(સ્વામી અખંડાનંદે લખેલ બંગાળી પુસ્તક ‘સ્મૃતિકથા’માંથી આ લેખ સંકલિત કરવામાં આવ્યો છે. અખંડાનંદજી દક્ષિણેશ્વરમાં શ્રીરામકૃષ્ણદેવનાં દર્શન કરવા માટે ગયા ત્યાર પછીના થોડા દિવસોની આ ઘટના છે. ઠાકુર કહે છે કે એમના શિષ્યોમાંના જેમના સંસ્કાર મળતા હોય એમની તેઓ પરસ્પર ઓળખાણ કરાવી દેતા. આમ કરવાથી તેઓની સહિયારી આધ્યાત્મિક પ્રગતિ ઝડપી બનતી. અહીં એક દિવસ ઠાકુર અખંડાનંદજીને નરેન અર્થાત્‌ સ્વામી વિવેકાનંદને મળવાનું કહે છે. -સં.)

નરેન

(એક દિવસની વાત છે. અખંડાનંદજી ભોજન કર્યા બાદ ઠાકુર પાસે આવે છે.) ઠાકુર મારા માટે એક પાન હાથમાં લઈને એમના ઘરના પૂર્વ દિશાના દરવાજા પાસે ઘરની અંદર ઊભા છે. મારા આવતાં જ એમણે મને પાન આપીને કહ્યું, ‘‘ખા, જમ્યા પછી બે-એક પાન ખાવા જોઈએ. નહીં તો મોઢામાંથી વાસ આવે. જો નરેન સો પાન ખાય, જે મળે એ ખાય. આટલી મોટી મોટી આંખો—અંતર્મુખ દૃષ્ટિ, કલકત્તાના રસ્તા પરથી જાય તો ઘર, મકાન, ઘોડા, ગાડી, બધું નારાયણમય જુએ. તું એની પાસે જજે—સિમુલિયામાં (કલકત્તાનો એક વિસ્તાર) એનું ઘર છે.’’

ઠાકુરની આ વાત સાંભળીને હું બીજા જ દિવસે સિમુલિયા સ્થિત સ્વામીજીના પૈતૃક નિવાસે જઈ ઉપસ્થિત થયો. સ્વામીજીને જોયા. એક ઓરડામાં બિછાના ઉપર બેસીને ડૉ. રાજેન્દ્રલાલ મિત્રની ‘બુદ્ધ ગયા’ પુસ્તક વાંચતા હતા. પુસ્તક લગભગ વેબસ્ટરની ડિક્સનરી જેટલું જ દળદાર હતું. ઓરડામાં કચરો ફેલાયેલો હતો. બિછાના ઉપર પણ કચરો હતો. પરંતુ હું તો નરેનને જોઈને જ મુગ્ધ થઈ ગયો. કચરો જોઈને પણ મારા મનમાં કોઈ ખરાબ છાપ પડી નહીં.

ઓરડામાં પ્રવેશતાં જ દાઢી વધારેલ ગુરુગંભીર પ્રેમમય નરેનની દિવ્યમૂર્તિ-દર્શને હું મુગ્ધ થઈ ગયો. મેં જઈને એમને કહ્યું, ‘‘ઠાકુરે મને અહીં મોકલ્યો છે.’’ એમણે કહ્યું, ‘‘બેસ.’’ તેઓ ઓરડામાંથી બહાર આવ્યા અને મારી સાથે બેઠા. થોડા વાર્તાલાપ પછી એમણે કહ્યું, ‘‘ઠાકુરની પાસે ગયો હતો શું? ફરીથી આવજે.’’

જ્યારે હું ઠાકુરના દર્શન માટે પાછો ગયો ત્યારે બધી વાત થઈ.

ઠાકુર: ‘‘શું નરેનને મળવા ગયો હતો?’’

હું: ‘‘જી, હા. તમે એમના વિશે જે કહ્યું હતું એ બધું સાચું.’’

ઠાકુર: ‘‘એક દિવસની મુલાકાતમાં તું કેવી રીતે સમજી ગયો?’’

હું: ‘‘મેં જઈને જોયું—એમની એ મોટી મોટી આંખો અને એક મોટું અંગ્રેજી પુસ્તક લઈને વાંચે છે. ઘરમાં ચારે બાજુ કચરો પડ્યો છે, પરંતુ એ તરફ એમનું મન નથી. તેમનું મન જાણે કે આ જગતમાં નથી.’’

ઠાકુર: ‘‘એની પાસે વારંવાર જજે. એનો સંગ કરજે.’’

સ્વામીજી એમના પિતાના મૃત્યુ બાદ ઘણા દિવસો સુધી ઠાકુર પાસે આવ્યા ન હતા. ઠાકુર એમની ખૂબ ચિંતા કરતા. ઘણીવાર એમને બોલાવવા માટે લોકો પણ મોકલ્યા હતા. પણ ત્યારે સ્વામીજીના મનની અવસ્થા ખૂબ ખરાબ હતી. મને લાગે છે કે એમના દુ:ખની વાત સાંભળીને ઠાકુરને પાછું કષ્ટ થાય એ વિચારીને તેઓ ઠાકુરની પાસે આવતા ન હતા.

સંદેહનું સમાધાન

હું હવિષ્યાન્ન રાંધીને ખાતો, માથામાં તેલ ન લગાવતો, માછલી ન ખાતો, કઠોરતા કરતો, અને હરડે ખાતો. ઠાકુર કહેતા કે મારું આ આચરણ ડોસા જેવું છે. આથી મારા મનમાં ક્યારેક ક્યારેક ચિંતા થઈ આવતી અને હું વિચારતો કે જો આ બધું સારું ન હોય તો છોડી દેવું જોઈએ.

હું એક દિવસ ઠાકુરનાં દર્શન માટે ગયો હતો. પ્રસાદ પણ મેળવ્યો હતો. તેઓ વિશ્રામ કરીને ઊભા થયા હતા. એ સમયે કેટલાક ગૃહસ્થ ભક્તો એમની પાસે આવ્યા. મેં એમના માટે ચટાઈ પાથરી દીધી. તેઓએ થોડીક ક્ષણ બાદ ઠાકુરને પૂછ્યું, ‘‘મહાશય, તમારી પાસે આ બધા નાના નાના છોકરાઓ સંસાર-ધર્મનો ત્યાગ કરીને સંન્યાસી બનવા માટે આવે છે, એ શું સારી વાત છે?’’

ઠાકુરે કહ્યું, ‘‘બાપુ, તમે તો એમનો આ જન્મ જ જુઓ છો. એમના આગળના જન્મ વિશે તો કંઈ ખબર નથી. પૂર્વ જન્મમાં તેઓ સંસાર-ધર્મ પૂર્ણ કરીને આવ્યા છે. સાંભળો, એક માના ચાર પુત્ર. એમાંથી એક દીકરાને જ્ઞાન થવાથી એણે કહ્યું, ‘હું તેલ લગાવીશ નહીં, માછલી ખાઈશ નહીં અને હવિષ્યાન્ન કરીશ.’ પિતા-માતાએ સમજાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો, મારવાનો ભય બતાવ્યો, તોપણ એ દીકરાએ ત્યાગનો ભાવ છોડ્યો નહીં. અન્ય ત્રણ દીકરાઓ ભોગમાં મત્ત છે. જે મળે એ જ ખાય, જેટલું મળે એટલું ખાય. જુઓ, એ પહેલો દીકરો થોડો મોટો થતાં ન થતાં જ બધું ત્યાગ કરવા માગે છે. એનો સત્ત્વગુણ વધુ છે. સત્ત્વગુણનો જ્યારે ઉદય થાય ત્યારે આ બધું થાય.’’

ઠાકુરની આ વાત સાંભળીને હવિષ્યાન્ન અને આચાર પ્રતિ મારી શ્રદ્ધા બે ગણી વધી ગઈ.

Total Views: 1,102

One Comment

  1. Atul Jani (Agantuk) July 18, 2022 at 1:13 pm - Reply

    ઠાકુર તો સહુનો આગળ-પાછળનો ઈતિહાસ જાણે. તેથી પૂર્વજન્મના આધારે કોને કોની સાથે બનશે તે તરત જ સમજી જાય.

    ઠાકુરની લીલા અગાધ છે.

    જય ઠાકુર

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.