(શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ રામકૃષ્ણ અને રામકૃષ્ણ મિશનના પરમાધ્યશ્રી છે.)

શ્રીરામકૃષ્ણના ઈશ્વર-સાક્ષાત્કાર તથા તે માટેનાં વ્યવહારુ પગલાં વિષેનાં મંતવ્યોની ચર્ચા કરતાં પહેલાં આ શબ્દોનો ખરેખર શો અર્થ થાય છે તે સ્પષ્ટ કરવાનું જરૂરી છે. સૌથી પહેલાં, ‘ઈશ્વર’ શબ્દ આપણને આપણા મનમાં રચી શકીએ તેવા એક આદર્શનો બોધ કરાવે છે. આ આદર્શ એટલે આપણે જેને સ્પષ્ટ રીતે સમજતા નથી તેવી હસ્તી (કે અસ્તિત્વ)માં આપણે જે સર્વોચ્ચ ગુણોનું આરોપણ કરીએ છીએ તે ગુણોની અભિવ્યક્તિ. રામાનુજની ઈશ્વર વિષેની વ્યાખ્યામાં આ મત સમાયેલો છે, જેમાં તેઓ ઈશ્વરને ‘અશેષ કલ્યાણગુણસંપન્નઃ નિખિલ હેયગુણવર્જિતઃ ‘બધા જ કલ્યાણકારી અને શુભ ગુણોથી સંપન્ન, અને એક ભક્તે નિવારવા જોઈએ તેવા બધા (નીચ) ગુણોથી મુક્ત’ કહ્યા છે. આ ઘણી સાદી વ્યાખ્યા છે, જે ઈશ્વર વિષે સૈદ્ધાંતિક ઝંઝટોમાં બહુ પડવા માગતા ન હોય તેવા મોટા ભાગના લોકો માટે સ્વીકાર્ય બને તેમ છે. સિદ્ધાંતો આપણી વ્યવહારુ સમજણથી ઘણી વખત જુદા પડતા હોય છે. આપણને કલ્પનામાં વિહાર કરવાનું ગમતું હોય છે, આપણે પોતે સ્પષ્ટપણે સમજતા ન હોઈએ તેવા શબ્દોનો, માત્ર આવા શબ્દો આપણા શાસ્ત્રોમાં મળતા હોય કે મહાન ઉપદેશકોએ તેનો ઉપયોગ કર્યો હોય એટલા કારણસર જ, ઉપયોગ કરવાનું પણ આપણને ગમતું હોય છે. ઈશ્વર વિષેની આપણી મોટાભાગની ધારણાઓ આવા વલણ ઉપર આધારિત હોય છે. આપણે ઈશ્વર વિષે સાચી ધારણા બાંધી શકતા નથી, કારણ આપણું મન વિશુદ્ધ હોતું નથી. આપણી પાસે ઈશ્વર વિષેની સાદામાં સાદી ધારણા એ હોઈ શકે કે, તે સંપૂર્ણ શુદ્ધતાનું મૂર્તિમંત સ્વરૂપ છે. પરંતુ આપણે પોતે જ શુદ્ધ નથી હોતા, તેથી સંપૂર્ણ શુદ્ધતા એટલે ખરેખર શું, તે આપણે સમજી શકતા નથી. તેમ છતાં આપણે જેમ જેમ તે આદર્શને અનુસરતા જઈએ, તેમ તેમ આપણે તબક્કાવાર વધુ ને વધુ શુદ્ધ બનતા જઈએ છીએ. ઈસુએ જેમ બાઈબલમાં કહ્યું છે, “સ્વર્ગમાં તમારા પિતા જેવા પૂર્ણ છે. તેવા તમે પૂર્ણ બનો…ધન્ય છે તેઓ કે જેઓ હૃદયમાં શુદ્ધ છે, કારણ તેઓ ઈશ્વરનાં દર્શન કરી શકશે.” આપણી પાસે ઈશ્વરીય ગુણો પૂરેપૂરા પ્રમાણમાં હોવા જ જોઈએ, કારણ, તો જ આપણે ઈશ્વરનો સાક્ષાત્કાર કરી શકીએ.

આમાંથી બીજો પ્રશ્ન ઉપસ્થિત થાય છે – ઈશ્વર-સાક્ષાત્કાર એટલે શું? તેનો અર્થ એ થાય કે, ઈશ્વર આપણે માટે એક વાસ્તવિક હકીકત બની જશે – એ અર્થમાં કે, આપણા પોતાનામાં જ ઈશ્વરીય ગુણો પ્રગટ થશે. એટલે કે, આપણે જેમ જેમ ઈશ્વરને પ્રત્યક્ષ કરતા જઈશું, તેમ તેમ આપણે ઈશ્વર જેવા બનતા જઈશું. આપણે જેમ જેમ ‘તે’ની વધારે નજીક જતા જઈશું, તેમ તેમ આપણા મનમાં તે આદર્શને વધારે આત્મસાત કરતા જઈશું, અને જ્યારે આપણે પૂર્ણ શુદ્ધતાની સ્થિતિ પૂરેપૂરી પ્રાપ્ત કરી લઈશું, ત્યારે આપણે આપણી વ્યક્તિગત હસ્તી (જીવપણાનો અનુભવ), આપણી મર્યાદાઓ ગુમાવી દઈશું અને ‘તે’ની સાથે એક બની જઈશું. પૂર્ણ સાક્ષાત્કાર એટલે ઈશ્વર સાથે પૂર્ણ તાદાત્મ્ય અથવા તો ‘તે’નાથી અલગતાના ખ્યાલની સંપૂર્ણ નાબૂદી. અદ્વૈતવાદના મતે આનું નામ જ ઈશ્વર-સાક્ષાત્કાર. પરંતુ તે સિવાય પણ ઈશ્વરના અનુભવને જુદી રીતે સમજવામાં આવતો હોય તેવી બીજી પણ વિવિધ પદ્ધતિઓ છે, તેમાં દ્વૈતવાદીઓ છે, જેઓ જીવના ઈશ્વર સાથેના સંપૂર્ણ તાદાત્મ્યમાં માનતા નથી. પરંતુ બધા જ મતોમાં આ એક બાબત પરત્વે એકમતી છે, કે જેમ જેમ આપણે ઈશ્વર-સાક્ષાત્કાર તરફ આગળ જતા જઈએ, તેમ તેમ આપણે ઈશ્વર જેવા બનતા જઈએ છીએ.

વળી, આપણે એ રસ્તે જેમ જેમ આગળ વધતા જઈએ, તેમ તેમ ઈશ્વરત્વ વિષેના આપણા ખ્યાલમાં પણ પ્રગતિ થતી રહે છે. આપણે જેમ જેમ આધ્યાત્મિક્તાનો વિકાસ કરતા જઈએ, તેમ તેમ આધ્યાત્મિક જીવનમાં અંતિમ લક્ષ્ય વિષેની આપણી ધારણાનો પણ સાથે સાથે વિકાસ થતો જાય છે. આધ્યાત્મિક જીવનમાં આપણા પોતાના વિકાસ વગર ઈશ્વરને એક આદર્શ તરીકે સાચી રીતે સમજી શકાતો નથી, અને તે આદર્શને આપણે પ્રાપ્ત પણ કરી શકતા નથી. એ આદર્શ તરફ આપણે જેમ જેમ વધારે આગળ વધતા જઈએ, તેમ તેમ ‘ઈશ્વર’ શબ્દ વિષેની આપણી સમજણ વધારે ને વધારે સ્પષ્ટ બનતી જાય છે.

આપણે અંતિમ સત્ય (પરમ તત્ત્વ)ની નજીકમાં નજીક ન પહોંચીએ કે તેની સાથે તાદાત્મ્ય ન સાધીએ, ત્યાં સુધી તેનો સાચો ખ્યાલ આવવાનું શક્ય નથી. હું કોઈ પણ વ્યક્તિને મારી અને તેની વચ્ચેના સમાન વિચારો વિષેના મારા અનુભવ ઉપરથી જ સમજી શકું; તેમ ન હોય તો હું તેને વિષેનો સાચી સમજણ ધરાવી શકું નહીં. અને જેટલે અંશે અમે એકબીજાની વધારે નજીક હોઈએ, એટલે અંશે અમે એકબીજાને વધારે સ્પષ્ટ રીતે સમજી શકીએ. ઈશ્વર આપણા મર્યાદિત, અશુદ્ધ વ્યક્તિત્વથી એટલો બધો ભિન્ન છે કે, જ્યાં સુધી આપણે આપણી મર્યાદાઓને ઓળંગી ન જઈએ, અને આપણામાં અનુભવાતી અશુદ્ધિઓને દૂર ન કરીએ, ત્યાં સુધી ‘તે’નો સાચો ખ્યાલ કદી મેળવી શકીએ નહીં.

આપણે મર્યાદિત છીએ, આપણે અશુદ્ધ છીએ, આપણે દુ:ખોથી પીડાઈએ છીએ, આપણો આનંદ ક્ષણિક છે – આ બધા આપણા રોજબરોજના જીવનના વાસ્તવિક અનુભવો છે; આપણા અસ્તિત્વની દરેક પળે આપણે તે બધાનો અનુભવ કરતા હોઈએ છીએ. પરંતુ તે સાથે આપણને એક એવા અસ્તિત્વની પણ ધારણા હોય છે કે, જે આપણે અત્યારે છીએ તેના કરતાં વધારે ઊંચું, વધારે શ્રેષ્ઠ, વધારે ઉમદા, વધારે શુદ્ધ હોઈ શકે છે; આ જ વિચાર આપણામાં એક એવી લાગણીને જન્મ આપે છે કે, આપણા જેવી મર્યાદાઓ અને અપૂર્ણતાઓથી પર એવી આપણા કરતાં વધારે ઊંચી કોઈક હસ્તી જરૂર હોવી જોઈએ. આ પૂર્ણ, અમર્યાદિત હસ્તી એ આપણું લક્ષ્ય છે, કારણ આપણે બધા આપણી મર્યાદાઓને ઓળંગી જવાની વૃત્તિ તો ધરાવતા જ હોઈએ છીએ. આપણે હંમેશાં આપણી મર્યાદાઓથી અને અપૂર્ણતાની સભાનતાથી પીડાતા હોઈએ છીએ, અને તેમને ઓળંગી જવા માટે હંમેશાં સંઘર્ષ કરતા હોઈએ છીએ, આપણે ઈશ્વરમાં માનતા હોઈએ કે નહીં, પરંતુ આપણી મર્યાદાઓને ઓળંગી જવાની આ અદમ્ય વૃત્તિ એ મૂળભૂત વૃત્તિ છે. જે આપણને હંમેશાં આગળ ધપવા પ્રેરે છે. નાસ્તિકમાં પણ આ વૃત્તિ હોય છે. અને તેથી એ પણ તે સમય પૂરતો પોતાનાથી બને તે રીતે પોતાની જાતને સુધારવાનો પ્રયત્ન કરતો હોય છે. પોતાની મર્યાદાઓને ઓળંગી જવાની વૃત્તિ એ બધા લોકોમાં રહેલી એક સામાન્ય વૃત્તિ છે, અને જ્યારે આપણે મર્યાદા ઓળંગવાના આપણા પ્રયત્નોના લક્ષ્ય તરીકે ઈશ્વરીય તત્ત્વને રાખીએ છીએ ત્યારે આપણે ધાર્મિક કહેવાઈએ છીએ. અને જેટલે અંશે આપણે ઈશ્વરીય આદર્શને આપણામાં આત્મસાત્ કરીએ, તથા એ આદર્શના બીબામાં આપણી ચેતનાને પરિવર્તિત કરવામાં સફળ થઈએ, તેટલે અંશે આપણે આધ્યાત્મિક રીતે પ્રગતિ કરી કહેવાય. આ પ્રકારની સમજણ એ કોઈ (ખાસ) સિદ્ધાંત કે પદ્ધતિ પૂરતી મર્યાદિત નથી; અદ્વૈતવાદી અને દ્વૈતવાદી બંને તેને સ્વીકારે છે. માત્ર આપણે આપણી મર્યાદાઓને કઈ રીતે પાર કરીએ છીએ અને કઈ રીતે ઈશ્વરનું સામીપ્ય પ્રાપ્ત કરીએ છીએ તે બાબત ૫રત્વે જ ભિન્ન ભિન્ન મતો પ્રવર્તે છે; આ મતો માનવ-મનમાં રહેલી પ્રબળ મનોવૃત્તિઓ દ્વારા ઘડાતા હોય છે.

કેટલાક લોકો એવા છે કે, જેઓ એમ માને છે કે, આપણામાં ખરેખર કોઈ મર્યાદાઓ છે જ નહીં; આપણે આપણી જાત વિષેના એક પ્રકારના ખોટા ખ્યાલથી, જાણે કે કોઈ દુઃસ્વપ્નથી, પીડાતા હોઈએ છીએ. (એટલે) તેઓ વિવેકશક્તિની કે આત્મ-પૃથક્કરણની પ્રક્રિયા દ્વારા આ દુઃસ્વપ્નમાંથી જાગૃત થવાની કોશિશ કરતા હોય છે. આ ‘જ્ઞાન’નો માર્ગ છે. બીજા કેટલાક લોકો ‘અંતિમ સત્ય’ને સર્વોચ્ચ હસ્તી તરીકે માને છે. તેમના મતે, આ પરમ હસ્તી આપણી પ્રાર્થનાને સાંભળે છે, અને તેની કૃપા વડે આપણાં દુઃખો અને મર્યાદાઓને દૂર કરવાનું શક્ય બને છે. આ માર્ગ ‘ભક્તિ’નો છે. આ ઉપરાંત ત્રીજો માર્ગ છે, જે ‘કર્મમાર્ગ’ તરીકે જાણીતો છે. તે પણ એ જ લક્ષ્યની પ્રાપ્તિ તરફ દોરવાયેલો હોય છે, પરંતુ તેમાં તે માટેની પ્રક્રિયા જુદી હોય છે. પરંપરાગત મત પ્રમાણે, ‘કર્મયોગ’ એટલે શાસ્ત્રોએ નિયત કરેલા ક્રિયાકાંડોનું આચરણ. પરંતુ તેમાં પાયાની પ્રક્રિયા તો (કર્મ કરતી વખતે) મનને સ્વાર્થીપણાથી મુક્ત રાખવાની જ હોય છે. નિઃસ્વાર્થ કર્મ દ્વારા આપણે આપણી જાતનું પરિવર્તન કરીએ છીએ, અને જ્યારે આપણે સંપૂર્ણ શુદ્ધ બનીએ છીએ ત્યારે આપણે એ ‘આદર્શ’ની પ્રકૃતિ પ્રાપ્ત કરીએ છીએ. ત્યાર પછી એક માર્ગ ‘ધ્યાન’નો પણ છે. અલબત્ત, ભક્તિમાર્ગ અને જ્ઞાનમાર્ગમાં પણ ધ્યાન તો આવે જ છે. પરંતુ એક ભક્ત પોતે જેની ઉપાસના કરે છે તે દૈવી તત્ત્વના સ્વરૂપમાં પોતાને પરિવર્તિત કરવાનો સભાન પ્રયત્ન કરતો હોતો નથી. તેને બદલે જેમ જેમ તે ઈશ્વર વિષે ચિંતન કરતો જાય છે, તેમ તેમ તે ઈશ્વર-મય બનતો જાય છે. આદિ શંકરાચાર્ય ‘ઉપાસના’ શબ્દને આ રીતે સમજાવે છેઃ ‘ઉપગમ્ય આસનમ્ ચિંતનમ્’‘આદર્શની પાસે બેસીને, એટલે કે, તેનું ચિંતન કરીને, તેની તરફ આગળ વધવું.’ જેમ જેમ આપણે માનસિક રીતે આપણા ‘આદર્શ’ તરફ આગળ વધીએ, તેમ તેમ આપણે તે આદર્શમાં પરિવર્તત થતા જઈએ છીએ. આપણે ‘ઉપાસના’ ક્યાં સુધી ક૨વી પડે? જ્યાં સુધી આપણે આપણા આદર્શમાં પરિવર્તિત ન થઈએ ત્યાં સુધી. ધર્મ એ માત્ર વિચારવાની બાબત નથી, પરંતુ તે સાથે તે ‘હોવું’ અને ‘થવું’ પણ છે; (તેમાં) આપણે આપણી જાતને આદર્શ સ્થિતિમાં- પછી આપણા મનમાં તે આદર્શ સ્થિતિ વિષે જે ખ્યાલ હોય તે પરિવર્તિત કરીએ છીએ.

આ ચર્ચા ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે, જો કે ઈશ્વર-સાક્ષાત્કારના જુદા જુદા અનેક માર્ગો હોય તેમ જણાય છે, છતાં તે બધામાં પાયાની પ્રક્રિયા તો એક સમાન જ છે – અર્થાત્, વ્યક્તિની ચેતનાનું પરિવર્તન કરવું અને વ્યક્તિની મર્યાદાઓની પેલે પાર જવું. ઈશ્વર-સાક્ષાત્કારના પ્રયત્નો તો અનાદિકાળથી થતા આવ્યા છે, અને જેમ જેમ લોકોએ તેને વિષે તર્કસંગત ધારણાઓ બાંધવા માંડી, તેમ તેમ જુદી જુદી આધ્યાત્મિક વિચારસરણીઓનો ઉદ્ભવ થવા લાગ્યો. પરંતુ તે બધાની ભૂમિકા તો એક જ છે. આધુનિક વિશ્વને આ સૂક્ષ્મદૃષ્ટિનું પ્રદાન શ્રીરામકૃષ્ણે કર્યું છે.

શ્રીરામકૃષ્ણે પોતાની પાસે અગાઉ જેના વિષે કદી વિચારાયું જ ન હોય તેવો કોઈ નવો સંદેશો વિશ્વને આપવા માટે છે, તેવો દાવો ક્યારેય નથી કર્યો. તેમણે માત્ર અમુક મૂળભૂત આધ્યાત્મિક વલણો ઉપર ખાસ ભાર આપવાનો પ્રયત્ન કર્યો હતો. તેથી આપણે જ્યારે ‘શ્રીરામકૃષ્ણના મત પ્રમાણે ઈશ્વર-સાક્ષાત્કારનાં પગલાં’ વિષે વાત કરીએ છીએ, ત્યારે આપણો કહેવાનો અર્થ ‘શ્રીરામકૃષ્ણે ઈશ્વ૨-સાક્ષાત્કાર માટે અમુક પગલાં ઉપર આપેલો ભાર’ એવો જ માત્ર થાય છે. અને અહીં જ, તેમણે આધ્યાત્મિક્તાના અમુક પાસાંઓ ઉ૫૨ જે રીતે ભાર આપ્યો છે તેને કારણે જ, શ્રીરામકૃષ્ણ તેમના પુરોગામીઓથી જુદા પડે છે. વાસ્તવમાં, સનાતન આધ્યાત્મિક માર્ગ તો એક જ છે. શ્રીકૃષ્ણે અર્જુનને કહ્યું છે તેમ, ‘સ ચ એવાયં મયા તેઽદ્ય યોગઃ પ્રોક્તઃ પુરાતનઃ (મેં તને હમણાં જે યોગનો બોધ કરાવ્યો, તે ઘણો પુરાતન છે – ગીતા ૪.૩.) અને શ્રીકૃષ્ણ પણ યોગના પ્રથમ ઉપદેશક ન હતા. બીજા કેટલાક લોકો તેમની પહેલાંના સમયથી તેનો ઉપદેશ કરતા જ હતા. ઈતિહાસના દરેક યુગમાં કોઈને કોઈ મહાન આધ્યાત્મિક નેતાએ અવતરવું પડે છે અને માનવીને તેને આધ્યાત્મિક ખોજમાં તે યુગમાં વધારે અનુકૂળ હોય તેવા અમુક ખાસ મુદ્દાઓ, અમુક આદર્શો, વલણો, માન્યતાઓ અને આચારોનું સ્મરણ કરાવવું પડે છે. મહાન ધાર્મિક નેતાઓના ઉપદેશો એકબીજાથી અલગ પડતા હોય છે. તેનું કારણ આ જ હોય છે. તેઓ તેમણે આધ્યાત્મિક જીવનના એક યા બીજા મુદ્દા ઉપર આપેલા ખાસ ભારને કારણે જ જુદા પડતા હોય છે. બાકી તો અંતિમ પૃથક્કરણમાં તે બધા જ રસ્તાઓ, જુદાં જુદાં નામોથી ઓળખાતા હોવા છતાં, ઓછે વત્તે અંશે સમાન જ હોવાનું જોવા મળ્યું છે. શ્રીકૃષ્ણની જેમ શ્રીરામકૃષ્ણે પણ પોતે કોઈ નવો માર્ગ શોધ્યો હોવાનો દાવો કર્યો નથી. વિશ્વ-ગુરુ એવા શ્રીરામકૃષ્ણે એ જ સનાતન માર્ગનો ઉપદેશ આપ્યો હતો, પરંતુ તેમણે તેના આધુનિક યુગમાં ખાસ જરૂરી હોય એવાં અમુક પાસાંઓ ઉપર વિશેષ ભાર મૂક્યો હતો. હવે આપણે શ્રીરામકૃષ્ણે જેના ઉપર ખાસ ભાર મૂક્યો હતો તે મુદ્દાઓ કયા હતા તે જોઈએ.

આ સંદર્ભમાં આપણે માત્ર આધ્યાત્મિક જીવનમાં વ્યવહારુ (અમલમાં મૂકી શકાય તેવા) હોય તેવાં પગલાંઓની જ વાત કરીશું. આમાં ‘વ્યવહારુ’ શબ્દ મહત્ત્વનો છે, કારણ સૈદ્ધાંતિક અનુમાનો તો અનંત હોય છે અને તેમને આપણા વાસ્તવિક જીવન સાથે કદાચ કોઈ સંબંધ હોતો નથી. અનુમાનો પોતે આપણને કશું ફળ આપતા નથી. તેઓ જ્યારે નૈતિક અને આધ્યાત્મિક તાલીમના પાયા ઉપર આધારિત થયા હોય છે, ત્યારે જ ફળદાયી બનતા હોય છે.

આપણા મનની રચના જુદી જુદી રીતે થયેલી હોય છે, અને તેથી ઈશ્વરીય તત્ત્વ વિષેની આપણી ધારણાઓ તથા આપણે અનુસરવાના માર્ગો પણ જુદા જુદા હોય જ. દરેક વ્યક્તિમાં તેનાં અંતર્ગત વલણો અનુસાર જુદી જુદી રીતે આધ્યાત્મિક વિકાસ થતો હોય છે. (પરંતુ) જ્યારે ઘણા બધા લોકો અંતિમ સત્ તત્ત્વ વિષે વિચાર કરતા હોય, ત્યારે સ્વાભાવિક રીતે જ તેમની ધારણાઓમાં અમુક સમાનતાઓ આવી જવાની. આ સમાનતાઓનું અમુક જૂથમાં, (કે) તત્ત્વજ્ઞાન (દર્શન)ની અમુક પદ્ધતિઓમાં વર્ગીકરણ કરી શકાય, ધાર્મિક પંથો આ પ્રકારના વર્ગીકરણ ઉપર આધારિત થયા હોય છે.

હવે, શ્રીરામકૃષ્ણના મત અનુસાર, આધ્યાત્મિક સમજણ (કે જ્ઞાન)માંની વિભિન્નતાઓથી (આપણા મનમાં) ગૂંચવણ ઊભી થવી જોઈએ નહીં. તેમણે અનુમાનોને નહીં પરંતુ વાસ્તવમાં જીવાતા જીવન ઉ૫૨ ભાર મૂક્યો હતો. તેમણે લોકોને ઈશ્વર – સાક્ષાત્કાર માટે ‘તે’ની પ્રાર્થના કરવાનું કહ્યું. ઈશ્વરની પ્રાર્થના કરવા માટે તમારી પાસે તેના વિષેની કોઈ અધ્યાત્મ વિદ્યાકીય જટિલ ધારણા, કે તે (ઈશ્વર) ખરેખર અસ્તિત્વ ધરાવે છે કે નહીં તે વિષેની કોઈ તર્કસંગત સાબિતી હોવાનું જરૂરી નથી. ઈશ્વર વિષેની તમારી ધારણા ગમે તે હોય, પરંતુ જો તમે ખરા દિલથી પ્રાર્થના કરશો, તો તે (ઈશ્વર) તમારી સમક્ષ પ્રગટ થશે જ, તેવી ખાતરી શ્રીરામકૃષ્ણે આપણને આપી છે. આ એક ઘણો વ્યવહારુ રસ્તો છે, જે કહે છે કે, આપણે વિવિધ દાર્શનિક વિચારધારાઓની ગુંચવણમાં પડવાની જરૂર નથી; તે જ રીતે તે એમ પણ કહે છે કે, આપણે જેમના અનુયાયીઓ પોતે જે પદ્ધતિ કે પંથને માને છે તે જ માત્ર પૂર્ણ છે અને બીજા પંથો (કે પદ્ધતિઓ) અપૂર્ણ કે ભૂલભરેલા છે તેમ માનીને એક બીજા સાથે તકરાર કરતા હોય તેવા ધાર્મિક સંપ્રદાયોના જમેલામાં પણ પડવાની જરૂર નથી. દરેક વ્યક્તિએ સૌ પહેલાં તો તેના પોતાના જ માર્ગ (પંથ)ને અનુસરીને ‘પરમ સત્ય’નો સાક્ષાત્કાર કરવો જોઈએ. શ્રીરામકૃષ્ણના મત અનુસાર, કોઈ પણ વ્યક્તિને પોતે જેનો અનુયાયી ન હોય તેવા કોઈ માર્ગ (પંથ) વિષે ન્યાય તોળવાનો અધિકાર નથી. જ્યારે આપણે બીજાનાં મંતવ્યોની કસોટી ન કરી હોય, તેમની પદ્ધતિઓની કસોટી ન કરી હોય, ત્યારે તેમની ઉપર ન્યાય આપવાનો આપણને કોઈ અધિકાર નથી – અને તેમાં પણ જ્યારે આપણે આપણા પોતાના જ માર્ગની કસોટી કરી ન હોય. ત્યારે તો નહીં જ. જો તમે ધર્મ ઉપરની કોઈ જાહેરચર્ચાને ધ્યાનપૂર્વક સાંભળો તો તમને માલૂમ પડશે કે, દરેક વ્યક્તિ બીજાને શું કહેવું છે તે સમજ્યા વગર, અથવા તો તે સમજવાની કોશિશ પણ કર્યા વગર, માત્ર પોતે પસંદ કરેલા એક વિશિષ્ટ આદર્શ કે વિચારધારાને અનુસરતી હોય છે. આ એક દુરાગ્રહપૂર્ણ અભિગમ છે, અને આપણે બધા જ તેનાથી પીડાતા હોઈએ છીએ. શ્રીરામકૃષ્ણે આ પ્રકારના દુરાગ્રહ ઉપર જ પ્રહાર કર્યો છે. તેમણે વસ્તુતઃ એમ કહ્યું: “જ્યારે તમે તમારા પોતાના જ માર્ગ (પંથ) વિષે ચોક્કસ નથી, ત્યારે (તેવી સ્થિતિમાં) બીજાના માર્ગોના સત્ય કે અસત્ય વિષે શી વાત કરવી! આથી તમારે વધારે નમ્ર બનવું જોઈએ. તમારે ઈશ્વરને લગતી બાબતો અને અનુભવાતીત સત્યો વિષે વિધાનો કરતી વખતે સાવચેત રહેવું જોઈએ. શ્રીરામકૃષ્ણ સાંસારિક લોકો ઈશ્વર વિષે વાત કરે તેને બાળકો ઈશ્વરના નામે સોગંદ લે (જે તેઓ તેમના વડીલો પાસેથી શીખ્યા હોય) તેની સાથે સરખાવતા.

તેમ છતાં અહીં એક અગત્યના મુદ્દાની નોંધ ક૨વાની રહે છે: શ્રીરામકૃષ્ણે લોકોને બીજાના ધર્મને માન આપવાનો માત્ર બોધ જ નહોતો આપ્યો, પરંતુ તેમણે પોતે તેમનું (અન્ય ધર્મોનું) આચરણ પણ કર્યું હતું. (તે પરથી) પોતાના વ્યવહારુ અનુભવના આધારે તેઓ કહી શકતા હતા કે, એ બધા જ માર્ગો એક જ લક્ષ્ય તરફ લઈ જાય તેમ હતા. (તેમનું) આ વિધાન પોતે કોઈ મૌલિક (કે નવું) વિધાન નથી. કારણ, શ્રીરામકૃષ્ણની પહેલાં પણ તેમાં રહેલા પાયાના વિચારને ભારતમાં કેટલાક અન્ય આધ્યાત્મિક ગુરુઓએ વ્યક્ત કર્યો જ હતો. ઋગ્વેદ કહે છે: “સત્ય એક છે, ઋષિઓ ‘તે’ને જુદાં જુદાં નામો આપે છે.” બૃહદારણ્યક ઉપનિષદ્ કહે છે (૨.૪.૧) ‘સર્વસામયાં સમુદ્ર એકાયનમ્’ બધાં જ પાણી આખરે તો એક જ ધ્યેય સમુદ્ર – તરફ વહે છે’ (પરંતુ) શ્રીરામકૃષ્ણની અનન્યતા એમાં રહેલી છે કે, તેમણે આ સત્યને તેમના પોતાના જીવન દ્વારા, પોતાના વ્યવહારુ અનુભવ દ્વારા પ્રદર્શિત કર્યું છે. વિશ્વના ધર્મોના ઈતિહાસમાં આપણને શ્રીરામકૃષ્ણે જે રીતે વિવિધ માર્ગો (પંથો) અંગે પ્રયોગો કર્યા તેવું કરનારી કોઈ વ્યક્તિ મળતી નથી. તેમણે જુદા જુદા પંથોનું અનુસરણ જે તે પંથોના અનુયાયીઓ જેટલી જ વફાદારીપૂર્વક કર્યું હતું, અને આખરે (તેમાંથી) તેમને એ સત્ય સાંપડ્યું કે, “જેટલા ધાર્મિક પંથો, તેટલા જ ઈશ્વરીય તત્ત્વ તરફ લઈ જનારા માર્ગો.” જ્યારે આપણે ઈશ્વરીય તત્ત્વને પામીએ છીએ, ત્યારે આપણા ઝઘડા ખતમ થઈ જાય છે. શ્રીરામકૃષ્ણ આ મુદ્દા ઉપર ઘણો ભાર મૂકતા.

તમે પૂછી શકો છો કે, તેમના પુરોગામી ગુરુઓએ શા માટે આ ખાસ મુદ્દા ઉપર ભાર મૂક્યો ન હતો. તેનો જવાબ એ છે કે, આપણે (એ) જાણતા નથી. કદાચ તે વખતે ધાર્મિક સંઘર્ષોએ આજના જેટલું ભયજનક પ્રમાણ ધારણ કર્યું નહીં હોય, અથવા તો (તેમાંથી) આટલા (આજના જેવા) ગંભીર સામાજિક પરિણામો ઊભાં થયાં નહીં હોય. ધર્મોની સુસંવાદિતા ઉપર ભાર મૂકવાની જરૂર તો આજના ભયંકર રીતે વકરી ગયેલી હિંસા અને વિનાશક શક્તિના વર્તમાન યુગના લોકો માટે જ ઊભી થઈ છે.

શ્રીરામકૃષ્ણે જે બીજા મુદ્દા ઉપર ભાર મૂક્યો હતો, તે મુદ્દો હતો (ઈશ્વર દર્શનમાં) આધ્યાત્મિક આકાંક્ષાના મહત્ત્વ વિષેનો. તેમણે એ બાબત ઉપર ખાસ ભાર મૂક્યો હતો કે, ઈશ્વરનો સાક્ષાત્કાર માત્ર કોઈ ખાસ પંથને અનુસ૨વાથી જ નહીં, પરંતુ ઈશ્વર માટેની તીવ્ર આકાંક્ષા (તેઓ કહેતા તેમ, ‘વ્યાકુળતા’) દ્વારા થાય છે. તેમણે આ મુદ્દા ઉપર ભાર આપવાનું તેમના પોતાના અનુભવ ઉ૫૨થી તારવ્યું હતું. પોતાની ‘સાધના’ની શરૂઆતમાં તેઓ કોઈ વ્યવસ્થિત આધ્યાત્મિક પદ્ધતિ (કે પંથ)નું પાલન ન કરતા. તેઓ માત્ર પોતાના હૃદયની વ્યાકુળતાને જ અનુસરતા, અને એ વ્યાકુળતાની ઉત્કટતા દ્વારા જ તેમણે અજ્ઞાનનો પરદો ચીરી નાખ્યો હતો, અને દિવ્ય ‘મા’નાં દર્શન કર્યાં હતાં. આ અનુભવ ઉપરથી તેઓ એવા નિષ્કર્ષ ઉપર આવ્યા કે, માત્ર ઈશ્વર માટેની આતુરતા, માત્ર તાલાવેલી, માત્ર વ્યાકુળતા, જ – અલબત્ત, તે ઉત્કટ હોવી જોઈએ – તમને ઈશ્વરનો સાક્ષાત્કાર કરાવવા માટે પૂરતી છે. તેઓ આને માટે બાળકની પોતાની માતા પાસે જવાની ઈચ્છાનું ઉદાહરણ આપે છે, જ્યારે બાળક રમતથી ધરાઈ જાય છે, ત્યારે તે મા માટે રડવા લાગે છે. તે વખતે તેને (મા સિવાય) બીજું કશું સંતોષી શકતું નથી. બસ, આપણને ઈશ્વર માટે આવા પ્રકારની ઉત્કટ તાલાવેલી લાગવી જોઈએ. જ્યારે તમને લાગે કે, તમે ઈશ્વર વગર જીવી શકો તેમ નથી, ત્યારે તમને ઈશ્વરનો સાક્ષાત્કાર થશે. તેમ તેની કઈ રીતે ખોજ કરો છો, કે ક્યા પંથને અનુસરો છો, તે મહત્ત્વનું નથી; જો તમને ઉત્કટ વ્યાકુળતા હશે, તો તમે સફળ થશો જ.

અહીં આપણે એક અગત્યની હકીકત ધ્યાનમાં રાખવાની છેઃ શ્રીરામકૃષ્ણનો વિવિધ આધ્યાત્મિક પંથો સાથેનો પૂર્ણ પરિચય. તેમણે વિવિધ પંથોને માત્ર સન્માન્યા જ ન હતા, પરંતુ તેમણે તે દરેકને પૂર્ણ રીતે આત્મસાત્ કર્યા હતા. આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે, શ્રીરામકૃષ્ણે ઘણા બધા પંથોનું અનુસરણ કર્યું હતું. તેઓ પોતાને વિષે બહુ વાત કરતા નહીં, તેથી તેમણે પોતે જે જે પંથોનું અનુસરણ કર્યું હતું તે બધાનો ઉલ્લેખ કર્યો નથી. તેમણે માત્ર પોતાની આસપાસના લોકોને સામાન્ય રીતે જેમનો (જે પંથોનો) પરિચય હોય તેમનો જ ઉલ્લેખ કર્યો છે. પરંતુ તેમણે બીજા ઘણા પંથોનું અનુસરણ કર્યું હતું. આમાંથી અમુક તો અત્યંત મુશ્કેલ અને અતિમાનવીય પ્રયત્નો માગી લે તેવા હતા; અમુક ઘણા જોખમી હતા; અમુક તો અનૈતિક કે અસામાજિક લાગે તેવા હતા, અને તેમણે પોતે જ પોતાના અનુયાયીઓને તેમનું અનુસરણ કરવાની મનાઈ કરી હતી. જો કે તેમને તો આવા મેલા (અશુદ્ધ) પંથોનું અનુસરણ કરનારા લોકો પ્રત્યે પણ કરુણા હતી આથી તેવા લોકો પણ શ્રીરામકૃષ્ણના ગુણગાન કરતા, અને તેમને પોતાના ગુરુ કે સહાયક તરીકે સ્વીકારતા. શ્રીરામકૃષ્ણમાં આપણને આ જ મહાનપણું જોવા મળે છે કે, જે લોકોને સમાજમાં તેમના રહસ્યમય પંથો અને અશુદ્ધ આચારોને કારણે હીન નજરે જોવામાં આવતા, તેવા લોકોને પણ શ્રીરામકૃષ્ણમાં તેમની કંઈક પ્રશંસા ક૨વા જેવું, તથા પોતાને માટે ટેકો કે સહાય પ્રાપ્ત કરવા જેવું મળી રહેતું. શ્રીરામકૃષ્ણની અનન્યતા જ આમાં છે કે, તેમનામાં દરેક વ્યક્તિને પોતાનો પૂર્ણતાનો આદર્શ મળી રહે તેમ હતો. ઓછામાં ઓછું, દરેકને તેઓમાં એક બુદ્ધિગમ્ય સહૃદયીનાં દર્શન તો થાય જ છે. તેઓ બધા જ લોકો સાથે તેમના જ સ્તરે વ્યવહાર કરી શકતા. જો કોઈ વ્યક્તિ તેમની પાસે કોઈ ખાસ મુશ્કેલી લઈને જાય, તો શ્રીરામકૃષ્ણ તેને એમ કહેતા કે, “મને પણ એક વખત આ જ પ્રકારની મુશ્કેલી આવી હતી, અને તેના નિવારણ માટે મેં આ રીતે કાર્ય કર્યું હતું.” આમાં ભક્તને તેમના પોતાના અનુભવમાં ભાગીદાર બનાવવાથી ભક્તમાં તુરત જ એક પ્રકારનો આત્મવિશ્વાસ ઉત્પન્ન થતો.

શ્રીરામકૃષ્ણ તો અધમમાં અધમ નાસ્તિક સાથે પણ ભળી જઈ શકતા. તેમણે કદી તેઓ ઉપર જેને ‘અંધવિશ્વાસ’ કહેવાય છે તે લાદવાનો પ્રયત્ન કર્યો ન હતો તેઓ તેમને એટલું જ કહેતા કે, આગળ વધો અને તમારી પોતાની માન્યતાઓને લંબાવીને કે વિસ્તૃત કરતાં જઈને સત્યની ખોજ કરો. તેઓ નાસ્તિકોને ટાળવાનો પણ પ્રયત્ન ન કરતા. બધા જ લોકોને, તેઓ ભલે ગમે તેની ખોજમાં હોય, તેમની પાસેથી પ્રેરણા મળતી, કારણ, તેઓ અનંત કરુણા અને પ્રેરણાના સ્રોત હતા. તેમનામાં એક વિશ્વવ્યાપી પ્રકાશ હતો, જે લોકોને તેમનો પોતાનો પંથ નિહાળવામાં મદદ કરતો. તેમના અસ્તિત્વનું આ વૈશ્વિકપણું જ તેમને અનન્યતા અર્પે છે.

આપણે જોયું કે, શ્રીરામકૃષ્ણે (ઈશ્વરના સાક્ષાત્કાર માટે) સૌથી અગત્યના વ્યવહારુ પગલા તરીકે ઉત્કટ વ્યાકુળતાની જરૂર ઉ૫૨ ભાર મૂક્યો હતો. (આ ઉપરાંત) તેમણે જે બીજા મુદ્દા ઉપર ભાર મૂક્યો હતો તે મુદ્દો હતો – વિધિવિધાનો કે કર્મકાંડોનું બીનજરૂરીપણું. તેમણે પોતે બધા જ પ્રકારનાં કર્મકાંડો આચરી જોયા હતાં. પરંતુ તેમણે કદી પોતાના અનુયાયીઓને તેનો ઉપદેશ કર્યો ન હતો. અલબત્ત, કર્મકાંડો નિરુપયોગી છે, તેમ તેમણે કદી નથી કહ્યું. (વ્યક્તિના) આધ્યાત્મિક જીવનના શરૂઆતના તબક્કાઓ દરમ્યાન કર્મકાંડોનું પોતાનું મૂલ્ય હોઈ શકે છે, પરંતુ માણસે તેમાં જ વળગ્યા રહેવું ન જોઈએ – તેની પેલે પાર જવું જોઈએ, કર્મકાંડો એ કોઈ આદર્શ કે લક્ષ્ય નથી; તે તો માત્ર પ્રાથમિક સાધન જ છે.

બીજા જે એક મુદ્દા ઉપર તેમણે ભાર મૂક્યો હતો, તે મુદ્દો હતો ‘ત્યાગ’નો. તેઓ કહેતા, “ત્યાગ છાડા કિછુ હોબે ના, બાબા” (બેટા, ત્યાગ વિના કશું થશે નહીં) જો કે તેમણે કદી એવો આગ્રહ રાખ્યો ન હતો કે, જેણે ઈશ્વરનો સાક્ષાત્કાર કરવો હોય તેણે સંસારનો ત્યાગ કરવો જ જોઈએ. તેમના મતે તો સંન્યાસીના જીવનની જેમ જ ગૃહસ્થીનું જીવન પણ ઈશ્વર-સાક્ષાત્કાર તરફ લઈ જઈ શકે છે. ‘ત્યાગ’ શબ્દને ‘સંસાર ત્યજી દેવો’ એવા પુરાણા, પરંપરાગત અર્થમાં લેવાની જરૂર નથી. ગૃહસ્થી માટે માનસિક અનાસક્તિ હોય તો તે પૂરતું છે. ગૃહસ્થીઓને તેમનો ઉપદેશ આ છે:

“તમારી (સાંસારિક) બધી ફરજો બજાવો, પરંતુ તમારું મન ઈશ્વરમાં રાખો. બધાં સાથે – પત્ની, બાળકો, માતા, પિતા સાથે રહો અને તેમની સેવા કરો. તેમની સાથે તેઓ જાણે કે તમને અત્યંત પ્રિય હોય તેવો વ્યવહાર કરો, પરંતુ મનમાં તો એમ જ સમજો કે તેઓ તમારા નથી. કોઈ શ્રીમંત વ્યક્તિના ઘરમાં કામ કરતી દાસી ઘરકામને લગતી બધી જ ફરજો બજાવે છે, પરંતુ તેના વિચારો તો તેના ગામમાં આવેલા પોતાના ઘરમાં જ કેન્દ્રિત થયેલા હોય છે. તે પોતાના માલિકનાં બાળકોને જાણે કે તેના પોતાનાં જ બાળકો હોય તે રીતે ઉછેરે છે. તેમને માટે તે ‘મારો રામ’ કે ‘મારો હરિ’ કહીને વાત પણ કરે છે. પરંતુ પોતાના મનમાં તો તે સારી રીતે સમજતી હોય છે કે, તેઓ તેના પોતાના તો નથી જ.

ત્યાગ એ મુખ્યત્વે તો મનની સ્થિતિ છે. જો મન ત્યાગને ન સ્વીકારે, તો તમે સાધુ હો કે ગૃહસ્થી, પણ તમારા બધા જ પ્રયત્નો નકામા છે. પરંતુ જો તમારા હૃદયમાં ત્યાગની તીવ્ર ભાવના હશે, તો તમે ગમે ત્યાં હશો, ગમે તે કરતા હશો, તો પણ તમારું સંપૂર્ણ મન ઈશ્વરને સમર્પી શકશો, તમારી સમગ્ર માનસિક શક્તિઓને ઈશ્વરમાં કેન્દ્રિત કરી શકશો. ત્યારે તમે ચોક્કસ તમારા લક્ષ્યને પહોંચી શકશો, અને તેમાં કોઈ બાહ્ય પ્રવૃત્તિ અડચણરૂપ નહીં બને.

હવે, ઉપસંહાર કરીએ તો, શ્રીરામકૃષ્ણે એ બાબત ઉપર ભાર મૂક્યો હતો કે, દરેક વ્યક્તિ પોતાના પંથને અનુસરીને, તે દ્વારા જ, લક્ષ્યની પ્રાપ્તિ કરી શકે છે. (તેથી) કયો પથ શ્રેષ્ઠ છે તે વિષે આપણે ઝઘડો કરવાનો કોઈ અર્થ નથી. દરેક વ્યક્તિને પોતાને જે પથ સૌથી સારો અનુકૂળ લાગે તે પથનું તેને અનુસરણ કરવા દઈએ. દરેક વ્યક્તિએ એક જ પથનું અનુસરણ કરવું જોઈએ તેવો કોઈ નિયમ નથી. ખરેખર તો ઈશ્વર માટેની વ્યાકુળતા અને સાચી ત્યાગ-ભાવના જ મહત્ત્વની છે. આ ઉપરાંત (વ્યક્તિને) અન્ય લોકોનાં મંતવ્યો અને પદ્ધતિઓ માટે માન હોવું જોઈએ.

આપણે આશા રાખીએ અને પ્રાર્થીએ કે, શ્રીરામકૃષ્ણનો ઉપદેશ આપણને દૃષ્ટિનું ઊંડાણ, દરેક વ્યક્તિ પ્રત્યે અને દરેક પથની પદ્ધતિ પ્રત્યે સહાનુભૂતિ અને સન્માનની ભાવના અર્પે, તથા અંતિમ સત્યની પ્રાપ્તિ માટે ઉત્કટ ઈચ્છા અર્પે. અત્યારે વિશ્વ જે ઉગ્ર નૈતિક કટોકટીનો સામનો કરી રહ્યો છે તેનો ઉકેલ પણ જો તે તેમના (શ્રીરામકૃષ્ણના) ઉપદેશ અને ઉદાહરણનું અનુસરણ કરે તો આવી શકે છે. તેમના આશીર્વાદ આપણા જીવનને વધારે ઉમદા, વધારે વિશુદ્ધ, વધારે કરુણામય બનાવે, અને આપણને આપણે જે અંતિમ ધ્યેયની ખોજ કરી રહ્યા છીએ તેની વધારે નજીક પહોંચાડે.

ભાષાંતર: શ્રી દેવેન્દ્ર ભટ્ટ

(‘પ્રબુદ્ધ ભારત’ ડિસેમ્બર ૧૯૮૬માંથી સાભાર)

Total Views: 97

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.