વિવેકાનંદ શતાબ્દી-સમાપન સમારોહના અવસર નિમિત્તે તા.૩૦ -૧૨-૧૯૬૩ ના રોજ વિવેકાનંદ આશ્રમ, રાયપુરમાં મુખ્ય અતિથિરૂપે કાકા સાહેબ કાલેલકરે આપેલ વ્યાખ્યાનનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ ભાવિકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. – સં.

સ્વામી વિવેકાનંદે નવભારતનો – પ્રબુદ્ધ ભારતનો, પ્રારંભ કર્યો છે એટલે જ એમને હું ‘સાચા યુગપુરુષ’ કહીશ. આપણા આ યુગમાં ત્રણ મહાપુરુષો થઈ ગયા. એક કવિવર રવીન્દ્રનાથ ટાગોર, બીજા મહાયોગી અરવિંદ અને ત્રીજા કર્મવીર મહાત્મા ગાંધી. આ ત્રણે મહાપુરુષોનાં કાર્યો, વાણી, સાહિત્ય અને એમના કાર્યપ્રવાહનો વિચાર કરીને હું કહું છું કે એ ત્રણેય યુગપુરુષોનાં યુગકાર્યમાં સ્વામી વિવેકાનંદનો હિસ્સો ઘણો મોટો છે.

બ્રિટિશ શાસનકાળમાં સ્વામી વિવેકાનંદ પહેલાં કેટલાક લોકોએ ભારતીય સંસ્કૃતિ વિશે શ્રદ્ધાભાવ પ્રગટ કર્યો હતો એ સાચું પણ એ બધા માત્ર આપણા ધર્મગ્રંથો પ્રત્યે આદરભાવ પ્રગટ કરનારા લોકો હતા. આપણાં વેદ અને શાસ્ત્રો પ્રત્યે એમનામાં ઉત્સુકતા હતી, કુતૂહલ હતું. થિયોસોફિકલ સોસાયટીની પણ સ્થાપના થઈ ચૂકી હતી. મેક્સમૂલર જેવા વિદ્વાનોએ જર્મની અને ઈંગ્લેન્ડમાં રહીને અધ્યયન કર્યું હતું. પરંતુ ‘ભારતીય સંસ્કૃતિ જગતને નવો રાહ બતાવી શકે છે’ – આ સત્ય પર પશ્ચિમના દેશોમાં પ્રકાશ પાડવાનું સર્વ પ્રથમ કાર્ય તો સ્વામી વિવેકાનંદે જ કર્યું છે. ત્યાંથી પાછા ફરીને એમણે ભારતમાં આત્મવિશ્વાસને પ્રબળ રૂપે જમાવવાનો ભગીરથ પ્રયત્ન કર્યો. સ્વામીજીનું આ કાર્ય ખરેખર અદ્‌ભુત જ હતું. જે સમયે સ્વામીજીએ વિશ્વ અને ભારત પર પોતાનો તેજસ્વી પ્રભાવ પાડ્યો હું એ જ કાળનો એક નવયુવક છું. એમના પહેલાં અમે બધા નવયુવાનો શું વિચારતા અને પછી કેવું કેવું વિચારવા માંડ્યા – આ બધાં પરિવર્તનોનો મેં અનુભવ કર્યો છે.

‘અંગ્રેજોનું રાજ આપણા માટે હિતકર નથી’ એમ સમજીને ૧૮૫૭માં આપણા રાષ્ટ્રે અંગ્રેજોને હટાવવા પ્રથમ પ્રયાસ કર્યો. એ સમયે આપણું સંગઠન પૂરું ન હતું. આ દેશમાંથી એમને હાંકી કાઢવા છે એ નિશ્ચય પણ પૂરો પરિપક્વ ન હતો. સમગ્રદેશમાં – સ્થળે સ્થળે લોકો ઊભા થઈ ગયા. એ પ્રયાસ પણ ‘ગદ્દારી’ જેવો ક્ષુદ્ર તો ન હતો પણ એને ‘સ્વાતંત્ર્યયુદ્ઘ’ કહી શકાય એવી પૂર્વતૈયારી એમાં નહોતી. આપણી એ હારનો અંગ્રેજોએ પૂરેપૂરો લાભ ઉઠાવ્યો અને ત્યારથી અંગ્રેજી શાસનનો પાયો મજબૂત બન્યો.

આપણી આ હારના થોડાં વર્ષો પછી (ઈ.સ. ૧૮૬૩) અંગ્રેજી વિચારોને પરાસ્ત કરનારા એક સમર્થ પુરુષનો પ્રાદુર્ભાવ થયો અને એ હતા સ્વામી વિવેકાનંદ! એ સમયની આપણી હાર કોઈ સામરિક હાર ન હતી; તે એક નૈતિક હાર હતી. આપણા સમાજના ઘણા પ્રતિષ્ઠિત લોકોએ અંગ્રેજી રાજ્યનું પ્રસન્નતા સાથે સ્વાગત પણ કર્યું હતું. એમનાં ગુણગાનભર્યાં ગીત પણ ગાયાં. અંગ્રેજો પ્રત્યે લોકહૃદયમાં નિંદા અને ઘૃણા ભર્યાં હતાં. પરંતુ આ બધું હોવા છતાં પણ એક મહારાષ્ટ્રિય કવિએ ગાયું હતું: ‘ધરાતલીં ઈંગ્રેજા સારખા પ્રભુ નાહીં દૂસરા’ – ધરાતલે અંગ્રેજ સમા રાજા નથી કોઈ બીજા. જ્યારે અંગ્રજોનો વિજય થયો અને મહરાષ્ટ્રમાં પેશવાઓનું રાજ્ય ખતમ થયું તેની ખુશીમાં અંગ્રેજોએ જે ભેટ-દક્ષિણા આપી ત્યારે વેદશાસ્ત્રસંપન્ન શાસ્ત્રીઓ પણ હોંશે હોંશે સામે દોડી તે લેવા ગયા હતા. આટલી હદે આપણે બધા હૃદયથી હારી ગયા હતા. હું મહારાષ્ટ્રનો છું એટલે મેં મહારાષ્ટ્રની વાત કરી, પણ બાકીના ભારતવર્ષમાં આનાથી કોઈ સારી અવસ્થા ન હતી.

ઈશ્વરની રચના જ કંઈક એવી છે કે જ્યારે કોઈ ખરાબી જન્મે ત્યારે એના નિવારણનો ઈલાજ પણ તેની સાથે જ ઉદ્‌ભવે છે. જેમ કોંકણમાં નાળિયેરી સાથે કોકમનાં વૃક્ષો પણ ઊગે છે. નાળિયેરીથી જે પિત્તવૃદ્ધિ થાય તેનું શમન આ કોકમથી થાય છે. ઔષધવિજ્ઞાનના જ્ઞાતાઓ કહે છે કે વનમાં જ્યાં જ્યાં વિષવૃક્ષ ઉદ્‌ભવે છે ત્યાં ત્યાં તેમની પાસે જ અમૃતના જેવું કામ કરનારી વનસ્પતિ પણ મળી રહે છે.

ગાંધીજી અને વિનોબાજીએ હાલમાં જ દેશનું પરિભ્રમણ કર્યું છે એની વાત તો છોડી દઈએ. એમના પહેલાં પણ મોટા મોટા નેતાઓ અને દેશનાયકો આપણા દેશમાં થઈ ગયાં છે; પરંતુ ભારતની પ્રત્યેક દિશામાં એક પરિવ્રાજક રૂપે ફરી વળીને ગામડાની અવદશા જોઈને અને તેમાંય સામાન્ય લોકોનાં લૂખાં-સૂકાં ભોજન ખાઈને લોકસ્થિતિનો પૂરેપૂરો સર્વપ્રથમવાર અનુભવ કરનાર મહામાનવ હતા સ્વામી વિવેકાનંદ.

સંશય – અશંસયથી ઘેરાયેલા કોલેજકાળના દિવસો પછી સ્વામીજીએ સાધના શરૂ કરી. શ્રીરામકૃષ્ણદેવ પાસેથી એમના સંશયોનું નિવારણ મેળવી લીધું અને ત્યાર પછી પરિવ્રાજક સંન્યાસીને રૂપે દેશ દર્શન કર્યું. એમણે મુસ્લિમોને ત્યાં પણ ભોજન લીધું અને ખ્રિસ્તીઓના ઘરે પણ તેઓ જમ્યા. ગરીબોનું અન્ન પણ ખાધું અને રાજાઓનાં ભોજન પણ આરોગ્યાં. એમણે સજ્જન-દુર્જન, મહાત્મા-દુરાત્મા, એમ બધી જાતના લોકોને જોયા. આ રીતે દેશ અને સમાજની પૂરેપૂરી સ્થિતિને જોયા પછી એમણે પોતાનો આત્મવિશ્વાસ પ્રગટ કર્યો. દેશની ભયંકર અવદશાને જોઈને એમનામાં નાસ્તિકતા ન આવી. જ્યાંથી આપણને કચડનારી-વિદ્યા આવી હતી ત્યાં જઈને સ્વામીજીએ પોતાનાં આત્મતેજ અને બ્રહ્મતેજથી પશ્ચિમના વિશ્વને આશ્ચર્યચકિત કરી દીધું.

એમની પાસે કોઈ ભલામણ કરનાર સંસ્થાનું બળ ન હતું. પોતાના જ આત્મબળથી એમણે પશ્ચિમના દેશોની યાત્રા કરી. એમણે વિશ્વને એ બતાવ્યું કે ભારતનો સનાતન હિંદુધર્મ બીજા કોઈ ધર્મ કરતાં કંઈ કમ નથી. વિશ્વની કોઈપણ સંસ્કૃતિ કરતા ભારતીય સંસ્કૃતિ ઉતરતીકક્ષાની નથી. ઊલટાની એ બીજી સંસ્કૃતિઓના પ્રમાણમાં ઉચ્ચતર હશે. વિશ્વે એ સંસ્કૃતિ પાસેથી શીખવું પડશે. વિદેશમાં પણ કેટલાક લોકો તેમના શિષ્ય બન્યા, એમનાં શ્રીચરણકમળમાં બેસીને એમની પાસેથી ઉપદેશ પ્રાપ્ત કર્યો. સ્વામીજીએ પશ્ચિમના દેશોમાં જે વિજયઘોષ કર્યો તેનો વિજયનાદ ભારતવર્ષ સુધી પહોંચ્યો અને એને પરિણામે આપણા સૌમાં પોતાની પ્રાચીન સંસ્કૃતિ પ્રત્યે આદરભાવ અને વિશ્વાસ જન્મ્યા. અમેરિકાથી તેઓ ઈંગ્લેન્ડ ગયા અને ત્યાંથી યુરોપના ફ્રાંસ વગેરે દેશોમાં પણ ગયા. જ્યારે તેઓ વિદેશયાત્રાએથી પાછા આવ્યા ત્યારે એમણે સ્વદેશમાં શ્રીલંકાની રાજધાની કોલંબોથી માંડીને આલ્મોડા સુધીની લગભગ દિગ્વિજય જેવી યાત્રા કરી. આટલેથી જ તેઓ ન અટક્યા એમણે દેશભરમાં બે પ્રકારની સંસ્થાઓ સ્થાપી. સ્થળે સ્થળે અદ્વૈતાશ્રમો અને સેવાશ્રમો ઊભા કર્યા. સંન્યાસ આશ્રમને નવી રીતે સંજીવિત કર્યો. આ કાર્ય સ્વામી વિવેકાનંદનું જ હતું.

વર્ણ અને આશ્રમ વિશે આપણે જરા વિચારીએ. જાતિધર્મ અને કુલધર્મને ગીતાએ શાશ્વત કહ્યો છે. વર્ણધર્મ તો પછીથી ઉદ્‌ભવ્યો. વર્ણવ્યવસ્થા સાથે આશ્રમવ્યવસ્થા પણ ચાલી. ભગવદ્‌ગીતામાં ચાર વર્ણોનો ઉલ્લેખ વિસ્તારપૂર્વક થયો છે. પણ ચાર આશ્રમોનો ઉલ્લેખ બહુ ઓછો આવે છે. આખી ગીતામાં ચાર આશ્રમોનું ક્યાંય પુરસ્કરણ નથી એમ આપણે કહેવું જોઈએ. અગ્નિ અને વૈદિકકર્મો છોડીને જે સંન્યાસ આશ્રમ ગ્રહણ કરી શકાય છે એની થોડીઘણી ચર્ચા જ ગીતામાં છે. ગીતામાં ભગવાને સંન્યાસ આશ્રમના સ્થાને સંન્યાસ યોગનું જ પુરસ્કરણ કર્યું છે. વેદવિદ્યાના આગ્રહી પુર્વમીમાંસાવાદીઓએ સંન્યાસ આશ્રમનો સ્વીકાર જ કર્યો નથી. સંન્યાસ આશ્રમને તો એમણે નર્યું ગાંડપણ જ ગણ્યું હતું.

બાકીના લોકોએ સંન્યાસ આશ્રમને સિદ્ધાંત રૂપે સારો ગણ્યો, છતાં પણ મધ્યકાલીન શાસ્ત્રકારોએ આ સંન્યાસ આશ્રમ કલિવર્જ્ય છે, કલિયુગમાં ન ચાલે અને એને ચાલવા દેવો પણ ન જોઈએ. એમ કહીને એને દૂર કરવાનું ઇચ્છ્યું. આમ કહીને તેઓએ સંન્યાસ આશ્રમથી પોતાનું મોઢું ફેરવી લીધું. અને જ્યારે બૌદ્ધ જાગૃતિ આવી અને બૌદ્ધો અને જૈનોએ શ્રમણ સંસ્કૃતિ શરૂ કરી ત્યારે શંકરાચાર્યે વિચાર્યું કે કલિવર્જિત હોવા છતાં પણ આપણે આ આશ્રમને પુન:સંચાલિત કરવો જોઈએ. એટલે એમણે હિંદુધર્મને એવી રીતે સંગઠિત કર્યો કે જેમાં સંન્યાસ આશ્રમને વિશેષ પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ. સંન્યાસ આશ્રમવાળાને પણ એમણે નવી રીતે સંગઠિત કર્યા અને સંન્યાસીઓના દશ મઠ બનાવ્યા.

શંકરાચાર્યે કરેલી આ વ્યવસ્થા આજે પણ ચાલે છે, પરંતુ એમાં તેજ ન રહ્યું. ભક્તિમાર્ગ અને જ્ઞાનમાર્ગને વધારીને અપણા સંતોએ સંન્યાસ-આશ્રમની મહત્તા ઘટાડી દીધી અને એને ઉપક્ષિત બનાવી દીધો. સંન્યાસી પરંપરા તો ચાલી પણ એ માત્ર પરંપરા જ બની રહી. પછીથી સ્વામી વિવેકાનંદે જોયું કે દેશને જાગૃત કરવા પરિવ્રાજકોની આવશ્યકતા છે અને એમણે એને એક નવું રૂપ આપ્યું. શ્રીરામકૃષ્ણ પરમહંસદેવના આ સંન્યાસી શિષ્યો નવા પ્રકારના સંન્યાસી હતા. સ્વામીજીએ એવી પ્રણાલી ચલાવી કે સંન્યાસીઓ રહે અદ્વૈત આશ્રમમાં અને કામ કરે સેવાશ્રમમાં. અર્થાત્‌ એમણે કર્મપ્રવણ સંન્યાસ ચલાવ્યો. આ સંન્યાસીઓએ વિદ્યાર્થીઓનાં શાળા-કોલેજ-છાત્રલયો ચલાવ્યાં, રોગીનારાયણો માટે હોસ્પિટલ-દવાખાનાં પણ ચલાવ્યાં; આપત્તિગ્રસ્ત લોકોની વહારે પણ દોડી ગયા.

આ રીતે સ્વામી વિવેકાનંદે પોતાનું યુગકાર્ય શરૂ કર્યું. એમાંથી પ્રેરણા મેળવીને રવીન્દ્રનાથે શાંતિનિકેતનમાં બ્રહ્મચર્યાશ્રમની સ્થાપના કરી. શ્રી અરવિંદે પોંડિચેરીમાં આશ્રમ સ્થાપ્યો અને વિનોબા ભાવેએ છેલ્લાં ૧૨ વર્ષોમાં ૬ નવા આશ્રમોની સ્થાપના કરી છે. વાસ્તવમાં આ બધા આશ્રમો આપણા માટે આધ્યાત્મિક, સામાજિક જીવનનાં પ્રયોગાલય બની ગયા છે. જેમ વિજ્ઞાન માટે પ્રયોગશાળા હોય છે તેમ સમાજના વિકાસ અને ઉત્થાન માટે પણ આવા આશ્રમ આવશ્યક છે.

સ્વામીજીએ કહ્યું કે સંન્યાસ આશ્રમમાં રહીને પણ આપણે બગીચામાં શાક-ભાજી ઉગાડવાનું કામ પણ કરવાનું છે અને મંદિરમાં જઈને જપ-ધ્યાનમાં પણ બેસવાનું છે. આપણે સૈનિક પણ બનવાનું છે અને સેવક પણ બનવાનું છે. આ રીતે સ્વામીજીએ સમગ્ર સમાજને પરિવર્તિત કરવાનો પ્રયાસ કર્યો છે. મારી દૃષ્ટિએ સ્વામી વિવેકાનંદને સમજવા માટે બે ગ્રંથ મહત્ત્વના છે : એક તો એમના પત્રો અને બીજો ભગિની નિવેદિતાએ લખેલ ‘The Master as I Saw Him’. નિવેદિતાએ લખેલ ગ્રંથમાં સ્વામી વિવેકાનંદની મશાલની જ્યોતિ આપણે જોઈ શકીએ છીએ. આ જ્યોતિ એમણે પોતાના જીવનને બાળી નાખીને પ્રગટાવી હતી. એમનું જીવન ઘણું વહેલું અને ત્વરિત ખતમ થયું; પરંતુ એ પોતાની આગવી રીતે કૃતાર્થ જીવન બન્યું. આપણા સમગ્ર રાષ્ટ્રમાં અને આખા વિશ્વમાં સ્વામીજી વવાઈ ચૂક્યા છે. ચાલીશ વર્ષ પૂરાં થતાં પહેલાં જ તેઓ આપણી વચ્ચેથી ચાલ્યા ગયા, પરંતુ એટલા અલ્પકાળમાં પણ ઘણી શીઘ્રતાથી એમણે પોતાનું સમગ્ર ભારતવ્યાપી કાર્ય કર્યું.

જ્યારે આપણે મહાપુરુષોની જન્મશતાબ્દિની વાત વિચારીએ છીએ ત્યારે તેઓ માતાની કુખેથી ક્યારે જન્મ્યા એ મહત્ત્વનું નથી પણ મહત્ત્વનું તો એ છે કે તેઓ આપણા હૃદયમાં ક્યારે જન્મ્યા? સ્વામીજીએ મને નાસ્તિક્તામાંથી બચાવી લીધો છે. મારા જીવનના એ દિવસો ઈશ્વર પર શ્રદ્ધા ન ધરાવવાના દિવસો હતા. આવા નાસ્તિક્તાના દિવસો માનવના જીવનમાં ક્યારેક તો આવવા જરૂરી છે. એવી નાસ્તિક્તા મારામાં ન આવત તો હું કેવળ પરંપરાઓનો ઉપાસક કે રૂઢિવાદી બની રહેત. મારા જે સંશયના દિવસો હતા એના પર પણ હું આદરપૂર્વક શ્રદ્ધા ધરાવું છું. એ દિવસો ગયા અને એના સ્થાને ઈશ્વર પર પુન:શ્રદ્ધા ઉત્પન્ન કરી ન્યાયમૂર્તિ રાનડેના ધર્મપ્રવચનોએ. પરંતુ મારા ઉદ્ધારક, મારા હૃદયને જાગ્રત કરીને એને આગળ ધપાવનાર યુગપુરુષ હતા સ્વામી વિવેકાનંદ. એમની તેજસ્વી વાણીએ મને જગાડ્યો. 

અહીં જે નવયુવાનો અને નવયુવતીઓ ઉપસ્થિત છે તે બધા એ સમજી લે કે સ્વામી વિવેકાનંદે જે કંઈ કર્યું અને ઉપદેશ્યું હતું એમાંથી જ આપણને રવીન્દ્રનાથ જેવા મહામાનવો સાંપડ્યા; એમાંથી જ શ્રી અરવિંદ સાંપડ્યા અને મહાત્મા ગાંધી પણ એમાંથી જ સાંપડ્યા. તમને પ્રશ્ન થશે કે આ અરવિંદનો વિવેકાનંદ સાથે કેવો સંબંધ હશે; તો હું બતાવું છું કે અરવિંદે પોતાના હસ્તાક્ષરમાં લખેલી એક નોટબુક મારી પાસે હતી. એમાં શ્રી અરવિંદે પોતાની પહેલી ઉપનિષદની લેખમાળા લખી હતી અને તે શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદને અર્પિત કરેલી હતી. આ નોટબુક મેં પોંડિચેરી આશ્રમને અર્પણ કરી છે. મહાત્મા ગાંધીજીએ શ્રીરામકૃષ્ણની જીવનકથાની પ્રસ્તાવનામાં એમણે ‘God-Man’ – ‘દેવમાનવ’ કહ્યા છે.

પોતાના યુગનું કાર્ય કરનારાઓમાં સ્વામી વિવેકાનંદ એકલા ન હતા. ત્રણ આત્માઓએ મળીને આ કાર્ય કર્યું છે. શ્રીરામકૃષ્ણદેવે આપણને વેદાંતનો મર્મ આપ્યો. સ્વામી વિવેકાનંદે આ વેદાંતના મર્મના અધ્યાત્મ-સંદેશને માનવસેવામાં વિનિયોગ કરી દેખાડ્યો. આ અધ્યાત્મને કેવી રીતે અપનાવી શકાય એ એમના ઉપદેશ-સંદેશે આપણને દર્શાવ્યું છે.

ભગિની નિવેદિતાએ આપણને એનું સમાજવિજ્ઞાન અર્પ્યું. આપણે આ ત્રિમૂર્તિને એક સાથે રાખીને વિચારવાનું છે; ત્રણેયનું સાહિત્ય સાથે રાખીને તેનું અધ્યયન કરવાનું છે. આ શતાબ્દિના પુણ્ય અવસરે ગુજરાતમાં સ્વામી વિવેકાનંદનું સાહિત્ય પ્રકાશિત થઈ રહ્યું છે. મેં એમને કહ્યું છે કે રામકૃષ્ણ-વિવેકાનંદ-નિવેદિતા-એ ત્રણેયનાં જીવનકથા અને સાહિત્ય એકત્ર કરી દેવાં અને ત્યારે જ એ યુગકાર્યની, માનવકાર્યની જાણકારી આજના જમાનાના લોકોને મળશે.

શ્રીરામકૃષ્ણ એવા કુશળ ગુરુ હતા કે જ્યારે એક શિષ્યને તેને અનુકૂળ સાધના ઉપાસના બતાવતા ત્યારે પોતાના બીજા શિષ્યોને ત્યાં ઉપસ્થિત ન રાખતા. શ્રીરામકૃષ્ણની મહાસમાધિ પછી પોતાના બધા ગુરુભાઈઓને સાથે રાખીને ચાલવાનું અને આધ્યાત્મિક પરિવાર બનાવવાનું કાર્ય સ્વામી વિવેકાનંદે કર્યું.

ચાર ચાર લગ્ન કરનાર ગૃહસ્થ પણ કેટલીયેવાર નિપુત્રિક રહે છે. પરંતુ સંન્યાસી પરંપરા કદીયે નિપુત્રિક નથી હોતી. આપણા આ ભારતવર્ષમાં સંન્યાસી પરંપરા અખંડ રૂપે ચાલતી રહી છે. ભારતીય સમાજના હિતમાં આ પણ ઘણી સારી બાબત ઘટી કે હિંદુધર્મના જાગરણ સાથે સ્વામી વિવેકાનંદે પ્રત્યેક ધર્મ પ્રત્યે આદરપૂર્વક પોતાનું મસ્તક નમાવ્યું. ઈસ્લામ, યહૂદી, ખ્રિસ્તી, બૌદ્ધ – બધા ધર્મો પ્રત્યે એમણે શ્રદ્ધાભાવ અર્પિત કર્યો છે.

કોઈ પણ ધર્મના વિશેષ દિને તેમણે પોતાના આશ્રમમાં વિવિધભાવે પૂજા-ઉપાસના કરી હતી. ક્રિસમસના પવિત્ર દિવસે શ્રીરામકૃષ્ણની છબિમાં ઈશા મસીહને નિરખવા એ સ્વામીજીની નવી સાધના છે. શ્રીરામકૃષ્ણદેવે ઈસાઈઓની ઈસ્લામની અને અન્ય ધર્મોની સાધના કરીને, અનુભૂતિ સાથે તેમણે પ્રસ્થાપિત કર્યું કે બધા ધર્મો સાચા છે. આ જ અનુભૂતિને સ્વામીજીએ પોતાની સંસ્થાઓ દ્વારા ફેલાવી. સ્વામી વિવેકાનંદ પછી મહાત્મા ગાંધીજીએ પોતાના આશ્રમની પ્રાર્થનામાં બધા ધર્મોની પ્રાર્થના એકત્રિત કરી અને સર્વધર્મ-સમભાવને પ્રવર્તાવ્યો. હવે આપણે એમ કહેવા લાગ્યા છીએ કે સર્વધર્મસમભાવથી આગળ વધીને આપણે સર્વધર્મમમભાવ સદૈવ માટે પ્રસ્થાપિત કરવો જોઈએ. આજે વિશ્વમાં ધર્મ ધર્મ વચ્ચે શીતયુદ્ધ ચાલે છે. આફ્રિકામાં મુસલમાન અને ખ્રિસ્તી ધર્મના પ્રચારકો વચ્ચે મૌન સંઘર્ષ ચાલી રહ્યો છે. એ દેશોમાં જઈને સર્વધર્મ સમન્વય દ્વારા શાંતિ સ્થાપવાનું પુણ્યકાર્ય ભારત કરશે ખરું? એક ગ્રંથ, એક પયગંબર અને એક જ પ્રકારની સાધનામાં જે લોકો માને છે, તેઓ બધા આખરે તો બને છે એક એક પંથ. વ્યાપક ધર્મભાવ તો બધા પયગંબરોની વાણીને આદરભાવ સાથે સ્વીકારે છે.

સ્વામી વિવેકાનંદ કેવળ દાર્શનિક તત્ત્વજ્ઞાની ન હતા. તેઓ સંગીતના પણ સારા જાણકાર હતા, એક કુશળ વાદક પણ હતા. ગીત-સંગીત ઉપરાંત કુસ્તીદાવ પણ બહુ સારી રીતે જાણતા હતા. જેટલું કાર્ય દશ વર્ષમાં પણ ન થઈ શકે એટલું કાર્ય તેમણે એક જ વર્ષમાં કર્યું છે. એટલે જ હું કહું છું કે સ્વામીજી યુગપુરુષ હતા. તેઓ માત્ર ભારતના જ નહિ પણ સમગ્ર વિશ્વના યુગપુરુષ હતા. આજે એમના જીવનમાંથી, એમનાં કાર્યોમાંથી, એમની વાણી અને સાહિત્યમાંથી આપણે સૌ પ્રેરણા લઈએ.

એમણે માત્ર ભણવાની જ વાત નથી કરી; પરંતુ એમણે કહ્યું છે કે આપણે ગ્રંથોનું વાચન-મનન કરવું જોઈએ અને એનો સાર ગ્રહણ કરીને કામ કરવાનું છે. જેવી રીતે આપણે ખેતરોમાંથી કણસલાં લઈ આવીએ છીએ અને ડાળી-ડાખળાં-કલસણાં અને અનાજ અલગ અલગ કરીએ છીએ. આવું જ આપણે અધ્યયનમાં પણ કરવું જોઈએ. શાસ્ત્રોમાં કહ્યું છે:

ग्रन्थम् अभ्यस्य मेधावी ज्ञान-विज्ञान तत्परः ।
पलालम् इव धान्यार्थी त्यजेद् ग्रन्थम् अशेषतः ।।

આપણે કર્મ, ભક્તિ, જ્ઞાન દ્વારા જીવનને સંપૂર્ણ બનાવવાનું છે. જીવનનો આપણે અનેકરૂપે વિસ્તાર કરવાનો છે; આવું કરીશું તો આપણે આપણી જાતને કૃતાર્થ કરી શકીશું. આવો પ્રયત્ન આપણે સૌ કરતા રહીએ અને સાથે પ્રાર્થના પણ કરીએ કે, આ બધાં સ્ત્રીપુરુષોનાં હૃદયમાં સ્વામીજી એક નવો જન્મ લે.

Total Views: 125

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.