(સ્વામી અખંડાનંદે લખેલ બંગાળી પુસ્તક ‘સ્મૃતિકથા’માંથી આ લેખ સંકલિત કરવામાં આવ્યો છે.)

પ્રથમ દર્શન : દક્ષિણેશ્વર

1883-84 સાલ ગ્રીષ્મકાળ. લોર્ડ રિપનના શાસનમાં અને “કોલકાતા આંતર-રાષ્ટ્રિય પ્રદર્શની” પહેલાં હું પ્રથમવાર દક્ષિણેશ્વર ગયો હતો. ત્યારે મારી ઉંમર 15-16 વર્ષની હશે. ઠાકુરની પાસે જે દિવસે હું પ્રથમવાર ગયો હતો એ દિવસે તેઓએ હસતાં હસતાં મને ખૂબ આદર-યત્ન કરીને પોતાની પાસે બેસાડ્યો હતો.

મને પહેલાે જ પ્રશ્ન કર્યો: “આ પહેલાં તેં મને ક્યાંય જોયો હતો?”

મેં ઉત્તર આપ્યો: “હા, હું જ્યારે સાવ નાનો હતો ત્યારે તમને એક દિવસ દિન બોઝના ઘરે જોયા હતા.” (દિનનાથ બોઝ ઠાકુરના એક ભક્ત હતા.)

સ્વામી અદ્વૈતાનંદ (ગોપાલ દાદા) ઠાકુરની સાથે હતા. તેમને બોલાવી ઠાકુર હસતાં હસતાં કહેવા લાગ્યા: “અરે, સાંભળ, સાંભળ, આ કહે છે કે એ સાવ નાનો હતો ત્યારે મને જોયો હતો! અરે, આની પાછી નાની ઉંમર!”

(અખંડાનંદજીની 15-16 વર્ષની ઉંમર ઠાકુરની પાસે સાવ નાની કહેવાય. એટલે ઠાકુર આમ મજાક કરે છે.)

તેઓના કહેવાથી એ રાત્રે હું દક્ષિણેશ્વરમાં જ રહી ગયો.

એ દિવસે બપોરે તેઓએ મને કાલીઘરે અને વિષ્ણુઘરે પ્રણામ કરી પંચવટી જવાનું કહ્યું. પંચવટીથી લગભગ સંધ્યાના સમયે હું ઠાકુરના ઓરડામાં પાછો ફર્યો.

એ સમયે ઠાકુરવાડીના બંને નોબતખાનામાં નોબત વાગી ઊઠી. (કાલીમંદિરમાં શરણાઈ વગાડવા માટે નોબતખાનું છે.) આરતીના ઘંટાધ્વનિથી સુવિશાળ કાલીવાડી ગૂંજી ઊઠી. ઠાકુરના ઓરડામાં પ્રવેશ કરીને જોયું તો ઓરડામાં અંધકાર કરી ધૂપ દેવામાં આવ્યો છે અને એ દેખાતું જ નથી કે એની વચમાં ઠાકુર બેઠા છે. તેઓ બાહ્યજ્ઞાન રહિત સમાધિમગ્ન હતા.

સવારે જ્યારે હું દક્ષિણેશ્વરથી કોલકાતા પાછો જતો હતો ત્યારે તેઓ હસતાં હસતાં બોલ્યા: “ફરી આવજે—શનિવારે.”

એ સમયે ગોપાલ દાદા એમની સાથે જ રહેતા.

આવવા જવાનું

આ ઘટનાના થોડા દિવસ બાદ ફરીથી એક દિવસ શનિવારે એમની પાસે જતા તેઓએ મને ઘરે પાછો જવા દીધો નહીં. સંધ્યા આરતી થઈ ગયા પછી તેઓએ પશ્ચિમ દિશાના વરંડામાં મને એક ચટાઈ આપી કહ્યું: “પાથર.”

ત્યાર બાદ એક ઓશિકું લાવી એની ઉપર સૂતા. પછી મને સુખાસનમાં બેસીને ધ્યાન કરવાનું કહ્યું. કહ્યું: “એકદમ ઝૂકી જઈને બેસતો નહીં અને પાછો ખૂબ ટટ્ટાર થઈને પણ બેસતો નહીં. થાળીમાં ભાત મળવાથી તું ગમે તે રીતે ખા, પેટ તો ભરાવાનું જ છે.”

એ દિવસે જ તેઓએ મને દીક્ષા આપી હતી. જીભ ઉપર મંત્ર લખી દીધો હતો. ત્યાર બાદ તેઓ સૂઈ ગયા અને મારા ખોળામાં એમનો પગ રાખી દીધો અને કહ્યું કે પગ દબાવી દે. ત્યારે હું થોડી કુસ્તી કરતો.

મેં થોડું જોરથી દબાવતાં જ તેઓ બોલી ઊઠ્યા: “અરે, શું કરે છે? (ચામડી) ફાટી જશે રે! આવી રીતે ધીરે ધીરે દબાવ.”

ત્યારે સમજાયું કે એમનું શરીર કેટલું નરમ હતું. જાણે હાડકાં ઉપર માખણ લગાવેલું છે. મેં થોડા લજ્જિત થઈને ભયે ભયે પ્રશ્ન કર્યો: “તો હું કેવી રીતે દબાવું?”

તેઓએ કહ્યું: “આવી રીતે ધીરે ધીરે હાથ ફેરવ.”

પછી મેં એમ જ કર્યું.

તેઓએ કહ્યું: “નિરંજને પણ આવી જ રીતે જોરથી પગ દબાવ્યો હતો.” (ઠાકુરના બીજા સંન્યાસી શિષ્ય સ્વામી નિરંજનાનંદ. તેઓ પણ કુસ્તી કરતા.)

હું સંધ્યા સમયે એમની પાસે જતો અને રાત્રીવાસ કરી બીજે દિવસે સવારે મોટાભાગે પાછો ફરતો. એ સમયે હું રોજ કોલસા ઉપર મારી જાતે હવિષ્યાન્ન રાંધતો.

ખૂબ આગ્રહ કરવાથી પણ બ્રાહ્મણના ઘરનો નારાયણશિલાનો (વિષ્ણુનો) પ્રસાદ સુધ્ધાં કોઈ મને ખવડાવી શકતા નહીં. પાછું કાલીવાડીમાં ખાવું પડે એ ભયથી અને ઠાકુરની પાસે જઈ પોતાની મેળે હવિષ્યાન્ન કરીને ખાવાનું સાહસ થતું નહીં માટે સવારે જ હું કાલીવાડીથી પાછો ચાલ્યો આવતો.

એ સમયે હું રોજ તેલ માલીશ કર્યા વિના ગંગાસ્નાન કરતો. માથાના વાળ વધી ગયા હતા અને રુક્ષ થઈ ગયા હતા. મુખશુદ્ધિના રૂપમાં હરિતકી (હરડે) ખાતો. મુખશુદ્ધિની ટેવ થોડી વધારે પડતી થઈ ગઈ હતી. હરિ મહારાજ (સ્વામી તુરીયાનંદજી) એ કહેલ હરિતકી વિશેના બે શ્લોક સાંભળી આ આદત લાગી ગઈ હતી.

हरीतकीं भूङ्क्ष्व राजन् मातेव हितकारिणी।
कदाचित् कूप्यते माता नोदरस्था हरीतकी॥
हरीं हरीतकीञ्चैव गायत्रीं जाह्नवी-जलम्‌।
अन्तर्मल-विनाशाय स्मरेत्‌ भक्षेत्‌ जपेत्‌ पिबेत्‌।।

હે રાજા, મા જેવી ઉપકારી હરિતકી રોજ ખાઓ. મા પણ ક્યારેક ગુસ્સો કરે પણ પેટમાં રહેલ હરિતકી ક્યારેય અનિષ્ટ કરશે નહીં. અંદરનો મળ દૂર કરવા માટે શ્રીહરિનું સ્મરણ, હરિતકી ભક્ષણ, ગાયત્રીજપ, અને ગંગાજળ પાન કરવું.

આ સાંભળી હરિતકીની આદત પડી જવાના કારણે બેઉ હોઠ હંમેશાં સફેદ રહેતા.

આ પ્રમાણે હું આવતો જતો રહેતો. એ સમયે ઠાકુરની પાસે મોટા ભાગનો સમય હરીશ અને લાટુને (સ્વામી અદ્‌ભુતાનંદને) જોતો.

આ પ્રમાણે આવ-જા કરતાં કરતાં એક દિવસ ઠાકુરે મને કહ્યું: “તું તો બાળક છે, તારો આવો ઘરડા માણસ જેવો સ્વભાવ કેમ થઈ ગયો? આટલી બધી નિયમબદ્ધતા સારી નહીં.”

ઠાકુરનાં દર્શન થયાં એ પહેલાંથી જ હું ખૂબ પ્રાણાયામ કરતો. રોજ રોજ પ્રાણાયામ વધારતાં વધારતાં મારી એવી અવસ્થા આવી ગઈ હતી કે પરસેવો અને ધ્રુજારી થતી. ગંગામાં ડૂબકી મારી, એક કે બે પથરા હાથમાં પકડી, અનેક ક્ષણ કુંભક કરતો. આવી રીતે રોજ પ્રાણાયામ કરતાં કરતાં એની ઉપર આગ્રહ આવી ગયો હતો.

ઠાકુરને આ વાત કહેતાં જ તેઓએ મને પ્રાણાયામ કરવાની ના પાડી દીધી. કારણ કે પ્રાણાયામ કરવાથી મને કોઈ કઠિન રોગ થઈ શકત. તેઓએ મને રોજ ગાયત્રીજપ કરવાનો ઉપદેશ આપી કહ્યું: “રોજ ગાયત્રીજપ કરજે.”

મેં ઠાકુરને કહ્યું ન હતું પણ તેઓ સમજી ગયા હતા કે પાછું મારે કાલીવાડીમાં ખાવું પડે કે પોતાની જાતે હવિષ્યાન્ન કરવાના નિયમનો ભંગ થાય માટે જ હું અનિચ્છા હોવા છતાં એમને છોડીને ચાલ્યો જતો હતો.

સસ્નેહ શિક્ષા

એકાદશીના એક દિવસે મેં ઉપવાસ રાખ્યો હતો. કોલકાતાથી એક તરબૂચ લઈને ધોતીનો છેડો ખભા પર નાખી ઠીક બપોરના સમયે હું ઠાકુરની પાસે હાજર થયો. ગરમીનો સમય. એક તો હું બાળક, એમાંય ઉનાળાનાે પ્રચંડ તડકો—મારું મોઢું લાલ થઈ ઊઠ્યું હતું. ઠાકુરની પાસે જઈ તરબૂચ આપી પ્રણામ કરવાથી જ તેઓ ખૂબ ખુશ થયા. કહ્યું: “આજે શું તું ઘરે પાછો જવાનો છો?”

મેં કહ્યું: “જી, ના.”

સવારે ઊઠીને તેઓએ મને એક લોટો પાણી લઈ એમની સાથે સાથે પંચવટીની તરફ જવાનું કહ્યું. (દક્ષિણેશ્વરમાં શ્રીરામકૃષ્ણે પાંચ વૃક્ષો વાવી પંચવટી બનાવી હતી અને તેની હેઠળ એમણે અનેક સાધનાઓ કરી હતી.) અમે પંચવટી ગયા. ઠાકુરે મને પંચવટીની પૂર્વ દિશામાં પૂર્વાસ્ય થઈને ધ્યાન કરવાનું કહ્યું. આટલું કહી ઠાકુર ચાલ્યા ગયા. થોડીવાર બાદ તેઓએ પાછા ફરી મને થોડો ટટ્ટાર કરીને બેસાડી દીધો અને કહ્યું: “તું થોડો વાંકો વળી જાય છે.”

ત્યાર બાદ એમની સાથે જ પાછો ફર્યો. ઠાકુરે કહ્યું: “મારી સાથે ચાંદનીના ઘાટે ચાલ.” (ગંગાના કિનારે ‘ચાંદની’ નામનો ઘાટ હતો.) જવાના સમયે તેઓએ મને એક કમંડળ સાથે લઈ જવાનું કહ્યું. ઘાટે જઈને મેં ઠાકુરને સ્નાન કરવામાં મદદ કરી. તેઓ ભીના કપડે જ પોતાના ઓરડામાં પાછા ફર્યા.

ઓરડામાં તેઓએ મને પોતાના એક વસ્ત્ર ઉપર ગંગાજળ છાંટવાનું કહ્યું. અને એ વસ્ત્ર પહેર્યું. કાલીઘાટના મા કાલીનો એક ફોટો તેઓના ઓરડામાં હતો. એ ફોટાની પાસે ઠાકુરવાડીનો મહાપ્રસાદ રાખવામાં આવતો. ઠાકુરે એ ફોટાની પાસે જઈ બે-ત્રણ કણા પોતે ગ્રહણ કર્યો અને મને પણ આપ્યો. ત્યાર બાદ એ ફોટાની સામે ‘ૐ કાલી, ૐ કાલી’ કહી ડાબા હાથના ત્રણ નખ દ્વારા જમણા હાથની હથેળી પોતાના હૃદયની પાસે લાવી હાથતાળી આપતાં આપતાં અર્ધનિમિલિત નેત્રે અનેક ક્ષણ ઊભા રહ્યા.

ત્યાર બાદ આંખો ખોલીને જોયું તો કાલીઘર અને વિષ્ણુઘરનો ફળ-મીઠાઈ પ્રસાદ આવ્યો છે. એ દિવસે પોતે બીલાનું શરબત પીઈ મને આપ્યું. ફળ પ્રસાદ પણ થોડો થોડો ખાઈને મને આપ્યો. પ્રસાદની બીલાના શરબતની વાત પાકી યાદ છે. ત્યાર બાદ તેઓ નાની ખાટ ઉપર જઈ બેઠા અને થોડું તમાકુ સેવન કર્યું.

ભોગ-આરતી બાદ તેઓ મને લઈને પોતાના ઓરડાના પૂર્વ દિશાના વરંડામાં આવ્યા અને મને કહ્યું: “જા, ગંગાજળમાં રાંધેલો મા કાલીનો પ્રસાદ છે, એ મહાહવિષ્ય પણ છે, જા જઈને ખા.”

મેં કહ્યું: “ઠીક.” કેડી પર ચાલતો ચાલતો જાઉં છું. પાછળ ફરીને જોયું તો ઠાકુર ઊભા જ છે અને જુએ છે કે હું કાલીઘરે જઉં છું કે વિષ્ણુઘરે. મનમાં મનમાં વિચાર્યું કે ઠાકુર વિષ્ણુઘરે પણ જવાનું કહી શકતા હતા (ભગવાન વિષ્ણુને શાકાહારી પ્રસાદ ધરવામાં આવતો.) પરંતુ તેઓએ મને કાલીઘરે કે જ્યાં માછલી પ્રસાદ ધરાવાતો, ત્યાં જવાનું કેમ કહ્યું? છેવટે હું કાલીઘરે જ ગયો. કાલીઘરે જઈ મેં શાકાહારી પ્રસાદ જ ગ્રહણ કર્યો હતો. ગાઢી ચણાની દાળ હજુ પણ યાદ છે. એ સમયનો કાલીવાડીનો નિત્ય ઉત્સવ જે લોકોએ જોયો છે તેઓ જો આજે કાલીવાડીનો ભોગ જુએ તો તેઓ અવાક્‌ થઈ જશે. રોજ 250 થી 300 સાધુ, વૈષ્ણવ, બ્રાહ્મણ, અને અન્ય લોકો પ્રસાદ મેળવતા. આજની તુલનામાં તો એ પ્રસાદ રાજભોગ હતો! પ્રસાદ મેળવવા માટે અને નિર્જનવાસ કરવા માટે સારા સારા મહાપુરુષો કાલીવાડીમાં જતા. (આ વાત મહારાજે 1936માં લખી હતી. 31 મે, 1855ના રોજ રાણી રાસમણિએ દક્ષિણેશ્વર કાલીમંદિરની સ્થાપના કરી હતી. ત્યારથી લઈ 1886માં શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ સુધી મંદિરમાં દેવતાઓની ઉત્તમરૂપે સેવા થતી હતી. પરંતુ ત્યાર બાદ રાણી રાસમણિના ઉત્તરાધિકારીઓમાં ફૂટફાટ પડી હતી અને મંદિરની સેવામાં અસ્તવ્યસ્તતા ચાલતી હતી—સં.)

દક્ષિણેશ્વરમાં પંચવટી

Total Views: 663

One Comment

  1. Deviben vyas May 5, 2022 at 2:05 am - Reply

    Jythakur jyma jyswamiji Maharaj tamaro sada jythao badhu najar same thtu hoy tevu lagyu thakurbhagvan sda Krupa rakhjo

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.