દ્રોણાચાર્ય પાંડવો અને કૌરવોના ગુરુ હતા. એક દિવસ એક કાળા વાનવાળો છોકરો દ્રોણાચાર્ય પાસે આવ્યો અને દંડવત્ પ્રણામ કર્યા. દ્રોણે એને પ્રેમથી ઊભો કર્યો અને તેઓ તેના માટે શું કરી શકે તે પૂછ્યું. પેલા છોકરાએ કહ્યું: ‘મહારાજ, હું આપની પાસે ધનુર્વિદ્યા શીખવા આવ્યો છું. તમે મને શિષ્ય તરીકે સ્વીકારો.’ દ્રોણને આ છોકરાની વિનમ્રતા અને અભિગમ ગમી ગયાં. તેણે પ્રેમપૂર્વક તેના તરફ જોઈને કહ્યું: ‘વત્સ, તું કોણ છે ?’ છોકરાએ જવાબ આપ્યોઃ ‘હું જંગલના રાજા હિરણ્યધનુષનો પુત્ર એકલવ્ય છું.’ તે ક્ષત્રિય ન હતો અને એક હલકી જાતિનો પુત્ર હતો એથી દ્રોણ દિલગીર હતા. તેણે કહ્યું: “વત્સ, હું તને મારા શિષ્ય તરીકે સ્વીકારી ન શકું કારણ કે મેં ક્ષત્રિય રાજકુમારોને અસ્ત્રવિદ્યા શિખવવાનું નક્કી કર્યું છે. તેઓ તને પસંદ નહિ કરે.’ એકલવ્ય હતાશ થઈને ભગ્નહૃદયે જંગલમાં પાછો આવે છે. જો કે તેને દુઃખ તો થયું પણ દ્રોણ પ્રત્યે રજભાર પણ દુર્ભાવ ન થયો. ઊલટાનું એણે તો દ્રોણને મનથી ગુરુ માની લીધા. ગુરુની માટીની પ્રતિમા બનાવી અને તેની પૂજા કરવા માંડ્યો. દ૨૨ોજ તે આ પ્રતિમાની ભક્તિભાવથી પૂજા કરતો અને ધનુર્વિદ્યાનો અભ્યાસ કરતો. ગુરુ પ્રત્યેની ઊંડી નિષ્ઠાભક્તિને કારણે તે અનુપમ બાણાવળી બની ગયો.

એક વખત દ્રોણની અનુજ્ઞાથી કૌરવો અને પાંડવો જંગલમાં શિકારે ગયા. શિકાર માટે જરૂરી સામગ્રી સાથે એક નોકર પાંડવોની પાછળ પાછળ જતો હતો. તેની પાસે એક શિકારી કૂતરો પણ હતો. જંગલમાં ભટકતાં ભટકતાં કૂતરો એકલવ્ય પાસે જઈ ચડ્યો. આવા કાળિયા છોકરાને જોઈને કૂતરો ભસવા માંડ્યો. એકલવ્યે એને શાંત કરવો પડે તેમ હતું. તેણે સાત બાણ તેના મોમાં ભરી દીધાં. સાતેય બાણ મોઢામાં એવી કળાથી ઘૂસાડી દીધાં કે કૂતરો પોતાનું મોઢું ઉઘાડી ન શક્યો. કૂતરો તો પાછો દોડતો ગયો પાંડવો પાસે . તેના મોંને જોઈને તેઓ આશ્ચર્યમાં પડી ગયા. કૌરવો અને પાંડવો પોતાની ધનુર્વિદ્યાની ઉણપથી શરમ તો અનુભવી પણ આ રીતે પોતાના હેતુને સિદ્ધ કરતા બાણાવળીની બાણ ફેંકવાની કુશળ કળાની પ્રશંસા પણ કરવા લાગ્યા. પછી એ અજાણ્યા બાણાવળીની શોધ જંગલમાં કરવા લાગ્યા. અંતે ગુરુની પ્રતિમાની સામે બાણવિદ્યાના અતિમુશ્કેલ અને વિવિધ પ્રયોગોનો અભ્યાસ કરતા એક યુવાનને તેમણે જોયો. એ સાવ અજાણ્યા યુવાનને જોઈને તેને પૂછપરછ કરી. એકલવ્યે જવાબ આપ્યો : ‘અરે વીરપુત્રો ! હું ભીલરાજા હિરણ્યધનુષનો પુત્ર એકલવ્ય છું. હું ગુરુ દ્રોણનો શિષ્ય છું. ગુરુદેવની કૃપાથી કોઈને ય ઈજા વગર શાંત કરી દેવાની આ બાણવિદ્યામાં હું પ્રવીણ બનવા પ્રયત્ન કરું છું.’ જ્યારે પાંડવો હસ્તીનાપુર પાછા ફર્યા અને એમણે અદ્ભુત ધનુર્વિદ્યાના જ્ઞાતા એકલવ્ય વિશે દ્રોણને વાત કરી.

અલબત્ત, અર્જુનને આનો આઘાત લાગ્યો. તે ગુરુ દ્રોણનો પટ્ટશિષ્ય હતો. તે ગુરુજીને ખાનગીમાં મળ્યો અને કહ્યુંઃ ‘તમે મને વચન આપ્યું હતું કે મારા જેવો બીજો કોઈ ધનુર્ધારી દ્રોણશિષ્ય નહિ હોય. તો પછી મારા કરતાં પણ વધારે પ્રવીણ ધનુર્ધર આ નિષાદનો છોકરો તમારા શિષ્ય હોવાનો દાવો કેમ કરી શકે ?’

દ્રોણ એકલવ્યની સ્મૃતિ તાજી કરી ન શક્યા અને એના વિશે એને આશ્ચર્ય થયું. તેઓ અર્જુન સાથે જ્યાં એકલવ્ય રહેતો હતો ત્યાં જંગલમાં ગયા. તેમણે ત્યાં વલ્કલ અને વાઘચર્મ પહેરેલ એકલવ્યને જોયો. તે અવિરત બાણો ફેંકતો હતો. પોતાના ગુરુને જોઈને એકલવ્ય આનંદથી તેના તરફ દોડી ગયો અને ગુરુજીને દંડવત્ પ્રણામ કર્યા. બે હાથ જોડીને તે ગુરુજીની સમક્ષ ભાવભક્તિથી ઊભો રહ્યો. દ્રોણે તેને પૂછ્યું: ‘ભાઈ, તું મારો શિષ્ય ક્યારે બન્યો ?’ એટલે એકલવ્યે તેમને મનથી કેવી રીતે ગુરુ તરીકે સ્વીકાર્યા અને તેમણે એમને બાણવિદ્યા શીખવવાની ના કહી છતાં તે તેમનો શિષ્ય કેવી રીતે બન્યો તે વાત કરી. આખી વાત સાંભળીને નાખુશી સૂરે કહ્યું: ‘અરે બેટા ! તું ખરેખર મારો શિષ્ય છો. હવે તું મને ગુરુદક્ષિણા આપ.’ એકલવ્ય આ સાંભળીને રાજી રાજી થઈ ગયો. તેણે કહ્યુંઃ ‘અરે કૃપાનિધિ ! આપને હું શું આપું ? મને આજ્ઞા કરો. આપ જે માગશો તે આપીશ.’ દ્રોણે ખચકાતાં કહ્યું: ‘બેટા, મને ગુરુદક્ષિણામાં તારા જમણા હાથનો અંગૂઠો આપ.’

ગુરુના અનન્યભક્ત એકલવ્યે હસતામુખે જમણા હાથનો અંગૂઠો દ્રોણને ચરણે ધરી દીધો. તેણે ગુરુજીને પ્રણામ કર્યા. દ્રોણ અને અર્જુન હસ્તીનાપુર ચૂપચાપ પાછા ફર્યા.

જ્યારે એકલવ્યે ફરીથી બીજી આંગળીઓની મદદથી બાણ ફેંકવાનું શરૂ કર્યું ત્યારે તેને ખ્યાલ આવ્યો કે અંગૂઠા વિના પોતાની ધનુર્વિદ્યાની નિપૂણતામાં ઘણી ઊણપ આવી છે. તેણે પોતાના ગુરુના ‘અર્જુન સમો બીજો કોઈ ધનુર્ધારી નહિ બને’ વચનને સાચું પાડ્યું. પોતાના ગુરુપ્રત્યેની અત્યંત શ્રદ્ધાભક્તિને કારણે એકલવ્ય અમ૨  બની ગયો.

Total Views: 136

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.