(14 ઓક્ટોબર, શનિવારના રોજ સ્વામી અખંડાનંદજી મહારાજની પુણ્ય તિથિપૂજા છે. આ ઉપલક્ષે સ્વામી અખંડાનંદે લખેલ બંગાળી પુસ્તક ‘સ્મૃતિકથા’માંથી આ લેખ સંકલિત કરવામાં આવ્યો છે. અનુવાદક છે સ્વામી કૃષ્ણસખાનંદ. – સં.)

અપૂર્વ શિક્ષાપ્રણાલી

એક દિવસ હું દક્ષિણેશ્વરમાં ઠાકુરની સાથે રહ્યો હતો. એ સમયે હરીશ કુન્ડુ ઠાકુરની સાથે રહેતો. ઠાકુર બધાને ધ્યાન કરવા બેસાડી દેતા. ધ્યાનના સમયે છોકરાઓ ઇષ્ટદેવની સાથે વાત કરતાં કરતાં ક્યારેક હસતા, તો ક્યારેક રોતા. એ જે વિમલ આનંદ મળતો, એ શબ્દોથી વ્યક્ત કરી શકાય નહીં!

ઠાકુરની પાસે જતાં જ તેઓ પૂછતા: “હાં રે, ધ્યાન કરતાં કરતાં, પ્રાર્થના કરતાં કરતાં આંખોમાંથી આંસુ આવ્યાં હતાં?” એક દિવસ મેં ઉત્તર આપ્યો, “હા, આવ્યાં હતાં.” સાંભળીને તેઓ કેવા ખુશ થઈ ગયા હતા! કહેતાઃ “અનુતાપનાં અશ્રુ આંખના ખૂણેથી (નાકની તરફથી) નીકળે, જ્યારે પ્રેમાશ્રુ બહારની દિશાના ખૂણેથી નીકળે.”

તેઓ કહેતા, “પ્રાર્થના કેવી રીતે કરવી, ખબર છે?” એમ કહીને જ નાના બાળકની જેમ હાથ-પગ ઉછાળીને રોતાં રોતાં કહેવા લાગ્યા, “મા, મને જ્ઞાન આપ, ભક્તિ આપ. મને કશું જોઈતું નથી, મા. હું તને છોડીને રહી શકતો નથી, મા.” એમની ધોતી પણ ખૂલી ગઈ હતી. ત્યારે એમનું એ સ્વરૂપ જોઈને લાગ્યું હતું કે તેઓ સાચે જ એક બાળક છે! ચોધાર આંસુઓના વરસાદથી એમની છાતી ભીની થઈ ગઈ હતી, અને તેઓ ગભીર સમાધિમાં મગ્ન થઈ ગયા હતા.

આ જોઈને હું સમજ્યો કે ઠાકુરે મારા માટે જ આ પ્રાર્થના કરી હતી. સ્વપ્ન વિશે કહેતા, “સપનામાં આવીને જો કોઈ પટ્‌ પટ્‌ કરીને દીવા સળગાવી જાય, કે આગ લગાડી જાય કે પોતાને જ પોતાના નામથી પોકારવા લાગે, તો એ ખૂબ સારું. પોતાના નામથી પોકારવા વાળું સ્વપ્ન, એટલે ચરમ સ્વપ્ન.”

દિગંબર બાઉલ

વાત વાતમાં એક દિવસ દિગંબર બાઉલનો પ્રસંગ ઊઠ્યો. તેઓ ઠાકુરના સમયના જ હતા. મેં એમને ઘણી વાર જોયા છે. બાંગ્લા, હિંદી કે ફારસીમાં દોહાઓ રટીને છેવટે બાકસ વગાડતાં વગાડતાં ‘હરિ હરિ બોલ’ ગાતા. તેઓ શેરીએ શેરીએ ફરતા રહેતા. ઠાકુર કહેતા કે તેઓ હરિનામમાં સિદ્ધ હતા. તેઓની પાસે વિભૂતિ (સાધના કરવાથી મળતી ચમત્કારિક શક્તિઓ) પણ હતી.

ઠાકુરની પાસે ધ્યાન

એ સમયે જે ભક્તો ઠાકુરની પાસે જતા તેઓ અર્ધનિમિત નેત્રોથી ધ્યાનમાં બેસતા. (ધ્યાનમાં મગ્ન થઈને જ્યારે તેઓ) ઇષ્ટદેવની સાથે હાસ્ય અને વાર્તાલાપ ઇત્યાદિ કરતાં ત્યારે એ જોવાથી મારો દેહ રોમાંચિત થઈ ઊઠતો. ઠાકુરના લગભગ બધા અંતરંગ શિષ્યોમાં અષ્ટ-સાત્ત્વિક લક્ષણોના કેટલાક અંશો જોવા મળતા. એકમાત્ર સ્વામી વિવેકાનંદ જ પોતાની લાગણીઓને છૂપાવી રાખતા. તેઓ સહેજે ભાવ-વિભોર થઈ ગદ્‌ગદ થતા નહીં.

(ते स्तम्भ-स्वेद-रोमाञ्चः स्वर-भेदोऽथा वेपथुः।
वैवर्ण्यं अश्रु प्रलय इत् अष्टौ सात्विकः स्मृतः।।

(भक्ति रसामृत सिन्धु, 2.3.16)

“સ્તંભન, સ્વેદ, રોમાંચ, સ્વર ભંગ, કંપન, ભસ્મવર્ણ, અશ્રુપાત અને મૂર્છા—આ શારીરિક લક્ષણો છે જે દ્વારા ક્યારેક-ક્યારેક હૃદયમાં રહેલો અગાધ પ્રેમ વ્યક્ત થઇ જાય છે.” – સં.)

 

પોતે ધર્મને આચરીને બીજાને શીખવે

એક દિવસની વાત છે. એ દિવસે મેં ઠાકુરની પાસે દક્ષિણેશ્વરમાં રાત્રિવાસ કર્યો હતો. તેઓ પરોઢે ઊઠીને સસ્નેહે જે બે-ચાર લોકો મુલાકાતે આવતા એમની સાથે વાર્તાલાપ કરતા. હું સવારે વિષ્ણુ મંદિર, કાલી મંદિર, બધે ફરતાં ફરતાં પ્રણામ કરતો હતો, ‘નમઃ શિવાય શાન્તાય’ કહેતાં કહેતાં (દ્વાદશ શિવ મંદિરમાં) પ્રણામ કરતો હતો. દર્શન બાદ ઠાકુરના ઓરડામાં પાછો ફર્યો. તેમણે કહ્યું, “મને ચાંદની ઘાટે (ગંગાના કિનારે આવેલ ઘાટે) સ્નાન કરાવી લાવ, ચાલ.” મને કમંડળ લઈ લેવા કહ્યું.

મારું સ્નાન થઈ ચૂક્યું હતું. એ સમયે હું એક જ વસ્ત્ર પહેરીને અનેક વાર સ્નાન કરતો. (અર્થાત્‌ સ્નાન બાદ તેઓ વસ્ત્ર બદલતા નહીં, આનો લાભ એ કે ઠાકુરની સાથે બીજી વાર સ્નાન કરીને એમને નવા વસ્ત્રની જરૂર નહીં પડે.) હું કમંડળ લઈ એમની સાથે ચાલ્યો. ચાંદની ઘાટે જઈને જોયું તો કાલીવાડીના ખજાનચી એક પગ ગંગાજળમાં રાખીને તથા બીજો પગ ઘાટના પગથિયા ઉપર રાખીને ખૂબ ઘસી રહ્યા હતા. ઠાકુર એમની નજર સામેથી પસાર થયા એ પ્રત્યે તેમણે ધ્યાન પણ આપ્યું નહીં.

ઠાકુર ધીરે ધીરે ગંગામાં પ્રવેશ કરીને કમરભર પાણીમાં ઊતર્યા. તેઓ થોડું થોડું જળ માથા પર છાંટે છે, અને ડાબા હાથેથી કોગળા કરે છે. ઠાકુર ગંગાવારિ ને બ્રહ્મવારિ કહેતા. (વારિ એટલે જળ) માટે જ જોયું, આજે તેઓ કાળજીપૂર્વક અને સંકોચપૂર્વક પવિત્ર જળમાં પગ મૂકે છે.

આ બાજુ એક વૃદ્ધ બ્રાહ્મણ ઘાટ ઉપર આવ્યો. એને જોઈને જ લાગ્યું કે એ ગામડિયો છે. એણે ખજાનચીને પ્રશ્નો પૂછવાના ચાલુ કરી દીધા. એણે પૂછ્યું, “શું તમે અહીંના ખજાનચી છો?” ખજાનચીએ કહ્યું, “હા.” ત્યારે ગામડિયા બ્રાહ્મણે એક કિનારે બેસીને પૂછવાનું ચાલુ કરી દીધું, “તળાવમાં કેટલી માછલી થાય? બગીચામાં ફળ-મૂળ જે ઊગે એને વેચીને કેટલા રૂપિયા મળે?” વગેરે.

ઠાકુર આંખના કોણેથી એ બ્રાહ્મણ તરફ તાકવા લાગ્યા; મુખ પર નારાજગીનો ભાવ. સ્નાન બાદ હું ઠાકુરને એમના ઓરડામાં લઈ આવ્યો. એમના વસ્ત્ર પર ગંગાજળ છાંટ્યું. એમણે એ નવ-વસ્ત્ર પરિધાન કર્યું, ભગવાનના ફોટાઓને  પ્રણામ કર્યા, અને મંદિરમાંથી આવેલ પ્રસાદી ફળ-મૂળ ગ્રહણ કર્યાં.

એક વ્યક્તિ બહારથી આવીને પૈસા માગવા લાગ્યો. ઠાકુરે મને બોલાવીને એમના ઓરડાના ઉત્તર-પશ્ચિમ ખૂણામાં રાખેલ ટેબલ ઉપર રહેલ ચાર પૈસા બતાવીને કહ્યું, “જા, આ ચાર પૈસા લઈને એ ભાઈને આપતો આવ.” હું જ્યારે પૈસા આપીને પાછો આવ્યો ત્યારે મને કહ્યું, “ગંગાજળથી હાથ ધોઈ કાઢ.” મેં ગંગાજળ રાખેલ માટલામાંથી પાણી લઈ હાથ ધોઈ કાઢ્યા. ત્યાર બાદ મને એમના ઓરડામાં ટાંગેલ મા કાલીની છબી પાસે લઈ જઈ ‘હરિ બોલ, હરિ બોલ’ કહેતાં કહેતાં ઠાકુરે કેટલીય વાર સુધી મારા હાથ ખંખેર્યા, પોતાના હાથ પણ ખંખેર્યા.

એમનો આ વ્યવહાર જોઈને પૈસા એ વિષ્ઠા કરતાં પણ વધારે ઘૃણ્ય વસ્તુ છે, એ વાત મારા હૃદયમાં ચિરકાળને માટે અંકિત થઈ ગઈ. ત્યાર બાદ મેં ચૌદ વર્ષ સુધી ભારતભરમાં ભ્રમણ કર્યું છે, પણ ક્યાંય મેં પૈસાને સ્પર્શ કર્યો નથી. હજી આજે પણ રૂપિયા પ્રતિ મારી જે ઘૃણા છે એ, એ જ ઘટનાને કારણે છે. હવે મને વિચાર આવે છે કે ઠાકુરે અમારા માટે જ આટલું બધું (ત્યાગ, તપસ્યા, સાધના વગેરે) કર્યું હતું. મનુષ્યમાત્રના કલ્યાણ માટે જ તેઓ શરીર ધારણ કરીને આવ્યા હતા. માટે જ એમણે આપણા માટે આટલું બધું કર્યું છે.

હવે ઠાકુરે પ્રસાદી ફળ-મૂળ ગ્રહણ કર્યાં અને થોડો વિશ્રામ કરવા લાગ્યા. એ સમયે ગંગાઘાટનો એ જ બ્રાહ્મણ ઠાકુરના ઓરડામાં હાજર થયો, અને કહેવા લાગ્યો, “અહીં હરીશ છે, હરીશ કુન્ડુ?” ઉત્તર આપવાની વાત તો દૂર રહી, ઊલટાનું ઠાકુર કહેવા લાગ્યા, “અરે, એક તો તું બ્રાહ્મણ, એમાં પણ પાછો ગંગાનો પવિત્ર કિનારો. અહીં પણ તને ઇષ્ટ દેવતાનું સ્મરણ થતું નથી? તું કાલીવાડીના તળાવમાં કેટલી માછલીઓ છે, બાગમાં કેટલી કેરી અને લીચી ઊગી છે, એને વેચીને કેટલા રૂપિયા મળે છે—એ બધાની ખબર લે છે? ધિક્કાર છે તને!”

બ્રાહ્મણને પસ્તાવો થવાની વાત તો દૂર રહી, ઉપરથી એ નારાજ થઈને ચાલ્યો ગયો. એ જ્યાં ઊભો હતો એ જગ્યાએ ઠાકુરે મને ગંગાજળ છાંટવાનું કહ્યું.

 

કોલકાતાની મુલાકાત

ઠાકુર વરાહનગરના વેણીપાલની ભાડાની બીજી શ્રેણીની ઘોડાગાડી સિવાય ક્યારેય ક્યાંય જતા ન હતા. કારણ એક જ કે એના ઘોડા પાણીદાર અને બલિષ્ઠ હતા. ઘોડાની પીઠે ચાબુક મારવામાં આવતાં જ ઠાકુર અસ્થિર થઈ ઊઠતા અને કહેતા, “મને મારે છે.” માટે જ વેલીપાલ ઠાકુર માટે સર્વશ્રેષ્ઠ ઘોડા મોકલતા, કે જેમને મારવા ન પડે, થોડી લગામ ખેંચવાથી જ દોડવા લાગે.

એક દિવસ વેણીપાલની ગાડી દક્ષિણેશ્વરમાં આવી. ઠાકુર એમાં બેઠા. હું અને લાટુ (સ્વામી અદ્‌ભુતાનંદ) પણ સાથે ગાડીમાં બેઠા. બાગબજાર શેરીમાં જઈને ગાડી ઊભી રખાવી મને કહ્યું, “હાં રે, નારાયણને એક વાર બોલાવી લાવીશ?” નારાયણ નામનો એક છોકરો એ સમયે ઠાકુર પાસે આવતો-જતો હતો. હું બાગબજાર શેરીમાં ઊતરીને નારાયણને બોલાવી લાવ્યો. ઠાકુરે એની સાથે ગાડીમાં જ વાર્તાલાપ કર્યો. કેમ ઘણા દિવસથી દક્ષિણેશ્વર આવ્યો નથી, એમ પૂછ્યું અને દક્ષિણેશ્વર આવવા કહ્યું.

ત્યાર બાદ શ્યામપુકુરમાં નેપાળના રાજદૂત વિશ્વનાથ ઉપાધ્યાયના ઘરે ગયા. ઠાકુર એમને ‘કેપ્ટન’ કહી પોકારતા. એમના દરવાજા પર ગાડી થોભાવીને અમે ત્રણ જણા ઉપલા માળે ગયા. એમના ઘરના બધાએ આવીને ઠાકુરને પ્રણામ કર્યા. ઠાકુરે ત્યાં થોડું બરફવાળું પાણી પીધું. તેઓને બરફ ખાવો ખૂબ ગમતો.

ત્યાર બાદ અમે બલરામ બાબુના ઘરે આવ્યા અને ત્યાંથી દક્ષિણેશ્વર પાછા ફર્યા. ઠાકુર દક્ષિણેશ્વર સિવાય ક્યાંય રાત રોકાતા નહીં. કોલકાતામાં બલરામ બાબુના ઘરે કદાચ એક-બે રાત રોકાયા હશે. મેં સ્વામીજીને (સ્વામી વિવેકાનંદને) કહેતા સાંભળ્યા છે કે ઠાકુર બલરામ બાબુના ઘર સિવાય બીજે ક્યાંય અન્ન ગ્રહણ કરતા નહીં. ઠાકુર કહેતા, “એનું (બલરામ બાબુનું) અન્ન શુદ્ધ.” માટે જ સ્વામીજી કહેતા, “જોયું, મોટા મોટા મહાપુરુષ પણ કોલકાતામાં રાત્રીવાસ કરી શકે નહીં.” (કદાચ સ્વામીજી કહેવા માગે છે કે કોલકાતામાં એટલું બધું રજસ અને તમસ છે કે સાત્ત્વિક મહાપુરુષ ત્યાં લાંબો સમય રોકાઈ શકે નહીં.)

એક સાધુનાં દર્શન

એ સમયે બધા સંપ્રદાયના મહાપુરુષો નિયમિતરૂપે દક્ષિણેશ્વર કાલીવાડીમાં નિવાસ કરતા અને ઠાકુરનો સત્સંગ મેળવી, એમનો ઉપદેશ ગ્રહણ કરી ધન્ય થતા. એક સમયે એવા જ એક મહાપુરુષ (જટાધારી)—આપણા જ સંપ્રદાયના નાગા સાધુ— દક્ષિણેશ્વરના કુઠિઘરમાં રોકાયા હતા. (જ્યારે કાલીવાડીના સંસ્થાપક મથુરબાબુ વગેરે દક્ષિણેશ્વર આવતા ત્યારે તેઓ આ જ કુઠિઘરમાં રોકાતા. આ જ કુઠિઘરની છત ઉપરથી મથુરબાબુએ ઠાકુરના શરીરમાં ભગવાન શિવ અને મા કાલીનાં દર્શન કર્યાં હતાં.) હું એમની પાસે ગયો. એમને પ્રણામ કરીને થોડો સમય બેઠો. તેઓ હતા દીર્ઘ જટા અને દાઢીધારી મહાપુરુષ—અતિશય ગંભીર, વાતચીત પણ બહુ ઝાઝી કરી નહીં. મેં કરેલ પ્રશ્નોના માત્ર એક-બે વાક્યોમાં ઉત્તર આપી દીધા. આવા કોઈ સાધુ મહાપુરુષ દક્ષિણેશ્વરમાં પધારતાં જ ઠાકુર અમને એમનાં દર્શન કરવા મોકલતા.

Total Views: 203

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.