(19 સપ્ટેમ્બરના રોજ સ્વામી અખંડાનંદજીની જન્મતિથિ ઉપલક્ષે અખંડાનંદજીએ લખેલ બંગાળી પુસ્તક ‘સ્મૃતિકથા’માંથી આ લેખ સંકલિત કરવામાં આવ્યો છે. ઠાકુર દક્ષિણેશ્વર કાલીમંદિરમાં રહેતા ત્યારે મંદિરપ્રાંગણ સ્વર્ગ સમું બની ગયું હતું. અહીં યુવા અખંડાનંદ એ દિવસોનાં મધુર સંસ્મરણો આપણી સમક્ષ રજૂ કરે છે. – સં.)

ગંગાવારિ બ્રહ્મવારિ

એક દિવસની વાત છે. હું વહેલી સવારે દક્ષિણેશ્વર કાલીમંદિર ગયો હતો. ગંગાસ્નાન કર્યું અને પ્રસાદ મેળવીને ઠાકુરે થોડો વિશ્રામ કર્યો.

એમના ઓરડાના પૂર્વ દિશાના વરંડામાં વિશ્રામ કરવા માટે પડદાથી ઢંકાયેલી એક જગ્યા હતી, ત્યાં બેસીને બધા હુક્કો પીતા. સાંજે ઠાકુર ઊઠ્યા પછી કેટલાક ભક્તો આવ્યા. મેં શેતરંજી બીછાવી એમના માટે બેસવાની વ્યવસ્થા કરી અને ત્યાર બાદ પંચવટી તરફ શૌચ માટે ગયો. ત્યારે ઓટના કારણે ગંગાનું પાણી ખૂબ નીચે ચાલ્યું ગયું હતું. હું શૌચ માટે નીચે જતો હતો ત્યારે જોયું તો ઠાકુર આવીને પોકારે છે: “અરે આવ, અરે આવ, ગંગાવારિ બ્રહ્મવારિ—શું ત્યાં બેસીને શૌચ જવાય? જા, હંસપુકુર તરફ જા.”

કીર્તનમાં સમાધિ

થોડી વાર પછી ઠાકુરના ઓરડામાં આવીને જોયું તો તેઓ પોતાના બીછાનામાં બેઠાં બેઠાં પોતાના સુમધુર કંઠે ગોવિંદ અધિકારી રચિત ‘વૃંદાવન- વિલાસિની રાધા અમારી, રાધા અમારી, અમે રાધાના’ એ કીર્તન ગાઈ રહ્યા હતા. રંગે-ભંગે (ગીતમાં નવાં નવાં પદો જોડી દઈ અને વિભિન્ન રાગોમાં ગાઈ) કીર્તન કરતાં કરતાં અજસ્ર અશ્રુધારાથી એમનું વક્ષ:સ્થળ પ્લાવિત થઈ ગયું. હું અવાક થઈને બેઠો રહ્યો હતો. આ જીવનમાં આવો અદ્‌ભુત પ્રસંગ પહેલાં નિહાળ્યો ન હતો. એક જ કીર્તન ઠાકુરે કેટલા વિભિન્ન રૂપે ગાયું! સમગ્ર સંધ્યા કીર્તનમાં જ વીતી ગઈ.

બીજા એક દિવસની વાત. રવિવાર. હું ઠાકુરની પાસે ગયો હતો. વિજયકૃષ્ણ ગોસ્વામી આવ્યા હતા. એ સમયે તેઓ સાધારણ બ્રાહ્મસમાજમાં આચાર્ય હતા. ગેરુઆ ધોતી પહેરતા અને અંગ ઉપર એક ગેરુઆ વસ્ત્ર ઓઢતા. સાથે એમનાં સાસુ, સ્ત્રી, પુત્ર, કન્યા અને ઢાકાના (બ્રાહ્મોસમાજવાળા) નિત્યગોપાલ ગોસ્વામી પણ હતા. 

ઠાકુરના ઓરડામાં બીજા પણ બે-ત્રણ લોકો હતા. માસ્ટર મહાશય (શ્રીરામકૃષ્ણ કથામૃતના રચયિતા) પણ ઉપસ્થિત હતા. તેઓ ઠાકુરની પાટ નજીક જમીન પર પગલુછણિયા પાસે બેસતા. કોઈ કોઈ બ્રાહ્મ ભક્તો આંખ બંધ કરીને ઠાકુરની વાતો સાંભળતા. ઠાકુરે એક દિવસ જરા નારાજ થઈને કહ્યું: “કેમ રે, તમે લોકો આંખો બંધ કરીને શું જુઓ છો?” શું ઠાકુર એમ કહેવા માગતા હતા કે અહીં એમનાં દર્શન તથા વાર્તાલાપ-ઉપદેશ શ્રવણ જ છે કર્તવ્ય? (અવતાર વરિષ્ઠ સ્વયં સામે બેઠા હોય તો આંખ બંધ કરીને બીજા કશાનું ધ્યાન કરવાની જરૂર નથી.)

તેમણે વિજયકૃષ્ણ ગોસ્વામીને કહ્યું: “જો વિજય, તું હવે કુટિચક છો. (તીર્થભ્રમણ ન કરીને એક જ જગ્યાએ બેસીને તપસ્યા કરે એ કુટિચક.)”

પૂર્વે મેં એક ગાયિકાના મુખે એક ભજન સાંભળ્યું હતું:

આવો મા, આવો મા, ઓ હૃદય-રમા,

પરાણ-પૂતળી હે.

હૃદય-આસને થાઓ મા વિરાજિત,

નિહાળું તમને રે.

આ ભજન સાંભળીને ઠાકુર બાહ્યજ્ઞાન-શૂન્ય (સમાધિસ્થ) થઈ જતા. વિજયકૃષ્ણ ગોસ્વામી મહાશય આવે ત્યારે એ ગાયિકા ન આવતી તો ઠાકુર કહેતા: “અરે, એ છોકરીને બોલાવો.” એ છોકરીને એ દિવસ જોઈ હતી—કાળી, વિધવા, ગોળમટોળ ચહેરો, સુકંઠ. ભજનના ‘આવો મા, આવો મા’ એવા એના અંશ-ગાનથી જ ઠાકુર ભાવમાં ઉન્મત્ત થઈ ઊઠ્યા હતા. એ જે શું ભાવ—વર્ણનાતીત! અશ્રુજલે વક્ષ:સ્થળ પ્લાવિત કરી તેઓ ગભીર સમાધિમાં મગ્ન થઈ ગયા હતા.

જે લોકોએ એ સમયકાળની દક્ષિણેશ્વર મંદિરની આરતી જોઈ છે, તેઓ જ એનું માહાત્મ્ય જાણે છે. દક્ષિણેશ્વરની શોભા પણ અપૂર્વ હતી.

ઉગ્ર સ્વરૂપ

થોડા દિવસ બાદ મેં ફરીથી દક્ષિણેશ્વર જઈને જોયું કે એ છોકરી ત્યાં જ બેઠી છે. હું પણ ઠાકુરની પાસે જઈને બેઠો. બીજા બે-ત્રણ ભક્તો અને રામલાલ દાદા (ઠાકુરના ભત્રીજા અને કાલીમંદિરના પૂજારી) પણ હતા. 

ઠાકુર કહે છે: “જુઓ તો, આ છોકરીના મોઢે ‘આવો મા, આવો મા’ ભજન સાંભળવું મને ખૂબ ગમે છે. એટલે વિજય (વિજયકૃષ્ણ ગોસ્વામી) આવે અને આ છોકરી ન આવે તો કહેતો, ‘અરે, એ છોકરીને લાવ્યો નહીં?’ આ વખતે પણ લાવ્યો ન હતો. એ દિવસે જોયું તો આ છોકરી મને જોઈને ઘુંઘટ તાણે છે. મેં કહ્યું, ‘આ શું રે? તું મને જોઈને ઘુંઘટ તાણે છે, અને વળી રડે છે, શું વાત છે?’ એણે કહ્યું, ‘તારી સાથે મારો મધુરભાવ છે.’ મેં કહ્યું, ‘એ શું રે વળી! મારો તો માતૃભાવ છે.’”

આ કહેતાં કહેતાં જ ઠાકુર અચાનક ઊભા થઈ ગયા. ક્રોધથી શરીર લાલ થઈ ગયું. ધોતી ખૂલીને પડી ગઈ. ઘરના આ ખૂણેથી બીજા ખૂણા સુધી સિંહની જેમ પાદચારણ કરવા લાગ્યા અને કહેવા લાગ્યા: “રામલાલ, ઓ રામલાલ, મારી બેટી કહે છે કે મધુરભાવ!” અને બીજી કેટલીય ગાળા-ગાળ કરવા લાગ્યા.

એ દિવસે એમનું ઉગ્ર સ્વરૂપ જોઈને હું સ્તંભિત થઈ ગયો હતો. રામલાલ દાદાએ એ છોકરીને કહ્યું: “ઊઠ, ઊઠ જલદીથી.” ત્યાર બાદ એને ગંગાના ઘાટે લઈ જઈ એક નૌકામાં બેસાડી દીધી. ત્યારે ઓટનો સમય હતો. એને કલકત્તા મોકલી દીધી. છોકરી જતી રહી પછી ઠાકુર સહજ અવસ્થામાં આવી બધાની સાથે વાર્તાલાપ કરવા લાગ્યા.

Total Views: 928

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.