(શ્રી પન્નાબહેન પંડ્યા રામકૃષ્ણ મિશનની ભાવધારાને વરેલ નિવૃત્ત શિક્ષિકા અને રાજ્ય તથા રાષ્ટ્રિય કક્ષાનાં ‘શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ’ વિજેતા છે. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની યુવા-પ્રેરણા પ્રવૃત્તિઓમાં તેઓ ઉત્સાહપૂર્વક યોગદાન આપે છે. તેઓના માર્ગદર્શન હેઠળ સેંકડો વિદ્યાર્થીઓ આશ્રમની મુલાકાત લે છે અને સ્વામી વિવેકાનંદના ઉપદેશો આત્મસાત્‌ કરે છે. -સં.)

સ્વામી વિવેકાનંદજીનું એક સ્વપ્ન હતું કે બાળકો ઉત્તમ ચારિત્ર્યવાન બને અને રાષ્ટ્રનિર્માણમાં પોતાનું યોગદાન આપે.

આજનાં બાળકો પાસે માહિતીનો ખજાનો છે, પણ મૂલ્યો નહીંવત્‌ છે. બાળકો ધીરે ધીરે આપણો આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસો ગુમાવી રહ્યાં છે, તેનાં મુખ્ય કારણો છે—આજનું ભણતર, માતાપિતાની વ્યસ્તતા અને સોશિયલ માધ્યમોની અસર. આ ઉપરાંત, બાળકોને સફળતાનું મશીન બનાવવાની હોડમાં બાળકોનું બાળપણ અને નિર્દોષતા ખોવાઈ ગયાં છે.

ખરેખર તો બાળકોનો વિકાસ બુદ્ધિ, હૃદય અને પુરુષાર્થ—ત્રણેયના સમન્વય દ્વારા અને સંસ્કારિતાના શાશ્વત મૂલ્યોના આચરણથી સાધવાનો છે. કારણ કે, મૂલ્યો જ જીવન જીવવાની કળા છે, એક એવી life-skills છે, જે બાળકને જીવનના ઝંઝાવાતો સામે અડીખમ ઊભો રાખી શકે છે, તેને એક સફળ વ્યક્તિ બનાવીને સમાજમાં પ્રસ્થાપિત કરી શકે છે.

આજે ચારિત્ર્યની ઊણપ આખા દેશમાં જણાય છે, ત્યારે સ્વામીજીના Man-Making અને Character Building Educationનાં સૂત્રોની ખાસ જરૂર જણાય છે. ચારિત્ર્ય-નિર્માણ દ્વારા રાષ્ટ્રનિર્માણ કરવાનું છે. ડો. રાધાકૃષ્ણને કહ્યું હતું કે, માત્ર ઈંટો દ્વારા રાષ્ટ્રનિર્માણ નહીં થાય, પરંતુ ચારિત્ર્ય-નિર્માણ જ રાષ્ટ્રનિર્માણની ગુરુચાવી છે.

સ્વામીજી બહુ દૃઢપણે માનતા કે, “Neither money pays, nor name pays, nor fame, nor learning; it is CHARACTER that cleave through adamantine walls of difficulties.”

આવા ઉમદા હેતુથી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા વર્ષ દરમ્યાન વિવેકાનંદ સંસ્કાર શિબિર, મા સારદા સંસ્કાર શિબિર, મૂલ્ય-શિક્ષણ શિબિર, નિવાસી શિબિર તથા અનેકવિધ સેમિનારો યોજવામાં આવે છે.

તેમાં પ્રાથમિકથી માંડીને કોલેજ સુધીના અસંખ્ય વિદ્યાર્થીઓ લાભ લે છે, અને આ બધી શિબિરો દ્વારા તેમનામાં ઉદાત્ત મૂલ્યો, ઉચ્ચ જીવનના આદર્શો, ત્યાગની મહત્તા, પુરુષાર્થનું ગૌરવ, પ્રામાણિકતાનું મહત્ત્વ, ઈશ્વરમાં શ્રદ્ધા, આત્મશ્રદ્ધા, સત્યપ્રિયતા, નિર્ભયતા જેવાં શાશ્વત મૂલ્યોનું સિંચન કરવામાં આવે છે, અને આ રીતે રાષ્ટ્ર-નિર્માણના ભગીરથ કાર્યમાં આહુતિ અપાય છે.

કહેવત છે કે, “Sow a thought and you reap an action; sow an act and you reap a habit; sow a habit and you reap a character; sow a character and you reap a destiny.”

સ્વામીજીને યુવાનોમાં અત્યંત શ્રદ્ધા હતી. તેઓ કહેતા કે, ‘મારા કાર્યકર્તાઓ યુવા-વર્ગમાંથી જ આવશે અને સિંહની માફક બધી સમસ્યાઓ પર વિજય મેળવશે.’

એટલે ખાસ, આવી શિબિરોમાં યુવાઓ માટે  વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ દ્વારા જીવનની સાચી દિશા બતાવી,  તેમના સ્વ-વિકાસની અને ભાગ્યને ઘડવાની ગુરુચાવી બતાવવામાં આવે છે.

અહીં યુવાનોને કઠોપનિષદના સ્વામીજીના વહાલા નચિકેતાની જેમ શ્રેય અને પ્રેયનો ભેદ સમજાવી, નચિકેતા જેવા બનવાની પ્રેરણા આપવામાં આવે છે. તેથી આજનો યુવાન સાંપ્રત સમસ્યાઓ—ભ્રષ્ટાચાર, લાંચ-રુશ્વત વગેરે પ્રલોભનોને શરણે ન થાય અને ચારિત્ર્યવાન બને, અડીખમ ઊભો રહે અને પોતાની જાત માટે ગૌરવ અનુભવે, તેમજ પોતાનાં માતા-પિતા તથા સમાજ માટે પણ ગૌરવરૂપ બની રહે.

વળી, દેશને જેના માટે અભિમાન થાય, એવો નવયુવક બને. સ્વામીજીએ કહ્યું હતું તેમ આવા (નચિકેતા જેવા) ૧૦૦ યુવકો મળે તો દેશની કાયાપલટ થઈ શકે, એ નિશ્ચિત છે.

આજની યુવા પેઢી ખૂબ ઊંચો IQ (Intelligence Quotient) ધરાવે છે, પરંતુ જાે એમની પાસે SQ એટલે કે Spiritual Quotient અને EQ એટલે કે Emotional Quotient આ ત્રણેય બરાબર હશે, તો જ તે એક Balanced  વ્યક્તિ બની શકે. આમ, માત્ર  Headની નહીં, પણ Heartની કેળવણી પણ એટલી જ આવશ્યક છે.

ભગવાન શ્રીરામકૃષ્ણદેવ કહેતા કે, ‘જીવીએ ત્યાં સુધી શીખીએ’ એટલે શિક્ષણ એ એક નિરંતર ચાલતી પ્રક્રિયા છે.

સ્વામીજીનું સ્વપ્ન હતું કે જે આદર્શો શ્રીરામકૃષ્ણદેવ તથા મા શારદાદેવીના જીવનમાં મૂર્તિમંત થયા હતા, તે આદર્શોને તેમના જ જીવનની ઘટના, પ્રસંગો અને વાર્તાઓ દ્વારા શીખવવામાં આવે. ચારિત્ર્યની આ કેળવણી ઘર ઘર સુધી પહોંચે અને સ્વામીજીના સપનાનું ભારત બને, એવા જ પ્રયત્નો આ બધી મૂલ્યલક્ષી પ્રવૃત્તિઓ દ્વારા કરવામાં આવે છે અને રાષ્ટ્રનિર્માણના ભગીરથ કાર્યમાં યથાયોગ્ય આહુતિ આપવામાં આવે છે.

Total Views: 546

One Comment

  1. Kamlesh Nakrani November 12, 2022 at 10:20 am - Reply

    વિવેકાનંદ સંસ્કાર શિબિર, મા સારદા સંસ્કાર શિબિર, મૂલ્ય-શિક્ષણ શિબિર, નિવાસી શિબિર તથા અનેકવિધ સેમિનારોની માહિતી અમોને વોટ્સએપ દ્વારા મળે, તો તેનો લાભ લઈ શકાય.

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.