149

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.