(સ્વામી અખંડાનંદે લખેલ બંગાળી પુસ્તક ‘સ્મૃતિકથા’માંથી આ લેખ સંકલિત કરવામાં આવ્યો છે. ભાષાંતરકાર છે સ્વામી કૃષ્ણસખાનંદ. -સં)
ઠાકુર એક વાર બાગબજારમાં લીંબુ-બગીચા-સ્થિત યોગેનમાના ઘરે ગયા હતા. યોગેનમા દક્ષિણેશ્વર જતાં એ એમના ભાઈ હીરાલાલને ગમતું નહીં. યોગેનમાએ જ્યારે ઠાકુરને પોતાના ઘરે આવવા આમંત્રણ આપ્યું હતું ત્યારે હીરાલાલે એમને ડરાવવા માટે એ સમયના બધા પ્રકારના વ્યાયામમાં નિપુણ, બાગબજારના ગોંસાઈપાડાના વિખ્યાત મલ્લ મન્મથને બોલાવ્યો હતો.
પરંતુ મન્મથ ઠાકુરને જોઈને તથા એમની બે-ચાર વાતો સાંભળીને દંડવત્ એમના પગમાં પડ્યો અને રોતાં રોતાં કહેવા લાગ્યો, “પ્રભુ, હું મોટો અપરાધી છું, મને ક્ષમા કરો.” ઠાકુરે એને કહ્યું, “તું દક્ષિણેશ્વર આવજે.”
મન્મથની સાથે મારો વિશેષ પરિચય હતો. એણે મારી પાસે આવીને જિદ્દ પકડી, “તું મને દક્ષિણેશ્વર લઈ જા, ઠાકુરે મને બોલાવ્યો છે.” એક દિવસ નક્કી કરીને હું તેને ઘોડાગાડીમાં બેસાડીને દક્ષિણેશ્વર લઈ ગયો. સાથે નવીન કંદોઈની દુકાનનાં એક હાંડી ભરીને રસગુલ્લાં હતાં.
અહીં મન્મથનો થોડો પરિચય આપવો ઉચિત રહેશે. એ બધા પ્રકારના વ્યાયામોમાં નિષ્ણાત હતો. વિદ્યાસાગર મહાશયની શ્યામબજાર બ્રાંચની શાળામાં પ્રતિ શનિવારે બાગબજાર અને શ્યામપુકુરના છોકરાઓ વચ્ચે ભીષણ મારામારી થતી. એક દિવસ બાગબજારના છોકરાઓ મન્મથને લડવા માટે લઈ આવ્યા. શ્યામપુકુરનું દળ ખૂબ મજબૂત હતું. તેમાં ઘણા મોટા મોટા કુસ્તીબાજો હતા. જ્યારે મારામારી આરંભ થઈ ત્યારે મન્મથ એકલો આટલા બધા કુસ્તીબાજો સાથે લડી ન શકવાથી જમીન પર પડી ગયો. સામેવાળાઓ પેરેલલ-બાર જમીનમાંથી ઉખાડીને લઈ આવ્યા અને મન્મથની પીઠે ધમાધમ મારવા લાગ્યા. મન ભરીને જ્યારે મારી લીધું ત્યારે તેઓએ કહ્યું, “મન્મથ, શાબાશ! તું માર ખાઈને અમને મારી ગયો! આટલો માર ખાઈને ધૂળ ખંખેરીને ઊભો થઈ શકે એવો વીર કોલકાતામાં બીજો નથી.”
બાગબજારની એક નાટ્યમંડળીના ‘શરત્-સરોજિની’ નાટકમાં મન્મથ ડાકુનું પાત્ર ભજવતો. એ જ્યારે લાલ કલરના કપડાંમાં સજીધજીને માથે જટા બાંધીને હુંકાર કરીને રંગમંચ પર આવી પડતો ત્યારે ઘણા દર્શકો ક્ષણભર માટે આતંકિત થઈ જતા.
મન્મથ એ સમયના વિખ્યાત ધની કીર્તિ મિત્રના એકમાત્ર પુત્ર પ્રિય મિત્રનો કારભારી (મેનેજર) હતો. એ આચાર-વિચાર કશું સ્વીકારતો નહિ. જનોઈ ફેંકી દીધી હતી. ખાદ્ય-અખાદ્ય વિચાર હતો નહીં.
ઠાકુરની પાસે લઈ જતાં તેઓ મન્મથની સાથે ખૂબ સ્નેહપૂર્વક વાતચીત કરવા લાગ્યા. મેં ઠાકુરને કહ્યું, “આ વિખ્યાત ગુંડો છે, એના ભયથી બળવાન છોકરોઓનાં દળ ગભરાઈ જાય છે. મોટાં મોટાં મારામારીના (લડાયક) દળ આને લઈ જાય છે.” ઠાકુરે ટચલી આંગળી દ્વારા એના દેહને સ્પર્શ કરીને કહ્યું, “અરે, શું રે, કેટલો સખત છે!”
મન્મથે જનોઈ ફેંકી દીધી છે એ સાંભળી ઠાકુરે પૂછયું, “કેમ જનોઈ નથી પહેરતો?” એણે કહ્યું, “મહાશય, પરસેવાથી જનોઈ શરીરે ચોંટી જાય છે અને ખંજવાળ આવે છે એટલે ફેંકી દીધી છે.” ઠાકુરે કહ્યું, “જનોઈ પહેર.”
ત્યાર બાદ ઠાકુરે એને મા કાલીના મંદિરની પ્રદક્ષિણાના એકાંત રસ્તા પર લઈ જઈને ઊભા ઊભા મંત્ર આપ્યો અને કહ્યું, “કોઈ એક શનિવારે આવીને મળજે.” (કાલીમંદિરમાં શનિવારે અને મંગળવારે પ્રણામ કરવા વિશેષ લાભદાયક છે.)
બીજી વાર ઠાકુરનાં દર્શન કરવા અમે નૌકામાં બેસીને ગયા હતા. પહેલાંની જેમ જ નવીન કંદોઈની દુકાનનાં એક હાંડી રસગુલ્લાં લઈ ગયા હતા. એ દિવસે પણ મન્મથ સાથે ઠાકુરનો વાર્તાલાપ થયો હતો. ત્યાર બાદ મન્મથ મને ‘મોહનબાગાન વિલા’ નામક પ્રિય મિત્રના મહેલ જેવા ભવનમાં લઈ જતો. હું એના ઓરડામાં જઈને ઠાકુરની વાતો અને ભજન સંભળાવતો. પ્રિય મિત્ર મને ત્યાં જોઈ ન જાય એવી રીતે છૂપાવીને એ મને લઈ જતો.
ઠાકુર પાસે મંત્ર મેળવ્યો છે એ વાત મન્મથ જાહેરમાં કોઈને કહેતો નહીં. ખૂબ પ્રચ્છન્નભાવે જ રહેતો.
ઓગસ્ટ, 1886માં ઠાકુરે મહાસમાધિમાં પ્રવેશ કર્યો હતો. ત્યાર બાદ અખંડાનંદજી સહિત ઠાકુરના ત્યાગી યુવકોએ વરાહનગર મઠની સ્થાપના કરી હતી. ત્યાં થોડો સમય અવસ્થાન કર્યા બાદ અખંડાનંદજી પરિવ્રાજકરૂપે હિમાલય તથા ઉત્તર ભારતનાં અન્ય તીર્થક્ષેત્રોના ભ્રમણ માટે નીકળી પડ્યા હતા. ત્યાં જ એમની મુલાકાત મહાપુરુષ મહારાજ (સ્વામી શિવાનંદ) સાથે થઈ હતી.
ઠાકુરની કૃપાથી એના જીવનમાં જે અણધાર્યું પરિવર્તન આવ્યું હતું એ વાત મેં મહાપુરુષ મહારાજ પાસેથી પ્રથમ વાર સાંભળી. એમણે કહ્યું, “એ જ ગુંડો મન્મથ બાગબજારના રસ્તા પર આવેલ સિદ્ધેશ્વરીતલાની પાસે એના મામાના ઘરે રહેતો. અમે એ રસ્તા પરથી પસાર થતાં ત્યારે એના મુખે ‘મા, મા’ નો પોકાર સાંભળીને ચમકીને ઊભા રહી જતા અને થોડીક ક્ષણો એની પોકાર સાંભળતા. તે મન્મથને જેવો જોયો હતો, હવે એ એવો રહ્યો નથી. એનું એ બલિષ્ઠ શરીર પણ નથી રહ્યું. લાંબા લાંબા વાળ, અને એ પણ જૂથી ભરેલા. જો એકાદ જૂ વાળમાંથી પડી જાય તો એને ઉઠાવીને પાછો માથા ઉપર રાખી દે. તું અત્યારે એને જઈને મળીશ તો સ્તંભિત થઈ જઈશ.”
1890ની સાલમાં હું તિબેટભ્રમણ બાદ વરાહનગર મઠમાં પાછો ફર્યો હતો. એક દિવસ મન્મથ માત્ર ધોતી પરિહિત, ઉઘાડા પગે ‘પ્રિયનાથ, પ્રિયનાથ’ કહેતો કહેતો આવીને ઉપસ્થિત થયો. એ સમયે મઠમાં સ્વામી વિવેકાનંદ, રામકૃષ્ણાનંદ, નિરંજનાનંદ, શિવાનંદ, અદ્વૈતાનંદ, અભેદાનંદ વગેરે ઘણા સાધુઓ હતા. એ સમયે અમે ભજન-કીર્તન તથા વચમાં વચમાં ઠાકુરની વાતો કરતા હતા. સ્વામીજીએ મન્મથને અમારી ચટાઈ પર બેસાડવાનો વિશેષ પ્રયત્ન કર્યો પરંતુ એ જમીન પર જ બેસી પડ્યો અને હાથ જોડીને ‘પ્રિયનાથ, પ્રિયનાથ’ બોલવા લાગ્યો. અમારી સામે જોઈને મંદ મંદ સ્મિત કરવા લાગ્યો.
સ્વામીજીએ મને કહ્યું, “તું જ તો એને ઠાકુરની પાસે લઈ ગયો હતો.” (સ્વામીજી મજાકમાં કહે છે કે મન્મથનું માથું બગાડવાવાળો તું જ છે.) ત્યાર બાદ અમે બધાએ મળીને ખૂબ કીર્તન તથા ઉદ્દામ નૃત્ય કર્યું. પરંતુ મન્મથની તો માત્ર એક જ વાણી, ‘પ્રિયનાથ, પ્રિયનાથ.’ એને ઠાકુરમંદિરમાં લઈ જઈને પ્રસાદ આપતાં એણે હાથ ધર્યો નહીં, એટલે પ્રસાદ એની ધોતીના છેડે બાંધી દીધો. એ ‘પ્રિયનાથ, પ્રિયનાથ’ બોલતો બોલતો મઠમાંથી ચાલ્યો ગયો.
(અખંડાનંદજી ફરીથી એક લાંબા ભ્રમણ માટે નીકળી જાય છે. આ સમય દરમિયાન રામકૃષ્ણ મઠ વરાહનગરથી આલમબજાર સ્થાનાંતરિત થઈ ગયો હતો.)
લગભગ પાંચ વર્ષ બાદ હું પાછો ફર્યો ત્યારે આપણો મઠ આલમબજારમાં હતો. રામકૃષ્ણાનંદ, પ્રેમાનંદ, સારદાનંદ વગેરે ઘણા સાધુઓ એ સમયે મઠમાં હતા. મારા અપરિચિત ઘણા શિક્ષિત છોકરાઓ મઠમાં નિયમિત આવ-જા કરતા. એમાંના એક છોકરાનું નામ હતું શચિન્દ્રનાથ. એનો ઉત્સાહપૂર્ણ સસ્મિત ચહેરો જોઈને મને ખૂબ આનંદ થતો. એક દિવસ એણે મને કહ્યું, “તમારા મન્મથની કેવી હાલત થઈ ગઈ છે! ચાલો, તમને બતાવું.” એની સાથે હું ત્યારે જ મન્મથના ઘરે જવા નીકળી પડ્યો. ત્યાં જઈને જોયું તો એ અપલક નેત્રે સૂર્યની સામે તાકીને ઉન્માદ અવસ્થામાં બેઠો છે. ગેરુઆ કલરની ધોતી પહેરી છે. ગળામાં છે એકદમ સફેદ જનોઈ અને શરીર છે તપસ્યાથી કૃશકાય. બહારની કોઈ વસ્તુ તરફ એનું ધ્યાન નથી.
એની આ અવસ્થા જોઈને મારા હૃદયમાં કેવો ભાવ પ્રગટ થયો! ઠાકુરના અલૌકિક પ્રભાવનો અનુભવ કરીને અત્યંત વિસ્મયાભિભૂત બન્યો. એ દિવસે પ્રત્યક્ષ દર્શન કર્યું કે વન-જંગલમાં ઘોરતર તપસ્યા કરીને પણ જે ફળ ન મળે, ઠાકુરની કૃપાથી એ ફળ ઘરમાં બેઠા જ સુસાધ્ય થાય. ‘ગૃહં તપોવનમ્.’
થોડા દિવસો બાદ જ સાંભળ્યું કે કોલેરાના રોગને કારણે મન્મથે દેહત્યાગ કર્યો છે.
Your Content Goes Here