ભારત સરકારે ઈ.સ. ૧૯૯૯ – ૨૦૦૦ (યુગાબ્દ ૫૧૦૧)નાં વર્ષને ‘સંસ્કૃત વર્ષ’ તરીકે જાહેર કર્યું. આધુનિક સમયમાં પણ સંસ્કૃત ભાષાના અભ્યાસ અને તેનાં સાંપ્રતપણાં પર ભાર મુકવા દેશના અનેક ભાગોમાં વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી. ભારત સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલયે તા. ૫ થી ૯ એપ્રિલ, ૨૦૦૧ના રોજ વિજ્ઞાન ભવન, નવી દિલ્હીમાં ‘વિશ્વ સંસ્કૃત પરિષદ’ યોજવાનું નક્કી કર્યું. પરિષદમાં ચર્ચા – વિચારણા માટે નીચેના છ વિષયો નક્કી કરવામાં આવ્યાં :

(૧) દુનિયાની સંસ્કૃતિમાં સંસ્કૃત ભાષાનું પ્રદાન.

(૨) સંસ્કૃત અને જ્ઞાનની ક્ષિતિજો.

(૩) સંસ્કૃતિ અને સાંપ્રત આવાહનો.

(૪) સંસ્કૃત માટે નવું શિક્ષણશાસ્ત્ર – સંસ્કૃત એક જીવંત ભાષા તરીકે.

(૫) સંસ્કૃત સંશોધનના નવા વિષયો.

(૬) દુનિયામાં સંસ્કૃતની હસ્તપ્રતો.

આ છ મુખ્ય વિષયોને વધુ વિસ્તારથી આવરી લેતા કેટલાક પેટા વિષયોનો પણ ઉમેરો કરવામાં આવ્યો હતો.

પરિષદનું ઉદ્‌ઘાટન ભારતના માનનીય વડાપ્રધાન શ્રીઅટલબિહારી બાજપેયીએ તા. ૫ એપ્રિલ ૨૦૦૧ના રોજ સવારે ૧૦ વાગ્યે કર્યું. તેમણે પોતાના પ્રવચનમાં સંસ્કૃત શિક્ષણની પદ્ધતિઓ વધુ સરળ બનાવવા પર ભાર મૂક્યો, કે જેથી આ ભાષા સામાન્ય માણસ સુધી પહોંચી શકે. ડો. મુરલી મનોહર જોષી, માનવ સંસાધન વિકાસ મંત્રી, ઉદ્‌ઘાટન-બેઠકના પ્રમુખસ્થાને હતા. પ્રાચીન અને આધુનિક મહાકાવ્યોમાંથી સુંદર સંસ્કૃત પંક્તિઓ ટાંકી તેમણે આધ્યાત્મિક મૂલ્યો અને સાંસ્કૃતિના ખજાના તરીકે અને એક ભાષા તરીકે સંસ્કૃતની અદ્વિતીયતા વર્ણવી હતી. વિલીયમ જોન્સ, મેક્સમૂલર જેવા વિદ્વાનોને અનુસરીને આજે ઘણા પશ્ચિમના પંડીતો અને રાજનીતિજ્ઞો પણ સંસ્કૃતના અભ્યાસને પોતાના દેશમાં પ્રોત્સાહન આપી રહ્યા છે. તેમાં લિથુઆનીઆના રાષ્ટ્રપતિ અને યુરોપ તથા અમેરિકાના ઘણા તજ્‌જ્ઞો અને પંડિતોનો સમાવેશ થાય છે, તેમ તેમણે જણાવેલું.

પરિષદનો મુખ્ય હેતુ ઉપર જણાવેલા વિષયો વિશે ભારતના અને વિદેશના વિદ્વાનો વચ્ચે ચર્ચા કરવાનો હતો. પરિષદનો બીજો હેતુ હતો સંસ્કૃતના અભ્યાસની હાલની સ્થિતિનું સંપૂર્ણ ચિત્ર મેળવવાનો, જુદી જુદી વિદ્યાશાખાઓમાં દેશનાં વિવિધ રાજ્યનાં પ્રદાનનાં લેખાંજોખાં લેવાનો, ભારતના જુદા જુદા ભાગમાં આ બાબતમાં નવા વિચારો અને પ્રવાહો તપાસવાનો, તથા અન્ય દેશોમાં સંસ્કૃતના અભ્યાસ વિશે ચિંતન અને તેમનું આ વિષયમાં પ્રદાન મુલવવાનો.

વિશ્વ સંસ્કૃત પરિષદના ઉપલક્ષ્યમાં કેટલાંક નવાં પ્રકાશનોનું પણ વિમોચન કરવામાં આવ્યું. જેમ કે ‘સંસ્કૃત સ્ટડીઝ ઈન ઇન્ડિયા’, ‘સંસ્કૃત સ્ટડીઝ એબ્રોડ’, રજૂ થયેલા. અભ્યાસલેખોના મુખ્ય મુદ્દાઓ લઈને તૈયાર કરેલ ‘સોવેનીયર’, તથા ‘સમરીઝ ઓફ પેપર્સ’ (આ બધાનું સંપાદન પ્રા. વાચસ્પતિ ઉપાધ્યાયે કરેલું.) આ બધાં પરથી વર્તમાન સમયમાં પણ સંસ્કૃત વિશે જે લેખન થઈ રહ્યું છે તેનો ખ્યાલ આવે છે. પરિષદમાં વંચાયેલા મહત્ત્વના અભ્યાસ લેખોમાં ઇંગ્લેન્ડના ડેવીડ પીટર લોરેન્સનો લેખ ‘ઉત્પલદેવઝ એન્ડ અભિનવ ગુપ્તઝ એપ્રોચ ટુ પ્લુરાલીટી એન્ડ ટ્રેડીશન’, અમેરિકાના ડેવિડ ફ્રાંઉલીનો ‘આર્યોના કહેવાતા હુમલાને’ બિનપ્રતિપાદિત કરતો અભ્યાસ લેખ, જર્મનીના પ્રા. ફ્રેડરીક બિલહેમનો ‘કૌટીલ્ય, વ્હોટ કેન હી ટીચ અસ? – ધી ગ્લોબલ વેલ્યુ ઓફ સંસ્કૃત પોલીટીક્સ, કેરળમાંથી અવારનવાર મળી આવેલ પ્રાચીન સંસ્કૃત હસ્તપ્રતો અંગેના અસંખ્ય અભ્યાસ લેખો, સંસ્કૃતના અધ્યયન-અધ્યાપનની પદ્ધતિને સરળ બનાવવા વગેરે જરૂરત અંગે વિવિધ વિદ્વાનોના લેખો, ‘ડેવેલપમેન્ટ ઓફ સંસ્કૃત – બેઈઝડ પ્રોગ્રામિંગ લેન્ગ્વેજ ફોર ધી નેક્ષ્ટ જનરેશન ઓફ કોમ્પ્યુટર્સ’ – વિશે ડો. બી.વી. વેંકટક્રિષ્નાનો શોધ-નિબંધ વિગેરે વિગેરે.

સંસ્કૃત અત્યારે તો વિદ્વાનોની ભાષા પૂરતી સીમિત થઈ ગઈ છે, છતાં છેલ્લાં ૬૦૦૦ વર્ષથી તે જ ભારતની ભાષા છે. આધુનિક સમયમાં પણ ઘણા વિદ્વાનો અને રાજપુરુષોએ તેનું મહત્ત્વ સ્વીકાર્યું છે. ડો. કનૈયાલાલ મુન્શીએ એક પ્રસંગે કહેલું, ‘યુગોથી સંસ્કૃત ભાષા જ ભારત અને તેની સંસ્કૃતિનો પાયો રહી છે, અને તે એ પ્રમાણે હજુ રહેશે જ. જ્યાં સુધી ભારત છે ત્યાં સુધી, સંસ્કૃત તેની સભ્યતાનો પાયો રહેશે.

સ્વાતંત્ર્ય પ્રાપ્તિ પછીના સમયમાં ભારત સરકારે નીમેલાં તમામ શિક્ષણ-પંચોએ શિક્ષણમાં સંસ્કૃતના મહત્ત્વ પર ભાર મૂક્યો છે. ડો. રાધાકૃષ્ણન્‌ પંચના અહેવાલમાં સંસ્કૃતના પ્રાચીન ગ્રંથોમાં રહેલા જ્ઞાનના અમૂલ્ય ભંડારને સાચવવા પર ભાર મૂકતાં જણાવાયું છે: ‘સંસ્કૃત ભાષામાં એવી કૃતિઓ છે કે જે માનવજાતનો અમૂલ્ય ખજાનો છે અને માનવસંસ્કૃતિને લગતી વિદ્યાઓમાં હંમેશાં તેનું અનોખું સ્થાન રહેશે.’

(ડો. રાધાકૃષ્ણન્‌ કમિશન રીપોર્ટ, પાના.૧૩૧)

સંસ્કૃતના અધ્યયનની કોઈ પણ યોજનામાં, તેના અભ્યાસની પ્રાચીન પરંપરાગત પદ્ધતિ સાચવવી જરૂરી છે. પરંતુ કમનસીબે ઘણાં આધુનિક વિશ્વવિદ્યાલયોમાં પણ, સંસ્કૃતનો ઉચ્ચતર સ્તરે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ, પોતાના વિચારો સીધા સંસ્કૃતમાં અભિવ્યક્ત કરવા જેટલી નિપુણતા પ્રાપ્ત કર્યા વિના જ ડીગ્રીઓ મેળવી લે છે. અંગ્રેજી અને માતૃભાષા જેવી દ્વિભાષી શૈક્ષણિક પદ્ધતિને લીધે વિદ્યાર્થીઓમાં આવું બનતું હોય છે. એકાગ્રચિત્તે, પરિશ્રમપૂર્વક ઊંડો અભ્યાસ કરી એક જ વિષયમાં સ્વામીત્વ મેળવવું, કે જે પ્રાચીનકાળની અધ્યયન-અધ્યાપન પદ્ધતિમાં શક્ય હતું, તે વિશે આજની વિદ્યાપીઠોમાં તો વિચાર પણ કરી શકાય નહિ તેવી સ્થિતિ છે. અલબત્ત, વ્યવહારુ ઉકેલ તો, પરંપરાગત ઊંડાણપૂર્વકનો અભ્યાસ અને આધુનિક સમયની પૃથક્કરણાત્મક, વિશાળ પાયાવાળી પદ્ધતિનો સમન્વય સાધવો એ છે. પરંતુ આ કાર્ય ખૂબ વિકટ છે.

આજે સંસ્કૃત અંગે આપણે જે પ્રશ્નોનો સામનો કરીએ છીએ તેનાં શક્ય ઉકેલ બાબતમાં વિશ્વ સંસ્કૃત પરિષદ અનેક રીતે નવી દૃષ્ટિ આપનાર પુરવાર થઈ.

સ્વામી વિવેકાનંદે કહ્યું છે : ‘સમાજના બહોળા સમૂહને માતૃભાષા દ્વારા શિક્ષણ આપો. તેમને વિચારો આપો, મહિતી તો તેઓ મેળવી લેશે. પરંતુ તેથી પણ વિશેષ બીજા કશાકની જરૂર રહે છે. તેમને સંસ્કૃતિ આપો. આ ન અપાય ત્યાં સુધી લોકોની ઊંચી સ્થિતિ કામય ટકાવી રખાશે નહિ.

તે ઉપરાંત, તેની સાથે સાથે સંસ્કૃતનું શિક્ષણ અપાવું જોઈએ. સંસ્કૃત શબ્દોના ધ્વનિ જ પ્રજાને એક પ્રતિષ્ઠા, એક બળ અને એક શક્તિ આપે છે. બુદ્ધ ભગવાને એક ખોટું પગલું એ લીધું કે તેમણે પ્રજાને સંસ્કૃત ભાષા ભણતાં અટકાવી. તેમણે ઝડપી અને તાત્કાલિક પરિણામો જોઈતા હતા, અને તેથી પોતાના ઉપદેશોનું ભાષાંતર કરી. તેમનો તે વખતની લોકભાષામાં તેમણે ઉપદેશ કર્યો.’

પશ્ચિમના વિદ્વાનો પણ સંસ્કૃત ભાષાની પ્રાચીનતા ત્યાં સુધી સ્વીકારવા તૈયાર ન હતા જ્યાં સુધી વિલિયમ્સ જોન્સે જાહેર કર્યું કે, ‘તે ગ્રીકભાષા કરતાં વધુ પૂર્ણ છે, લેટિન કરતાં વધુ સમૃદ્ધ છે. અને બંને કરતાં વધુ શુદ્ધ છે.’ એ નોંધનીય છે કે ભારતના મહાન રહસ્યવાદી અને ફિલસૂફ શ્રીઅરવિંદે સંસ્કૃતને ‘સૌથી વધુ અદ્‌ભુત રીતે સંપૂર્ણ અને હજુ સુધીમાં વિચારોની અભિવ્યક્તિનું સૌથી વધુ શક્તિશાળી માધ્યમ’ કહ્યું તેના ઘણા સમય પૂર્વે આ અંગ્રેજ વિદ્વાને આ પ્રમાણે લખ્યું હતું.

ઘણા પ્રાચીન કાળથી જ જે પરદેશીઓ ભારતના સંપર્કમાં આવ્યા. તેઓ ભારતની સભ્યતા અને સંસ્કૃતિને જાણવા ઇચ્છતા હતા. ઈ.સ. પૂર્વે ૩૨૭માં એલેક્ઝાંડરના હુમલાના સમયથી જ, તે વખતની સભ્ય દુનિયાના જે જે વિદ્વાનો ભારતના સંપર્કમાં આવ્યા તેમને ખાતરી થયેલી કે ભારતની સંસ્કૃતિ અને પરંપરાને સમજવાની કોઈ ચાવી હોય તો તે છે સંસ્કૃત ભાષાનું જ્ઞાન. વોરન હેસ્ટીંગ્સ, સર વિલિયમ જોન્સ અને અન્ય પ્રસિદ્ધ બ્રિટીશ વિદ્વાનોએ સંસ્કૃતના અભ્યાસમાં પોતાનું પ્રદાન કર્યું તે જ બતાવે છે કે અંગ્રેજોએ પણ આ વાત બરાબર સમજી લીધી હતી.

પ્રાચીન ગ્રીસ અને ભારતનાં પુરાણોમાં પૃથ્વીની ઉત્પત્તિ અંગે અદ્‌ભુત લાગે તેવી સમાનતા છે, પ્લેટો પછીના રહસ્યવાદ અને ભારતીય યોગની સમાધિની વાત, વચ્ચે સમાનતા છે, હોમરનાં મહાકાવ્ય ‘ઇલીયડ’ અને વાલ્મિકીના ‘રામાયણ’ વચ્ચે સમાનતા છે, તથા પ્રાચીન ગ્રીસ અને ભારતના ખગોળશાસ્ત્રમાં જે સમાનતા છે – આ બધાંથી સંસ્કૃત ભાષાની પ્રાચીનતા અને અદ્વિતીયતા વિશે અને સંસ્કૃતની વિવિધ વિદ્યાશાખાઓમાં રહેલ વિશાળ અને સમૃદ્ધ સાહિત્ય અંગે ખાતરી થઈ. તાજેતરની વિશ્વ સંસ્કૃત પરિષદે એ સ્પષ્ટ કર્યું કે આપણાં પ્રાચીન સંસ્કૃત મહાકાવ્યોએ પશ્ચિમના બૌદ્ધિક પરંપરા પર ઊંડી છાપ પાડી હતી.

પશ્ચિમના વિદ્વાનોએ છેલ્લી કેટલીક સદીઓ દરમ્યાન સંસ્કૃતની મહત્ત્વની કૃતિઓનાં વિદેશી ભાષાઓમાં જે ભાષાંતરો કર્યાં છે. તેનો ખ્યાલ નીચેના કોઠા પરથી આવશે.

(સ્વામી તત્ત્વમયાનંદ શ્રીરામકૃષ્ણ સંઘના સાધુ છે. હાલ તેઓ સંસ્થાના મલયાલમ માસિક ‘પ્રબુદ્ધ કેરાલમ્‌’ના તંત્રી છે. પ્રસ્તુત લેખ નવી દિલ્હી ખાતે તા.૫ થી ૯ એપ્રિલ ૨૦૦૧ દરમ્યાન યોજાયેલા વિશ્વ સંસ્કૃત પરિષદનો ટૂંકો અહેવાલ છે. સ્વામીજીએ તેમાં ઉપસ્થિત રહી ભાગ લીધેલ. ‘વેદાંત કેસરી’ માસિકના મે, ૨૦૦૨ના અંકમાં પ્રગટ થયેલ તેમના અંગ્રેજી અહેવાલનું ગુજરાતી ભાષાંતર શ્રી પી.એમ. વૈષ્ણવે કરેલ છે.)

Total Views: 123

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.