છેવટે એ શુભ ઘડી આવી ઉપસ્થિત થઈ. ૧ મે, ૧૮૯૭ના રોજ શ્રીરામકૃષ્ણદેવના એકનિષ્ઠ ભક્ત બલરામ બસુના ઘરે સ્વામી વિવેકાનંદે શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ અને સંન્યાસી ભક્તોની સભાનું આયોજન કર્યું. એ દિવસનું વર્ણન કરતાં ગંભીરાનંદજી લખે છે:

એ દિવસે બપોરે ત્રણ વાગ્યા પછી અનેક ભક્તો આ મકાનના બીજા માળે ભેગા થયા. બધા બેસી ગયા પછી સ્વામીજીએ બોલવાનું શરૂ કર્યું—‘જુદા જુદા દેશોમાં ફર્યા પછી હું એવી માન્યતા પર આવ્યો છું કે સંઘ વગર કોઈ મહાન કાર્ય થઈ શકતું નથી. પરંતુ આપણા જેવા દેશમાં શરૂઆતથી જ લોકશાહી પ્રમાણે સંગઠન રચવું કે (મતદાન દ્વારા) જનમત મેળવીને કાર્ય કરવું વિશેષ સહેલું બને એવું જણાતું નથી.

‘એ બધા (પશ્ચિમના) દેશોનાં સ્ત્રી-પુરુષો વધારે શિક્ષિત છે અને આપણા જેવાં ઈર્ષાળુ નથી. તેઓએ ગુણોને આદર આપવાનું શીખી લીધું છે. જુઓને! હું તો એક સામાન્ય મનુષ્ય છું તો પણ એ લોકોએ મારો કેટલો આદર-સત્કાર કર્યો! આ દેશમાં પણ શિક્ષણના પ્રસારની સાથે સાથે જ્યારે સામાન્ય લોકો પણ સહૃદયી બની જશે, જ્યારે પોતાની માન્યતાઓની બહાર જઈને પણ પોતાના વિચારોનો વિસ્તાર કરવાનું શીખશે, ત્યારે લોકશાહી પદ્ધતિથી સંઘને ચલાવી શકાશે. આ કારણને લઈને આ સંઘ માટે એક સરમુખત્યાર અથવા તો મુખ્ય સંચાલક હોવો જોઈએ. બધાંએ તેના આદેશ પ્રમાણે વર્તવાનું રહેશે.’

‘અમે લોકો જેમના નામ પર સંન્યાસી થયા છીએ, આપ બધા જેમને પોતાના જીવનનો આદર્શ માનીને ગૃહસ્થાશ્રમરૂપ કર્મક્ષેત્રમાં રહેલા છો અને જેમના દેહાવસાનના બાર વર્ષની અંદર જ પૂર્વ અને પશ્ચિમના જગતમાં જેમનાં પવિત્ર નામ અને અદ્‌ભુુત જીવનનો આશ્ચર્યકારક રીતે પ્રસાર થયો છે, એમના નામ પર આ સંઘ સ્થપાશે. અમે બધા પ્રભુના દાસ છીએ. આપ લોકો આ કાર્યમાં સહાયક બનો.’

ત્યાં હાજર રહેલા ગિરીશચંદ્ર ઘોષ અને અન્ય લોકોએ આ પ્રસ્તાવને અનુમોદન આપ્યું અને રામકૃષ્ણ સંઘની સ્થાપનાનો નિર્ણય સ્વીકારવામાં આવ્યો. એ પછી ૫મી મેએ ભરાયેલી દ્વિતીય સભામાં આ વિશેની કાર્યપદ્ધતિ ઉપર ચર્ચા-વિચારણા થઈ અને તેનો પણ સ્વીકાર કરવામાં આવ્યો. તેનું નામ આપ્યું ‘રામકૃષ્ણ પ્રચાર સમિતિ’ અથવા તો ‘રામકૃષ્ણ મિશન એસોસિએશન’. 

તે સમયે નક્કી કરવામાં આવેલી કાર્યપદ્ધતિ આ પ્રમાણે હતી:

ઉદ્દેશ્ય: મનુષ્યમાત્રના કલ્યાણ માટે શ્રીરામકૃષ્ણે જે સત્યોનો ઉપદેશ આપ્યો અને પોતાના જીવન વ્યવહાર દ્વારા એનું પ્રત્યક્ષ આચરણ કરી બતાવ્યું, એ સત્યનો ઉપદેશ કરવો અને એ સત્ય મનુષ્યના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ઉન્નતિ માટે કઈ રીતે સહાયક બને એ માટે પ્રચાર કરવો એ આ સંઘ (મિશન)નો ઉદ્દેશ રહેશે.

કાર્ય(વ્રત): વિશ્વના બધા ધર્મો એ એક જ અખંડિત સનાતન ધર્મનાં ભિન્ન ભિન્ન સ્વરૂપો છે, એવું જાણીને એ બધા ધર્મોના અનુયાયીઓ વચ્ચે આત્મીયતા સ્થાપવાના શ્રીરામકૃષ્ણે શરૂ કરેલા કાર્યને વેગ આપવાનું આ સંઘનું કાર્ય હશે.

કાર્યપદ્ધતિ: લોકોના ભૌતિક અને આધ્યાત્મિક કલ્યાણ માટે વિદ્યા આપી શકે તે માટે લોકોને શિક્ષણ આપવું. કળા અને ઉદ્યોગોને ઉત્તેજન આપી આગળ વધારવા, શ્રીરામકૃષ્ણના જીવન દ્વારા વ્યક્ત થયેલા વેદાંત અને અન્ય ધર્મોના વિચારોનો સમાજમાં પ્રચાર કરવો.

ભારતમાં કાર્ય: ભારતના દરેક શહેરમાં આશ્રમોની સ્થાપના કરવી. તેમાં સંન્યાસીઓ અને ગૃહસ્થોને કેળવણી આપવાના કાર્યમાં જીવન સમર્પણ કરનાર ગૃહસ્થીઓને તાલીમ આપવી કે જેથી તેઓ દૂરસુદૂર જઈને લોકોને શિક્ષણ આપી શકે.

વિદેશોમાં કાર્ય: ભારતની બહાર દીક્ષિતોને મોકલવા. એ દેશોમાં સ્થાપેલા આશ્રમો તથા ભારતીય આશ્રમો વચ્ચે ઘનિષ્ઠતા અને પરસ્પર સમજણ વધારવાં તેમજ સાથે સાથે નવા આશ્રમોની સ્થાપના પણ કરવી.

સ્વામીજી પોતે જ આ પ્રચાર સમિતિના મુખ્ય અધ્યક્ષ બન્યા. સ્વામી બ્રહ્માનંદ અને સ્વામી યોગાનંદ કોલકાતા કેન્દ્રના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બન્યા. શરદચંદ્ર ચક્રવર્તીને શાસ્ત્રોનું વાચન કરવા માટે નિયુક્ત કરવામાં આવ્યા. સાથે સાથે એ નિયમ પણ બનાવવામાં આવ્યો કે દર રવિવારે સાંજે ચાર વાગે બલરામબાબુના એ જ  ૫૭ નં. રમાકાંત વસુ સ્ટ્રીટના મકાનમાં સમિતિની બેઠક યોજવી.

 સ્વામીજી જ્યારે પણ કોલકાતામાં હોય ત્યારે આ બેઠકમાં ભાગ લેતા. ઉપદેશ આપીને તેમજ પોતાના મધુર કંઠે ભજન સંભળાવીને તેઓ શ્રોતાઓને મુગ્ધ કરી દેતા હતા. 

એ પછી ઘણા સમય બાદ ઈ. ૧૯૦૯ના એપ્રિલમાં (૧૮૬૦ ઈ.એકટ ૨૧ પ્રમાણે) કાયદાકીય રીતે ‘રામકૃષ્ણ મિશન’ના નામે ‘રજીસ્ટ્રેશન’ કરાવીને તેને પુનર્જીવન અને સ્થાયીત્વ આપવામાં આવ્યું. (યુગનાયક, 2.277-81)

Total Views: 1,056

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.